ગુજરાતી બાળવાર્તા સંપદા/કીકીની દાબડી
નટવર પટેલ
કીકીની દાબડી
એક હતી છોકરી. નામ એનું કીકી. આ કીકી ખૂબ ખંતીલી. ચીવટ પણ એની બહુ ભારે. કોઈ કામ હાથમાં લે તેને પૂરું કરીને જંપે. કામમાં કદી આળસ ના કરે. કીકીને કામ ખૂબ વહાલું. કામથી કદી કંટાળે પણ નહિ. એ કામને વળગેલી ને કામ એને વળગેલું. બસ, આખો દિવસ કામ, કામ ને કામ. પણ આમાં એને એક મુસીબત નડે. ખૂબ કામ કરી કરીને કીકી થાકી જાય. થાક લાગે એટલે કામ થાય નહિ. કીકીનું મન તો કામમાં હોય પણ શરીરને થાક લાગે. નાછૂટકે તેને આરામ કરવો પડે. પણ કીકીને આરામ કરવો ન ગમે. કીકીને થાય કે કામ કરતાં થાક જ ન લાગતો હોય તો કેવું સારું ! તો તો પછી રાત ને દિવસ કામ જ કર્યા કરું. પણ એવું થાય કઈ રીતે ? કીકી વિચારવા લાગી. ને તે વિચારતાં વિચારતાં જ ઊંઘી ગઈ. થોડી વારે તેના કાન પાસે ઝાંઝરનો મધુર રણકાર સંભળાયો. પછી મંજુલ અવાજ આવ્યો : ‘કીકી, જાગ’ ને તેના માથાના વાળમાં કોઈનો કોમળ હાથ ફરવા લાગ્યો. કીકી તો સફાળી જાગી ગઈ. તે આંખો ચોળી જોવા લાગી. કીકીની સામે કોઈ ઊભું હતું. સુંદર મજાની આંખો હતી. સોનેરી વાળ હતા. ચહેરા પર મધુર સ્મિત રમતું હતું. કીકીને નવાઈ લાગી. આ વળી કોણ હશે ? ‘કીકી, મને ના ઓળખી ? હું છું કામપરી.’ ‘કોણ ? કામપરી ?’ કીકીએ પૂછ્યું. ‘હા, કામપરી. તને કામ કરવું બહુ ગમે છે, કેમ ?’ કીકીએ હા પાડી. ‘મને કામગરાં બાળકો બહુ ગમે છે.’ ‘પરીમા, પણ કામ કરતાં કરતાં હું થાકી જાઉં છું. મને એ નથી ગમતું. મને એવો કોઈ ઉપાય બતાવોને કે મને કદી થાક જ ન લાગે.’ કીકી બોલી. ‘એટલા માટે તો હું આવી છું. લે, આ દાબડી.’ આમ કહી કામપરીએ કીકીને એક સરસ મજાની નાની દાબડી આપી. ‘આ શું કામ ?’ ‘તે તું ખોલ.’ કીકીએ દાબડી ખોલી. અંદર એક સરસ મજાનું ફૂલ હતું. કોમળ પાંખડીઓવાળું ફૂલ. ગુલાબી રંગવાળું ફૂલ. ‘કીકી, આ જાદુઈ ફૂલ છે. આ ફૂલ જે સૂંઘે તેને કદી થાક ન લાગે. ઊંઘ પણ ન સતાવે. તું રોજ ફૂલ સૂંઘીશ તો ફૂલની જેમ હંમેશાં તાજીતાજી રહીશ.’ ‘પણ આ ફૂલ કરમાઈ જશે તો ?’ કીકીએ પૂછ્યું. ‘નહીં કરમાય. એ જેવું છે તેવું ને તેવું રહેશે પણ એક વાત ધ્યાનમાં રાખજે. આ વાત કોઈને કહેતી નહિ. લે ત્યારે, હું જાઉં...’ ‘આવજો પરીમા. તમારો ખૂબ ખૂબ આભાર.’ કીકીએ બેઉ હાથ ઊંચા કરી પરીને વિદાય આપી. પરી ગઈ ને તરત જ કીકીની આંખ ઊઘડી ગઈ. કીકીના ઓશીકા પાસે દાબડી પડી હતી. કીકીએ તે જોઈ. જોઈને તે ખુશ થઈ. ખુશ થઈને ખોલી. અંદર સુંદર મજાનું ફૂલ હતું. કીકીએ ફૂલ સૂંઘ્યું. અહાહાહા ! શી એની સુગંધ ! નાક આખું સુગંધથી ભરાઈ ગયું. એ સુગંધ શરીરમાં ઊતરી ગઈ. શરીરમાંથી આળસ ભાગી ગઈ. ઊંઘ ઊડી ગઈ. નવી તાજગી લાગી. ખૂબ ઊંઘીને ઊઠ્યા હોઈએ તેટલી તાજગી વરતાવા લાગી. કીકી ખુશ થઈ. તેણે દાબડીને સાચવીને ફ્રૉકના ગજવામાં મૂકી દીધી. કીકી કામમાં લાગી ગઈ. બસ, પછી તો કીકી કદી થાકતી નહિ. થાક લાગે કે તરત દાબડી કાઢે. ફૂલ સૂંઘે ને ફરી પાછી તાજી ને તાજી ! કીકીને સતત કામ કરતી જોઈને તેની મમ્મીને ચિંતા થઈ : ‘અરેરેરે ! આ છોકરી કામ કરી કરીને મરી જશે. આરામ નહીં કરે તો શરીર ઘસાઈ જશે.’ મમ્મી કહે : ‘કીકી, રાત પડી ગઈ. તું હવે સૂઈ જા.’ એટલે કીકી કહે : ‘મમ્મી, મારે હવે ઊંઘવાની જરૂર નથી.’ મમ્મીને નવાઈ લાગી : ‘એમ કેમ ?’ ‘બસ, એમ જ.’ કીકીએ વાત ગોપાવી રાખી. મમ્મીને થયું કે કીકી ઊંઘશે નહિ તો ગાંડી થઈ જશે પણ કીકી ઊંઘી જ નહિ. સવારમાં તેની મમ્મી જાગી ત્યારે પણ કીકી તો જાગતી જ હતી. તે ચિત્રોમાં રંગ પૂરતી હતી. આમ ને આમ ચાર-પાંચ દિવસ ચાલ્યા કર્યું. કીકી બિલકુલ આરામ કરતી ન હતી. મમ્મીને થયું : ‘આ છોકરીનું મગજ ગાંડું થઈ ગયું લાગે છે. લાવ, દાક્તરને બતાવવા લઈ જવા દે.’ મમ્મી કીકીને ડૉક્ટર પાસે લઈ ગઈ. ડૉક્ટરે કીકીને તપાસીને કહ્યું : ‘કીકી, તદ્દન સાજી છે. તેને કંઈ જ થયું નથી.’ કીકી હસી. મમ્મી નવાઈ પામી. એકવાર મમ્મીએ કીકીને પાસે બેસાડીને પ્રેમથી પૂછ્યું : ‘બેટા, તું આરામ નથી કરતી તેથી મને ચિંતા થાય છે.’ ‘એમાં ચિંતા કેવી, મમ્મી ?’ ‘પણ બેટા, આરામ તો શરીર માટે ખૂબ જ જરૂરી છે.’ ‘એ કઈ રીતે, મમ્મી ?’ ‘આરામ કરવાથી શરીરમાં તાજગી આવે છે. ને તે પછી આપણે આપણું કામ ઘણા ઉત્સાહથી કરી શકીએ છીએ.’ ‘પણ મમ્મી, શરીરમાં તાજગી લાવવાનો ઉપાય મને મળી ગયો છે.’ કીકીથી ઉત્સાહમાં બોલી જવાયું. ‘કયો ઉપાય ?’ મમ્મીએ પૂછ્યું. હવે કીકી ફસાઈ ગઈ. સાચું કહેવું કે ખોટું ? જો સાચું કહે તો પરીમાને આપેલું વચન તૂટે. ને મમ્મી આગળ ખોટું તો ન જ બોલાય. પણ કીકીએ વાત હસવામાં ઉડાવી દીધી. તે હસીને બોલી : ‘મમ્મી, તું ચિંતા ના કર. હવેથી હું જરૂરી આરામ કરીશ. બસ, હવે ?’ ને કીકી રમવા દોડી ગઈ. પણ મમ્મીને કીકીની વાતમાં વિશ્વાસ પડ્યો નહિ. મમ્મીએ કીકીથી છાનાંમાનાં તેની દેખરેખ રાખવા માંડી. કીકી ક્યારે શું કરે છે તે છાનાંછપનાં જોવા લાગી. એકવાર કીકી એકલી બેઠી હતી. એટલામાં થાકને લીધે તને બગાસું આવ્યું. તરત જ કીકીએ ગજવામાં હાથ નાખ્યો. દાબડી બહાર કાઢી. સૂંઘી, ફરી દાબડી બંધ કરી. ગજવામાં મૂકી. સૂંઘતાં જ કીકીનો થાક ચાલ્યો ગયો. કીકીનો ચહેરો ખિલખિલ થવા લાગ્યો. કીકીનું આ વર્તન તેની મમ્મી જોઈ ગઈ. કીકીની તાજગી પેલી દાબડીમાં છે તે વાત મમ્મીને સમજાઈ ગઈ. સવારે કીકી કપડાં બહાર કાઢીને બાથરૂમમાં નાહવા ગઈ. મમ્મીએ તેના ફ્રોકમાંથી દાબડી કાઢી લીધી. ખોલી. અંદર એક ફૂલ હતું. તાજું અને મઘમઘતું ફૂલ. મમ્મીએ તે ફૂલ બારીબહાર ફેંકી દીધું. ફૂલ પથ્થર પર અથડાયું. ફૂલની પાંખડીઓ છૂટી પડી ગઈ. તેની સુવાસ ચોતરફ ફેલાઈ ગઈ. એ સુવાસથી બાગના છોડ પરનાં ફૂલો ખીલી ઊઠ્યાં. પંખીઓના કંઠ ગહેકી ઊઠ્યા. ચારે તરફ કલશોર વ્યાપી ગયો. પવન પણ સુગંધિત થઈ વહેવા લાગ્યો. ચારે તરફનું વાતાવરણ તાજુંમાજું થઈ ગયું. કીકી સ્નાન કરીને બહાર આવી. કપડાં બદલ્યાં. ફ્રૉકના ગજવામાં હાથ નાખ્યો. દાબડી ન હતી. કીકી ચમકી. દાબડી ક્યાં ગઈ ? કીકીએ મમ્મી સામે જોયું. મમ્મી હસતાં હસતાં બોલી. ‘તારી દાબડી મેં ફેંકી દીધી.’ ‘ક્યાં ?’ ‘બારીની બહાર.’ કીકીએ બારીની બહાર જોયું. બારી બહાર બાગ મહેકી રહ્યો હતો. સુગંધિત પવન વાતો હતો. પંખીઓના કલરવમાં તાજગી વરતાતી હતી. આ જોઈ કીકી ખુશ થઈ તે બોલી : ‘મમ્મી, દાબડીનો જાદુ તો જો.’ મમ્મીએ હજી બારી બહાર જોયું ન હતું. કીકીના કહેવાથી તેણે બહાર નજર કરી. બહારનું વાતાવરણ જોઈ મમ્મી પણ ખુશ થઈ. ‘મમ્મી, તેં દાબડી ફેંકી દીધી તે સારું કર્યું. પહેલાં તો હું જ એકલી તાજીમાજી થતી હતી. પણ હવે તો આ બાગ, પંખીઓ ને પવન - બધું જ તાજુંમાજું થઈ ગયું. ને આ તાજગી જોઈને હવે ઘણાંબધાં તાજાંમાજાં થશે ને ખુશ થશે.’ કીકીને મમ્મીએ ખોળામાં ખેંચી લીધી. તેના ગાલે ચૂમીઓ વરસાવતાં તે બોલી : ‘મારી વહાલી કીકી ! કેટલી સમજુ છે તું !’