અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અમૃત `ઘાયલ'/મને ગમે છે
Revision as of 10:32, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
મને ગમે છે
અમૃત `ઘાયલ'
કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.
લજ્જા થકી નમેલા પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.
જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે.
ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તોપણ મને ગમે છે.
હસવું સદાય હસવું, દુ :ખમાં અચૂક હસવું,
દીવાનગી તણું આ ડ્હાપણ મને ગમે છે.
આવી ગયાં છો, આંસુ, લૂછો નહીં ભલા થઈ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.