ભારતીય કાવ્યસિદ્ધાંત/શબ્દશક્તિ

From Ekatra Wiki
Revision as of 07:29, 26 August 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શબ્દશક્તિ|}} આપણે સામાન્ય રીતે એમ માનીએ છીએ કે દરેક શબ્દનો કોઈ નિશ્ચિત અર્થ હોય છે, એ અર્થમાં જ આપણે એ શબ્દને પ્રયોજીએ છીએ અને એ શબ્દમાંથી એ જ અર્થનો આપણને બોધ થાય છે. દા.ત. ‘ઘોડ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
શબ્દશક્તિ

આપણે સામાન્ય રીતે એમ માનીએ છીએ કે દરેક શબ્દનો કોઈ નિશ્ચિત અર્થ હોય છે, એ અર્થમાં જ આપણે એ શબ્દને પ્રયોજીએ છીએ અને એ શબ્દમાંથી એ જ અર્થનો આપણને બોધ થાય છે. દા.ત. ‘ઘોડો’ શબ્દ બોલાતાં અમુક ચોક્કસ પ્રાણીનો આપણને બોધ થાય છે; અને ‘જવું’ શબ્દ બોલાતાં જવાની ક્રિયાનો બોધ થાય છે. પણ વ્યવહારમાં તેમજ કાવ્યમાં શબ્દ કેટલીક વાર પોતાના નિશ્ચિત અર્થથ ભિન્ન અથવા એનાથી કોઈક વિશેષ અર્થનો બોધ કરાવે છે. દા.ત. ‘એનામાં મીઠું જ ક્યાં છે’ એ વાક્યમાં મીઠું શબ્દનો એ નામનો પદાર્થ એવો નિશ્ચિત અર્થ અભિપ્રેત નથી; અહીં તો ‘અક્કલ’ કે ‘શક્તિ’ના અર્થમાં એ શબ્દ વાપરવામાં આવ્યો છે. આ રીતે શબ્દમાંથી ભિન્ન ભિન્ન પ્રકારના અર્થો પ્રાપ્ત થાય છે. તેની વ્યવસ્થા કાવ્યશાસ્ત્રીઓએ કરી છે અને એ ભિન્ન ભિન્ન અર્થો આપતી ભિન્ન ભિન્ન શબ્દશક્તિઓની પણ તેમણે કલ્પના કરેલી છે. શબ્દ જ્યારે નિશ્ચિત અર્થ આપે, ત્યારે એને ‘વાચક’ શબ્દ કરે છે, એ અર્થને ‘વાચ્યાર્થ’ કે ‘મુખ્યાર્થ’ કહે છે અને એ અર્થ પ્રાપ્ત કરાવતી શક્તિને ‘અભિધાશક્તિ’ કહે છે. જ્યારે શબ્દનો મુખ્યાર્થ વાક્યમાં બંધ બેસે નહિ ત્યારે વાક્યનો સંપૂર્ણ અર્થ પામવા મુખ્યાર્થની સાથે કોઈ ને કોઈ પ્રકારનો સંબંધ ધરાવતો નજીકનો બીજો અર્થ લેવો પડે છે. આવા શબ્દને ‘લાક્ષણિક’ કહે છે, તેમાંથી ઘટાવવામાં આવેલા અર્થને ‘લક્ષ્યાર્થ’ કહે છે અને એ અર્થ પ્રાપ્ત કરાવતી શક્તિને ‘લક્ષણા’ કહે છે. એ જ રીતે જે શબ્દમાંથી વાચ્ય કે લક્ષ્ય અર્થથી ભિન્ન એવો કોઈ અર્થ સ્ફૂરે, તે શબ્દને ‘વ્યંજક’ કહે છે, એ અર્થને ‘વ્યંગ્યાર્થ’ કહે છે અને એ અર્થ પ્રાપ્ત કરાવતી શક્તિને ‘વ્યંજનાશક્તિ’ કહે છે. આમ, આપણને નીચેનું વર્ગીકરણ પ્રાપ્ત થાય છે :

શબ્દ અર્થ શક્તિ
વાચક વાચ્યાર્થ કે મુખ્યાર્થ અભિધા
લાક્ષણિક લક્ષ્યાર્થ લક્ષણા
વ્યંજક વ્યંગ્યાર્થ વ્યંજના

શબ્દશક્તિને ‘વૃત્તિ’ કે ‘વ્યાપાર’ પણ કહેવામાં આવે છે; અને એક જ શબ્દ ભિન્ન ભિન્ન કરીતે પ્રયોજાતાં વાચક, લાક્ષણિક કે વ્યંજક હોઈ શકે છે.