સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગંગાસતી/મન નો ડગે

From Ekatra Foundation
Revision as of 05:39, 28 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે મરને ભાંગી રે પડે ભરમાંડ રે; વિપદ પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે
મરને ભાંગી રે પડે ભરમાંડ રે;
વિપદ પડે પણ વણસે નહિ,
ઈ તો હરિજનનાં પરમાણ રે.
ભાઈ રે! હરખ ને શોકની ના’વે જેને હેડકી ને
શીશ તો કર્યાં કુરબાન રે,
સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
જેણે મેલ્યાં અંતરનાં માન રે.
ભાઈ રે! નિત્ય રે’વું સતસંગમાં ને
જેને આઠે પો’ર આનંદ રે,
સંકલપ-વિકલપ એકે નહિ ઉરમાં
જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રે.
ભાઈ રે! ભગતિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ!
રાખજો વચનુંમાં વિશવાસ રે,
ગંગાસતી એમ બોલિયાં
તમે થાજો સતગુરુજીનાં દાસ રે.
[ઝવેરચંદ મેઘાણી — સંપાદિત ‘સોરઠી સંતવાણી’ પુસ્તક]