રમણીક સોમેશ્વરની કવિતા/લય
Jump to navigation
Jump to search
૧૬ . લય
કોઈ લય
ઘેરી વળ્યો છે મને
વીંખી-પીંખી નાખે છે
ચૂભે છે
ચૂંથે છે મને
જંપવા નથી દેતો પલભર
જલભર હથેળીનાં તળાવ તો
સુકાવા લાગ્યાં છે હવે
ને
કરચલિયાળી ધરતીની ધારે
ઊગી નીકળ્યા છે ધંતૂરા
ખૂંપી ગયો છે
સૂરજમુખીનો રથ
લથબથ
અટવાઈ ગઈ છે ભાષા
પ્રાસાનુપ્રાસમાં
લયના કટકા
તરે છે છાતીમાં
ને ભીંસે છે
તૂટેલા કાચ જેવી
લયની કરચો
ચૂંથાઉં છું
ને ચૂંથાતો જોયા કરું છું મને
ભૂવાના ડાકલા જેવો લય
ધૂણી લઉં છું ક્યારેક એ લયમાં
ઠરડાઈ ગયેલી પંખીની ચાંચ
ફોલે સૂરજનો દાણો
તેમ
ફોલું છું
લયને
વયને
ઘેરી વળ્યો છે લય...