યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/બારમું

From Ekatra Wiki
Revision as of 03:30, 9 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નવ
બારમું

વેજિટેબલ ઘીમાં કશુંક તળાવાની સુગંધ આવી. જેરામભૈએ એ તરફ જોયું. મસમોટી કઢાઈમાં ખદબદ ખદબદ થતા ખાસ્સાબધા ઘીમાં, લાડવા બનાવવા માટેનાં મોટાં મોટાં મૂઠિયાં તળાતાં હતાં. ‘છેલ્લે ક્યારે લાડવા ખાધેલા?' જેરામભૈએ યાદ કર્યું. ‘આ નહિ ને એની આગલી ઉતરાણે.’ એ લાડવાનો સ્વાદ પણ છેક જીભ સુધી યાદ આવ્યો. વિજયાએ એ લાડવા આમ મૂઠિયાં તળીને નહોતા બનાવ્યા. પણ જાડા જાડા રોટલા હથેળીઓ વચ્ચે ઘડીને પછી માટીના કલાડામાં એકદમ ધીમા તાપે શેકેલા, રતાશ પડતો બદામી રંગ થાય ત્યાં સુધી. આમ કડક ને આમ પોચા. ઠંડા થયા પછી એને ખાંયણીમાં ઝીણું ખાંડેલાં ને પછી એમાં ઝીણો કાતરીને રાખેલો બરફી જેવો ગૉળ ને ગરમ ગરમ મઘમઘતું દેશી ચોખ્ખું ઘી ઉમેરેલાં. પછી છીણેલું ટોપરું ને દ્રાક્ષ પણ ઉમેરીને ચૂરમું ચોળેલું ને પછી કાચની બંગડીઓના આછા રણકાર સાથે, ગોરી ગોરી હથેળીઓની વચ્ચે લાડવો જાણે બુચકારા બોલાવતો ગોળમટોળ થતો જતો. પછી એક થાળીમાં રાખેલી ખસખસમાં રગદોળાતો ને પછી કથરોટમાં ગોઠવાતો... એના જેવી મીઠાશ આ મૂઠિયાં તળીને લાડવા કરીએ એમાં ન આવે. જેરામભૈનાં મોંમાં પાણી આવ્યું. ‘હજી થોડી વાર રહેવા દે' ઘાણ ઉતારતા રસોઇયાને જેરામભૈએ સૂચના આપી, ‘હજી ઘેરો બદામી રંગ થાય એ પછી ઉતાર.’ જેરામભૈના સાળાનું આજે બારમું. રસોઈમાં જેરામભૈને સારી સમજ પડે અને રસોઇયો ન આવ્યો હોય ને તાકડે સોએક માણસની રસોઈ કરવી હોય તોય એ પાછા ન પડે. તે રસોઈની દેખરેખનું કામ જેરામભૈને સોંપાયેલું. અંગૂઠા વડે હથેળીમાં બરાબર મસળેલી તમાકુ જેરામભૈએ નીચલો હોઠ સહેજ આગળ ખેંચીને મોંમાં ગોઠવી. બીજા ઘાણ રસોઇયો કેવા ઉતારે છે એ જોવાનુંય ચૂકાઈ ગયું. નસેનસમાં તમાકુનો નશો વહેવા લાગ્યો. મગજમાંથી જાણે ઝરણાં ફૂટી ફૂટીને ઊછળતાં-કૂદતાં વહેવા લાગે એમ વિચારોય વહેવા લાગ્યા: નક્કી મા પંચકમાં ગઈ હશે. માના ગયે માંડ પાંચેક મહિના થયા હશે ત્યાં સસરાને તેડું આવ્યું. એમની પાછળ ને પાછળ સસરાનું ધ્યાન રાખવા સાસુય ગયાં. એ પછી પિત્રાઈ ભાઈ ને હવે આ સાલો સાળો. તે શોક પાળવાનો... કંઈ ગળ્યું ખાધે માળું હાળું બાર મહિના ઉપર થઈ ગયું. વિજયાને કંઈક ગળ્યું બનાવવાનું કહીએ કે એ તાડૂકે – ‘ખબર નથી શોક સ? વરસીય હજી વાળી નથી નં આવા ઉલાળા શના થાય સ?' સાસુ-સસરાના બારમા વખતેય લાડવા આડે વિજયા જ આવેલી. ‘માનો શોક સ તે તમારા ભૈ ગળ્યું નીં ખાય.' તે પતરાળીમાં ખાલી દાળ-ભાત-શાક જ આવેલાં. હા, માના બારમા વખતે લાડુ ભાણામાં પીરસાયેલા. પણ જેરામભૈના ગળે ડૂમો બાઝી ગયેલો. ‘લાડુ પાછા લઈ લો...' કહેતાં કહેતાં તો એમના અવાજમાંય જાણે આંસુઓ ઊભરાયેલાં. ‘મારા કંઠેથી કૉળિયો નહિ ઊતરે.' કોઈ બોલ્યુંય હતું, ‘તું લાડું નંઈ ખાય તો પસઅ્ ડોશી પૉમશી શી'તી?' પોતાના માટે મા કેવી હોંશે હોંશે લાડુ બનાવતી એ યાદ આવતાં જ જેરામભૈએ રોકી રાખેલું ડૂસકું ભીંત ફાડીને ઊમટી આવેલું. એ પછી એમણે થોડાક દાળભાત માંડ માંડ પેટમાં નાખેલા. કૉળિયો મોંમાં આમથી તેમ ફર્યા જ કરતો. ઝટ ઊતરતો નહોતો. પણ એ ઘટના પછી, શોક હોવા છતાંય, ઘણીય વાર જેરામભૈને ગળ્યું ખાવાનું મન થઈ આવતું, પણ વિજયા કહેતી – ‘શોકનો હાલ્લોય મીં હજી બદલ્યો નથી તે ગળ્યું નોં કરાય.' ‘પણ આપણે ક્યાં કોઈને જમવા તેડવું છે! ઘ૨માં જ રાંધીને ખાવું છે ને.’ ‘પણ પડોશમાંથી કોઈ તાકડઅ્ મેળવણ લેવા આઈ ચડ્યું નં મનં લાડવા કરતી જુઅ તો ગોંમ આખામોં ફજેતી તો મારી જ થાય નં... ઘરમોં કશું નીં બનઅ્. બહુ મન થાય તો કંદોઈની દુકૉને જઈનં ખઈ આવજો, જૉવ.' પણ એમ કંદોઈની દુકાને જઈને ખાતાં તો જેરામભૈનેય ‘ફજેતી’નો વિચાર આવી જતો. વળી ગામમાં એમની છાપ એવી કે એ બહારનું કંઈ ખાતા નથી. હા, શહેરમાં જાય ત્યારે ક્યારેક છાનુંછપનું બહારનું ટેસ્ટ કરી લે. ‘હમણાંથી સાલું શહેરમાં જવાનુંય નથી થતું...' જેરામભૈએ નિઃશ્વાસ છોડ્યો. જેરામભૈના મોંમાં હવે તમાકુ બરાબર જામી હતી. આ શોક કોણે બનાવ્યો હશે? છીંદરી પહેરવાની ને ચાંલ્લો નહિ કરવાનો ને ઘરેણાં નહીં પૅરવાનાં ને પાલવનાં છેડાથી આંખ-નાક સાફ કરતાં કરતાં – શું થયું 'તું ને કેટલા દિવસ માંદા રહ્યા ને કેટલું રિબાયા ને છેલ્લે શું ખાધું ને છેલ્લે શું પીધું ને છેલ્લે શું કીધું ને – બધીયે ટૅપ વારંવાર વગાડવાની. કોઈ કારણસર અંદરથી હસવું આવતું હોય એને રોકી રાખીને પરાણે ગંભી૨-૨ડમસ મોં રાખવાનું ને પિંડ વહે૨વા કે શ્રાદ્ધમાં ભેળવવા જેવા પ્રસંગોએ પાછું રડવાનું ને ઘણાં બૈરાં તો કહે પણ ખરાં – ‘આ પ્રસંગેય ન રડીએ તો કેવાં લાગીએ?’ ને બીજીને કાનમાં કહે, ‘ઓંહું નોં આવઅ્ તો કોંય નંઈ. ઘૂમટો જરી વધારે ખેંચીનં દૂંટીમોંથી ઓંમ અવાજ કાઢવાનો નં જોંણે હીબકાં ભરતાં હોઈએ ઈંમ શ્વાસ લેવાનો.' ‘હટ્... હટ્.. નીકળ...’ રસોઇયાનો અવાજ સાંભળીને જેરામભૈએ જોયું તો એક કાળિયું કૂતરું રસોઇયાની સોટી ખાઈને, એક ટાંટિયો ઊંચો રાખીને ‘વૉય, વૉય’ કરતું નાસતું હતું. એના મોંમાં લાડુ-બાડુ કે કશુંય હતું નહીં. પણ એનાં નસકોરાંમાં ચોખ્ખા ઘીના લાડવાની સોડમ જરૂર હતી. રસોઇયો અને એનો મદદનીશ ફટાફટ નાના નાના લાડવા વાળતા હતા. ને મોટા કથરોટમાં દડાની જેમ ફેંકતા હતા તે એક લાડવો કથરોટમાંથી ઊછળીને નીચે પછડાયો, ધૂળવાળો થયો ને આકાર પણ બદલાયો. રસોઇયાએ એ લાડવો લઈ વળી બેય હથેળીઓમાં ફરી સરખો ગોળ કરીને કથરોટમાં ગોઠવી દીધો. જેરામભૈનું ધ્યાન તો નથી ને એ જોવા એણે નજર ફેરવી તો જેરામભૈ એ લાડવાને ટીકી ટીકીને જોઈ રહેલા ને હસતાં હસતાં બોલ્યા – ‘એ લાડવામાં કોકને કચ૨ કચ૨ નહિ થાય?' રસોઇયાએ એ લાડવો કથરોટમાંથી લઈ એક ગોખલામાં આઘો મૂકો. જેરામભૈને થયું, સોટી ખાઈને નાસી ગયેલું પેલું કૂતરું અત્યારે હાજર હોત તો બિચારું ‘પૉમત’. લાડવાનું કામ પૂરું થતાં કથરોટ પર પતરાળાં ઢાંકીને રસોઇયો એના મદદનીશને શાક સંભાળવાનું કહીને ફૂલવડીની તૈયારી કરવા લાગ્યો. જેરામભૈને થયું. આ રસોઇયોય ખરો છે મારો બેટો! કહેતોય નથી કે લો, જેરામભૈ, આ કટકો લાડુ ચાખજો, બરાબર થયો છે ને? એ ન કહે તો કંઈ નહીં, પોતે જઈને ચાખે તોય શું વાંધો? દેખરેખનું કામ તો સોંપાયું જ છે ને? જેરામભૈ ઊભા થઈને રસોઇયા ભણી જવા લાગ્યા ત્યાં જ પાછળથી અવાજ આવ્યો – ‘રસોઈનું કામ કેટલે પહોંચ્યું?’ જોયું તો નાનો સાળો આવી રહ્યો હતો. ‘જુઓ, ભગવોંનનં થાળ નોં ધરાઈએ ત્યોં હુદી એઠુંજૂઠું હાચવજો. હમજ્યા ક નં?' ‘આપડોંનું કોઈ વાતે કૅ'વું નોં પડઅ્. સાહેબ.' ‘અનં હા, મોટાભૈના આ બારમામોં ઈંમનાથી મોટી ઉંમરના લોકો ભૉણામોં લાડવો નીં લે. તે એ લોકો માટઅ્ ખાસ થોડી પૂરીઓય તળી દેજો. અનં જેરામભૈ, ગલ્લે ગ્યો 'તો. તે તમારા માટઅ્ આ ‘માવો' લેતો આયો છું.' પ્લાસ્ટિકના કાગળમાં બાંધેલી, સોપારી જેવડી ‘માવા’ની પોટકી આપીને નાનો સાળો ચાલ્યો ગયો. જેરામભૈને યાદ આવ્યું – પોતે સાળા કરતાં છ મહિના મોટા. તે માળુંહાળું લાડવા નીં ખવાય. તેઓ અસ્પષ્ટ બબડ્યા, ‘હશે, મરશે; જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું...’ પહેલી પંગત ગોઠવાઈ. લાડુ પીરસવાનુંય જેરામભૈના ભાગે આવ્યું. લાડુ ભરેલા થાળને એ એવી નજરથી જોતા જાણે હાથને બદલે નજર લંબાવીને આખેઆખો લાડવો ઉઠાવીને આંખમાં આરોગતા ન હોય! લાડુ પીરસતાં પીરસતાંય વિચાર આવી ગયો – લગ્ન કે જનોઈ જેવો પ્રસંગ હોય તો કેવું સારું! પીરસતાં પીરસતાં આપણે આગ્રહ કરીને એક ટુકડો કોઈના મોંમાં મૂકીએ કે એ પણ એકાદ ટુકડો લઈને આપણાય મોંમાં મૂકે. પણ આ તો સાલાનું બારમું! વળી રસોડામાં જઈને લાડવા ભરેલી બીજી થાળી લઈને જેરામભૈ આવતા હતા ને પેલું કાળું કૂતરુંય એમની પાછળ પાછળ જવા લાગ્યું એ જોઈ કોઈએ ‘હટ્' કર્યું. પણ જેરામભૈએ એક લાડવો કૂતરાને આપ્યો ને મોંમાં લાડવો લઈને એ થોડેક દૂર જઈને પછી નિરાંતે આરોગવા લાગ્યું. બે પંગત પછી ખાલી ઘરનાં જ જમવામાં બાકી રહેલા. બારમાનું ખાવા હવે લોકો ખાસ જતા નથી. વળી નાતના ઘણા લોકો નોકરી-ધંધાર્થે બહારગામ હોવાથી ગામમાં ઘણાં ઘર તો હંમેશાં બંધ જ રહેતાં હોય. આથી જ તો બારમાની ‘નાત' જમાડવાનું નક્કી થયેલું. પીરસવાનું કામ પતી ગયા પછી હાથ ધોવા માટે જેરામભૈએ ટાંકીની ચકલી ચાલુ કરી. ‘હથેળી કેવી ઘી ઘી થઈ ગઈ છે!' હાથ ધોયા પછીય એમણે હથેળી સૂંઘી. ‘હજીય ચોખ્ખા ઘીની સોડમ આવે છે ને! હથેળીમાંથી ચીકાશ પણ ગઈ નથી... અહીં એકાદ સાબુનો ટુકડોય રાખવો જોઈએ.' જમવા બેઠા ત્યારે જેરામભૈને થયું, પીરસનારાઓમાંથી ક્યાં કોઈને ખબર છે કે પોતે સાળા કરતાં છ મહિના મોટા છે! પણ વિજયા શી ખબર ક્યાંયથીય આવી ચઢી ને બોલી – ‘એમના ભાણામાં લાડવા ના મૂકશો. એ તો મોટાભૈ કરતાં છ મહિને મોટા.’ વળી વિજયા કોકને સૂચનાઓ આપવા લાગી – ‘હવે વાડીએથી બધી ચીજો ઘરે પહોંચાડવાનું શરૂ કરી દો. વધે એ લાડવા ઘરે પહોંચતા કરજો. કેટલાંકના ઘરે ઢાંકવા જોઈશે. બાકીનું જે વધ્યું હોય એ ભિખારીઓને દઈ દેજો.' છેવટે બધું આટોપાઈ ગયા પછી વિજયાએ જેરામભૈને કહ્યું, ‘તમે જરા રસોડામાં આંટો મારી આવજો. કંઈ રૅ'તું કરતું નથી ને?' જેરામભૈ ગયા ને જોયું તો – ભેંકાર! દાળ-શાકની વાસ સિવાય કશું જ નહોતું. ચોખ્ખા ઘીના લાડુની તો સોડમ પણ નહોતી. પણ ત્યાં જ એમનું ધ્યાન ગયું . રેતીવાળો થયેલો ને રસોઇયાએ જુદો કાઢીને મૂકેલો પેલો લાડવો હજી ત્યાં ને ત્યાં જ! જેરામભૈએ આજુબાજુ જોયું તો કાળું ચકલુંયે નહોતું. વાંસની જેમ વિચા૨ ફૂટ્યો – ‘થોડું કચર કચ૨ થશે એ જ ને?’ લાડુ હાથમાં લેવાઈ ગયો. ને આંગળીઓ વચ્ચે નાનકડો લાડુ આમતેમ ગોળ ગોળ ફરવા લાગ્યો. આંગળીઓનાં ટેરવાંય જાણે લાડુ આરોગતાં હતાં. ટેરવાંનેય જાણે થોડું ‘કચર કચર' અનુભવાયું. વિચાર ઝબકો – ‘ધૂળ ચોંટી હશે તો ખાલી બહારની સપાટી ૫૨ જ. અંદરના ભાગમાં કચર-કચર નહિ થાય.’ આંગળીઓએ લાડવો ભાંગ્યો. વળી આજુબાજુ જોવાઈ ગયું. સામેથી પેલું કાળિયું કૂતરું પૂંછડી હલાવતું આવતું હતું. એ છેક નજીક આવ્યું. હવે એ વધારે ઝડપથી પૂંછડી હલાવવા લાગ્યું. એના કપાળમાં ઊભું સફેદ ટીલું હતું. જેરામભૈની આંખોમાં આંખો પરોવીને એ આજીજી કરતું હતું. ત્યાં જ જેરામભૈને પોતાના ભણી આગળ વધી રહેલો પડછાયો દેખાયો. સામે જોયું તો સફેદ સાડી પહેરેલો કોક ઓળો આવતો હોય એવું લાગ્યું. એ ઓળાની પાછળ બારણામાંથી આવતા ઝાંખા અજવાળાના કારણે ચહેરો-મહોરો દેખાતો નહોતો પણ એ આકૃતિ વિજયાની હોય એવું લાગ્યું. ઉતાવળે હાલતો ડાબો હાથ દેખાતો હતો. એ આકૃતિ થોડી નજીક આવી. ચહેરો કળાયો તો સાક્ષાત્ વિજયા! થોડી ક્ષણમાં તો એ છેક નજીક આવી ગઈ. એનો જમણો હાથ પાલવ નીચે છુપાયેલો હતો. એણે હળવેથી પાલવ હઠાવ્યો તો સાક્ષાત્ લાડુ!