નારીસંપદા : ટૂંકી વાર્તા/ખંડિત

From Ekatra Wiki
Revision as of 04:03, 22 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ખંડિત

તરુલતા મહેતા

અસહ્ય ઉકળાટમાં તે સોફામાં પડખાં ફેરવ્યાં કરતી હતી. તેણે ઘડિયાળમાં જોયું. “ઓહો ! હજી તો ચાર જ વાગ્યા છે. વિનય ગમે તેટલી ઉતાવળ કરશે તો ય છ પહેલાં તો નહિ જ આવી શકે.” તે અકળાઈને ઊભી થઈ ગઈ. બેઠકખંડની એકલતાને ટાળવા તેણે નેહાના ખંડમાં જઈ તેની ચોપડીઓ સરખી કરી. નેહાનાં કપડાં વાળતાં વિચારી રહી : “નેહા તો પ્રવાસમાં બહેનપણીઓ સાથે મઝા કરતી હશે. વિનયે જ ધડાધડ તૈયારી કરાવી તેને મોકલી હતી.” આજ સવારથી નેહા વિના તે હિજરાયા કરતી હતી. સવારે વિનય છાપું વાંચવામાં મશગૂલ હતો. અમી ચાનો કપ આપી વિનયની બાજુમાં બેસી ગઈ. દરરોજ તો નેહાની સવારની સ્કૂલને કારણે તે કામમાં રોકાયેલી રહેતી. વિનયે ટેવવશાત્ છાપામાં જ મોં રાખી હાથ લંબાવ્યો. તેણે ચાનો કપ વિનયના હાથમાં આપતાં વાર લગાડી. વિનયે પ્રશ્નાર્થભાવે તેની સામે જોયું. તેણે કહ્યું : “નેહા વગર સૂનું લાગે છે !” “તને નિરાંતે ચા પીવા તો મળી !” વિનય ફરી પાછો છાપાની જાહેરાત જોવા લાગ્યો. અમી સામે જઈને બેઠી. છાપાની પાછલી બાજુની એક જાહેરાત તરફ તેની નજર ગઈ. ‘ગુમ થયા છે.’ તેણે પગ લપસતાં બચી ગયો હોય તેમ સૂર્યકિરણોથી છલકાતી બારી જોઈ. ‘હાશ’ અનુભવી. તે વિચારતી હતી, બે એક વર્ષ પહેલાં નેહા મોસાળ ગયેલી ત્યારે તેણે અજંટા-ઇલોરા જવાની વાત કરી હતી. વિનયે ઑફિસમાંથી રજા પણ લીધેલી. છેલ્લી ઘડીએ એણે ‘મને તાવ જેવું લાગે છે’ એવું કહેલું તેથી માંડી વાળેલું. થોડી વારે વિનયે છાપું બાજુમાં મૂક્યું. અમીએ હળવાશથી કહ્યું : “આપણે બે એક દિવસ ક્યાંક ફરી આવીએ.” વિનયે કહ્યું : ‘આવી ગરમીમાં હેરાન થઈશું.” અમીએ આગ્રહ કરતાં કર્યું : “હજુ તો માર્ચ મહિનો છે. બપોરે જ જરા ગરમી લાગે છે. ક્યાંક જઈએ જ !” વિનયના ચહેરા પર અણગમો જોઈ અમી વિચારી રહી : ‘શું એ એના કામમાં જ ખોવાયેલો રહે છે કે પછી મારી જોડે ફરવામાં મઝા નહિ... ના ! ના ! એવું તો ન હોય. અમારી વચ્ચે કશું ખૂટતું નથી. વિનયનો સ્વભાવ જ જરા ગંભીર છે. બાકી મારું મન તો કેટલું સાચવે છે !’ અમીને વિચારમાં જોઈ વિનય જરા ઉત્સાહથી બોલ્યો : “કેમ નારાજ થઈ? બોલ તારી ક્યાં જવાની ઇચ્છા છે?” અમી ઘડીક અનુભવી રહી કે વિનય તેનું મન સાચવી રહ્યો છે. પણ વિનયનો પ્રસન્ન ચહેરો જોઈ બોલી : “અજંટા-ઇલોરા જવાની ઇચ્છા છે !” “અજંટાનાં ચિત્રો ફોટામાં વધુ સુંદર દેખાય છે ! ને ઇલોરાની મૂર્તિઓ ખંડિત છે. અણઘડ પ્રવાસીઓએ કોલસાથી લખેલાં તેમનાં નામો જોઈ દિલ દુભાય છે.” વિનય બોલ્યો. “હેં ! તમે ક્યારે જઈ આવ્યા?” અમીનો શ્વાસ અધ્ધર થયો. વિનયે સાંભળ્યું જ ન હોય તેમ ઝટપટ તૈયાર થઈ ઑફિસે ઊપડી ગયો. અમીને દોડીને એનો હાથ પકડવાનું મન થઈ આવ્યું હતું. એ ગયો ત્યારની એ સોફામાં જ હતી. તે ધૂંધવાઈ રહી : “શું વિનયે મારું સાંભળ્યું જ નહીં કે પછી જવાબ નહોતો આપવો?” અમીને પોતાની જાત પર ચીઢ ચઢી. આટલી નાની વાતમાં મન આળું થઈ જાય છે ! લગ્ન પહેલાં પણ કદાચ ગયો હશે. ને બધી જ વાત તેને કહેવી એવું કંઈ બંધન છે ! ખરેખર તો વિનયે તેને એટલી સાચવી છે કે તે સાવ પાંગળી જેવી થઈ ગઈ છે... ડોરબેલ રણક્યો. અમીને થયું – ‘કોણ હશે? ચારુ? શોભા? જે હોય તે. સારુ થયું કોઈક તો આવ્યું !’ બારણું ખૂલતાં જ સહેજ ખચકાટ સાથે પણ આત્મીય અધિકારથી એક યુવતી અંદર આવી ગઈ. ઉંમરના પ્રમાણમાં સહેજ વધુ ચંચળ હતી. ગોગલ્સ, ખભા પરની ઝૂલતી પર્સ, એનું હાસ્ય ને ક્ષોભરહિત વર્તન તે કોઈ કંપનીની સેક્રેટરી હોવાની છાપ ઊભી કરતું હતું. હાથમાંની સૂટકેસને બારી તરફના ખૂણામાં ગોઠવી દઈ પૂછ્યું : “મને ઓળખી નહીં ને !” અમીને લાગ્યું આ યુવતી કોઈ રમત રમી રહી છે. પોતાના ઘરમાં જ હોવા છતાં અમી સંકોચ અનુભવી રહી હતી. આ કોઈ પરિચિત સ્ત્રી જ છે પણ વેશ બદલી પૂછી રહી છે. અમી હા-નામાં ગૂંચવાતી હતી. ‘ક્યાંક જોઈ છે. વારંવાર જોઈ છે. એનું નામ હૈયે છે પણ બોલાતું નથી. હા ! યાદ આવે છે. વિનયની કૉલેજના ગ્રુપફોટોમાં. આખા ગ્રુપને એ જ હસાવતી હોય તેમ છેલ્લે ઊભેલી... મીનુ !’ એ પાણી લઈને આવી ત્યારે મીનુ નિરાંતે સોફામાં બેઠી હતી. અમીને ઈર્ષ્યા થઈ. પોતાના જ ઘરમાં એ આટલી નિરાંતથી ક્યારેય કેમ બેસતી નથી? પાણી પીતાં પીતાં મીનુ બેઠકખંડની સજાવટને જોઈ રહી. “વિનુ પહેલેથી જ શોખીન. આ વૉલપીસ એની જ પસંદગી.” ‘વિનુ’નો ટહુકો અમીના કાનમાં ક્યાંય સુધી રણકી રહ્યો. વિનયનું એ હુલામણું નામ આ ઘરમાં બા આવતાં ત્યારે જ સાંભળવા મળતું. શરૂઆતના દિવસોમાં અમી ‘વિનય’ કહી બોલાવતી ત્યારે તે ઊંઘમાંથી સફાળો જાગ્યો હોય તેમ ‘મને બોલાવ્યો?’ કહી પરાણે હસતો. મીનુ ઘરમાં ચારેબાજુ ફરી વળી. ખૂણામાં મૂકેલા દીવાનને જોઈ બોલી : “અરે ! અહીં તો પહેલાં આરામખુરશી હતી ! ને આ કૂંડું – સરસ છોડ છે. તમે ગોઠવ્યો હશે. વિનુને ઘરમાં છોડ રાખવાની ભારે ચીડ. હંમેશાં કહેતો – ‘ઘરમાં વળી છોડ રખાય? પવન પ્રકાશ વિના કેવો હિજરાય !’ ” અમીને યાદ આવ્યું કે દર રવિવારે જ્યારે છોડને બહાર લઈ જતી ત્યારે ઉત્સાહથી વિનય કૂંડું ઊંચકવા લાગતો ને અંદર લાવવાનું હોય ત્યારે એણે એકલીએ જ હંમેશાં કૂંડું ઊંચકવું પડતું. વિનયે મને કહ્યું કેમ નહીં? તેનું મન હિજરાતા છોડને બહાર લઈ જવા તડપી રહ્યું. મીનુની તાળીઓના અવાજથી તે ચમકી. બેઠકખંડની ડાબી તરફના ખૂણામાં જઈ ખોવાયેલું રમકડું જડ્યું હોય તેમ મીનુ આનંદમાં બોલી ઊઠી : “વાહ ! આ ગ્રુપ ફોટો હજુ અહીં જ છે?” વિનયે આગ્રહથી એ ફોટો ત્યાં જ રહેવા દીધો હતો. એ ફોટામાંની મીનુની એણે ઓળખાણ કરાવી હતી. “આમ તો દૂરનાં માસીની દીકરી થાય. ભારે તોફાની !” નેહાને ઘણીવાર મજાકમાં એ કહેતો : “તું મીનુ જેવી જાડી છે !” નેહા ખિજાતી, “હું ક્યાં જાડી છું?” વિનય કહેતો : “તોફાની છોકરીઓને એમ કહી ચીડવવાની મઝા આવે.” નેહા પૂછતી : “પપ્પા, મીનુ કેવી છે?” વિનય હસતો : “તારા જેવી. તારી મમ્મી જેવી ડાહી નહીં.” અમી મૂંઝાતી, વિનય તેની પ્રશંસા કરે છે ટીકા? મીનુના ઘરમાં આવ્યા પછી અમીને લાગ્યું હતું કે પવનના ઝપાટાથી ઘરમાંની બધી વસ્તુઓ વેરણછેરણ થઈ રહી છે. તેને થયું મીનુને આજે જ ક્યાંથી આવવાનું સૂઝ્યું? સવારથી તે નેહા વિના હિજરાતી હતી. તેમાં મીનુના આવ્યા પછી તો એમ લાગવા માંડ્યું કે તેને માથેથી છત જ ઊડી ગઈ છે. મીનુ બોલતી હતી : “પહેલાં અહીં તિરાડવાળો આયનો હતો. વિનુ મજાકમાં કહેતો – જો મારા બે ભાગ !” અમીએ બે હાથે માથું પકડી લીધું. “શું આ ઘરમાં હું ન હતી ત્યારે પણ ઘણું બધું હતું? વિનુ હતો. કયો વિનુ? શોખીન વિનુ. ના-ના, હું નથી જાણતી એ વિનુને.” બાર વર્ષ પહેલાંનો ભૂતકાળ આજે આ ઘરમાં છાઈ ગયો હતો. આ ચિરપરિચિત ઘર તેને અંધારી ગુફા જેવું લાગતું હતું. પ્રવેશદ્વાર આગળ જ એ થંભી ગઈ હતી. અંદરની મૂર્તિઓ કેવી હશે? હાથ-મોં ધોઈ તાજગી અનુભવી રહેલી મીનુને જોઈ તેણે કહ્યું : “હું વિનયને ફોન કરું?” “એ તો આવતો જ હશે.” મીનુ બોલી. “શું વિનયને ખબર છે?” એકદમ ક્ષીણ થઈ ગયેલા અવાજે અમીએ પૂછ્યું. મીનુના જવાબમાં પ્રસન્નતા હતી : “છે ને નથી ! હું માસીને ત્યાં જવાની હતી પણ એ અહીં આવવા જીદ કરતો હતો. કહેતો હતો મારે માટે અલગ કમરો પણ છે !” અમીએ નેહા પ્રવાસમાં ગઈ ત્યાર પછીની ક્ષણોને પુનઃ જીવી જોઈ. અપચાના ઓડકારથી જાણે તેનું મોં બગડી ગયું. નેહાને પ્રવાસમાં મોકલવા પાછળનું કારણ એ હતું કે મીનુને ખાલી કમરો મળે? વિનયના મનથી હું સાવ અજાણી જ રહું છું કે પછી હું ‘મારા પતિ વિનય’ના વર્તુળની બહાર કશું જોતી જ નથી? બહારના દરવાજે સ્કૂટરનું હોર્ન સંભળાયું. મીનુ ઉમંગથી બારણું ખોલવા ઊભી થઈ. અમીને પોતાનો અધિકાર છિનવાઈ જતો લાગ્યો. મીનુ બોલી ઊઠી : “જો અમી, વિનુ આવી ગયો ને ! ગમે તેટલો મોટો સાહેબ થાય પણ હું આવું એટલે વહેલો આવે જ !” અમી સ્વગત બબડી રહી : “આ બધું હું નથી જાણતી.” એના વિનય પરના કોઈના અજ્ઞાત આક્રમણથી એ ભયભીત બની હતી. વિનયના હાથમાં બે-ત્રણ પૅકેટ હતાં. ઑફિસેથી આવ્યો છતાં ચહેરો ખીલી ઊઠેલો હતો. વિનયનો આ તરવરાટ-પ્રસન્નતા જોવા તે હંમેશાં ઝૂરતી હતી. વિનયે એક પૅકેટનો ઘા મીનુ પર કરતાં કહ્યું : “કેમ બહુ મોંઘાઈ કરતી હતી?” મીનુએ કહ્યું : “એ તો તેં છેલ્લી ચેતવણી આપી કે જો આ વખતે નહીં આવું તો મુંબઈની મુલાકાત બંધ, તેથી જ આવી !” વિનયે જવાબ આપ્યો : “હું ય કેટલાં કામમાંથી સમય કાઢીને તારે ત્યાં આવું છું. એકલાં મિસિસ મીનાક્ષી દેસાઈ જ બીઝી હોય એવું નથી.” સોફાના ખૂણામાં બેઠેલી અમી ઝંખવાઈ. તે વિચારતી હતી વિનય ઑફિસના કામે મુંબઈ તો જાય છે... મીનુને મળ્યાની વાત કેમ ન કરી? ‘મુંબઈની મુલાકાત’ શબ્દો જાણે સ્કૂટરના હોર્નની જેમ તેને વારંવાર ચમકાવતા હતા. વિનયે અમીનો મુંઝાયેલો ભયભીત ચહેરો જોયો. તેણે સભાન થઈ અમીને વાતમાં જોડતાં કહ્યું : “અમી, આ મીનુનું ઠેકાણું જ નહીં એટલે જ તને વાત નહોતી કરી !” અમીને લાગ્યું વિનય તેને ખુલાસો આપી સાચવી રહ્યો છે. તે સ્વસ્થ થઈને રસોડામાં જતી હતી ને વિનયે બૂમ પાડી : “અમી, આજે તારે આરામ ! આ ડબ્બો લાવ્યો છું તેમાંથી મીનુ બીન્સ બનાવશે,” “કૉલેજના દિવસો યાદ આવ્યા. અમી, આ વિનુ બા ન હોય ત્યારે આવું તેવું ખાઈ લેતો –” મીનુના શબ્દોમાં હાસ્ય છલકાતું હતું. વિનય બોલ્યો : “તુંય હૉસ્ટેલમાં એવું જ ખાતી હતી ને? હવે બનાવવાનું ભૂલી તો નથી ગઈ ને?” “અમર બહારગામ ગયો હોય ત્યારે બીન્સ બનાવીને ખાઈ લઉં. પ્રૅક્ટિસ રહે માટે જ.” મીનુએ કહ્યું. ડબ્બાનું ઢાંકણ કાપવા કેન-કટર માટે મીનુએ નજર ફેરવીને પછી વિનયને કહ્યું : “ડબ્બાનું ઢાંકણ તો તારે જ ખોલી આપવું પડતું તે ભૂલી ગયો?” “અમીના ઘરમાં હું તો શોભાનો જ છું.” કહી વિનય લાચાર ઊભો રહ્યો. અમી કેમ-કટર ગોળ ફેરવીને સંભાળથી ડબ્બાનું પતરું કાપતી હતી છતાં એને આંગળી કપાયાની વેદના થઈ આવી. મનમાં વિચારી રહી રહી – ‘શું મેં કદી ઘરના કામમાં એની મદદ લીધી જ નથી કે પછી એને સમય જ ન હતો !’ અમીના બુઝાતા ચહેરાને જોઈ મીનુ બોલી : “અમી, અમર પણ આવો જ છે. ઘરમાં કદી ધ્યાન આપવું નહીં ને આપણો વાંક કાઢવો !” જમવાનું પતાવી ત્રણે જણાં બેઠાં ત્યારે અમીને લાગ્યું સવારે નેહા વગર ઘર સૂનું લાગતું હતું છતાં એ ભરી ભરી હતી. અત્યારે ઘર ભર્યું ભર્યું લાગે છે પણ એ પોતે જ ઘરમાં નથી. વિનયે અમીને પૂછ્યું : “કેમ નેહા સાંભરી કે શું? જો આ અજન્ટા-ઇલોરાની બસના રિઝર્વેશનની ટિકિટ !” અમીના હાથમાં ટિકિટો હતી – ત્રણ ! અમી એકદમ ધીરેથી બોલી : “મેં તો અમસ્તું જ કહેલું.” વિનય બોલ્યો : “હવે તો જવાનું જ. બોલ મીનુ, તારો શું કાર્યક્રમ છે? આવવું છે અમારી સાથે?” મીનુ સહેજ દબાયેલા અવાજે બોલી : “ના, મારે ફરી એ ગુફાઓમાં નથી આવવું.” વિનયના અવાજમાં ભીનાશ હતી : “મને ખબર છે તને ખંડિત મૂર્તિઓ જોઈને શું થાય છે.” મીનુ બોલી : “એ વાત જ મને વેદના આપે છે. કલાકારના પ્રાણને કચડી નાંખતા એ નિષ્ઠુર આક્રમણકાર કેવા હશે?” મીનુની ચંચળ-તોફાની પ્રકૃતિનું નવું પાસું જોઈ અમી આશ્ચર્ય અનુભવી રહી. સહેજ ગંભીર થઈ વિનય બોલ્યો : “મીનુ, તું વધારે પડતી ઊર્મિશીલ છે. મૂર્તિની રચના જેમ ઇતિહાસની ઘટના છે તેમ તેના પરનું આક્રમણ પણ.” અમીને સવારે વિનય સાથે થયેલી વાત યાદ આવી. તે અનુભવી રહી કે ખરેખર તો વિનયને પણ ખંડિત મૂર્તિઓ જોઈને દુઃખ જ થયેલું. છતાં પોતાને ખાતર કાલે જવા તૈયાર થયો છે ! વિનય બોલતો હતો : “ખંડિત મૂર્તિઓનું પણ કેવું વેદનામય આકર્ષણ છે !” મીનુ અને વિનયને અમી જોઈ રહી. મીનુ આવી ત્યારથી એના પર કોઈ આક્રમણ થયું હતું. તેણે નિરાંતે ઘડેલી ‘વિનય’ની મૂર્તિ ખંડિત થઈ રહી હતી. પણ હવે તેને લાગ્યું વિનયના જીવનની મહત્ત્વની ઘટનામાં હવે તે સામેલ થઈ છે. વિનયનાં તરવરાટ અને પ્રસન્નાતને તેણે જોયાં. તેના શોખ-રસ જાણ્યા. ખરેખર તો તેણે પહેલાં ઘડેલી મૂર્તિ જ ખંડિત હતી. હવે પૂર્ણ થઈ... ના ના જીવનમાં પૂર્ણતા ક્યાંથી? અમી ધીમે ધીમે કોઈ આઘાતની કળમાંથી સ્વસ્થ થઈ રહી. વિનયમાં રહેલા વિનુના સાક્ષાત્કારથી તાજગી અનુભવી રહી.

વાર્તા અને વાર્તાકાર :

તરુલતા મહેતા

બે વાર્તાસંગ્રહ :

1. સંબંધ (2017) 19 વાર્તા
2. વિયોગે (2015)