અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાસ્કર વોરા/અધૂરી ઓળખ

From Ekatra Foundation
Revision as of 05:14, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


અધૂરી ઓળખ

ભાસ્કર વોરા

         મારું મન એકલું નાચે રે!
કોઈ છકેલા છંદે છાનું
                  રંગમાં રાચે રે!
         મારું મન એકલું નાચે રે.
કોઈ હૈયાનું ફૂલ બની એ
         ફોરતું રાન વેરાન;
કોઈના નેણે નેણ પરોવી
                  વ્હોરતું તેજ-તુફાન.
         અજાણ્યું ઉર શું વાંચે રે!

         મારું મન એકલું નાચે રે.
કોઈના રૂપે પાગલ થાતું
                  અણસારે શરમાય;
કો અધખુલ્લા અધરે એની
                  ઓળખ એળે જાય
         ઝાઝેરું કાંઈ ના જાચે રે!
કંઈક મારે સોણલે રહેજો
                  કંઈક સાચે રે!
         મારું મન એકલું નાચે રે.

(સ્પંદન, ૧૯૫૫, પૃ. ૯)