ગુજરાતી બાળવાર્તા સંપદા/કીડીબહેનનો ચટકો
ફિલિપ ક્લાર્ક
કીડીબહેનનો ચટકો
એક હતી ચકલી. તેને રૂડાં રૂપાળાં બે બચ્ચાં. ચકલી બેઉને ખૂબ લાડ લડાવે. માળો પણ એવો સરસ બનાવ્યો હતો કે, બચ્ચાંને તકલીફ પડે નહીં; ચકલી દાણા, જીવડાં અને જાતજાતનું ખાવાનું વીણી લાવે અને બચ્ચાંને પ્રેમથી ખવડાવે. ધીરેધીરે બચ્ચાં મોટાં થવા લાગ્યાં. તેમને મજાની પાંખો આવી. માળામાંથી તેઓ બહારની દુનિયા જોવા લાગ્યાં. ચકલીને એમ કે, બચ્ચાં ઝટ મોટાં થાય અને ઊડવા લાગે. તે ભાતભાતનું ખવડાવતી. એક દિવસ ચકલીએ તેમને ઉડાડવા પ્રયત્ન કર્યો. પણ બચ્ચાં તો આળસુ. તેઓ ખાઈ-પીને તગડાં બની ગયાં હતાં. બેઠાંબેઠાં ખાવાની તેઓને ટેવ પડી ગઈ હતી. તેઓ આરામથી ઊંઘી ગયાં. ચકલી ચિંતામાં પડી ગઈ. ચકલો તો બચ્ચાંને ધમકી આપી ક્યાંક ઊડી ગયો. ચકલી તો મા તેને પોતાનાં બચ્ચાંની ચિંતા. બચ્ચાં જાગ્યાં એટલે ચકલીએ તેમને પ્રેમથી શિખામણ આપતાં કહ્યું, ‘બેટા તમે હવે મોટાં થયાં છો. ઈશ્વરે તમને સુંદર પાંખો અને ઊડવાની શક્તિ આપી છે. તમારા ઊડવાના અને ચણ ચણવા જવાના દિવસો હવે આવી ગયા છે. બેટા, આળસ ખંખેરી ઊડો, આકાશ જુઓ, ખેતરો અને બાગ-બગીચા જુઓ.’ પણ પથ્થર પર પાણી. બંને બચ્ચાંએ ચકલીની વાત હસવામાં કાઢી નાખી. ‘મા, તું મૂરખ છે’ કહી - ચીં ચીં કરી હસવા લાગ્યાં. તેઓ પાછાં આરામ કરવા લાગ્યાં. ચકલીની આંખમાં આંસુ આવી ગયાં. ચકલી બાપડી ચણ વીણી લાવે અને બંનેને ખવડાવે. બચ્ચાં ક્યારે ઊડશે અને પોતાના પગ ઉપર ક્યારે ઊભાં રહેશે ? ચકલી જાતજાતની ચિંતા કરવા લાગી. એક દિવસ વિચાર કરતી બેઠી હતી. વિચારમાં ને વિચારમાં તે પોતાનાં બચ્ચાંને થોડી વાર માટે ભૂલી ગઈ. એવામાં એક લાલકીડીએ ચકલીના પગમાં જોરથી ચટકો ભર્યો. ચકલી ભાનમાં આવી. એકાએક ફરરર કરતી ઊડી ગઈ. ચકલી ચાલાક તો હતી જ. તેણે જોયું કે, હજી પેલી લાલકીડી ત્યાં જ ચક્કર મારી રહી હતી. ચકલીને વિચાર આવ્યો કે, બંને બચ્ચાંને કીડી પાસે ચટકો ભરાવું. ભાનમાં આવી બીકનાં માર્યાં તેઓ ઊડવા લાગશે. તેમનામાં હિંમત આવશે. માળામાંથી બહાર નીકળશે. ચકલીએ બાજુમાં બેઠેલા - બુલબુલની સલાહ પણ લીધી. બુલબુલે પણ ચકલીને તેમ કરવાની સલાહ આપી. ચકલી ધીમે રહીને કીડી પાસે ગઈ. ‘નમસ્તે કીડીબહેન મારું એક કામ ના કરો ? તમે માગો તે આપીશ.’ ‘અરે ચકીબહેન, એમાં વળી માગવાનું શું ? કોક સુખી થતું હોય. એવું કામ. મને તો કરવું ગમે છે જ. બોલો તમારે શું કામ છે ? તમારાં એક નહીં, પણ સો કામ કરવા તૈયાર છું. સંકોચ કે શરમ રાખ્યા વગર વાત કરો.’ ચકલીએ પોતાનાં બચ્ચાંની માંડીને વાત કરી. તેમને ચટકો કરી માળામાંથી ઉડાડવાની વાત કરી. કીડીબહેન હસવા લાગ્યાં, પણ કોઈનું ભલું થતું હોય તો ચટકો ભરવામાં વાંધો શો ? વિચાર કરી કીડીબહેન ચટકો ભરવા માટે તૈયાર થઈ ગયાં. ચકલીએ કીડીને પોતાનો માળો બતાવ્યો. કીડીબહેન ફરતાં-ફરતાં માળામાં ગયાં. બચ્ચાં આરામથી ઊંઘતાં હતાં. જોકે આમ તો કીડીબહેનનો ચટકો ભરતાં જીવ ન ચાલ્યો, પણ પાછી ચકલીની વિનંતી યાદ આવી. વળી આમ કરવામાં જ બચ્ચાંનું ભલું હતું. કીડીબહેને એક બચ્ચાંને જોરથી ચટકો ભર્યો. તે ગભરાઈને ફરરર કરતું ઊડીને માળામાંથી બહાર આવી ગયું. તેનામાં હિંમત આવી ગઈ. ઠેકડા ભરવા અને ઊડવા લાગ્યું. કીડીબહેને તે જ પ્રમાણે બીજા બચ્ચાને પણ જોરથી ચટકો ભર્યો. બીજું બચ્ચું પણ ફરરર કરતું માળામાંથી બહાર આવ્યું. તેનામાં પણ હિંમત આવી ગઈ. તે ઠેકડા ભરવા અને ઊડવા લાગ્યું. બંને બચ્ચાં ઊડવા લાગ્યાં. તેમને આકાશ અને બાગ-બગીચા અને ભાતભાતનાં ચણ ચણવાની મજા પડવા લાગી. ચકલી આ બધું જોતી હતી. તે આનંદમાં આવી ગઈ. પોતાનાં બચ્ચાંને ઊડતાં જોઈ તેના હર્ષનો પાર ન રહ્યો. તેણે ચકલાને પણ ઝટ આ સમાચાર આપ્યા. ચકલાએ પણ ‘વાહ મારી ચકલીરાણી’ કહી શાબાશી આપી અને કીડીબહેનનો ખૂબ જ આભાર માનવા કહ્યું. ચકલીબહેન કીડીબહેનના પગમાં પડ્યાં. તેમનો ખૂબ જ આભાર માન્યો. ‘કંઈ કામ હોય તો કહેજો’ કહી ચકલી પાંખો ફફડાવી આનંદથી ઊડવા લાગી.