ગુજરાતી બાળવાર્તા સંપદા/કાબરબહેનનો જનમદિવસ

From Ekatra Wiki
Revision as of 04:20, 13 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સાં. જે. પટેલ

ઢબુબહેનનો ઓઢણો

ડૉ. આઈ.કે. વીજળીવાળા કાબરબહેનનો જનમદિવસ એક મોટું જબ્બર જંગલ હતું. એમાં ઘણાં બધાં પ્રાણીઓ તેમજ પંખીઓ રહેતાં હતાં. બધાં ખૂબ જ હળીમળીને રહેતાં હતાં. જરૂર પડે ત્યારે એકબીજાંને મદદ પણ કરતા. કોઈને ત્યાં સારા-નરસા પ્રસંગો હોય તો બધાં ભેગાં થઈ જતાં. જન્મદિવસ કે લગ્નમાં તો બધાં એકઠાં થઈને ખૂબ જલસા કરતાં, નાચતાં ને કૂદતાં. હવે જંગલની બરાબર વચ્ચે આવેલ આંબાના ઝાડ પર એક કાબરબહેન રહેતાં હતાં. એ ખૂબ મોજીલાં હતા ! એમને જંગલમાં બધાં સાથે ખૂબ સારા સંબંધ હતા. એ બધાને હસીને બોલાવતા અને બધા એમને હસીને બોલાવતા ! એમનો જન્મદિવસ (બર્થડે !) નજીક આવી રહ્યો હતો. કાબરબહેન તો ખુશ થઈને ગીત ગાતા હતા : ‘આવ્યો મારો જનમદિવસ, કેવો પ્યારો જનમદિવસ, ખાણી-પીણી મોજ કરીશું, એમ ઉજવશું જનમદિવસ !’ પરંતુ કાબરબહેનને સાથોસાથ એવો વિચાર આવતો હતો કે, ‘આપણે બધાની જનમદિવસની પાર્ટીમાં હોંશે હોંશે જઈ આવ્યા છીએ તો આપણા જનમદિવસની પાર્ટીમાં બધાને બરાબરની મજા કરાવવી જોઈએ !’ મનમાં ને મનમાં આવું વિચારીને એમણે બધાને શું શું ખવડાવવું, કઈ રમતો રમાડવી, કઈ જગ્યાએ બધાને ફરવા લઈ જવા એની યોજના બનાવવાની શરૂઆત કરી, પરંતુ જેમ જેમ વિચારતા ગયા એમ એમ એમનાં મનમાં મૂંઝવણ થવા લાગી. બીજાની પાર્ટીમાં તો ખાલી તૈયાર થઈને પહોંચી જવાનું હોય, પરંતુ અહીંયા તો પોતાને જ બધી તૈયારી કરવાની હતી. અને એમાં જ કાંઈ સમજણ નહોતી પડતી ! એમને થયું કે આ તો કોઈકને પૂછવું જ પડશે ! જાતે તો આટલું બધું નક્કી નહીં જ કરી શકાય. મૂંઝાઈને કાબરબહેને બાજુની ડાળ પર રહેતા કાગડાભાઈને હાક મારી, ‘કાગડાભાઈ ! ઓ, કાગડાભાઈ !’ ‘બોલો કાબરબહેન, શું છે ? આ સવાર સવારમાં મારું શું કામ પડ્યું, કહેશો ?’ પોતાની ગંદી ચાંચ રૂમાલ વડે સાફ કરતા કરતા કાગડાભાઈ પોતાના ઘરમાંથી બહાર આવ્યા. ‘કાગડાભાઈ ! આવતી કાલે મારો જનમદિવસ છે. આપણાં ઓળખીતાં પશુ-પંખીઓને પાર્ટી આપવાનો મારો વિચાર છે. એની તૈયારીમાં મારે કોઈકની મદદની જરૂર છે. બોલો, તમે મદદ કરી શકશો ખરા ?’ કાગડાભાઈ થોડાક વિચારમાં પડી ગયા પછી બોલ્યા, ‘કાબરબહેન ! તમારે મને માફ કરવો પડશે ! આવતી કાલથી મારા કેકાની પંખીબોર્ડની પરીક્ષા શરૂ થાય છે, એટલે હું એને તૈયારી કરાવું છું. મને લાગે છે કે તમારે કોઈ બીજાની મદદ લેવી પડશે !’ એટલું કહીને કાગડાભાઈ ફરી પાછા ચાંચ પર રૂમાલ ફેરવતા ઘરમાં જતા રહ્યા. કાબરબહેન વિચારમાં પડી ગયા કે, ‘હવે કોની મદદ લેવી ? કદાચ પોપટભાઈ મદદ કરી શકશે.’ એવું વિચારીને એમણે માળામાં તાળું માર્યું અને ઊપડ્યાં પોપટભાઈની પાસે. ‘આવો આવો ! કાબરબહેન !’ દૂરથી જ કાબરબહેનને જોઈને પોપટભાઈએ આવકાર આપ્યો. પછી બોલ્યા, ‘કેમ કાબરબહેન ! આજે કાંઈ ખૂબ ખુશ લાગો છો ને ! વાત શું છે એ કહેશો ?’ ‘હા ! પોપટભાઈ ! આજે હું ખરેખર ખુશ છું. વાત એમ છે કે આવતી કાલે મારો જનમદિવસ છે ! હું બધાને પાર્ટી આપવા માગું છું. પણ પોપટભાઈ ! પાર્ટી માટે શી તૈયારીઓ કરવાની હોય છે એની મને કાંઈ જ ખબર પડતી નથી. એટલે જ હું તમારી મદદ લેવા માટે આવી છું !’ ‘વાહ ! વાહ ! એ તો ખૂબ જ સારી વાત છે ! તમે મારી મદદ લેવાનું નક્કી કર્યું એ મને ખૂબ ગમ્યું. ચાલો આપણે બધી વસ્તુઓ નક્કી કરી નાખીએ !’ પોપટભાઈએ કહ્યું. પોપટભાઈ અને કાબરબહેને બેસીને પાર્ટીની જગ્યા, વાનગીઓ, કોને કોને બોલાવવા એ બધું નક્કી કરી નાખ્યું. પછી બંને બધાને આમંત્રણ આપવા નીકળી પડ્યા. સાંજ પડી ગઈ ત્યાં સુધી બંનેને દોડાદોડી કરવી પડી, કારણ કે બધાની અલગ અલગ વાનગી માટે માગણી હતી. એ બધું આયોજન કરવામાં બંને સાંજ સુધી મથ્યાં અને થાકીને લોથ થઈ ગયાં ! બીજા દિવસે બાજુના ડુંગરની તળેટીમાં આવેલ ગોખરું મેદાન પર બધાંએ પહોંચવાનું હતું. સવારથી જ બધાં પંખી અને પશુઓ ભેગાં થવા માંડ્યાં. કાબરબહેન અને પોપટભાઈએ મેદાનની ચારે તરફ આવેલાં ઝાડવાંઓ પર રંગબેરંગી ફુગ્ગાઓ બાંધ્યા હતા. ગધેડાભાઈ એમના ગર્દભબૅન્ડ સાથે મેદાનમાં ઊભા કરવામાં આવેલા સ્ટેજ પરથી સંગીતના સૂરો છેડી રહ્યા હતા. સસલાઓ અને બતકો ડિસ્કો કરી રહ્યાં હતાં. એક તરફ ઊંટભાઈ અને સમળીબહેનનો કેટરિંગ સ્ટાફ ખાવાપીવાની વાનગીઓ બનાવવામાં લાગી ગયો હતો. ઘુવડભાઈએ બધાને આંધળીપાટો રમાડ્યા. ગોકળગાયે ઝડપી દોડની સ્પર્ધા કરાવી ! ગધેડાભાઈએ પોતાના ઓરકેસ્ટ્રા સાથે ‘બાર બાર દિન યે આયે... તું જીયે હજારો સાલ !’ એ ગીત ખૂબ કર્કશ અવાજમાં બધાને સંભળાવ્યું. કોયલબહેનને શરદી થઈ ગઈ હતી એટલે એ ન ગાઈ શક્યા ! આ સિવાય પણ બધાંએ ઘણી ધમાલમસ્તી કરી. પછી બપોર થવાને હજુ થોડી વાર હતી ત્યારે બધાં થાક્યાં અને ભૂખ્યાં થયાં. કાબરબહેને સ્ટેજ પરથી જાહેર કર્યું, ‘બસ ! આજે તો ખૂબ મજા આવી ગઈ ! તમારો સૌનો આભાર ! ચાલો હવે બધા બૂફે ભોજન લઈ લો ! તમને હું દિલથી આગ્રહ કરું છું. ભલે બપોર થવાને વાર હોય ! આપણે થોડાં વહેલાં જમી લઈએ’ બધાં પંખીઓ જમવાના ટેબલ પાસે આવ્યાં. બરાબર એ જ વખતે એક પોપટભાઈ અને એક કોયલબહેન આકાશમાંથી નીચે પડ્યાં. એમનાં શરીર સાવ દૂબળાં થઈ ગયાં હતાં. બંને ધ્રૂજતાં હતાં. જમવાનું છોડીને બધાં પશુ-પંખી એમની પાસે આવ્યા. બધાંએ એમને ઊંચકીને એક ઝાડ નીચે ઘાસમાં બેસાડ્યા. પીવાનું પાણી આપ્યું. એ બંને ભૂખના કારણે બોલી નહોતાં શકતાં. બધાંએ એમને થોડુંક ખવડાવ્યું. પછી એમની આવી દશા કેવી રીતે થઈ એ અંગે પૂછ્યું. પોપટભાઈએ કહ્યું, ‘અમે બેઉ ટેકરીની પેલી બાજુ આવેલા જંગલમાંથી આવીએ છીએ. અમારે ત્યાં આ વખતે દુષ્કાળ પડ્યો છે. આકાશમાંથી એક ટીપું વરસાદ પણ નથી પડ્યો. ખાવાનું મળતું નથી. અમે બંને પણ ખોરાકની શોધમાં ઊડતાં હતાં, પરંતુ ઘણા દિવસથી પેટ ભરીને જમવાનું ન મળવાને કારણે અમે ઊડવાની તાકાત ગુમાવીને બેભાન થઈ ગયાં હતાં. અમારે પાણીની પણ ખૂબ જ તંગી છે. પશુ-પંખીનાં બાળકોને પૂરતું ખાવાનું નથી મળતું. ઘણાં પંખીબાળ તેમજ પશુબાળ ભૂખના કારણે માંદા થઈ ગયાં અને ઘણાં મરણને શરણ થયાં છે. જો હવે અમને ખાવા નહીં મળે તો...!’ એટલું બોલતાં જ બંને રડવા લાગ્યાં. કાબરબહેન તથા પાર્ટીમાં આવેલાં બધાં મહેમાન પશુપંખીઓ સ્તબ્ધ થઈ ગયા. એમની સૌની આંખોમાં આંસુ આવી ગયાં. બધાં વિચારમાં પડી ગયાં. ઘરડાં સમળીકાકી ચશ્માંની દાંડલી ચાંચના ખૂણામાં દબાવીને બોલ્યાં, ‘આપણો પાડોશી ભૂખ્યો હોય અને આપણે આવી પાર્ટી માણીએ એ મને તો જરાય સારું નથી લાગતું. ત્યાં ભયાનક દુષ્કાળ પડ્યો છે, કોઈને ખાવા પણ પૂરતું મળતું નથી. આ બધું સાંભળ્યાં પછી મને તો હવે ગળા નીચે કોળિયો નહીં જ ઊતરે !’ ‘તો હવે અમારે શું કરવું જોઈએ, કાકી ? અમને તો કાંઈ સૂઝતું નથી !’ કાબરબહેન બોલ્યાં, ‘કાકી ! તમે મોટાં છો, વડીલ છો, તમે જ અમને સમજાવોને કે અમારે શું કરવું જોઈએ ?’ ‘જુઓ મારાં ભોળુડાંઓ !’ સમળીકાકી બોલ્યાં, ‘મારું માનવું છે કે આપણે જે કાંઈ ખાવાપીવાના હતા એ બધું લઈ લઈએ. બીજું પણ ઘણું બધું લઈ લઈએ. એમનાં માંદાં બાળકો માટે જરૂરી ઔષધિઓ તેમજ વનસ્પતિઓ ભેગી કરી લઈએ, અને એકાદ કલાક પછી આપણે બધાં પહોંચી જઈએ ડુંગરની પેલી તરફ ! એ બધાં જોડે ખાવાપીવાની આપણને ખરેખર મજા પડશે. એકલાં એકલાં ખાવા કરતાં બધાંની સાથે મળીને ખાવામાં વધારે મજા આવતી હોય છે ! બોલો, છો બધાં તૈયાર ?’ ‘હા, આ !.... આ!.... આ... આ....!’ બધાંએ એકસાથે કહ્યું. ‘તો ચાલો ! સારા કામમાં વળી ઢીલ શેની ? શરૂ કરો તૈયારી !’ રાજી રાજી થતાં સમળીકાકી બોલ્યાં. બધાં પશુપંખીઓ ઝડપથી ભાગ્યાં. તૈયાર જમવાનું હતું એને પેક કરી દીધું. નાસ્તાનાં પડીકાં વાળ્યાં. અન્ય ખાવાપીવાની ચીજોની કોથળીઓ ભરી. એટલામાં એક બળદભાઈ બાજુના ગામમાંથી ગાડું લઈને આવી પહોંચ્યા. બધાએ ખાવાપીવાનું ગાડાંમાં ગોઠવી દીધું. મોટાં મોટાં ખાલી તૂંબડામાં પાણી ભરી લીધું. પછી એ પણ ગાડામાં ગોઠવી દીધાં. બરાબર બપોર થયાં ત્યાં તો બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ. આ તો ઝાઝી ચાંચ રળિયામણી ! પછી તો બધાં નાચતાં ને કૂદતાં, કૂદતાં ને નાચતાં ડુંગરની પેલે પાર ઊપડ્યાં. ત્યાં જંગલમાં પહોંચીને એ બધાંએ ત્યાંનાં પશુપંખીઓને ભરપેટ ખવડાવ્યું, પાણી પીવડાવ્યું અને એમનાં માંદાં બાળકોની ઘુવડ ડૉક્ટરે સારવાર પણ કરી આપી. પછી બધાં સાંજ સુધી ખૂબ રમ્યાં. બધાંએ ખૂબ ગીતો ગાયાં, ખૂબ નાચ્યાં. પછી ખૂબ વહાલથી ભેટીને છૂટાં પડ્યાં. છૂટાં પડતી વખતે કાબરબહેન બોલ્યાં, ‘જ્યાં સુધી અહીંયા વરસાદ ન પડે ત્યાં સુધી જે કાંઈ વસ્તુઓ જોઈએ એ તમે સૌ અમારા જંગલમાંથી લઈ જજો !’ આ સાંભળીને દુકાળિયા જંગલવાળાં બધાં પશુપંખીની આંખોમાં પાણી આવી ગયાં. બધાંએ માથું હલાવીને હા પાડી. એકબીજાંને આવજો કહીને બધાં છૂટાં પડ્યાં. કાબરબહેન પોતાના સાથીઓ સાથે ઘેર પાછાં ફર્યાં. એમના મોં પર અનોખો આનંદ હતો. એ તો નાચતાં અને ગાતાં હતાં કે, ‘આજનો મારો જનમદિવસ ! કેવો મજાનો જનમદિવસ, હળીમળીને ખાધું સૌએ ! કેવો અદ્‌ભુત જનમદિવસ !’ ઘરે પહોંચીને બધાથી છૂટાં પડતાં કાબરબહેન સમળીકાકીને પગે લાગ્યાં અને બોલ્યાં, ‘કાકી ! તમારો આભાર કઈ રીતે માનું ? જો આપણે એકલાં એકલાં ખાઈ લીધું હોત તો આટલો બધો આનંદ ન આવત. બધાની સાથે વહેંચીને ખાવાની આજે ખૂબ મજા પડી. તમે જો આ ન સૂચવ્યું હોત તો મને તો ક્યારેય ન સમજાત ! તમારો ખૂબ ખૂબ આભાર કાકી ! અને લ્યો હવે મને મારા જનમદિવસના આશીર્વાદ આપી દો !’ સમળીકાકીએ કાબરબહેનને બાથમાં લઈને વહાલ કર્યું અને આશીર્વાદ આપ્યાં. બંને છૂટાં પડ્યાં. કાબરબહેન એમના ઘરે જવા નીકળ્યાં. સમળીકાકીની આંખોમાં આંસુ હતાં ! પણ હા ! એ તો વળી હરખનાં આંસુ હતાં.