ગુજરાતી સૉનેટકાવ્યો/ગુજરાતી સૉનેટ કવિતા

From Ekatra Wiki
Revision as of 03:29, 8 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ગુજરાતી સૉનેટ કવિતા

મણિલાલ હ. પટેલ

સૉનેટ કાવ્ય ઊર્મિ કવિતાનો એક નોખો પ્રકાર છે. એકવીસમી સદીની પ્રથમ પચ્ચીસી સુધી આવતા ગુજરાતી સૉનેટ કવિતા પોતાનાં એકસોને છત્રીસ વર્ષ પૂરાં કરે છે. આ કાવ્યસ્વરૂપનો ઇતિહાસ ઉજળો હોવા સાથે સૉનેટ સંખ્યા અને કાવ્યગુણવત્તા ઊભય દૃષ્ટિએ ઘણો સંતર્પક રહ્યો છે. કહી શકાય કે અર્વાચીન ગુજરાતી કવિતાના વિકાસને બધી રીતે સમૃદ્ધ કરવામાં ગુજરાતી સૉનેટ કવિતાનો મોટો હિસ્સો છે. પરદેશી કાવ્યછોડને ગુજરાતીની કાવ્યભોંય ઘણી અનુકૂળ બની છે. આપણો કોઈપણ પ્રમુખ અને ગૌણ છતાં ધ્યાનપાત્ર એકેય કવિ એવો નથી જેણે એકાદ-બે પણ સફળ સૉનેટકાવ્યો ન રચ્યાં હોય! સૉનેટ આપણે ત્યાં વીસમી સદીના મધ્યભાગ સુધી – છેક સિત્તેરનાં વર્ષો લગી – કવિપ્રિય તથા ભાવકપ્રિય કાવ્યપ્રકાર રહ્યો છે. આપણા બ. ક. ઠાકોર, ઉમાશંકર, સુન્દરમ્‌, નિરંજન ભગત, રાજેન્દ્ર શાહ, ઉશનસ્‌ તથા જયંત પાઠક જેવા મહત્ત્વના કવિઓએ સૉનેટને ખાસ્સાં લાડ લડાવ્યાં છે; તે ત્યાં સુધી કે ઉશનસ્‌ તો વીસમી સદીના છેલ્લા દિવસોમાં ય સૉનેટથી વિમુખ નથી થયા. પ્રહ્‌લાદ પારેખ, બાલમુકુન્દ દવે, ચં. ચી. મહેતા, રમણીક અરાલવાળા, નલિન રાવળ જેવા કવિઓએ પણ સૉનેટકવિતા સિદ્ધ કરી છે. આધુનિકતાના ગાળામાં, ઉશનસ્‌-જયન્ત પાઠક જેવા પ્રમુખ અને બીજા પણ દેવેન્દ્ર મહેતા જેવા ગૌણ કવિજનોના અપવાદો બાદ કરતાં, સૉનેટકવિતા કૈંક વિસારે પડેલી દેખાશે. પણ સિત્તેરનાં વર્ષો પછી નવ કવિઓ-ભાનુપ્રસાદ પંડ્યા, રામચન્દ્ર પટેલ, વિનોદ જોશી, કનૈયાલાલ, હરિકૃષ્ણ પાઠક, મણિલાલ હ. પટેલ તથા ડાહ્યાભાઈ પટેલ-‘માસૂમ’, સંધ્યા ભટ્ટને હાથે સૉનેટકવિતા પુનઃ પોતાની જગા કરતી દેખાય છે. ગાંધીયુગ-અનુગાંધીયુગમાં ને એ પછી અનુ-આધુનિક કેટલાંક કવિઓએ સૉનેટ લખ્યાં છે, ખાસ યાદ કરવા જેવી વાત એ છે કે ૧૯૯૯માં પ્રકાશિત-‘આવાગમન’ સંચયમાં ચન્દ્રકાન્ત ટોપીવાળાનાં નવાં સૉનેટકાવ્યો ધ્યાન ખેંચે છે. એકાદ-બે પણ સરસ સૉનેટ આપનારા કવિઓની સંખ્યા પણ ઠીક ઠીક છે. ગુજરાતી કવિતામાં સૉનેટ આમ અડધી સદીથી ય વધુ વખત અખંડ પ્રવાહ રૂપે પૂરી કાવ્યપ્રીતિથી, ને પછીનાં વર્ષોમાં ય ઓછાવત્તા સાતત્ય સાથે પણ કાવ્ય સિદ્ધ કરવાની જિકરથી ખેડાતું રહ્યું છે એ ઘટના સ્વયં ઇતિહાસ છે એમ જ કહેવાનું પ્રાપ્ત થાય છે. આજે એમ.એ.ના વિદ્યાર્થીઓ સાથે ઘણા અધ્યાપકોને પણ છંદોની જાણકારી જ નથી ત્યારે છંદોમાં જ અભિવ્યક્તિ પામતી સૉનેટ કવિતાની વર્ગમાં શી હાલત થતી હશે? એવો વિચારમાત્ર કંપાવી દે છે. અહીં એટલે જ એક વાત નોંધવાનું મન થાય છે કે ‘ભણકારા’ કાવ્ય બ. ક. ઠાકોરે ઓગણીસ વર્ષની વયે, ઉમાશંકર જોશીએ ‘નખી સરોવર ઉપર’ સૉનેટ તથા નિરંજન ભગતે ‘હૃદયની ઋતુઓ’ જેવું સદાબહાર સૉનેટકાવ્ય- માત્ર સત્તર વર્ષની વયે સરજ્યાં હતાં! પ્રતિભા અને વ્યૂત્પત્તિ ઉભયનો અહીં મહિમા છે. કવિતાને સંખ્યા દૃષ્ટિએ માપી-મૂલવી ન શકાય છતાં રસપ્રદ વિગતો લેખે નોંધતાં આનંદ થાય છે કે બળવંતરાય ઠાકોરે આશરે પોણાબસો સૉનેટ લખ્યાં હતાં. ઉમાશંકર-સુન્દરમ્‌ની સૉનેટરચનાઓ પણ શતાધિક થાય છે તો ગુજરાતીમાં સૌથી વધુ સંખ્યામાં સોનેટ-પાંચસોથી ય વધારે સૉનેટો-રચનાર ઉશનસ્‌-આજે પણ સારું સૉનેટ આપીને આપણને ચોંકાવી દે છે. ઉશનસ્‌નાં સૉનેટ માત્ર સંખ્યાદૃષ્ટિએ જ વધારે છે એવું નથી – ખરેખર તો વિષય અને રૂપના વૈવિધ્ય સાથે ઉત્તમ સૉનેટકાવ્યો અને સૉનેટમાળાઓ પણ ઉશનસ્‌માં જ વધારે મળે છે....એમનાં ઘણાં સૉનેટો કાવ્યત્વથી સમૃદ્ધ છે. જયંત પાઠક પણ એવા જ સફળ સૉનેટકાર રહ્યા છે. સંખ્યાદૃષ્ટિએ તો ખબરદારે પણ બસ્સો જેટલાં સૉનેટ (‘નન્દનિકા’માં) આપ્યાં છે. પણ આ સૉનેટો બહુધા આધારિત અને સૉનેટત્વ તથા કાવ્યત્વ ઉભય દૃષ્ટિએ ઊણાં ઊતર્યા છે. એની સામે કવિ ‘કાન્ત’નું ‘ઉપહાર’ સૉનેટ ખરા અર્થમાં ‘એકે હજારાં’- જેવું અડીખમ છે. બ. ક. ઠાકોર પૂર્વે પારસી કવિ જહાંગીર પીટીટે ચૌદ પંક્તિનાં કાવ્યો આપેલાં (જે ‘મારી મજેહ’-માં છે.) પણ અહીં પંક્તિ-પ્રાસનું સુગ્રથન નથી, સૉનેટમાં અનિવાર્ય એવો ભાવ-અર્થનો આંતરિક વળાંક/મરોડ પણ નથી. અંગ્રેજી કવિતાનું એમાં કાચું અનુકરણ છે તથા પારસી બોલીનો ભાષાબંધ પણ શિથિલ છે. કવિમાં સૉનેટ રચવાની સભાનતા નથી ને સૉનેટત્વ તો જવા દો એ કાવ્યાભાસી રચનાઓમાં કવિત્વ પણ નથી. રાજેન્દ્ર શાહ-નિરંજન ભગતે પ્રમાણમાં ઓછાં પણ ઉત્તમ સૉનેટકાવ્યો આપ્યાં છે. તો નલિન રાવળ-બાલમુકુન્દ-પ્રહ્‌લાદથી લઈને છેક વિનોદ જોશી સુધીના ગાળામાં ઓછીવધતી સૉનેટરચનાઓ આપનારા સૌ કવિઓમાં બેત્રણચાર સુન્દર સૉનેટકાવ્યો તો મળ્યાં જ છે. આ ભૂમિકા સાથે આપણી સૉનેટસમૃદ્ધિ વિશે થોડો વધુ વિચાર કરી શકાશે. અંગ્રેજીમાં સૉનેટ મહદંશે પ્રેમ કે તદ્‌વિષયક ચિંતનાદિને લક્ષમાં રાખીને રચવાનું વલણ ઘણા સમય સુધી હતું એમ કહેવાય છે. જ્યારે ગુજરાતીનું પ્રથમ સૉનેટ ‘ભણકારા’ પ્રકૃતિસૌંદર્યની રમણીયતા સાથે કાવ્યસર્જન-પ્રક્રિયાની ગૂઢતાને અભિવ્યક્ત કરવામાં સફળ રહે છે. ગુજરાતી સૉનેટ-કવિતામાં મજાની વાત છે તે તો છે વિષયવૈવિધ્યની અને સાથે અભિવ્યક્તિરીતિ/રૂપના વૈવિધ્યની પણ! પંડિતયુગમાં ઠાકોરના સમકાલીનો (ખબરદાર જેવા નિષ્ફળ અપવાદ સિવાય) સૉનેટ તરફ ખાસ આકર્ષાયા નથી. પણ એકલા ઠાકોરે વિષયવૈવિધ્ય અને રીતિવૈવિધ્યથી સૉનેટને અને એ દ્વારા ગુજરાતી કવિતાને રળિયાત કર્યાં છે. પ્રકૃતિ, પ્રેમ, દામ્પત્ય, વાર્ધક્ય, મૃત્યુ, કવિ અને કવિતા જેવા અનેક વિષયો લઈને ઠાકોરે સૉનેટ રચ્યાં. સ્થળ, પ્રસંગ અને વ્યક્તિઓ વિશે પણ એમણે સૉનેટરચનાઓ કરી છે. ઘણીવાર શુષ્કતા અને કાવ્યત્વનો અભાવ એમની મર્યાદાઓ બન્યાં છે. પણ વિચારપ્રધાન તથા અર્થઘન કવિતાનો પ્રચાર-પ્રસાર કરવામાં સૉનેટનું માધ્યમ કવિને ઘણું ખપે લાગ્યું છે એ ચોક્કસ. છંદોને પ્રવાહી કરવા તથા અગેયતા સિદ્ધ કરવા માટે પણ એમને સૉનેટ ખપે લાગ્યાં છે – ખાસ તો પૃથ્વી છંદમાં એમણે કરેલી અનેક સૉનેટ રચનાઓને આ દૃષ્ટિએ પણ જોઈ શકાય એમ છે. ‘ભણકારા’ આપણું પ્રથમ અને ઉત્તમ સૉનેટકાવ્ય છે. એના અષ્ટકમાં પ્રકૃતિની રમણીયતાનું સુચારુ આલેખન સહજ રીતે થયું છે – એ સ્વાભાવિક અભિવ્યક્તિમાં રહેલો પ્રભાવ પ્રસન્નકર છે. ઉપમા-ઉત્પ્રેક્ષાઓ કરતાંય ત્યાં સ્વભાવોક્તિની ચારુતા અનવદ્ય છે. ષટ્‌કમાં સર્જનપ્રક્રિયાની ગૂઢતાને ભારે નજાકતતાથી કવિએ શબ્દોમાં ઝિલી છે... (આવું જ કવિકર્મ ઉમાશંકરે ‘નખી સરોવર ઉપર શરત્‌ પૂર્ણિમા’-માં ઠાકોરનો પ્રભાવ ઝીલીને ય ઉપર ઊઠતાં સ્વકીય મુદ્રા ધારીને દાખવ્યું છે તે યાદ કરી લઈએ.) ભાવાર્થનો મરોડ કાવ્યત્વ નંદવ્યા વિના સધાય છે. અષ્ટકની રમણીય સૃષ્ટિ જ કાવ્યસર્જનપ્રક્રિયાની જનક છે ને એમ ચૌદે પંક્તિનું અખંડ કાવ્યત્વ આ સૉનેટને ચિરકાળ માટે ઉત્તમતા બક્ષી રહે છે. ‘પ્રેમની ઉષા’ સૉનેટ મુગ્ધ દામ્પત્યના પ્રારંભનું ને આમ જોઈએ તો ભોગોત્સુક મીતિનું કાવ્ય છે. ત્યાં કવિએ ક્રિયારૂપો વડે જે સ્વભાવચિત્રો રચ્યાં છે તે ખરે જ અ-પૂર્વછે. ભાવોત્કટ ક્ષણોને અન્ય દામ્પત્ય કાવ્યોમાં બ. ક. ઠાકોર પૂરા આભિજાત્યથી આલેખે છે ત્યારે રંગદર્શિર્તાની લકીરને રહેવા દઈને શિષ્ટતાનો અનુભવ કરાવવામાં એમની કલાસૂઝ પમાય છે. ‘મોગરો’, ‘જૂનું પિયેરઘર’ અને ‘વધામણી’ એવાં ઉદાહરણો છે. તો ‘ભણકારા’થી વધારે પ્રફુલ્લ પ્રકૃતિસૌંદર્યનું આલેખન ‘વર્ષાની એક સુન્દર સાંજ’-માં મળે છે. આ રચનાઓમાં ભાવોર્મિનું પ્રાધાન્ય છે. પણ ‘સુખદુઃખ સૉનેટમાળા’ ‘વિરહ-’ તથા મૈત્રી-વાર્ધક્ય-જેવા વિષયોનાં સૉનેટકાવ્યોમાં ઊર્મિથી વિચાર તરફની ગતિ વધારે સ્પષ્ટ વંચાય છે. ઠાકોરનાં ‘વૃદ્ધોની દશા’ તથા ‘જર્જર્રિત દેહને’- જેવાં (તથા વાર્ધક્યને વર્ણવતાં અન્ય) સૉનેટોમાં વૃદ્ધાવસ્થાની માર્મિક ભાવસંવેદનાઓનું વાસ્તવદર્શી ચિત્રણ છે. દામ્પત્યનાં સૉનેટમાં પણ ભાવના-આદર્શોમાં તણાયા વિના ઠાકોરે તો વાસ્તવની ભોંય પર ઊભા રહીને દામ્પત્યવિલાસની ભાવોત્કટ અને વેદનામધુર ક્ષણોને વર્ણવી છે. વાર્ધક્ય વિશે સૉનેટ કરવાનો વિચાર જ એ કાળે અ-પૂર્વ હતો. પછી તો નલિન રાવલ વગેરેમાં વૃદ્ધો વિશેની એકાધિક સૉનેટ રચનાઓ મળે છે, પણ એ તો ત્રીસી પછીની વાત! કવિ અને કવિતાવિષયક સૉનેટમાંથી આપણને ઠાકોરની કાવ્યવિભાવના જાણવા-માણવા મળે છે પણ સૉનેટ અહીં વિચારવાહન બનીને રહી જાય છે. વિષયવૈવિધ્યની લ્હાયમાં જાણે કે ઠાકોર ‘તમાકુ’ અને ‘જૂનું મધ” જેવાં સૉનેટ લખતા લાગે છે, તો વ્યક્તિ તથા ઘટનાઓને આલેખતાં સૉનેટ પણ સૉનેટત્વનો કે કાવ્યત્વનો કશો નવોન્મેષ દાખવતાં નથી. પ્રકૃતિ અને દામ્પત્યપ્રેમનાં સૉનેટોની રસાર્દ્રકવિતા ક્યાં અને ક્યાં પ્રકીર્ણ (મૈત્રી સમેતનાં) સૉનેટોમાં આવતી વિચારકથનની નરી શુષ્કતા! બેત્રણ અપવાદો બાદ કરતાં ઠાકોરે પ્રાસને પણ ઉદારતાથી જોયા છે – પ્રાસયોજના વિશે એમનું વલણ ઘણીવાર કાવ્યોપકારક નથી રહ્યું. જો કે એ ભાવ પ્રમાણે પંક્તિવિભાજન - અને નિજી પ્રાસયોજનાને અનુસરતા દેખાય છે. એમનાં સૉનેટોની પદાવલિ પણ દરેક વખતે સહજ અને માધુર્યપૂર્ણ નથી રહી બલ્કે એમાં કૃતકતા અને ક્લિષ્ટતાનો અનુભવ થાય છે જ. છતાં એમનાં ‘ભણકારા’ ‘વર્ષાની એક સુંદર સાંજ’ ‘પ્રેમની ઉષા’ ‘વધામણી’ ‘મોગરો’ -- જેવાં ઉત્તમ સૉનેટો દરેક બાબતે અદ્વિતીય છે ને એમનું મૂલ્યવાન અર્પણ છે. અહીં એક વાત નોંધીએ કે પંક્તિવિભાજન અને પ્રાસયોજના સૉનેટનાં દેખાય છે એટલાં બાહ્ય (માત્ર બાહ્ય) લક્ષણો નથી. સૉનેટની ભાવગત અને રચનાગત આંતરિકતા સાથે સંયોજાઈને એ દેખાતાં બાહ્ય લક્ષણો સૉનેટકાવ્યની આંતરસંપદા સિદ્ધ કરવામાં લેખે લાગે. છે. પંક્તિવિભાજન અને પ્રાસયોજના ભાવ-સંવેદનને કાવ્યપૂર્ણ મરોડ આપવા સાથે ભાવને નાદલયાદિથી વધારે સૂક્ષ્મ અને પ્રભાવક તથા સંવેદન-અભિવ્યક્તિને ઘૂંટીને-વ્યંજિત કરીને કાવ્યને વધારે આસ્વાદ બનાવે છે. આનો લાભ ઠાકોર પછી ઉમાશંકર-સુન્દરમ્‌-રાજેન્દ્ર-નિરંજન-ઉશનસ્‌-જયંત પાઠક વગેરેએ એમની કેટલીક સૉનેટરચનાઓમાં લીધો છે એ નોંધપાત્ર છે. ગાંધીયુગમાં સૉનેટ વધારે સાતત્યપૂર્વક ખેડાયું છે. ઘડીભર તો લાગે કે ગાંધીયુગ અને અનુગાંધીયુગમાં સફળ સૉનેટ રચવું એ કવિ થવા માટેની જાણે વણલખી શરત ના હોય! જો કે એમાંય ઠાકોરે સૉનેટરચના દ્વારા ઊભી કરેલી અર્થઘન કવિતાની પરિપાટી ભૂમિકાનું કામ કરે છે. છેક ૧૯૨૬માં ચં. ચી. મહેતાએ ‘યમલ’ ગુચ્છમાં ચૌદ સૉનેટ આપેલાં ને ગાંધીયુગની કવિપેઢીના ગુરુ મનાયેલા રા. વિ. પાઠકે (શેષે) ૧૯૩૦માં ‘છેલ્લું દર્શન’ જેવું સુન્દર સૉનેટ લખીને નવી પેઢીનું સૉનેટ તરફનું આકર્ષણ વધારી દીધું હતું. વળી ઠાકોરની અર્થપ્રધાન-વિચારકેન્દ્રી કાવ્યવિભાવનાઓને આલેખવાનું કવિઓને વધારે ફાવ્યું છે. શેષે ભલે ગણેલાં ચાર જ સૉનેટ રચ્યાં પણ ‘છેલ્લું દર્શન’માં ઉત્કટ ભાવવલયોનું સ્વસ્થ આલેખન તથા અંતિમ ચરણમાં રજૂ થતા વિચારદર્શન દ્વારા શેષે કાવ્યકમાલ કરી છે. ગાંધીયુગના પ્રમુખ કવિઓ ઉમાશંકર-સુન્દરમ્‌ સૉનેટરચનાની બાબતે નોખા છે. જો કે દેશપ્રેમ, સ્વાતંત્ર્યઝંખા, સામાજિક વિષમતા, દલિતો તરફનો પ્રેમ, વૈશ્વિક પ્રેમભાવના, સત્ય-અહિંસા જેવાં મૂલ્યો દ્વારા જીવનકલ્યાણ, માનવતા તથા માંગલ્ય તરફની પ્રતિબદ્ધતા – જેવા ભાવવિચારો કે ભાવના-આદર્શો તરફ બંનનો ઝુકાવ છે ને એ દિશાનાં સૉનેટો પણ બંનેમાં છે. સુન્દરમ્‌નું ‘એક કિલ્લાને તોડી પડાતો જોઈને’ સૉનેટગુચ્છ કાળની કરાલ લીલા અને વેદના વચાળે ય કશાક આશાવાદને પ્રેરે છે તો ઉમાશંકરનું ‘આત્માનાં ખંડેર’ સૉનેટગુચ્છ માનવીની ખંડિત થતી આશાઓની સામે કશાક હકારાત્મક તત્ત્વબોધને સંકોરે છે. ઉમાશંકરની સૉનેટમાળાઓ માનવતા અને જીવનપ્રીતિને ગાય છે-વ્યવધાનો અને દુરિતોની વચ્ચે કવિને સદ્‌ના વિજયની આકાંક્ષા છે. ઉમાશંકરનાં સૉનેટોમાં ભાવનાઓનો પ્રભાવ હોવા છતાં વાસ્તવજગતની વિષમતાઓને એ કદી વિસારે પાડતા ના હોવાથી એ કાવ્યોમાં સંતુલન છે – વ્યવહારનું અને કાવ્યનું પણ! સુન્દરમ્‌માં ભાવનાઓ મર્યાદિત પણ ભાવાવેગ ખાસ્સો છે. ખાસ તો પ્રેમશૃંગાર વિષયક સૉનેટોમાં સુન્દરમ્‌ ભાવનાના નહીં એટલા ભોગના કવિ લાગે છે. જ્યારે ઉમાશંકરમાં પ્રેમની અભિવ્યક્તિવેળાએ પણ ભાવનાઓ અને આભિજાત્ય અભિવ્યક્ત બળવાન રહે છે. પ્રેમવિષયક ભાવોની સચ્ચાઈ સુન્દરમ્‌નાં સૉનેટોમાં વધારે અનુભવાય છે. ઉમાશંકરમાં પ્રેમ પણ જાણે ‘ગાંધીયુગીન’ જ રહે છે! ‘સખી મેં કલ્પી’તી’ અને ‘મળી ન્હોતી જ્યારે’ જેવી સૉનેટરચનાઓમાં ઉમાશંકર ભાવ-સંવેદનોને સચ્ચાઈપૂર્વક તથા વિશદ રીતે આલેખતાં આલેખતાં ભાવના સુધી પહોંચી જાય છે. પ્રણયભાવો આમ પ્રણયભાવનામાં (એક સૉનેટમાળામાં નારીભાવનામાં પણ) રૂપાંતરણ પામે છે. ‘રહ્યાં વર્ષો-’ ને ‘ગયાં વર્ષો-’માં ભાવનાઓ ઉપરાંત માનવજીવનની સમગ્ર ગતિવિધિને સ્પર્શતી-દમતી માનવ વૃત્તિઓનું કાવ્યમય નિરૂપણ છે. ઉમાશંકરનાં આ ચિરંજીવ સૉનેટ એમને માનવજીવનના ચાહક એવા મોટા ગજાના કવિ ઠેરવે છે. રવીન્દ્રનાથનો પ્રભાવ ઝિલતાં સૉનેટોમાં કવિની મુદ્રા તો નિજી છે. કવિને પ્રકૃતિનું પારાવાર આકર્ષણ છે પણ કવિનો વાસો તો અવનિતલમાં છે ને કવિના ઉરમાં માનવ બિરાજે છે. પ્રકૃતિની સમૃદ્ધિ વચાળે ‘માનવીય’ સમૃદ્ધિને ઝંખતો કવિ ‘કુંજ ઉરની’ ‘ઘરે આવું છું-’ ‘ભલે શૃંગો ઊંચાં’ જેવાં ઉત્તમ સૉનેટો આપે છે. કાવ્યત્વની બાબતે ય ઉમાશંકરને સૉનેટ સહજ છે. સુન્દરમ્‌ બ. ક. ઠાકોરની જેમ પ્રેમાલેખનમાં વાસ્તવને નહીં વિસરનારા કવિ છે. ‘બૂઝાવાની પૂર્વે-’ જેવા સૉનેટમાં પ્રેમનું સાચું ને પીડાજન્ય રૂપ છે જે ખરું વાસ્તવિક પણ છે. કિલ્લાને તૂટતાં જોતો કવિ કાળલીલાની સાથે માનવજીવનની ગતિવિધિને સંકેતે છે. ગાંધીયુગમાં કવિપ્રિય બનેલું આ સૉનેટગુચ્છ આજે જરાક ઉપેક્ષાતું લાગે છે પણ એની પ્રસ્તુતાનો નકાર નહીં થઈ શકે. અધ્યાત્મ ઘૂંટતાં સૉનેટો કરતાં સુન્દરમ્‌નાં ભાવ-વિચાર-ઊર્મિને સંવાદિતાથી રજૂ કરતાં સૉનેટો વધારે કાવ્યત્વવાળાં ને આસ્વાદ્ય છે. કવિતાના ઇતિહાસમાં તેમ સૉનેટના ઇતિહાસમાં ઉમાશંકર-સુન્દરમ્‌નાં સૉનેટો યાદગાર અને સદા ઉજ્જ્વલ તથા આગવું પ્રકરણ બની રહેવાનાં છે. સ્નેહરશ્મિનાં સૉનેટોમાં ભાવાલેખનની ઉત્કટતા સ્પર્શ્ય છે. શ્રીધરાણીનું અશ્વના રૂપકે દરિયાઈ ભરતીને ઇન્દ્રિયગમ્ય બનાવતું ‘ભરતી’ સૉનેટ યાદગાર રહેવાનું છે. પૂજાલાલે અધ્યાત્મભાવને આલેખતી, શુષ્ક અને ખાસ કાવ્યત્વ વિનાની ચારસો જેટલી સૉનેટરચનાઓ આપી છે પણ એમનું ‘મરજીવિયા’ સૉનેટ સારું છે. ‘બિન્દુ’માં સાઠ સૉનેટો આપનાર રામપ્રસાદ શુક્લ, વાર્ધક્ય વિશેનાં બે સૉનેટથી જાણીતા મનસુખલાલ ઝવેરી, સુંદરજી બેટાઈ, રતિલાલ છાયા, દેવજી મોઢા, ગોવિંદ સ્વામી, સ્વપ્નસ્થ, પ્રજારામ રાવલ, હરિશ્ચન્દ્ર ભટ્ટ જેવા અનેક કવિઓને ઓછીવત્તી પણ સફળ/સારી સૉનેટ રચનાઓ માટે યાદ કરી શકાય. અનુગાંધીયુગમાં પણ સૉનેટ કવિતા ભરપૂર છે – કાવ્યત્વથી સમૃદ્ધ પણ છે. ગાંધીયુગથી ફંટાતી કવિતા સૌંદર્યરાગી વલણો દાખવે છે. હવે સામાજિક વાસ્તવને સ્થાને વ્યક્તિજીવનનું આંતર્‌ ભાવવિશ્વ કવિતામાં આવે છે. પ્રકૃતિ સાધનરૂપે નહીં પણ સાધ્યરૂપે (પ્રકૃતિની, નકરી પ્રકૃતિની કવિતા કરવાનું વલણ) – કાવ્યરૂપે પ્રગટે છે. ઉશનસે નોંધેલું તેમ કવિતા ‘કામગરી’ મટી અને ‘કામણગારી’ બને છે. સમાજની આંગળી છોડીને કવિતા વ્યક્તિની આંગળી પકડે છે. નિતાંત પ્રકૃતિસૌંદર્યની સાથે નિતાંત મનોગતની કવિતા-સૉનેટ રચનાઓ-હવે મળે છે. આ સાથે એ પણ નોંધીએ કે યંત્રચેતનાનો પ્રભાવ, શહેરીકરણ અને ભૌતિક્તાવાદનું ખેંચાણ જે પરિસ્થિતિઓ જન્માવે છે એનો પડઘો પણ સૉનેટોમાં છે – ખાસ તો નિરંજન-નલિનનાં સૉનેટોમાં! પ્રકૃતિ ઉપર યંત્રસંસ્કૃતિનું આક્રમણ થયું ને અસલ ગ્રામ-વનનું સૌંદર્ય નંદવાયું એની વ્યગ્રતા, વેદના જયંત પાઠક-ઉશનસ્‌માં સરસ રીતે મળે છે. ગુજરાતી સૉનેટનું આ નોખું પ્રકરણ અલગ અભ્યાસ માગે એવું સમૃદ્ધ છે. પછીના કવિઓ પણ વનવતનના પરિવેશથી વિચ્છેદાયાની તેમજ સ્વજનો અને નિજી ભોંયથી ઉન્મૂલિત થયાની વેદના સૉનેટોમાં લઈ આવે છે. સાઠીના-આધુનિકતાના-ગાળામાં પણ સૉનેટકવિતાનો આ સ્વર મંદ પડતો નથી – ઉશનસ્‌, જયંત પાઠક વગેરેનાં સૉનેટો એનાં જ સાક્ષી છે. સંખ્યાની દૃષ્ટિએ પણ રાજેન્દ્ર શાહનાં (શતાધિક) સૉનેટો નિરંજન ભગતથી વધારે છે. પણ કાવ્યત્વસિદ્ધિ અને સૉનેટસિદ્ધિની બાબતે નિરંજન જરાય ઊણા ઊતરતા નથી. રાજેન્દ્ર શાહમાં પ્રકૃતિ, પ્રેમ અને ચિંતન-દર્શનને આલેખતાં સૉનેટો મળે છે. પણ ગુજરાતી કવિતાને રાજેન્દ્રનું અ-પૂર્વ અર્પણ (‘શ્રાવણી મધ્યાહ્ન’ની જોડે જ મૂકી શકાય એવું વિરલ) તો છે સૉનેટપંચક – ‘આયુષ્યના અવશેષે!’ ‘નાગર’ થયેલો, વતનવિચ્છેદ પામેલો કાવ્યનાયક જિન્દગીનાં અંતિમ વર્ષોમાં, પાછો વતનઘેર આવે છે....ગાડીથી ઊતરીને એ નિજ ઘરે પહોંચે છે ત્યાં સુધીની નાયકની ચિત્તસ્થિતિ-ભાવસૃષ્ટિ અને સીમ-ગામ-શેરી-ઘરભીતરની બહુસંદર્ભિત સંકુલ ચિત્રસૃષ્ટિનું સ્વભાવોક્તિઓથી આસ્વાદ્ય અને શબ્દરચનાના નાદલય માધુર્યથી મનહર એવું મનભર કાવ્યાલેખન સાચ્ચે જ વિરલ છે. ચિત્રસદૃશ બનેલાં ‘રાગિણી’નાં (રાગોને આલેખતાં) સૉનેટો; સર્જનવિસર્જનના ચક્રને કાળલીલાને વર્ણવતાં ‘વનખંડન’ (સૉનેટમાળા)નાં સૉનેટો ઉપરાંત અંધકાર, પ્રકૃતિ અને પ્રેમભાવોને નિરૂપતાં રાજેન્દ્ર શાહનાં સૉનેટો ધ્યાનપાત્ર છે. લાભશંકર પુરોહિત નોંધે છે તેમ – ‘અભિવ્યક્તિની ચારુતા, છંદોલયની સફાઈ, સંવેદનની સ્પર્શક્ષમતા ને વિશેષ તો મધુરકાન્ત કોમલ પદાવલિ’ – રાજેન્દ્ર શાહનાં સૉનેટોની વિલક્ષણતા છે. નિરંજન ભગતનાં સૉનેટમાં ભાવ અને અભિવ્યક્તિની સહજ માવજત કરનારો જાગ્રત કાવ્યકર્મી સદા હાજર હોવાની પ્રતીતિ થાય છે. પ્રાસયોજનાનો આગ્રહ, પંક્તિવિભાજન દ્વારા ભાવ-મરોડ અને અર્થવ્યંજનાની અભિવ્યક્તિ નિરંજનનાં સૉનેટોની વિશેષતાઓ છે. પ્રકૃતિ અને પ્રણયનું આલેખન એમાં આસ્વાદ્ય છે. પ્રકૃતિ-પ્રણય ઉભયને પરસ્પરાશ્રિત રૂપકો કે અલંકરણો દ્વારા વ્યંજિત કરવાની કવિશક્તિ ધ્યાનપાત્ર છે. ‘મૌન’, ‘હૃદયની ઋતુઓ’ જેવાં સૉનેટો આનાં દૃષ્ટાંતો છે. સહજ સંવેદના સાથે બુદ્ધિપૂત વિચારથી નિરંજને યંત્રચેતના અને શહેરીકરણની વિભિષિકાને આલેખ્યાં છે. આધુનિકતાની છડી પોકારતી ગુજરાતી કવિતાનો પ્રથમ પરિચય આપણને ‘મુંબઈનગરી’, ‘આધુનિક અરણ્ય’ અને ‘કોલાબા પર સૂર્યાસ્ત’ – જેવાં સૉનેટોથી મળે છે. એ વાતને સાહિત્યિક ઘટના લેખે ય અંકે કરવા જેવી છે. કલાસૂઝ અને સ્વ-રૂપનો આગ્રહ એમનાં સૉનેટોને બહુમૂલ્ય ઠેરવે છે. નલિન રાવલનાં સૉનેટ પણ આધુનિકતાની દિશાનો સ્વર ઝિલવા મથે છે. પણ પ્રકૃતિનાં સ્વાભાવિક ચિત્રો (દા.ત. સ્હવાર-૧) આલેખવામાં એ વધુ સફળ રહ્યા છે. શુદ્ધ કવિતા તરફ પ્રયાણ કરવા ડગ ઉપાડતી પ્રહ્‌લાદ પારેખની ઇન્દ્રિયરાગી કવિતામાં સૉનેટો તો કેટલાં ઓછાં! – માંડ આઠદસ! પણ ‘વિદાય’ (અને ‘વાતો’ પણ) એમનું અને ગુજરાતીનું સદાબહાર સૉનેટ છે. શારી નાખતી વિદાયવેદનાને કવિએ ઉત્કટતાથી છતાં સહજ સંયમપૂર્વક આલેખી છે. વિદાય લેતા પ્રિયજનને તો વિસરી જજે જ કહેવાનું હોય – ને એ જ તો વાસ્તવ છે – પણ વિસરવાનું દોહ્યલું હોય છે એ ધ્વનિ સૉનેટમાંના કરુણને વધારે સઘન બનાવે છે. ગીતોમાં લોકભાવો-લોકલય-લોકભાષાના સંયોજનથી ગુજરાતી ગીતકવિતામાં ‘તળ અવાજ’ને બળકટતાથી ઉપસાવતા બાલમુકુન્દ દવેએ પણ ‘જૂનું ઘર ખાલી કરતાં-’ જેવું નકરું સૉનેટકાવ્ય આપ્યું છે. એમનું ‘તીર્થોત્તમ’ યાદ કરીએ છીએ ત્યારે કરસનદાસ માણેકનું ‘જ્યોતિધામ’ સૉનેટ પણ સાંભરે છે. મડિયા જેવા ગદ્યકારે આપેલી રચનાઓમાં ‘મરણ’ જેવું મજબૂત સૉનેટકાવ્ય મળે છે – સૉનેટ કેવાકેવાઓને લોભાવતું રહ્યું છે એનું આ ઉદાહરણ છે. ૧૯૫૦થી ’૭૫ના ગાળામાં અનેક સૉનેટકવિઓ મળ્યા છે. પણ ઉશનસ્‌ અને જયન્ત પાઠક આ ગાળાના સમર્થ સૉનેટકવિઓ છે. પ્રેમ-પ્રકૃતિથી માંડીને આદિમતા સુધીની ભાવોર્મિઓને ઉંડળમાં લેતા આ બંને કવિઓ વાસ્તવજીવનની અનેક માઝાઓ સાથે યંત્રસંસ્કૃતિના આક્રમણે નંદવેલા અસલ પ્રાકૃતિક જીવનની વેદનાઓને ગાઈ છે. પરકીયા પ્રેમની રુંધામણો, વનોપહાડોનો સાદ, આદિમ ભાવવેગો અને વન્યજીવનની સહજલીલાઓ, ઘરવતનગામવિચ્છેદની દાહક લાગણીઓ, સ્વજનોથી વિખૂટાં પડ્યાની તીવ્ર ભાવક્ષણો, નદીપહાડોના (રૂપકે વર્ણવાતી) દર્શને પ્રગટતી રતિરાગની સંવેદનાઓ, શહેરીકરણ અને સાંપ્રતજીવનનાં મૂલ્યહ્રાસ તથા ભાવશૂન્યતા જેવાં અનેક ભાવ-અનુભવવિશ્વોને સૉનેટમાં સફળ રીતે અવતારતા આ બંને કવિઓ ગુજરાતી સૉનેટ કવિતાનું નોખું શૃંગ બની રહે છે. કદાચ, બ. ક. ઠાકોરથી ય રૂપ અને કાવ્યત્વ ઉભય દૃષ્ટિએ ઘણાં નીવડેલાં અને ઊંચું કાવ્યત્વ ધરાવતાં સૉનેટો આપણને ઉશનસ્‌માં મળે છે. ઉશનસ્‌ ગુજરાતી સૉનેટ કવિતાની ‘ઘટના’ બની રહ્યા છે. ‘વળાવી બા આવી’ ‘હું મુજ પિતા’ ‘મોક્ષ’ ‘આ રસ્તાઓ’ ‘અશ્વત્થભાવ’ ‘અનામી આશ્ચર્યોમાં-’ ‘સાંજુકા પવનોમાં’ ‘ગૃહપ્રવેશે’ ‘સોહાગરાત પછી’ ‘પરસ્પર પરોક્ષેય-’ ‘સ્ત્રી’ ‘પુરુષ’ ‘હું જન્મ્યો છું કોઈ’ જેવાં ઉશનસ્‌નાં સૉનેટો ઉત્તમ કવિતા પણ બન્યાં છે. રવીન્દ્રનાથ જેવી માનવપ્રીતિ અને પ્રકૃતિનું અદમ્ય ખેંચાણ ઉશનસ્‌ની જેમ જયંત પાઠકમાં ય છે. રતિનું સુચારુ ને ઋજુમધુર આલેખન જયન્ત પાઠકનો નિજી વિશેષ છે. ‘આદિમતાની એક અનુભૂતિ’ તથા નદી વિશેની રચનાઓ એનાં દૃષ્ટાંતો છે. જયંત પાઠકમાં મનુષ્યસ્વભાવ અને હૃદયભાવનું આલેખન પ્રભાવક છે. વનવતનવિચ્છેદનો, વીસમી સદીના શાપ જેવો, વેદનાસભર અનુભવ જયન્ત પાઠકનો બીજો મહત્ત્વનો વિશેષ છે. ‘આદિમતાની એક અનુભૂતિ’ છે. ‘વર્ષો પછી વતનમાં’ ‘વતનથી વિદાય થતાં’ ‘નદી’ ‘શમણાં’ ‘રીસ’ ‘ભીનું સમયવન’ – એમનાં નીવડેલાં સૉનેટકાવ્યો છે. આ સમયગાળામાં ઓછીવત્તી સફળ સૉનેટરચનાઓ આપનારા કવિઓમાં વિનોદ અધ્વર્યું, જગદીશ ત્રિવેદી, પ્રિયકાન્ત, સુરેશ દલાલ, હરીન્દ્ર દવે, હસમુખ પાઠક, હેમંત દેસાઈ, ચિનુ મોદી, લાભશંકર, મણિલાલ દેસાઈ, રાવજી પટેલ, ભગવતીકુમાર શર્મા, ધીરુ પરીખ, માધવ રામાનુજ, રઘુવીર ચૌધરી, ચન્દ્રકાન્ત શેઠ, શશિશિવમ્‌, જગદીશ જોશી, દેવેન્દ્રભાઈ સમેત અનેક નામો ગણાવી શકાય. પણ આ કવિઓ સૉનેટમાં ઠર્યા નથી, સૉનેટ એમનામાં ઠર્યું નથી. સાંઠનાં વર્ષોમાં યંત્રચેતના-શહેરીકરણ-મૂલ્યહ્રાસ-હતાશા-સંવેદનજડતા-સામુદાયીકરણ અને અ-માનુષીકરણ ઇત્યાદિએ કવિતાને બધી રીતેભાતે બદલી નાખી હતી. એ માટે અછાંદસનું માધ્યમ વધુ માફક આવેલું જણાયું છે. ગઝલ-ગીત પણ એ વર્ષોમાં નવી શક્યતાઓ તાગવા માટે ચંચળ થઈ ઊઠેલાં. સ્વાભાવિક જ, આ ગાળામાં, સ્વરૂપસ્વભાવ અને કદની રીતે સૉનેટ કવિઓને માફક ના આવે. સૉનેટકાવ્યધારા આ વર્ષોમાં પાતળી પડે છે... જો કે એની પાતળી સેર તૂટતી નથી એ એની આજે ય રહેલી પ્રસ્તુતતા જ દર્શાવે છે. ‘ભાષાભવન’ નામે અદમ ટંકારવીએ કરેલો ગઝલ-સૉનેટનો પ્રયોગ ધ્યાન ખેંચે છે એમ રમેશ પારેખના ગઝલગંધી અને માત્રામેળી સૉનેટપ્રયોગો પણ યાદ આવે છે. ભાનુપ્રસાદ પંડ્યા ‘ઉપડી ડમણી’ જેવાં સૉનેટ આપે છે. આધુનિક કવિતાની રૂઢિભંજક રીતિઓ વચ્ચે ય સૉનેટ રચાતું રહે છે. હરિકૃષ્ણ પાઠકનાં સૉનેટોમાં વતન-તલસાટ સાથે ભાવક્ષણોનું સારું ચિત્રણ મળે છે. રામચન્દ્ર પટેલે ગોપજીવનની ભાવનાઓ સાથે પ્રણયનાં સંવેદનોને આલેખતાં ત્રીસથી ય વધારે સૉનેટ કાવ્યો આપ્યાં છે. વિનોદ જોશીએ ઠાકોરની હથોટીથી પૃથ્વીને પ્રયોજ્યો છે. સર્જનપ્રક્રિયા અને રતિ-સંવનને તત્સમ પદાવલિમાં આલેખતાં એ સૉનેટો નોંધપાત્ર છે. ‘કુમાર’માં વધાવાયેલાં કનૈયાલાલ પંડ્યા તથા મણિલાલ પટેલનાં સૉનેટો પણ છે. જયંત પંડ્યા તથા બચુભાઈએ – ‘સંવનન’ તથા ‘આગમન પછી-’ જેવાં સૉનેટો માટે દર્શાવેલો પક્ષપાત એનો કાવ્યગુણ સૂચવે છે. ‘આવાગમન’માં ચન્દ્રકાન્ત ટોપીવાળાનાં સૉનેટો વળી નવી આશા જગવે છે. સંવેદનને મુકાબલે વિચારનું સૂક્ષ્મ ને પ્રભાવક આલેખન ટોપીવાળાનો વિશેષ છે. કુલીનચન્દ્ર યાજ્ઞિકનાં સૉનેટ આ સંદર્ભે વધુ ધ્યાનપાત્ર છે. મનોહર ત્રિવેદી, ડાહ્યાભાઈ પટેલ ‘માસૂમ’, દેવેન્દ્ર દવે, કનૈયાલાલ પંડ્યા તથા કિશોરસિંહ સોલંકીના નવા કાવ્યસંગ્રહોમાં પણ સૉનેટકાવ્યો મળે છે. અરે, રમણ સોની અને સતીશ વ્યાસ જેવા વિવેચકોએ પણ સિત્તેરનાં વર્ષોમાં સારાં સૉનેટ કાવ્યો રચેલાં – પ્રકાશિત કરેલાં. ‘કુમાર’ તથા ‘બુદ્ધિપ્રકાશ’ જેવાં માસિકોમાં આજે ય સૉનેટ કાવ્યો પ્રગટ થતાં રહે છે. અહીં નથી નોંધી શકાયાં એવાં રક્ષા દવે, મહેશ જોષી અને હરિહર જોષી, પ્રતાપસિંહ હ. રાઠોડ જેવા તો કેટલાય કવિઓ છે જેમણે સૉનેટને ચાહીને રચ્યું છે. સૉનેટકવિતાનો ઉત્તમ કાળ, ગુજરાતી કવિતામાં પણ પૂરો થયો છે. પણ કાવ્યના ગર્ભમાં એનું ભવિષ્ય હોય પણ ખરું... આજે તો એટલું જરૂર કહી શકાશે કે એકવીસમી સદીમાં પણ સૉનેટ ઓછેવત્તે અંશે સર્જાતું રહ્યું છે... ગુણવત્તાવાળી સૉનેટ કવિતા ભાગ્યે જ મળે છે છતાં મંદપ્રાણ પ્રવાહ આશા જન્માવે છે.