ગુજરાતી સૉનેટકાવ્યો/૫. જીવનવિલય
Jump to navigation
Jump to search
૩૨
૫. જીવનવિલય
૫. જીવનવિલય
રાજેન્દ્ર શાહ
અવ હૃદયના શૂન્યે પામી રહ્યો લહું છું લય.
અહીં નહિ હવે સંકલ્પો ને નહીં કંઈ વૃત્તિ યે,
તદપિ મુજ કર્મોની પેલી પ્રફુલ્લિત સૃષ્ટિ તે
ચહુ દિશ થકી ગર્જે આદ્યંત જીવનનો જય.
શબદ ઊપન્યો તેવો જોકે શમે, પણ એહના
અસીમિત જગે વ્યાપી રહે છે અનંત પ્રતિધ્વનિ.
નહિવત બની ર્હેતું માટી મહીં, પણ બીજની
તરુવર તણાં પર્ણે કેવી રમે શત એષણા!
જીવનનું જરા આઘે ર્હૈને કરું અહીં દર્શન,
ઉગમ નહિ વા ન્યાળું કોના ય તે વળી અંતને;
રૂપની રમણા માંહી કોઈ ચિરંતન તત્ત્વને
નીરખું, નિજ આનંદે ર્હેતું ધરી પરિવર્તન.
ગહન નિધિ હું, મોજું યે હું, વળી ઘનવર્ષણ,
અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન.