ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/પત્રસાહિત્ય

From Ekatra Wiki
Revision as of 14:35, 23 October 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પત્રસાહિત્ય

પત્રોના સાહિત્યને ચરિત્રવિભાગમાં આવરી લેવામાં આવે છે માત્ર એક જ કારણે. અને તે એ કે લેખકના ચરિત્ર માટેની કેટલીક પ્રમાણભૂત સામગ્રી તેના પત્રો પૂરી પાડે છે. બાકી ચરિત્ર કે આત્મકથાના આલેખન માટે શ્રમ, અભ્યાસ, સ્મરણશક્તિ કે દીર્ઘ ચિંતનની જે અપેક્ષા રહે છે. તેની પત્રના સ્વરૂપસર્જન માટે જરૂર નથી. પત્રમાં લેખકહૃદયના ઊંડા ભાવો વિચારો અને સ્વયંભૂ સંવેદનો નિખાલસપણે છતાં વેધકતાથી આવિષ્કાર પામેલ હોય તો તે પત્રના સાહિત્ય પૂરતું બસ ગણાશે. એ રીતે પત્રનો સાહિત્યપ્રકાર કંઈક સરલ અને વિચાર, ઊર્મિ કે મનોભાવના સીધા કથનને વેગ આપતો હોવાથી ખટમધુરી લીલી દ્રાક્ષના જેવો છે. આ દાયકામાં પત્રસંગ્રહનાં ચાર પુસ્તકો પ્રગટ થયાં છે. ‘આશ્રમની બહેનોને’ (ગાંધીજી); 'શ્રી. નેત્રમણિભાઈને (કાલેલકર); ‘અખંડાનંદજીના પત્રો અને ‘લિ. સ્નેહાધીન મેઘાણી'. આમાંનું પહેલું તેના પત્રલેખક ગાંધીજીની સાફ, સીધી અને પ્રેરક વિચારણા તથા સાદી સરલ લાઘવયુક્ત પારદર્શક ગદ્યશૈલીને કારણે મનનીય છે, તો બીજું તેના લેખક કાલેલકરની કર્મયોગની, રસયોગની, સંગીતપ્રેમની, ધાર્મિકતાની અને રાષ્ટ્રસેવાની ભાવનાઓને સ્પષ્ટ રજૂ કરતું હોવાથી વિચારપ્રેરક છે. ત્રીજું વર્ષો સુધી આમ પ્રજાને ધર્મ અને સાહિત્યાભિમુખ કરવાના હેતુથી જેમણે વિવિધ પ્રવૃત્તિઓ આરંભેલી તે શ્રી. અખંડાનંદની ઈશ્વરનિષ્ઠા, દૃઢ મનોબળ, વ્યવહારદક્ષતા, લોકસેવાની ભાવના અને સાધુતાનું નિદર્શન કરે છે. ત્રણે પુસ્તકોમાં સંઘરાયેલા પત્રો તેમના કર્તાઓની ધાર્મિકતા, સ્વદેશપ્રીતિ અને સાત્ત્વિક જીવનદૃષ્ટિની છાપ પાડે છે. પણ એ પત્રસંગ્રહોથી વધુ ઉષ્માવાન, હૃદયના આગળા ખુલ્લા મૂકીને મનોભાવોને મુક્તપણે વહેવા દેતા સ્વ. મેઘાણીના પત્રો છે. સાહિત્ય તેમ જ ઈતર ક્ષેત્રોમાંની જુદી જુદી ૩૮ વ્યક્તિઓ ઉપર મેઘાણીએ લખેલા કુલ્લે ૧૭૬ પત્રોનો આ સંગ્રહ તેના લેખકની નિર્વ્યાજ, ઉષ્માભરી, અનૌપચારિક, ઉત્કટ લાગણીયુક્ત શૈલીને કારણે મનોહર બન્યો છે. ઉપરના પત્રસંગ્રહોમાં વિચારોનાં ફોરાં ફરફરે છે, તો આ સંગ્રહમાં ઊર્મિઓના, મનોભાવોના ધોધ વહે છે. બધા પત્રો પૈકી ઉમાશંકર અને ધનસુખલાલ ઉપરના મેઘાણીના પત્રો શ્રેષ્ઠ કોટિના છે. એમાં તેમના ગૃહજીવનની વિષમતાની કરુણ છાયા અને સર્જક મેઘાણીના સુકોમળ દિલની આર્દ્રતા પ્રગટે છે. એ પત્રોમાં અત્મદર્શનનો તલસાટ, અંગત નિર્બળતાનો નિખાલસ એકરાર, સૌજન્ય-નીતરતો મધુર સમભાવ, તેમ જ નમ્રતા અને ઉદારતા સમેત મેઘાણીનું સંસ્કારસંપન્ન વ્યક્તિત્વ ઝગારા મારે છે. આ પત્ર મેઘાણીના સાહિત્યિક વ્યક્તિત્વના અભ્યાસીને તેમ તેના ભાવિ ચરિત્રકારને અવશ્ય ઉપયોગી નીવડશે. કલાપી, કાન્ત, બાલાશંકર અને સાગરના પત્રોની જેમ મેઘાણીના પત્રો પણ તેમાંના સુકોમળ અને રસાત્મક નિરૂપણને લીધે ગુજરાતી પત્રસાહિત્યમાં અનોખી ભાત પાડે છે. આમ એકંદરે, આ દાયકાનો ચરિત્રવિભાગ તેના ઉપ-પ્રકારોના વિવિધ સફળ પ્રયોગો, પ્રેરક ચિંતન-સામગ્રી અને રસાળ શૈલીને કારણે અગાઉના કોઈ પણ દાયકાથી સમૃદ્ધ છે. ‘મહાદેવસાઈની ડાયરી’ ભા. ૧, ‘અડધે રસ્તે,' ‘જીવનનું પરોઢ’, ‘સરદાર વલ્લભભાઈ’ અને ‘લિ. સ્નેહાધીન મેઘાણી’ જેવી વિશિષ્ટ કૃતિઓ ગયા દાયકાના ગુજરાતી ચરિતસાહિત્યના ભૂષણરૂપ ગણાય તેવી કૃતિઓ છે.