અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સ્નેહરશ્મિ'/હાઇકુ

From Ekatra Wiki
Revision as of 04:58, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


હાઇકુ

સ્નેહરશ્મિ


ઝાપટું વર્ષી
શમ્યું; વેરાયો ચંદ્ર
ભીના ઘાસમાં.

ફરતી પીંછી
અંધકારની : દીપ
નહીં રંગાય.

નવવધૂએ
દીપ હોલવ્યો : રાત
રૂપની વેલ.

રાત અંધારી :
તેજ-તરાપે તરે
નગરી નાની.

વાળવી વાડી
શી રીતે! — પાનખર
ઘડી ન જંપે!

તરતું જાય
હવામાં પંખી ગાતું :
નભ રંગાતું.

સૂકેલી ડાળે
પોપટ બેઠો : પાન
ચોગમ લીલાં.

પતંગિયું ત્યાં
થયું અલોપ : શૂન્ય
ગયું રંગાઈ.

ઊગે સોનેરી
ચાંદ : સૂરજ થાય
રૂપેરી રાતો!
૧૦
છાપરું ચૂવે :
ભીંજે ખોળામાં બાળ
માનાં આંસુથી.
૧૧
સમીર ગયો
પકડાઈ તું કંપ
મહીં પર્ણોના!
૧૨
ભરું પાણીડાઃ
સવા લાખની મારી
ચૂંદડી કોરી
(સકલ કવિતા, પૃ. ૨૫૩, ૨૫૫, ૨૫૬, ૨૬૨, ૨૭૦,
૨૭૮, ૨૭૯, ૩૨૧, ૩૨૫, ૫૧૬, ૫૨૨)