યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/‘આસ્થા’ વિશે :
વીનેશ અંતાણી
‘આસ્થા’ વાર્તા વિશે તેના લેખક યોગેશ જોષી કહે છે: “દલિત વાર્તાઓમાંની મોટા ભાગની વાર્તાઓ શોષણ અને અત્યાચાર અંગેની છે. આના સામે છેડે જઈને કશુંક કરવાનો વિચાર જન્મ્યો. નાયિકા જન્મે દલિત હોય, પણ દલિતપણાની એને કશીયે જાણ કે અનુભવ ન હોય એવું કોઈ ચરિત્ર ઘડવું. પોતાના વડવાઓ પર, જ્ઞાતિજનો પર થયેલા અત્યાચારની તથા દલિતપણાની જાણ થયા બાદ તેના ચિત્તમાં જે સંવેદનાનાં સંકુલ વમળો ઊઠે, જે ઘમસાણ ચાલે તે દર્શાવવાનો પ્રયત્ન કરવો અને નાયિકા એમાંથી બહાર આવવા, ખાલી થવા મથે ત્યાં વાર્તા પૂરી કરવી. આમાંથી ‘આસ્થા' વાર્તા સરજાઈ.” ‘સામે છેડે જઈને કશુંક' કરવાના વિચારમાંથી જે ચરિત્ર ઘડાયું તે ‘આસ્થા' વાર્તાની નાયિકા આસ્થા – આસ્થામૅમ. એક ઑફિસમાં ઉચ્ચ હોદ્દો ધરાવતી આસ્થાના છટાદાર રૂપ અને વ્યક્તિત્વના વર્ણન સાથે વાર્તાનો આરંભ થાય છે. તે પહેલાં તેની ઑફિસના કર્મચારીઓને અચાનક જાણવા મળેલા સત્ય ‘આસ્થામૅમ એસ.સી. છે' – થી એમના વિસ્મયકારક ઉદ્ગારો પણ સંભળાય છે. આસ્થાના સમભાવયુક્ત ગુણો અને કામકાજમાં ચીવટ વિશેની વિગતો પણ મળતી રહે છે. બધું મળીને એક અત્યંત સુંદર, ગુણિયલ યુવતીનું ચિત્ર ઊભું થાય છે. આસ્થાને પોતાને પણ અત્યાર સુધી એ દલિત કોમમાં જન્મી છે તેના વિશે ખબર નહોતી. એ કારણે જ આસ્થા કોઈ પણ પ્રકારના આક્રોશ અને બિનજરૂરી ગ્રંથિમાંથી બાકાત રહી શકી છે. આસ્થાને એની જન્મજાત પરિસ્થિતિથી અજાણ રાખવામાં કલેક્ટર જેવા ઉચ્ચ હોદ્દા પર રહેલા એના પિતાએ મોટો ભાગ ભજવ્યો છે. કર્ણાટક અને દિલ્હીમાં જ ઊછરેલી આસ્થાને એ વતનમાં લાવવાનું ટાળતા રહ્યા હતા. આમ આસ્થાને એની જ્ઞાતિ-સમાજ વિશે કશી જ ખબર નહોતી. આસ્થાના રૂપ-રંગ વિશે વાર્તામાં આગળ જતાં ખબર પડે છે કે એની મા એક અંગ્રેજનું સંતાન હતી અને તેનો વર્ણ મા અને આસ્થામાં ઊતર્યો હતો. આસ્થા માટે એના કૂળ વિશેના રહસ્યનું ઉદ્ઘાટન થાય છે એની નાની મણિમાના ગામડામાં થયેલા અવસાન વખતે. એ મા સાથે નાનીની મરણોત્તર ક્રિયા કરવા ગામડામાં આવે છે અને એને ત્યાં રોકાવું પડે છે. તે વખતે એને બધી વાતની ખબર પડે છે. એ જે કોમમાં જન્મી હતી તે લોકો પર થયેલા અત્યાચારો, જાતીય શોષણ, આભડછેટની સ્થિતિ – એ બધા વિશે માહિતી મળ્યા પછી આસ્થાનું ચિત્ત ચકડોળે ચડે છે. સવર્ણોની નાતના જમણ પછી શાહુકારી ઉઘરાવી તે છાંડેલું – એઠું ગામના વંચિતોને આપવામાં આવતું તેના વિશે જ્યારે ખબર પડે છે ત્યારે આસ્થાને ‘ઉબકો આવે એવું થઈ' આવે છે. ભૂતકાળના એ અતિ અપમાનજનક દૃશ્યની છાપ એને અકળાવે છે. નાનીમાના મૃત્યુ પછી ગામમાં યોજેલી નાત વખતે આસ્થા ‘સવર્ણો કરતા તેમ શાહુકારી ઉઘરાવી લેવી ને એના નાના નાના લાડવા વાળવા' તેવી સૂચના આપે છે. આસ્થા એવા લાડુનો ડબો શહે૨માં લાવે છે અને ઑફિસમાં લઈ જાય છે. માને લાગે છે, ‘શું આસ્થા ઑફિસમાં બધાને આ શાહુકારીના લાડવા ખવડાવશે? એવું થયું હોત તો આ વાર્તા આસ્થાની એવી પ્રતિક્રિયા દલિતો પરના અત્યાચાર સામેનો પ્રતીકાત્મક બદલો બનીને રહી ગઈ હોત. આસ્થાનું માનવીય મૂલ્ય પણ ઘટ્યું હોત. આસ્થા એવું કરતી નથી. એના મન-મગજમાં આક્રોશ તો છે જ. એ લાડુનો ડબો લઈને ચૅમ્બરમાંથી બહાર નીકળે છે ત્યારે એનો ‘ચહેરો તંગ હતો ને કપાળમાં ઘણીબધી કચરલીઓ હતી.' એ અત્યંત ઝડપથી કાર ચલાવતી શહેરની બહાર એક અવાવરુ તળાવ પાસે આવે છે. કારમાંથી બહાર નીકળીને એ સૌ પ્રથમ ‘હાથમાં એક પથ્થર લઈને, તળાવના પાણીમાં જોરથી દૂ...૨ ઘા' કરે છે. આ ક્રિયા એના અંગત આક્રોશને વ્યક્ત કરે છે. ‘પછી પેલા ડબામાંથી એક પછી એક લાડવા લઈને દૂ...૨ દૂ...૨ પાણીમાં ઘા કરતી' રહે છે. આ ક્રિયા દ્વારા એ પોતાના સમગ્ર સમાજ વતી અત્યાચાર અને અપમાનભરી પરિસ્થિતિમાંથી મુક્ત થવાની ઘોષણા કરે છે. આમ આસ્થા વ્યક્તિગત રીતે અને દલિત સમાજના પ્રતિનિધિ તરીકે માનવીય ગરિમા માટેની ખેવનાની પણ પ્રતિષ્ઠા કરે છે. એણે અવાવરુ તળાવમાં ફેંકેલા પથ્થર અને લાડવાથી પાણીમાં વમળો ઊઠતાં રહે છે અને શમતાં રહે છે. ‘અવાવરુ તળાવ’નું રૂપક પણ સ્વયંસ્પષ્ટ છે. (‘૨૦૦૫ની શ્રેષ્ઠ વાર્તાઓ,' સંપાદક: વીનેશ અંતાણી, પ્ર. આ. ર૦૦૬'માંથી).