ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/વસંતવિજય — કાન્ત

From Ekatra Wiki
Revision as of 00:03, 9 October 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
વસંતવિજય

કાન્ત

કવિ કાન્તનું ‘વસંતવિજય’ આપણી ભાષાનાં શ્રેષ્ઠ કાવ્યોમાંનું એક છે. રાજા પાંડુને એવો શાપ હતો કે સ્ત્રીસમાગમ કરે તો મૃત્યુ પામે. પાંડુ તેમની પત્નીઓ કુંતી અને માદ્રી સાથે બ્રહ્મચર્યવ્રતનું પાલન કરીને, ગિરિવનની પર્ણકુટિમાં વસતા હતા.

નહીં નાથ! નહીં નાથ! ન જાણો કે સવાર છે!
આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે.

કાવ્યનો નાટ્યાત્મક ઉઘાડ થાય છે: માદ્રી બોલી ઊઠી, ક્યાં ચાલ્યા નાથ? હજી ભળભાંખળું થયું નથી. દુ:સ્વપ્નથી વિચલિત થયેલા પાંડુ કુટિર બહાર વિચરવા લાગ્યા. ક્ષણ પૂરતી જાગ્રત થઈને માદ્રી ફરી પાછી સૂઈ ગઈ. અમંગળ બનાવ માટે સાવધાન રહેવાનું કવિ જાણે સૂચવે છે. ફરતાં ફરતાં પાંડુ આવ્યા સરોવર સમીપે, જેનું નામ તેમણે આપેલું ‘માદ્રી વિલાસ’. શું તેમનું અજાગૃત મન તેમને તાણી લાવ્યું? પાંડુ ડૂબતા ચાલ્યા, પૂર્વકાલીન સ્મૃતિઓમાં. તેવામાં ‘કોલાહલ થવા લાગ્યો અરુણોદયથી બધે’. કાળો પરદો હળવે હળવે ખૂલ્યો; વૃક્ષો-ઝરણાં-શિખરો દેખાયાં, પ્રભાત થયું: ‘અરે! શું આટલો કાલ નિષ્કારણ વહી ગયો!’ આવું વિચારતા પાંડુને શું અભિપ્રેત હશે? સરોવરતીરે વેડફાયેલા કલાકો? કે પ્રણયક્રીડા વિના વેડફાતું આયુષ્ય? પાંડુને પગરવ સંભળાયો, આવી રહેલી વસંતનો. તેમનું ધૈર્ય ડગમગવા લાગ્યું.

સૃષ્ટિ સૌંદર્યને જોતાં કૈં રોમાંચ થયું હતું,
ઘણા દિવસનું પેલું યોગાંધત્વ ગયું હતું.

યોગને કારણે આવેલું અંધત્વ ગયું અને પાંડુને નવ્ય દૃષ્ટિ મળી. તેમણે શું જોયું? ‘ઊડે, દોડે, એવી જલચર કરે ગમ્મત ઘણી’. સ્થિર પડી રહેલા સરોવરમાંથી હવે ચૈતન્યના ફુવારા ઊડવા લાગ્યા. વસુધા ઋતુમાં આવી. પાંડુએ સ્નાન કરીને વૃત્તિઓને શાંત પાડી. સંન્યાસ ધર્મનો શુકપાઠ કર્યો, ‘સૌંદર્ય શું? જગત શું? તપ એ જ સાથી’. નિત્યભોજન પછી લગરીક વામકુક્ષિ કરી. પડખેની પર્ણકુટીમાં જઈને જોયું તો કુંતી બહાર ગયાં હતાં. એકલી ઊભેલી માદ્રી કેવી દેખાતી હતી?

ઝીણા વલ્કલને આજે એણે અંગે ધર્યું હતું
નહીં લાવણ્યને ઓછું વનવાસે કર્યું હતું.

‘ઝીણા વલ્કલને એણે ધર્યું હતું’ એવું કવિ કહી શક્યા હોત. પરંતુ ‘અંગે’ ઉમેરીને એમણે શૃંગારને ઉપસાવ્યો છે. અદમ ટંકારવી સહેજે સાંભરે:

જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી
લીમડાની ડાળ મીઠી થઈ ગઈ.

પાંડુ રાજાપાઠમાં આવી ગયા. તેમણે માદ્રીને અનુનય કર્યો, ચાલને ઉપવનમાં ટહેલવા. ચોતરફ ‘ઉત્તુંગ નમ્ર સહકાર દીસે ઘણાય…’ વેલીઓ વૃક્ષને વીંટળાતી હતી, પારેવાં ચાંચમાં ચાંચ પરોવતાં હતાં. ‘ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય’. કોકિલગાન સાંભળીને પાંડુ ડોલી ઊઠ્યા, બોલી ઊઠ્યા, ‘પ્રિયે, તુંયે પંચમવૃષ્ટિ કર’. શંકા-કુશંકા કરતી, ખચકાતી માદ્રીએ ગાન શરૂ કર્યું. વૃક્ષોએ પાન કર્યા સરવાં, વાતાવરણમાં ખંજન પડયું.

પ્રિયે! માદ્રી! આહા! સહન મુજથી આ નથી થતું
નહીં મારે જોઈએ તપફલ, ભલે એ સહુ જતું
ચલાવી દે પાછી મધુર સ્વરની રમ્ય સરિતા
છટાથી છોડી દે! અરર! ક્યમ રાખે નિયમિતા?

આ ઉદ્બોધન નહીં પણ ઉદ્ગાર છે, એમાં તર્ક નહીં, પણ ઊર્મિનો અર્ક છે. પાંડુ પ્રેમની પળ માટે સકળ આયુષ્ય જતું કરવા તૈયાર થઈ ગયા. કવિએ માદ્રીના મુખમાં મૃત્યુ પહેલાંનો મરસિયો મૂક્યો છેઃ

‘રે હાય! હાય! નહીં નાથ, નહીં,’ કહીને
છૂટી જઈ ભુજ થકી અળગી રહી તે
રાજાના અસ્તિત્વ ઉપર પ્રણયપતાકા ફરફરવા લાગી.
પ્રિયા! પ્રિયા! પ્રિયા! તારા હાથમાં સર્વ હાય રે!
ત્વરાથી દેહ જોડી દે: આ તો નહીં ખમાય રે!

થવાકાળ તે થઈ ગયું. ‘ઝંપલાવી પડી માદ્રી નરેન્દ્ર ભુજની મહીં’, કવિ અહીં પાંડુને ‘રાજા’ નહીં પણ ‘નરેન્દ્ર’ કહે છે. ‘નરેન્દ્ર’ સમાસમાં પહેલાં ‘નર’ આવે, ઇન્દ્ર તો પછી આવે. આને લીધે પાંડુનું મૃત્યુ થયું એવો ઉલ્લેખ સુધ્ધાં કવિ કરતા નથી. આ પ્રેમકાવ્ય છે, નહીં કે મરણનોંધ. ૧૬૬ પંક્તિના આ ખંડકાવ્યમાં ભાવપલટો આણવા કવિએ અનુષ્ટુપ, શિખરિણી, વસંતતિલકા, સ્રગ્ધરા અને શાર્દૂલવિક્રીડિત જેવા છંદ પ્રયોજ્યા છે. એક વાર કાકાસાહેબ કાલેલકરે કાન્તને પૂછેલું, ‘તમારા કાવ્યમાં થાય છે શું? વસંતવિજય કે નીતિપરાજય?’ ઉત્તરમાં કાન્તે માત્ર સ્મિત કરેલું કાન્તને સ્થાને તમે હોત તો કાકાસાહેબને શો જવાબ આપત?

***