પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/‘પ્લેટો–ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણા'
મૂલાનુસારી, હેતુલક્ષી, તત્ત્વશોધક પર્યેષણા
અહીં ગુજરાતી વિવેચનામાં તો પહેલી જ વાર, ઍરિસ્ટૉટલની કાવ્યવિભાવના વિશદ રીતે મળે છે. તમારી મૂલાનુસારી, હેતુલક્ષી, તત્ત્વશોધક પર્યેષણા અહીં સફળ થઈ છે. પ્લેટોના તારસ્વરની સામે ઍરિસ્ટોટલે, પ્લેટોનું નામેય દીધા વિના, જે સ્વસ્થ, ઠરેલ, ઊંડી કાવ્યતત્ત્વમીમાંસા કરી તે કોઈ પણ દેશની કોઈ પણ કાળની કાવ્યાલોચના માટે મહત્ત્વની થઈ પડે તેવી છે. તમે તટસ્થ બુદ્ધિથી એમની આલોચનામાંથી કાવ્યતત્ત્વપ્રતિપાદક મુદાઓ વીણતા ગયા, ક્યાંક હેયોપાદેયતાનાં કારણો સંક્ષેપે નિર્દેશતા પણ ગયા, જરૂર પડી ત્યાં બુચર-ઍબરક્રોમ્બી જેવા પૂર્વાચાર્યોના મતો પણ ચકાસતા ગયા, એવે ટાણે આ કે તે તરફ ઢળવાની કે વળવાની વૃત્તિ રાખ્યા વિના મૂળ મુદ્દાને જ નજર સમક્ષ રાખી તમારો મત પણ સ્થાપતા ને આપતા ગયા (દાખલા તરીકે ઍક્શન – ‘ક્રિયા’ને લગતી ચર્ચા), આ કે તે વિવેચકને નહીં પણ ઍરિસ્ટૉટલને અભિમત શું હશે એની જ ખોજ એના લખાણમાંથી કરતા ગયા (દાખલા તરીકે એને અભિમત ‘અનુકરણ’ની વિભાવનાની તમારી સૂઝવાળી ચર્ચા), એવી શોધની સાથે સુસંગત મુદ્દાઓની તારવણી પણ તમે કરતા ગયા, એમ કરતાં ઍરિસ્ટૉટલમાં સંદિગ્ધ રહી ગયેલા મુદ્દાઓને પણ તારવતા ગયા, એમ કરવામાં ઍરિસ્ટૉટલના વિવેચકોની પ્રસ્તુત વિવેચનાનુંય જરૂરી લાગ્યું ત્યાં અવલોકન કરતા ગયા, અને આખરે, ઍરિસ્ટૉટલને એના જ શબ્દોથી ઓળખવા-ઓળખાવવામાં સફળ થયા. ‘અનુકરણ’ની એની વિભાવના તપાસીને તમે એને એની કાવ્ય-વિભાવનાના સંદર્ભમાં મૂકી આપી. ‘અનુકરણ’ના ઍરિસ્ટૉટલના અભિપ્રેતાર્થોની તમારી ચર્ચા, સ્વતંત્ર ન રહેતાં, એની કાવ્યવિભાવનાને વિશદ કરતી ભૂમિકા બની જાય છે. પ્લેટોથી ઍરિસ્ટૉટલમાં આવતાં જ કાવ્યમૂલ્યાંકનનાં પલટાયેલાં ધોરણની પ્રતીતિ વાચકને તરત થાય તેમ તમે કર્યું છે. કાવ્યસ્વરૂપની ચર્ચામાં ઍરિસ્ટૉટલની મૌલિકતા તરીકે એનું ‘આકૃતિલક્ષી દૃષ્ટિબિન્દુ’ કેવી રીતે એની વિચારણાનું આધારબીજ છે તે સુંદર રીતે સમજાવ્યું છે. એ ચર્ચા માત્ર ઍરિસ્ટૉટલને સમજવા માટે જ નહીં, કાવ્યગત આકૃતિતત્ત્વની ચર્ચા તરીકે પણ મૂલ્યવાન છે. આકૃતિની ચર્ચામાં ‘કદ’ વિશે તમે સારું સ્પષ્ટીકરણ કર્યું છે. ‘કદ’ સૌન્દર્યનો આનુષંગિક આધાર છે, નૈમિત્તિક હેતુ છે. એ સૌન્દર્યને સુગમ અને દુર્ગમ બન્ને કરી શકે. ‘આકૃતિનો આધાર કદ છે અને સૌન્દર્યનો આધાર આકૃતિ છે, એટલે કદ સૌન્દર્યનો પંરપરયા આધાર છે.’ અહીં તમે કરેલ આદિ-મધ્ય-અંતની ચર્ચા આપણી કેટલીક ઉત્તમ મૌલિક તાત્ત્વિક વિવેચનામાં સ્થાન પામે એવી છે. તમે માત્ર ગ્રાહક રૂપે ઍરિસ્ટૉટલને નથી ભજ્યો તેની આથી ખાતરી થાય છે. તમે એને ઝીણી નજરે તપાસ્યો પણ છે. તેથી જ ‘ચરિત્ર’નો એને અભિપ્રેત અર્થ તારવી શક્યા છો. જોકે અહીં મને લાગે છે કે, એના જમાનામાં એ શબ્દ ‘કૅરેક્ટર’નો અર્થ ‘સિક્કા પરની છાપ’, ‘મુદ્રાંકન’ એટલો જ હતો, એ તમે જાણતા જ હશો. તમે ઍરિસ્ટૉટલની કાવ્યવિભાવનાને સુસંગત મુદ્દાઓ તારવતા-ગોઠવતા ગયા, ને એના વિવેચકોનાં મતાંતરોમાં કે નિરર્થક અવતરણોના મોહમાં ન પડ્યા. ઍરિસ્ટૉટલની કાવ્યવિભાવનાના બધા મુદ્દાઓ પૂરા થતાં તરત તમે અટકી ગયા – એ અભિગમ મને ગમ્યો. તમે ભાષા સરળ, અર્થબોધલક્ષી રહેવા દીધી છે તેય મને ગમ્યું. વિવેચનાને ભારેખમ શબ્દ-પ્રયોગથી દુર્ગમ કરીને, કૃત્રિમ રીતે ઊંડાણ ને મૌલિકતાનો આભાસ ઊભો કરવાનો પ્રયત્ન, જાણ્યેઅજાણ્યે, આપણે ત્યાં થાય છે. તમે આવા વ્યામોહમાં નથી પડ્યા તે સારું જ કર્યું છે. તા. ૧૯-૩-’૬૯ કનુભાઈ જાની [પુસ્તકના ફ્લૅપ પર]
ઉત્તમ અધિકૃત કાર્ય
પ્લેટો અને ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણા પર પુસ્તક પ્રગટ થઈ રહ્યુ છે તે જાણી ખૂબ આનંદ થયો. ‘પરબ’માં તમારા તે વિશેના લેખો રસપૂર્વક વાંચેલા... વાંચવાનું શરૂ કર્યા પછી લેખ અધૂરો મૂકી શકાતો નહીં એવી તર્કપકડનું મને સ્મરણ છે. યુરોપના કાવ્યતત્ત્વવિચારકોની વિચારણા પર આવું ઉત્તમ અધિકૃત કાર્ય તમારા નામે ચઢતું રહેશે તો અહીંની વિવેચનપ્રવૃત્તિને ઘણો લાભ થશે. તા. ૨૮-૩-’૬૯ લાભશંકર ઠાકર [પુસ્તકના ફ્લૅપ પર]
પારદર્શી વિશદતા અને ઊંડાણ
આ ગ્રંથ વાંચતાં પહેલી પ્રતીતિ એ થઈ કે તમે બે મનીષીઓની કાવ્યવિવેચનાને જોવા-સમજવાનો પ્રશસ્ય પુરુષાર્થ કર્યો છે. એ બન્ને ચિંતકોની કાવ્યવિભાવનાના મૂળભૂત પ્રશ્નો વિશે તમે દીર્ઘ સમય વિચારવિમર્શ કર્યો એટલે એમાં સ્ફટિક જેવી પારદર્શી વિશદતા અને ઊંડાણ સિદ્ધ થયાં છે. તમે કેટલાક મુદ્દાઓ વિશે સ્વતંત્ર રીતે, મૌલિક દૃષ્ટિસંપન્ન કહેવાય એવાં મંતવ્યો રજૂ કર્યા છે (ઉ.ત. પ્લેટોની ચર્ચાવિચારણાની પ્રશ્નલક્ષી વિચારણા), અને એ રીતે આ સર્વ વિચારણાઓમાં એક ચિંતક લેખે તમારી તેજસ્વી પ્રતિભાનો પરિચય થાય છે. આ પ્રકારનો મારો પ્રતિભાવ તમને કદાચ ગૂંચવી દે તો ક્ષમા કરશો, માત્ર ઔપચારિક દૃષ્ટિથી નહીં, પણ પ્રામાણિક રહીને કહેવું હોય તો આમ જ કહે. તમે વારંવાર લખતા રહ્યા છો કે તમે ધીમા વાંચનારા છો. તમારી વાંચનની ટેક્નિકનું મૂલ્ય હવે મને સમજાયું એમ કહેવામાં અતિશયોક્તિ નથી [તા. ૧-૮-’૬૯નો પત્ર] પ્રમોદકુમાર પટેલ