ભજનરસ/હે રામસભામાં

From Ekatra Foundation
Revision as of 09:37, 15 May 2025 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
નીરખને ગગનમાં

નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો,
તે જ હું તે જ હું શબ્દ બોલે,
શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે,
અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે.
શ્યામ શોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી,
અનંત ઓચ્છવમાં પંથ ભૂલી,
જડ ને ચૈતન્ય રસ કરી જાણવો,
પકડી પ્રેમ સંજીવન મૂળી.-
ઝળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં,
હેમની કોરી જ્યાં નીસરે તોલે,
સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે
સોનાના પારણામાંહી ઝૂલે.-
બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી
અચળ ઝળકે સદા અનળ દીવો,
નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો,
વણ જિાએ રસ સરસ પીવો.-
અકળ અવિનાશી એ, નવ જ જાયે ક્લ્યો,
અરધ ઉરધની માંહે મહાલે,
નરસૈયાંનો સ્વામી સકળ વ્યાપી રહ્યો,
પ્રેમના તંતમાં સંત ઝાલે.

નીરખને ગગનમાં

નરસિંહનું કહેવું માનીને આપણે માથું ઊંચું કરી નીરખીએ તો ગગનમાં કોઈ ‘તે જ હું, તે જ હું’ શબ્દ બોલતું નજરે નથી ચડતું. ત્યારે શું આ ખાલી શબ્દોના ગબારા? પણ કદાચ નરસિંહ જે ગગનની વાત કરે છે તે ગગન જુદું હશે. વિજ્ઞાનીઓ તો કહે છે કે એક એક અણુની અંદર સૂર્યમાળાની જેમ પરમાણુઓ ઘૂમે છે અને એના પ્રમાણમાં અણુનું આકાશ બહારના આકાશ જેટલું જ વિશાળ છે. આપણી અંદર પણ આવું કોઈ આકાશ રહ્યું હોય તો? એને નીરખવા આપણે કોઈ વાર પ્રયત્ન કર્યો છે? અને આપણે પ્રયત્ન કરીએ તોપણ ખુલ્લું વિશાળ આકાશ દેખી ન શકાય. કારણ કે આપણે ઘણે ભાગે અહંના ભંડકિયામાં રહીએ છીએ અને સ્વાર્થની અંધારી, સાંકડી ગલીઓમાં જ આંટાફેરા મારીએ છીએ. ખુલ્લા મેદાનમાં આવ્યા વિના ખુલ્લું આકાશ પણ જોઈ ન શકાય. આજના માનવીને બહારનું આકાશ પણ પૂરું જોવા મળતું નથી, ત્યાં અંદરના આકાશની વાત શી કરવી? પણ મુક્તિનો શ્વાસ લેવો હોય, વિશ્વજ્યોતિનાં દર્શન કરવાં હોય, વિશ્વસંગીતના સૂર સાંભળવા હોય તો આ ગગનમાં નીરખ્યા વિના છૂટકો નથી. કેવું છે આ ગગન? એક જ પરમ ચૈતન્યનો ઉદ્ઘોષ ત્યાં થતો રહે છે. અત્યંત ક્ષુદ્ર અણુ ત્યાં પુકારી ઊઠે છે – તે જ હું. અત્યંત વિશાળ બ્રહ્માંડ ત્યાં બોલી ઊઠે છે — તે જ હું. ત્યાં સદાય એકત્વ છે ને સદાય અસ્તિત્વ છે. વિનાશનો તો કોઈ સવાલ જે નથી. પણ અહંના નાશ વિના આ નિત્ય જીવનમાં પ્રવેશ મળતો નથી. એટલે નરસિંહ કહે છે ઃ ‘શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે.’ અહીં મરણ તો સામેથી માગવા જેવી વસ્તુ છે. અને મરજીવા સંતો જાણે છે કે જેનો આ મારસ ચાલી રહ્યો છે તે રસના અને રાસના અધિપતિ જેવું આ જગતમાં કોઈ પણ નથી. કણેકણમાંથી જે તત્ત્વ પુકારી ઊઠે છે ‘તે જ હું’ એ જ તો છે કૃષ્ણ.

શ્યામીભૂત બ્રહ્મ મેં સંનિધત્તામ્

‘પામી રહું શ્યામ બનેલ બ્રહ્મને.’ આ શ્યામ કેવા છે? શ્યામ શોભા ઘણી તેમની શોભાનો પાર નથી. તેમના મહિમાનો પાર પામવા જતાં બુદ્ધિ બિચારી હારી જાય છે. કોઈ રાજેશ્વરના મહલયમાં પ્રવેશ કરીએ તો દરવાજાથી માંડી દીવાનખાના સુધી એવી તો અપરંપાર સુંદર વસ્તુઓ જોવા મળે કે આપણે એને જ મુગ્ધ બની જોયા કરીએ; પછી મહારાજ સાથે મુલાકાત કરવાનું તો રહી જ જાય. અહીં આવીને જે કામ પહેલું કરવાનું તેને આપણે વિસારે પાડી દઈએ છીએ. અને ત્યાં તો વિદાય લેવાનો સમય થઈ જાય છે. અનંત આંગણ, અનંત ઓચ્છવ - તેમાં બુદ્ધિ માર્ગ ન ભૂલે. તો જ એની બલિહારી. તે પણ આવો અનંત વૈભવ જોઈ નરસિંહ ભૂલ ખાય એમ નથી. શ્યામનો પરિચય કરવાનો એક રસ્તો તેણે બતાવ્યો શ્યામના ચરણમાં મરણ.’ પણ એટલું પૂરતું નથી. મરીને જીવતા થવાની સંજીવની એ આપણા હાથમાં આપે છે : પકડી પ્રેમ સજીવન મૂળી. પ્રેમનું મૂળ મળી જાય તો જડ અને ચેતનને તે પોતાના અમૃત રસથી રસી દે. વૃક્ષ જેમ ઊંડાં મૂળ નાખીને પૃથ્વીની માટીને ચેતનથી ફોરમતા ફૂલમાં ને રસથી ઊભરતા ફલમાં પલટાવી નાખે છે એમ જ માણસના હૃદયમાં ઊંડો, સાચો પ્રેમ જાગે તો તે રાંજીવનીનું કાર્ય કરે. પ્રકૃતિ જડને રસમય તો કરે છે, પણ એ રસ સાથે પરમ ચૈતન્યના વિશુદ્ધ રસને મેળવવાનું કાર્ય આપણું છે. ઉપનિષદ એને મધુવિઘા કહે છે. ફૂલોના કાચા રસને મધમાખી પોતાની આંતરક્રિયાથી મધમાં પલટાવી નાખે છે. આપણે પણ એ રીતે સૃષ્ટિના વિવિધ રસને એક પરિપક્વ મધુરતામાં પલટી નાખીએ ત્યારે જીવનનું કાર્ય પૂરું થાય. વૈદિક ઋષિ સૂર્યને કહે છે દેવમધુ. આ દેવમધુને આત્માના અમૃતથી સીંચી દેવાનું કાર્ય કરે છે ઋષિની વાણી. નરસિંહની વાણી આ પદમાં એવું જ મધુકાર્ય કરે છે અને સૂર્યપ્રકાશને આનંદરસથી સભર કરી દે છે. કોઈ અદ્ભુત પ્રેરણાના સ્પર્શથી નરિસંહ ગાઈ ઊઠે છે : ઝળહળ જ્યોત ઉદ્યોત... પારણામાંહી ઝૂલે. જે બીજ પૃથ્વીમાં ઊંડે દટાઈ જાય છે, જે મૂળ ઊંડે ને ઊંડે અંધકારમાં જીવન જળની, ‘આબે હયાત’ની તલાશ કરે છે તેને ઉપરથી સૂર્યનું આમંત્રણ આવે જ છે. અને ધરતીમાંથી પ્રગટતી અંકુરની લીલી ધ્વજા એ સૂર્યલોકમાં ચેતનનું પહેલું પગલું છે. આકાશવ્યાપી ‘તે જ હું’ શબ્દનો એક તરણામાંથી સંભળાતો પહેલો ઉદ્ગાર છે. જેવું બહારના જગતમાં, એવું જ આત્મિક ભૂમિકામાં. સૂર્યોદય વેળા ક્ષિતિજના પારણામાંથી સૂર્યનું મુખ બહાર આવે ને બધું સોનાના રસથી રસાઈ જાય. સોનું એટલે તો પૃથ્વીની અત્યંત તેજસ્વી ને મૂલ્યવાન ધાતુ. માણસનું હૃદય એવું ઉજ્વળ, નિર્મળ બની જાય તો એ સોનાના પારણામાંથી સચ્ચિદાનંદનો મીઠો કિલકાર સંભળાય. અને પછી તો હ્રદય હૃદયમાંથી પણ એનો જ સૂર ઉછાળા મારતો આવે. આ વિશ્વના મૂળમાં એક દૂધમલ બાળક જેવું અદોષ ને આનંદમય તત્ત્વ રમતું રહે છે. માણસ પોતે એ બાળક જેવો બની જાય ત્યારે એ દર્શન સ્પષ્ટ થાય છે. અહીં થયા વિના કશું પામી શકાતું નથી. ગોરખની વાણી છે :

બસતી ન સૂયં, સૂયં ન બસતી,
અગમ અગોચર ઐસા,
ગગન સિખર મંહી બાલક બોલે
તાકા નામ ધરહુગે કૈસા?

પરમ તત્ત્વને છે’ કહો કે ‘નથી’ કહો તેમાં કશો ફેર પડતો નથી. એ બુદ્ધિથી અગમ્ય છે. ગગન શિખરમાં — શૂન્યમાં એક નિત્ય નવું તત્ત્વ આકાર ધરીને પ્રગટતું રહે છે. તેને કયા નામથી ઓળખશો? આ શિશુની સંગાથે યોગી ગોરખ અને ભક્ત નરસિંહ એકસરખા આનંદથી ખેલે છે. આ આનંદ એક વાર જાગ્યો પછી પોઢી જતો નથી. આ આનંદને પછી કોઈ આધારની જરૂર પડતી નથી. આ આનંદનો દીવો તો સ્વયંભૂ છે ને સદાય પ્રકાશે છે.

બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી
અચળ ઝળકે સદા અનળ દીવો.

કહે છે કે અગાઉ મંત્રશક્તિથી યજ્ઞની જ્યોત પ્રગટ થતી. નરસિંહની આ સહજ ને સમર્થ વાણી કોઈના અંતરની યજ્ઞભૂમિમાં અજવાળું કરી દે તો ના નહીં.

‘બિન નયનન છબી દેખના,
બિન સ્રવનન ઝનકારી

આવું અરૂપનું દર્શન અને અશ્રુતનું શ્રવણ સંતોએ અનેકવાર ગાયું છે. અનાહત નાદ અને અલૌકિક દર્શનના શબ્દો ઘસાઈને ઘાટ વિનાના અર્થ વિનાના બની ગયા છે. પણ જ્યારે એને કવિતાનો સ્પર્શ થઈ જાય છે ત્યારે એ જીવતા બની જાય છે. નરસિંહની આ સચ્ચિદાનંદ આનંદ ક્રીડા’ સાથે કબીરનો આનંદહિંદોલ જરા જોવા જેવો છે :

કરત કલ્લોલ દરિયાવ કે બીચ મેં
બ્રહ્મ કી છૌલ મેં હંસ ઝૂલે,
અર્ધ ઔ ઉર્ધ્વ કી ગેંગ બાઢી તહાં
પલટ મન પવન કો વ્રલ ફૂલે.
ગગન ગઐ તહાં સદા પાવસ ઝરે
હોત ઝનકાર નિત બજત તૂરા,
બેદ-કરેબ કી ગર્મી નાહીં તહાં
કહૈ બ્બીર કોઈ રમૈ સૂરા.
ગગન કી ગુફા તહેં ગૈબ કા ચાંદના
ઉદય ઔર અસ્ત કા નામ નાહીં,
દિવસ ઓ રેન તહુઁ નેક નહિ પાઈએ
પ્રેમ-પરકાસ કે સિન્ધુ માંહી.
સદા આનંદ, દુખદંદ વ્યાપે નહીં,
પૂરનાનન્દ ભરપૂર દેખા,
ભર્મ ઔર ભ્રાન્તિ તહુઁ નેક આવે નહીં,
કહૈ કબીર રસ એક પેખા,

બ્રહ્મ કી છૌલ’ બ્રહ્મના ઝૂલામાં કબીરનો આતમહંસ ઝૂલે છે, તો અહીં નરસિંહના શુદ્ધ હૃદયના પારણામાં બ્રહ્મ પોતે બાળક બનીને ઝૂલી રહે છે. માત્ર સગુણથી તેને સંતોષ નથી. સંગુણને એ સાકાર રૂપે પામે ત્યારે જ એને સુખ વળે. નરસિંહ પર કબીર ને નામદેવની પૂરી અસર લાગે છે. કોઈ નિત્ય-લીલાની ભૂમિમાં એને કબીર અને નામદેવનો ભેટો થઈ જાય તો એ બંનેના હાથ પકંડી મિલાવ્યા વિના ન રહે. નરસિંહનો આ આરાધ્ય કોઈ મૂર્તિમાં કે મંદિરમાં વસી રહ્યો હશે એમ માની બેસવાની આપણે ભૂલ ન કરીએ એટલા માટે એ આપણને કહી દે છે : ‘નરસૈંયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો.’ એ સર્વત્ર-વ્યાપી છે. ઊર્ધ્વ એટલે ૫૨મ શુદ્ધ ચૈતન્યની ભૂમિકા, અધઃ એટલે ત્રિગુણમયી પ્રકૃતિની ભૂમિકા; આમ ઉરધ ને અરધ, બંનેમાં એક જ અગમ્ય અવિનાશી રમી રહ્યો છે. આપણે તરત જ પૂછવાનાઃ ‘ત્યારે દેખાતો કેમ નથી?’ આપણે આવો સવાલ પૂછીશું એ સમજીને જ નરસિંહે ફરી પેલા પ્રેમના તંતુ ભણી ઇશારો કર્યો છે : ‘પ્રેમના તંતમાં સંત ઝાલે’ સંતો આવું પ્રેમરસાયન પીતાં અને પાતાં આ મૃત્યુલોકને અમૃતથી ભર્યા ભરપૂર રસનું ધામ બનાવી ગયા છે. અને આપણા માટે માત્ર બારણાં ખુલ્લાં મૂકતા જ નથી ગયા, પણ વારંવાર પ્રેમની હાક. મારી આ ઓચ્છવમાં સામેલ થવા બોલાવતા રહ્યા છેઃ

આપા-પર સબ, દૂરિ કરિ,
રામનામ રસ લાગ,
દાદૂ ઔસર જાત, હૈ,
જાગિ સકે તો જાણ