ભજનરસ/શાં શાં રૂપ વખાણું
શાં શાં રૂપ વખાણું, સંતો રે શાં શાં રૂપ વખાણું?
ચાંદા ને સૂરજ વિના, મારે વાયું છે વહાણું.
નેજા રોપ્યા નિજ ધામમાં, વાજાં અનહદ વાજે,
ત્યાં હરિજન બેઠા અમૃત પીએ, માથે છત્ર વિરાજે.
નૂરત-સૂરતની શેરીએ, અનભે ઘર જોયું,
ઝળહળ જ્યોત અપાર છે, ત્યાં મુજ મન મોહ્યું.
વિના રે વાદળ, વિના વીજળી, જળસાગર ભરિયું,
ત્યાં હંસા રાજા ક્રીડા કરે, ચાંચે મોતીડું ધરિયું,
માનસરોવર ઝીલતાં, તું તો તારું તપાસે,
તેને તીરે વસે નાગણી, જાળવજે, નહીં તો ખાશે.
ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂન લાગી,
અખો આનંદશું ત્યાં મળ્યો, ભવભ્રમણા ભાગી.
વિશ્વમાં અનેક રૂપ ધરીને વિહરતા પરમાત્માનાં દર્શનથી મહદ્-આશ્ચર્યના પાત્રમાં ઊભરતો આનંદ-૨સ આ ભજનમાં છલકાય છે. શાં શાં રૂપ... વાયું છે વહાણું. પેલું રૂપાતીત પરમ તત્ત્વ તો અપૂર્વ છે. પણ આ ઇદમ્ પૃથ્વીમાં વિલસતું તેનું રૂપ જરાયે ઊણું ઊતરે તેવું નથી. અનંત આકારે, અનંત પ્રકારે તેનું પ્રાગટ્ય વિસ્મયના ભંડાર ખોલે છે. ‘રૂપં રૂપં પ્રતિરૂપો બભૂવ’ — આ ઉપનિષદ-દર્શન અખાએ આંજ્યું છે. પણ જે આંખોમાં ઊગ્યું તેને વાણીમાં ઉતારી શકાતું નથી. ભૂતષ્ટિ ભેદીને ભૂતાન્તરાત્માને નિહાળતી દૃષ્ટિ મળે ત્યારે આ અવર્ણનીય દર્શન લાધે. પણ એ માટે તો ચાંદા-સૂરજનાં અજવાળાં પર ચોકડી મૂકવી પડે. જ્યારે દિવસ કે રાત, સૂર્ય કે ચન્દ્ર અથવા ઇડા-પિંગળાના ૠોસોચ્છ્વાસ, એક કાળથી પર રહેલા ધ્રુવબિંદુ પર ઠરે ત્યારે એવું પરોઢ ઉદય પામે છે. કાળચક્રની અમૃત-નાભિમાં પ્રવેશી શકાય તો આ અદ્ભુત દર્શન ઝીલી શકાય. અખો ‘ગુરુ શિષ્ય-સંવાદમાં કહે છે :