અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણલાલ શ્રીધરાણી/પતંગિયું ને ચંબેલી
કૃષ્ણલાલ શ્રીધરાણી
‘મળું મળું વ્હાલાને ક્યારે?
વીંટળાઉં ક્યારે?’ ઘેલી,
કોડભરી આવા ઉરમાં કૈં
લળતી આશભરી વેલી.
મુખ પર પુષ્પ કરે કેલી!
ફૂલરાણી શી ચંબેલી!
આરસનોયે અર્ક કરીને
બ્રહ્માએ આલેખ્યું રૂપ
સરસ્વતીની વેણીમાંથી,
ફૂલમાં પૂર્યા ગંધ અનુપ.
ફૂલડાંને ઊ઼ડવા આકાશ!
પાંખ વિના પૂરે શેં આશ?
મેઘધનુષી પાંખોવાળા
પતંગિયાને ભાળી પાસ;
ચંબેલી મલકંતી પૂછે,
‘એક જ મારી પૂરશો આશ?
મારો દેહ તમારી પાંખ —
એક બનીને ઊડશું આભ?’
ચંબેલીનો દેહ રૂડો, ને
પતંગિયાની પાંખ ધરી;
અવની, આભ, અનંતે ઊડે,
મલકંતી મ્હેકંતી પરી,
પતંગિયું ને ચંબેલી!
એક થયાં ને બની પરી!
(કોડિયાં, પૃ. ૨૩૧-૨૩૨)