ગુજરાતી અંગત નિબંધો/સંપાદકીય
અંગત નિબંધોના આ સ્થાપત્ય વિશે બે’ક વાતો...
‘નિબંધ’ એવી સંજ્ઞા તો ઘણી વ્યાપક છે. બહોળાં વિષયક્ષેત્રોમાં અને લખનારનાં પ્રયોજન તથા આયોજનના વૈવિધ્યમાં એ ફેલાયેલી છે. પરંતુ જેને આપણે ‘અંગત નિબંધ’ (પર્સનલ ઍસે) કહીએ છીએ એનું વૈવિધ્ય પણ કંઈ ઓછું નથી. એ ખરું કે અંગત નિબંધનું ચાલકબળ વિચાર કે વિમર્શ નહીં પણ સર્જકનું સંવેદન છે. પણ એ સંવેદનજગત પણ ઘણા મોટા વ્યાપવાળું હોઈ શકે. ઘર-પરિવારનાં સંસ્મરણો, પ્રવાસના અનુભવો, માનવ-સંબંધોના આઘાતો-પ્રત્યાઘાતો, એનાં આનંદ અને વેદના, પ્રકૃતિસૌંદર્યના પ્રતિભાવો, ઈન્દ્રિયાનુભવો, એમ ચોમેર એનો વિસ્તાર છે, પરંતુ એ બધું પરોવાયું હોય છે સંવેદનના એક સળંગ તારમાં. વિષય તો હોય જ, પણ વિષય જ લક્ષ્ય ન હોય, લક્ષ્ય તો હોય છે પોતાનો આગવો અનુભવ. જે કહેવાનું છે એ સંવેદનમાં ઝબકોળાઈને આવે તો જ એ ગદ્યલખાણ ‘અંગત’ નિબંધ ગણાય ને? સંવેદનની એ છાલક વાચક કે ભાવકને લલિત કૃતિ વાંચ્યાનો આનંદ આપે છે. લેખકનો સૌંદર્ય-અનુભવ વાચકમાંય પ્રસરે છે. સંવેદનવિશ્વની જ નહીં, સંવેદનના નિરૂપણની રીતે પણ અંગત નિબંધ વિવિધ રૂપે વિલસતો હોય છે. દરેક લેખકનો અનુભવ જ નહીં, એને રજૂ કરવાની રીત પણ જુદાંજુદાં હોવાનાં. એટલે લખાવટ કે શૈલી પણ લેખકેલેખકે નોખાં હોવાનાં. એ રીતે દરેક નિબંધલેખકમાં સંવેદનની તેમજ શૈલીની નોખી રેખાઓ એના નિબંધનું નિજી શિલ્પ રચતી હોય છે. વળી, સર્જક એની કૃતિએકૃતિએ પણ નવી રેખાઓ રચતો હોય છે. આમ થવાથી વિવિધ શિલ્પ-કૃતિઓથી જે સુઘડ-સુંદર સ્થાપત્ય ઊભું થાય છે એનાથી જ નિબંધલેખકની શાખ બંધાય છે. એની મનોહર મુદ્રા રચાય છે.
સાહિત્યનો ઈતિહાસ કહેશે કે ગુજરાતીમાં નિબંધનું સ્વરૂપ પહેલીવાર અજમાવ્યું કવિ નર્મદે. હા, એ બરોબર છે. પણ નર્મદમાં લખાવટની આગવી છટા હતી પરંતુ એનું મુખ્ય લક્ષ્ય વિચારવિમર્શનનું હતું, એ ઉદ્બોધક અને પ્રબોધક પણ હતું. એટલે, જેને શુદ્ધ અંગત નિબંધ કહીએ એવું લેખન પહેલીવાર કાકા કાલેલકરમાં દેખાયું. એ પછી તો આ અંગત કે લલિત કે સૈાંદર્યલક્ષી નિબંધનાં અનેક લઘુ-ગુરુ શિખરો રચાતાં ગયાં છે, ને છેક આજના યુવા લેખકોએ પણ પોતાની સર્જકતાને નિબંધની કસોટીએ ચડાવી છે. ગુજરાતીમાં લલિત નિબંધ એ રીતે સૌંદર્ય-સમૃદ્ધ થતો ચાલ્યો છે.
આ સંપાદન (અંગત નિબંધો, ભાગ-૧)માં કાકા કાલેલકરથી આરંભીને છેક આજના યુવા સર્જકો સુધીની ૩૨ લઘુ નિબંધકૃતિઓ સંચિત કરી છે. ને એમાં સર્જક-સંવેદનનાં વિવિધ રૂપો પ્રગટાવતી કૃતિઓ પસંદ કરવા તરફ લક્ષ આપ્યું છે. અહીં દરેક સર્જકમાંથી એક-એક પ્રતિનિધિ નિબંધ લીધો છે. ક્યાંક, અનિવાર્ય લાગ્યું ત્યાં, બેચાર નિબંધોના કેટલાક અંશો સંપાદિત કરી લીધા છે ને એ ચોરસ કૌંસ[ ]થી દર્શાવ્યા છે. દીર્ઘ લલિત નિબંધોનો એક બીજો સંચય પણ (ભાગ-૨ રૂપે) હવે પછી હાથ ધરીશું. એકત્રનું આ સંપાદન વાચન રૂપે તેમજ શ્રવણ રૂપે એમ બંને રીતે રજૂ થવાનું છે એથી એ વિશેષ આસ્વાદ્ય બનશે એવી પ્રતીતિ છે.