અરૂપસાગરે રૂપરતન/આ ઉમાશંકર મારા જ છે

From Ekatra Foundation
Revision as of 03:20, 22 May 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૬ – આ ઉમાશંકર મારા જ છે

બડભાગી છું કે મારા આસપાસના મારા યુગના નરશ્રેષ્ઠોનો પ્રસાદ તેમના હાથે જ પામ્યો છું, આકાશવાણીમાં નોકરી એ એક મોટો સુયોગ. એમાંના કેટલાક સ્નેહપ્રસાદ પણ પામ્યો. ઉમાશંકર તેમાંના એક – છતાં અનોખા. તેમનો ચહેરો કેમેરાને ઝીલતો ફોટોગ્રાફ ન હતો – પોટ્રેઈટ હતો અને પીંછી રહેતી – તેઓ આપી દેતાં આપણા હાથમાં. મને પણ એક પીંછી તેમણે આપી રાખી હતી. કેટલાક રંગ-લસરકા રેખાઓથી જે ચહેરો દોર્યો છે તે ઉમાશંકર મારા જ છે.

અંગતતાનો દાવો કરી શકાય તેવો તેમની સાથેનો સંબંધ ન હતો પણ એ જ વ્યક્તિ જ એવી કે તેમના થોડાં પરિચય પછી તમે તેમના સંબંધવિશ્વના નાગરિક હો તેવું જ લાગે. માંડ ચાર – પાંચ વરસ તેમની સાથેનો સંબધ હશે. અમદાવાદ આવ્યો એ પહેલાં, મોટેભાગે તો કટોકટીના ગાળામાં રાજકોટમાં એક સ્કૂલમાં તેમણે સાંભળવા ગયેલો ત્યારે જોયેલા. પ્રવચન પછી પ્રશ્નોત્તરી દરમ્યાન ઉશ્કેરાયેલા એક ભાઈને તેમણે શાંત ચિત્તે સમાધાનકારી જવાબો આપેલા. તે પછી આકાશવાણી રાજકોટે તેમના સન્માનમાં એક વિશિષ્ટ કાર્યક્રમ કરેલો ત્યારે સાંભળેલા. પણ વિશેષ પરિચય તો આકાશવાણી અમદાવાદમાં હું જોડાયું ત્યાર પછી થયો.

આ ચાર – પાંચ વરસોમાં અનેક વાર તેમને ઘરે ગયો છું, રેકૉર્ડીંગ નિમિત્તે અને એમ જ તેમને મળી પ્રસંગ ઊજવવા. કાકાસાહેબના શતાબ્દી વરસે હું એક રેડિયોરૂપક લખતો હતો. એ રૂપકનું સમાપન ઉમાશંકરભાઈના વિચારોથી કરવાનું હતું. એ રેકૉર્ડીંગ નિમિત્તે કદાચ પહેલી વાર તેમને ઘરે જવાનું થયેલું, એમને જાણ થઈ કે હું કવિતા લખું છું ત્યારથી તેમના સહકારનો પીળો પરવાનો મળી ગયેલો. એ રૂપકના રેકૉર્ડીંગમાં ત્રણ-ચાર મિનિટમાં તો તેમણે સારભૂત કાકાસાહેબને રજૂ કરી દીધેલા.

એ પછી તો ઘણીય વાર તેમને મળવાનું થયેલું. દરેક પ્રસંગ ખરા અર્થમાં પ્રસંગ લાગે અને તેમાં કોઈ વિચારસ્ફુલ્લિંગ, તેમનો પ્રેમ, ચોકસાઈ, માનવીય દ્રષ્ટિ, મેઘા, સ્નેહનાં દર્શન થતાં ને એ પ્રસંગ કોરાઈ જતો. ભોળાભાઈ તો ત્યારે કહેતા કે તારે એ સ્મૃતિઓ તાજી હોય ત્યારે તે દિવસે જ લખી લેવું જોઈએ. આજે એ સ્મૃતિઓ પર રજ જરૂર ચડી છે પણ ભુંસાઈ નથી.

તો સ્મૃતિલેખાથી શરૂ કરું દોરવાનું ?

જુલાઈ આવી રહ્યો છે. જુલાઈ શબ્દની સાથે ઘનઘોર આકાશ અને ધોધમાર વરસાદ તો યાદ આવે જ પણ એ વરસાદનાં ઝાપડાં સાથે પવનના ઝપાટે વીંજાતું આમતેમ રમણીય લહેરે ફરફરતું ‘ધારાવસ્ત્ર’ યાદ આવે. એ નાનકડી કવિતાની એ Cosmic રહસ્યમય ઇમેજ મનમાં વસી ગઈ છે. વીજળીના તત્ક્ષણ ચમકારમાં કવિએ કલ્પનનું મોતી પરોવી દીધું. આ મહિનામાં જ ગુરુપૂર્ણિમા આવે. એક ગુરુપૂર્ણિમાની સાંજે ઉમાશંકરભાઈને ઘરે પગે લાગવા ગયેલો. આમ તો વિધિવત્ શિક્ષણ તેમની પાસેથી લીધું નથી પણ ગુરુ દત્તાત્રેયના અનેક ગુરુ તે રીતે કોઈ દાવે તેઓ મારા ગુરુ હતા.

જુલાઈ મહિનામાં જ ઉમાશંકરભાઈનો જન્મદિવસ. તેમના છેલ્લા જન્મદિવસે મોડી સાંજે હું, કાર્તિક, યોગેશ અને પરેશ વર્ષાભીની હવામાં રસ્તા પરના ખાબોચિયાનું સ્કૂટરથી પાણી ઉડાડતા ઉડાડતા તેમના ઘરે પહોંચેલા. બગીચાની ઠંડી ભીની ઘાસગંધે બહારથી જ અમારું સ્વાગત કરેલું. કવિ ઉપરના ઓરડામાં હતા. અમે પહોંચ્યા ત્યારે દિવસના છેલ્લા મુલાકાતી ભોળાભાઈ નીકળવાની તૈયારીમાં હતા. ઉમાશંકરભાઈને તે દિવસે ઠીક ન હતું. ઝીણો તાવ હતો. કેન્સર ડિટેકટ નહોતું થયું પણ તેની અસરની શરૂઆત થઈ હશે. માંદગીથી અને આખો દિવસ ચાલેલી શુભેચ્છકોની અવરજવરથી થાકેલા હતા. પથારીમાં બ્રાઉન કલરની શાલ ઓઢીને બેઠા હતા. થાક્યા હતા પણ અમે આવ્યા તે તેમને ગમ્યું. દાદા આખા દિવસ પૌત્રો સાથે એકલા પડે ને હળવા થાય તેવા હળવા લાગતા હતા. અમે બધા શુભેચ્છા વ્યક્ત કરવા પગે લાગ્યા. તો દરેકને અમારા નામ સાથે શુભેચ્છાઓ લખી ‘સપ્તપદી’ની એક એક ચોપડી આપી. તેમના જન્મદિવસ નિમિત્તે ગળ્યું મોઢું કરવા મીઠાઈ ખાધા પછી અમને એક વિચાર આવ્યો કે આ દિવસની યાદગીરી રાખવા કૅસેટ પર તેમની કવિતા રેકૉર્ડ કરીએ. કૅસેટ-પ્લેયર તો ઘરમાં સામે જ પડ્યું હતું તેથી જેમ સુથારનું મન બાવળિયે તેમ મારું મન ત્યાં ચોંટેલું હતું. થાક અને તબિયતને હિસાબે તેમણે રેકૉર્ડીંગ કરવાની ના પાડી. પણ પછી અમારી હઠ સામે તેમનું ચાલ્યું નહીં – તેમાં વળી નંદિનીબહેનનો આગ્રહ પણ ભળ્યો. અંતે તેઓ તૈયાર થયા. કૅસેટ પ્લેયરની સિસ્ટમ નવી હતી તેથી તેના ઓપરેશનમાં થોડી તકલીફ પડી. ઘડી વાર તો લાગ્યું કે ઉમાશંકરભાઈ માંડ તૈયાર થયા છે ત્યાં કૅસેટ-પ્લેયરે વ્યવધાન ઊભું કર્યું. એક દહેશત હતી કે હાથમાં આવેલી તક સરી તો નહીં જાય ? ત્યાં વળી પ્લેયરે યારી આપી. ઉમાશંકરભાઈએ ‘સમગ્ર કવિતા’ હાથમાં લઈ કવિતાપાઠ શરૂ કર્યો. થાક અને માંદગીમાંય અવાજ નિરામય હતો. અમે એક પછી એક કવિતા યાદ કરાવતા જઈએ. ‘રહ્યાં વર્ષો તેમાં’ , ‘ગયાં વર્ષો તેમાં’ . ‘ધારાવસ્ત્ર’ – નેબહાર ખરેખર ઝાપટું પડતું હતું. એ વરસાદના ધધૂડાનો, પવનનો, ભીંજાતી કોયલના ટહુકારનો અવાજ પણ રેકોર્ડીંગમાં ઝિલાયો. ગ્રંથસ્થ ન થયેલી પણ તે ગાળામાં લખેલી ‘ગ્રાન્ડ કેન્યન’ પરની છેલ્લી કવિતા પણ તેમાં ઉતારેલી. મને લાગે છે કે તે કદાચ તેમનું છેલ્લું સચવાયેલું રેકૉર્ડીંગ છે અને તે પણ તેમના જન્મદિવસનું . રેકૉર્ડીંગ અકબંધ છે – મનમાં. ગમે ત્યારે replay કરી શકું.

એ એક વણકહ્યો આગ્રહ હતો કે જયારે પણ આકાશવાણી સ્ટુડિયોમાં રેકૉર્ડીંગ હોય ત્યારે ઓફિસની સારામાં સારી ગાડીમાં તેમણે લેવા મૂકવા જવાનું, એ આગ્રહ જેટલો તેમનો હતો તેટલો જ અમારો પણ. કહો કે એક રિચ્યુઅલ હતું. હું લેવા ઘરે પહોંચું ત્યારે તૈયાર જ હોય. ખાલી ચંપલ જ પહેરવાનું હોય. રસ્તામાં એક દિવસ મેં કહ્યું કે ‘મહાભારત એ તમારા અને બધાના રસનો વિષય. તમે માત્ર તેમાંથી પસાર જ નથી થયા પણ પાને પાને રોકાઈ વરસો તેની સાથે ગાળ્યાં છે, તો અમારી પેઢીને તમારી એ દ્રષ્ટિનો, અભિગમનો, જ્ઞાનનો લાભ મળે તે માટે તમારા ઘરે મહીને પંદર દિવસે એક નાની પ્રવચન-બેઠક ગોઠવીએ. રસિક મિત્રોને જાણ કરીને અને તમારા જ કૅસેટ-પ્લેયર પરતેને રેકૉર્ડ પણ કરીએ.’ મેં કહ્યું, ‘સમય, સમયગાળો એ બધું તમારી અનુકૂળતા પ્રમાણે. અમારી શરત માત્ર એટલી જ કે તમે મહાભારત પર બોલો’ મારો આઇડિયા કહો, અંતરઇચ્છા કહો કે સ્કીમ કહો, તેમણે પસંદ આવેલી. થોડી વાર મૌન રહ્યા પછી કહે, ‘તારી વાત સારી છે. આપણે જરૂર કરશું. વ્યાસનું મારા પર મોટું ઋણ છે. હાથમાં લીધેલાં કેટલાંક કામો પૂરાં થાય પછી બાકીનું જીવન વ્યાસ અને ગાંધીજીના ખોળે જીવવું છે. હું થોડો નવરો પડું પછી આપણે જરૂર કરીએ.

તેમની સંમતિથી પોરસાઈને મિત્રોમાં પણ જાહેરાત કરવા લાગેલો કે ઉમાશંકરભાઈ મહાભારત પર બોલવાના છે. કવિ રાજેન્દ્રશુક્લ તો જયારે જયારે આકાશવાણી આવે ત્યારે પૂછે, ‘મહાભારતના વ્યાખ્યાનોનું શું થયું ?’ તેમણે હાથમાં લીધેલાં કામોથી અને પાછળથી તબિયતને લીધે તે શક્ય ન બન્યું. છતાં જયારે જયારે પણ મળવા જતો ત્યારે હું ઉઘરાણી જરૂર કરતો. હંમેશાં તેમણે એમ કહ્યું કે આપણે જરૂર કરીશું. વધુ વખત જવાને લીધે જયારે મારા આગ્રહમાં સંકોચ ભળવા લાગેલો ત્યારે એક વાર તેમણે મને કહેલું, ‘મહાભારત વિષે પૂછતાં મારી પાછળ પડી જતાં અચકાઈશ નહીં. તું તારું કામ નહીં, પણ મારી પાસે મારું જ કામ કરાવી રહ્યો છે.’ શું તેમણે તેમ કહી તેમની જાતને ટપારેલી કે હું તેમની પાછળ પડી ગયો છું તેવું મને લાગે તેથી મારો સંકોચ દૂર કરવા કહ્યું હશે ? મને લાગે છે કે બંને વાત હતી. તેમના કહેવાથી મેં પૂછવાનું ચાલુ રાખેલું. આજે વિચાર કરું છું કે જો તે શક્ય થયું હોત તો મારા તો કેટલાય આગળા ઊઘડી ગયા હોત.

એક પ્રશંગથી તેઓ મારા મનમાં મહત્ત થઈ ગયેલા. એ ગાળામાં હું વિશ્વકવિસંમેલનમાં આમંત્રિત ભાવક તરીકે ભારતભવન- ભોપાલ જવાનો હતો. આ કવિસંમેલનમાં વિશ્વખ્યાત મેક્સિકન કવિ ઓક્ટોવિયો પાઝ આવવાના હતા. પાઝ ભારતમાં મેક્સિકોના એલચી તરીકે રહી ચૂક્યા હતા. અને ઉમાશંકરભાઈ તેમને મળેલા. પાઝની જગદીશ જોશીએ અનુવાદ કરેલ ‘સૂર્યઘટિકાયંત્ર’ દીર્ધ કવિતા મેં વાંચ હતી. આ જ ગાળામાં ઉમાશંકરભાઈને ઘરે ગયેલો. તેમની પાસે ઓક્ટોવિયો પાઝની કવિતાના અંગ્રેજી અનુવાદની ‘Sundial’ ચોપડી મેં જોઈ. જતી વખતે મેં તે ચોપડી થોડાં દિવસ વાંચવા માટે માગી. ને તદ્દન અનઅપેક્ષિત જવાબ મળ્યો. : ‘હમણાં જ આ ચોપડી દિલ્હીથી આવી છે. તારે વાંચવી હોય ત્યારે અહીંયાં આવીને વાંચજે. જેટલું બેસવું હોય તેટલું બેસજે.’ હું તો ઘા ખાઈ ગયો. છોભીલો પડી ગયો. મને તેમના પર રોષ ચડ્યો. બહાર કળાવા ન દીધું પણ મનમાં થયું કે તેમણે મને ના પાડી જ કેમ ? તેમને ખબર નથી કે જવાબદારીપૂર્વક હું ચોપડી લઈ જઈશ, સાચવીને રાખીશ અને સમયસર પાછી આપી દઈશ ? તેમને મારામાં વિશ્વાસ નથી કે મેં જ ભોટે અંગતતાના દાવે સોનાની જાળ પાણીમાં નાખી ? મને મારા પર શરમ અને ગુસ્સો ચડ્યો. બીજી જ ક્ષણે મેં બીજી રીતે વિચાર્યું : થયું કે મને કોઈ ના ન પાડી શકે તે તે વળી કેવું ? અને ઉમાશંકરભાઈને ગમતી ચોપડી હમણાં જ દિલ્હીથી તેમની પાસે આવી છે. તેમણે કદાચ પૂરી વાંચી પણ નહીં હોય. અને ધારો કે મને તેઓ ચોપડી આપે અને અકસ્માતે મારાથી પડી જાય કે ખોવાઈ જાય તો તેઓ મને શું કહે ? અને હું તો પૈસા આપી દઉં પણ ચોપડી તો ગઈ તે ગઈ જ ને ! અને મારે એમની સાથે એવો કયો ગાઢ અંગત સંબંધ કે મને આપે જ ? આ પ્રસંગથી મનમાં પહેલાં રોષ પછી શરમ અને સમાધાન થયું. થોડાં દિવસો પછી ફરી તેમને ઘરે જવાનું થયેલું. મેં જાળી ખખડાવી તો અંદરથી અવાજ આવ્યો, ‘કોણ ?’ મેં કહ્યું, ‘હું યજ્ઞેશ’ નંદિનીબહેને બારણું ખોલ્યું. હું દીવાનખાનામાં બેઠો ને તરત જ અંદરના રૂમમાંથી ઉમાશંકરભાઈ આવ્યા. હાથમાં ઓક્ટોવિયો પાઝની પેલી ચોપડી હતી ! આશ્ચર્યથી હું દંગ રહી ગયો, આંખ સહેજ ભીની થઈ ગઈ. નજીક આવીને કહે, ‘લે, આ ચોપડી તારે જોઈતી હતી ને ? વાંચીને ગમે ત્યારે મને આપજે, મારે તને તે દિવસે જ આપવી જોઈતી હતી, મેં કહ્યું, ‘હું અહીં આવીને વાંચી જઈશ. ખોટું નહીં કહું, પણ તે દિવસે પહેલાં તો મને તમારા પર ખૂબ રોષ ચડેલો પણ તરત જ મને વાત સાચા પર્સ્પેક્ટિવમાં સમજાણી હતી. તમે ન આપ્યા બદલ મને કોઈ દુઃખકે ડંખ નથી. ખરેખર મારે જયારે વાંચવી હશે ત્યારે અહીં આવીને વાંચીશ.’ ઉમાશંકરભાઈ કહે, ‘હવે એ વાત અહીંયાં પૂરી કર ને લઈ લે આ ચોપડી. તું તારે અમસ્તો આવજેને કોણ ના પાડે છે.’ આ દિવસો દરમ્યાન મને ચોપડી ન આપ્યાનો રંજ તેમને રહ્યો હશે. મોટા માણસોની મોટાઈ આવા નાના સામાન્ય પ્રસંગે છતી થતી હશે ને !

આકાશવાણીના આર્કાઈવ્ઝ મારે તેમનો બે-ત્રણ કલાકનો લાંબો ઇન્ટર્વ્યુ રેકૉર્ડ કરવાનું વરસોથી ખોરંભે ચડેલું. સરકારી નોકરીમાં બદલીની તલવાર માથે લટકતી જ હોય. મનમાં રહ્યા કરતું કે ઉમાશંકરભાઈનો ઇન્ટર્વ્યુ રેકૉર્ડ નહીં થાય તો મને વસવસો રહી જશે. અંતે તેમણે હા પાડી અને તેમના સૂચન પ્રમાણે તેમનો ઇન્ટર્વ્યુ ભગતસાહેબ લે તેમ નક્કી કર્યું. એ ગાળામાં ભગતસાહેબ લંડન કે પેરિસ ચાતુમાર્સે જતા તેથી આ બધો મેળ પડતાં ઠીકઠીક સમય ગયો. ભગતસાહેબ અમદાવાદ આવ્યા ત્યારે તરત જ હા પાડી. ઉમાશંકરભાઈ કહે, ‘રવિવારે સવારે તું અને નિરંજન મારા ઘરે આવો અથવા બીજે જ્યાં અનુકૂળતા હોય ત્યાં મળીએ અને આખા ઇન્ટર્વ્યુની આઉટલાઈન, તેનો સ્કોપ, ઝોક બધું સાથે બેસી નક્કી કરીએ.’ મેં કહ્યું, ‘તમે અને નિરંજનભાઈ મળી નક્કી કરો તે ફાઈનલ, હું તે વળી શું કહું ?’ ઉમાશંકરભાઈ કહે, ‘ના તું આ કાર્યક્રમનો પ્રોડ્યુસર છે, તારા મનમાં જે પરિકલ્પના હોય તે પણ ધ્યાનમાં રાખવી જોઈએ.’ એક રવિવારે અમે ત્રણે મળ્યા. ભગતસાહેબને માટે તો ઉમાશંકર એક વ્યક્તિ અને કવિ બંને સાથે અંગત ઘરોબો. તેમણે હોમવર્ક કરી રાખેલું હતું. મેં મારી તીરે ખ્યાલ આપ્યો કે આ ભવિષ્ય માટે કાયમી તરીતે સાચવવાનો છે તેથી વ્યક્તિ અને વ્યક્તિત્વના અંગત જાહેર કૌટુંબિક જેટલાં પાસાંઓ આવરી શકાય તેટલું સારું. જેમાં શૈશવ, અભ્યાસ, વ્યવસાય, મિત્રો, સહાધ્યાયીઓ, ગુરુઓ, લગ્ન, ગમતા કવિઓ, કારકિર્દી, ગમતા લેખકો-કવિઓ, સાહિત્ય, સાંપ્રત સમાજજીવન માનવનું ભાવિ જેવા અનેક જાતના પ્રશ્નો આવરી શકાય. તેમાંના મોટા ભાગના તો ભગતસાહેબે તૈયાર કર્યા જ હતા.

એક દિવસ રાજાન દિવસે સવારે જ રેકૉર્ડીંગ રાખ્યું હતું. યોગાનુયોગ તે દિવસે રામનવમી હતી. ઓફિસમાં રજા હોય તેથી કેન્ટીન બંધ હોય. આથી ઘરેથી જ હું થેલામાં ચાર-પાંચ કપ ચા થર્મોશમાં ભરી લાવ્યો હતો. રાજા હતી તેથી સ્ટુડીયોમાં શાંતિ હતી. ત્રણ કલાક સુધી ઉમાશંકરભાઈ અને નિરંજન ભગત સ્ટુડીયોમાં. બહાર રેકૉર્ડીંગ બુથમાંથી હું તેમની વાતચીત રેકૉર્ડ કરતાં કરતાં સાંભળતો જાઉં, કાચમાંથી જોતો જાઉં ને મારી ધન્યતા મારા ચેહેરા પરના આનંદથી પ્રગટ કરતો જાઉં. બપોરે ઇન્ટર્વ્યુ પૂરો થયો પછી મેં કહેલું ‘હવે મારી બદલી થઈ જાય તો મને અફસોસ નહીં રહે’. આ ઇન્ટર્વ્યુમાં ત્રણ સવાલો એવા હતા કે જેનો ઉમાશંકરભાઈએ એક શબ્દમાં જવાબ આપવાનો હતો. તેમણે આપેલા એ તીક્ષ્ણ માર્મિક સહજ જવાબો સીઝન્ટ ક્રિકેટરની સિક્સર જેવા હતા. :

મનુષ્ય વિશે : વાહ, દોસ્ત મનુષ્ય જાતિના ભાવિ વિશે : સબ સલામત

જીવન વિશે : પ્રભુ પણ આ જીવન જેવું બીજું કંઈ બનાવી શકે તેવો ઊંચો મને એને વિશે ખ્યાલ નથી.

અંગત જીવન વિશે : આ બ્રહ્માંડના આ ખૂણે એકલો અહીં શું કરું છું એમ કોઈ વખતે થાય. એટલી બધી ભીડ છે. એટલી બધી આશાની ભીંસ છે કે કોઈ જાણીતા ઓળખીતા અણઓળખીતા ભૂલ્યાભટક્યા કોઈને તાળી આપતાં કદાચ ભગવાનને તાળી આપી બેસાય.

એ તો થઈ આર્કાઈવ્ઝના રેકૉર્ડીંગની વાત. અમસ્તું કેટલીય ‘અમૃતધારા’ માટે મેં આપેલા વિષય પર તેઓ બોલેલા. કૉપી હતી. તે મને જોવા માટે બીજી કૉપી ત્યાં સ્ટુડીયોમાં લખવા બેઠા. મને સંકોચ થયો ને એકાદ પેરેગ્રાફ પછી બાકેલી સ્ક્રિપ્ટ મેં લખેલી. તેમની સાથે વાતચીત દરમ્યાન કશુંક કહે તો મનમાં નોંધી લઉં અને પછી એ વિષય પર તેમને બોલવા આમંત્રણ આપું. એક વાર ‘ગાંધીજીની શબ્દશક્તિ’ વિષય તેમને આપ્યો તો કહે ‘આ તને કેવી રીતે સૂઝ્યું ? ‘મેં કહ્યું, ‘મને નથી સૂઝ્યું, પણ તમે વાતચીતમાં ગાંધજીની શબ્દશક્તિનો ઉલ્લેખ કરેલો.’ મને યાદ છે ત્યાં સુધી તે વાર્તાલાપમાં ગાંધજી દક્ષીણ આફ્રિકા ગયેલા તે પહેલાં રાજકોટમાં કોઈ કેસ લડેલા તેના ભાષણનો અંશ તેમણે સંશોધન કરી શોધી કાઢેલો અનેતે સમયથી જ ગાંધીજીમાં કેવી શબ્દશક્તિ હતી તે વાત ઉપસાવેલી.

ગુજરાતના કે દેશના કોઈ સાહિત્યકાર કે અગ્રણીના અવસાન સમયે તરત જ ફોન કરી તેમને ઘરે શોક સંદેશા માટે દોડી જતા. જે કૃષ્ણમૂર્તિના અવસાન સમયે આકાશવાણીના શ્રદ્ધાંજલિમાં રેઓ મૌખિક દસબાર મિનિટ બોલેલા. લિખિત ભાષણ જેટલું મુદ્દાસર છતાં બોલચાલની ભાષાથી જીવંત એ રેકૉર્ડીંગ ટ્રાંસક્રિપ્શન પછી છપાયેલું.

એક વાર બપોરે રેકૉર્ડીંગ પૂરા થયા પછી ગાડીમાં તેમને મૂકવા જવાનું હતું. કાર દરવાજા બહાર નીકળે તે પહેલાં જ પૂછ્યું,’રસ્તામાં દસ-પંદર મિનિટ રોકાઈએ તો વાંધો નથી ને ? ગાડીનું કશું બીજું અગત્યનું કામ નથી ને ? રાજકોટથી ઉપેન્દ્ર પંડ્યા આવ્યા છે.સ્વસ્તિક સોસાયટીમાં ઊતર્યા છે. પક્ષઘાતને લીધે તેમાંનાથી નીકળાય નહીં તો આપણે થોડીવાર મળતા જઈએ.’ રસ્તામાં અમે સ્વસ્તિક સોસાયટી ગયા. ઉપેન્દ્રભાઈ જમવાની તૈયારી કરતા હતા. ઉમાશંકરભાઈની જોઈને આનંદ-આશ્ચર્યચકિત. ઉમાશંકરભાઈએ તેમને પ્રેમથી મળ્યા. ઉપેન્દ્રભાઈના દીકરા સુબોશ સાથે પણ જૂની દોસ્તી તાજી કરી.

એક વાર પૉંડિચેરી ગયો હતો ત્યારે સુંદરમને મળ્યો હતો. સુન્દરમનો મારા દાદા સાથે શ્રીઅરવિંદને કારણે સંબંધ. સુંદરમને વિનંતી કરી કે મારા પુત્ર કાર્ત્તિકેયના ફોટા પાછળ હસ્તાક્ષર કરી આપો. તેમણે આશીર્વચન લખી આપ્યાં. વિચાર આવ્યો કે આ જ ફોટામાં ઉમાશંકરભાઈની શુભેચ્છા પણ મેળવું તો ? બીજા અઠવાડિયે અમદાવાદ આવી તેમને ઘરે જઈ સુંદરમની સહીવાળા ફોટામાં શુભેચ્છાસહી કરવા વિનંતી કરી. હું કાર્ત્તિકેયના ઉચ્ચારણમાં એક જ ‘ત’ બોલતો. મને એમણે શિખવાડ્યું કે નામના શુદ્ધ ઉચ્ચારણમાં પહેલાં ‘ત’ તે સહેજ અછડતો સ્પર્શ કરી બીજા ‘ત’ સાથે જોડી કેવી રીતે બોલાય. મને કહે કાર્ત્તિકેયનું હુલામણું નામ શું ? મેં કહ્યું ઘરમાં અમે તેને ‘બબુ બબુ’ કહીએ છીએ. તેમણે તરત જ તે હુલામણા નામથી એક પંક્તિ રચી લખી આપી. ‘બબુ બાબુ બાબુલ બાનું બુલબુલ બંનેથી સવાયો’. બે-ત્રણ શબ્દમાં તો ટેઈક-ઑફ કરી બબુ ઊડવા ચહકવા લાગ્યો. પહેલી વાર જયારે પત્ની કલ્પના અને પુત્ર કાર્ત્તિકેયને તેમને ઘરે લઈ ગયેલો ત્યારે તેમને મારી આનાકાની છતાં બે વરસનાં દીકરાના હાથમાં મોં જોયાના પૈસા શુભેચ્છા-પ્રતિક તરીકે આપેલા. મેં ના પાડી તો કહે. “ હું તને ક્યાં આપું છું, હું તો મારા નાનકડા દોસ્તને આપું છું.”

તે ગાળામાં ‘અખંડ આનંદ’માં ઉમાશંકરભાઈના ઈશાવાસ્ય ઉપનિષદ અને બીજાં ભજનો, ભક્તિરચનાઓના લેખો આવતા. મારા દાદા રસ અને આદરભક્તિથી તે લેખો વાંચે. મારે તેમની સાથે થોડીઘણી ઓળખાણ છે તે તેમને ખબર. દાદા મને કહે, એક વાર મને ઉમાશંકરભાઈ સાથે ન મેળવી આપે? મેં ઉમાશંકરભાઈને વાત કરી તો મને પૂછ્યું, ‘દાદાજીની ઉંમર કેટલી હશે ? મેં કહ્યું, ’૮૩-૮૪ વરસ’. તો મને કહે, ‘મારાથી દસ વરસ મોટા છે. તેમને તકલીફ ન આપીશ. હું તારા ઘરે દાદાજીના દર્શન કરવા આવીશ.’ મેં કહ્યું, ‘દાદાજીને ૮૪ વરસ છે પણ તબિયત ઘણી સારી છે અને મારા સ્કૂટર પાછળ બેસીને અહીં આવી શકશે.’ ઉમાશંકરભાઈએ ટાઈમ આપ્યો તે દિવસે દાદાને સ્કૂટર પાછળ બેસાડી તેમને ઘરે લઈ ગયો. દાદાજી તો શું બોલે ! ઉમાશંકરભાઈના દર્શનથી જ ધન્ય થઈ ગયા. બંને એકબીજાને હાથ જોડીને ઊભા રહ્યા. દાદાજી સાથે તેમના રસની પ્રેમથી વાતો કરી. દાદાજી આજે પણ એ નજરાણું યાદ કરે છે. મને લખવા માત્ર એક પત્રમાં તેમણે તાજેતરમાં પ્રગટ થયેલી મારી અને કાર્ત્તિકની કવિતા તો યાદ કરી પણ મારા મિત્રો અને પુત્ર કાર્ત્તિકેયથી દાદાજી (કાર્ત્તિકેય ટુ બધાંને મારી યાદ) ને સંભારેલા.

તેમના ગુસ્સાનો લાભ તો નથી મળ્યો પણ અણગમામિશ્રિત ટોન જરૂર સાંભળ્યો છે. વાત એમ હતી કે દૂરદર્શનના પ્રોડ્યુસર દિપક બાવસ્કર ચં. મહેતા પર એક ડોક્યુમેન્ટરી બનાવતા હતા. તેમની ઇચ્છા હતી કે તેમાં ઉમાશંકરભાઈની ‘ચંદ્રવદન એક ચીજ’ તેમના અવાજમાં જ સમાવવી. સીધું કહેવાથી ઉમાશંકરભાઈ ના પાડી દેશે તેવી દહેશતથી તેમણે પરેશ મારફત મને સંડોવ્યો. બાવસ્કરને ડોક્યુમેન્ટરી પૂરી કરવાની ઉતાવળ હતી અને તે દિવસોમાં ઉમાશંકરભાઈ તીથલ રહેવા ગયેલા. મેં કાગળ લખ્યો કે આ પ્રકારનું તમારું કામ છે. તમે બે-ચાર દિવસમાં અમદાવાદ આવવાના હો તો અહીં શુટિંગ કરીએ. નહીં તો તમે કહો ત્યારે તીથલ આવીને કરી જઈએ. સાથે તીથલ કદાચ હાથવગી ન હોય તેમ માની તે કવિતા પણ મોકલેલી. તરત વળતી ટપાલે તેમનો આકાશવાણી પર જવાબ આવ્યો. (કાગળ પર મારું નામ અને મોકલનારમાં ઉમાશંકરભાઈનું નામ વાંચી હું તો ધન્ય ધન્ય) તેમણે લખેલું કે બે-ચાર દિવસમાં જ તેઓ અમદાવાદ આવશે તેથી તીથલ આવવાની જરૂર નથી. આ સમાચાર મેં બાવસ્કરને જણાવ્યા. પણ પછી બાવસ્કર તરફથી કોઈ સંદેશો આવ્યો નહીં. દસેક દિવસ પછી ઑપરેટર કહે ફોન. મેં ઉપાડ્યો તો ઉમાશંકરભાઈનો મને અપરિચિત તેવી ટોન. તેમણે કહ્યું માત્ર એટલું જ કે તેઓ અઠવાડિયાથી અમદાવાદ આવી ગયા છે અને અમે સંપર્ક કરીશું તેની રાહમાં હતા. શુટિંગ કરવું ન કરવું મહત્વનું ન હતું પણ વિવેક માટે પણ તેમનો કોન્ટેક્ટ કરવો જોઈતો હતો. એ વિવેક અમે ચૂક્યા. એક વાર છેક તીથલ સુધી ટીમ લઈને શુટિંગ કરવાની તત્પરતા પછી આવી આળસ કે અહેવાલના કોઈને પણ અકળાવે. દીપક બાવસ્કર ફેસ્ટિવલ ઓફ ઇંડિયા માટે મોસ્કો પહોંચી ગયા હતા અને અહીં ગુનેગારના પાંજરામાં હું ઊભો હતો. ગમે તેમ હોય, તે ડોક્યુમેન્ટરી ઉમાશંકરની તે કવિતાથી વંચિત રહી.

વિજ્ઞાનના વિદ્યાર્થી હોવાને લીધે સાહિત્યનું અને ઉમાશંકરભાઈનું સીધું શિક્ષણ તો હું પામ્યો નથી. અમારી આ લાગણી તેમની પાસે રજૂ કરતાં એક વાર તેમણે એક સાંજે તેમના અંદરના રૂમમાં મારા અને યોગેશ માટે અંગ્રેજી કવિતાનો રીતસરનો ક્લાસ લીધેલો. લગભગ દોઢ-બે કલાક સુધી તેઓ વરસો પછી એમ.એ. નો પિરિઅડ લેતા હોય તેમ ટોમસ ગ્રેની ‘એલજી રીટન ઈન અ કન્ટ્રી ચર્ચયાર્ડ’ અને ટોમસ હાર્ડીની ‘કવિની ઈચ્છા’ કવિતાઓની લીટીએ લીટી વાંચતા જાય. ‘between the lines’ જે હોય તે પણ સમજાવતા જાય. છેક છત સુધી ચડી ગયેલી ચોપડીઓવાળા ઘોડા, ટેબલ પર આવેલાં અને જવાબ આપવાની રાહ જોતા કાગળો, ટેબલની એક તરફ ઉમાશંકરભાઈ, બીજી તરફ ખુરશી પર હું અને યોગેશ. ઉપરથી પડતો બલ્બનો પ્રકાશ અને વિદ્યુતલતાશી એક પછી એક ઉજાળતી પંક્તિઓ બધું ક્લિક્ થઈ ગયંન છે. તે દિવસે તેઓ અમારા માટે ચા બનવવા ગયા (તેમના હાથની ચા અને ચીવટપૂર્વક છાલ ઉતારેલું સફરજન ખાવાવાળા અમે પણ ભાગ્યશાળી હતા.) ત્યારે તેમના બુકકેસનો કાચ સરકાવી ચોપડીઓ જોયેલી. એક પુસ્તક હજી યાદ છે. ‘Divine Comedy’. તેમાં તેમે ચાલીસ પચાસ વરસ પહેલાં તે પુસ્તક બે વાર વાંચ્યું હતું અને તેમાં વાંચન તારીખ તથા ભારતીય તત્વજ્ઞાન અને વિશેષ કરીને ઉપનિષદ અને ગીતાના પેરેલલ ક્યાં છે તે પંક્તિઓ અંડર લાઈન કરેલી ને ટાંચણ કરેલું. ‘ડિવાઈન કૉમેડિ’ વિષે તેમણે સ્વતંત્ર કશું ન લખ્યું હોય તો પણ તે ટાંચણ પરથી તે મહાકાવ્ય વિષે તેઓ શું માનતા – વિચારતા તેનો અંદાજ આવી શકે.

તેમની સાથે થોડી વાર બેસો તોપણ બે-ચાર વાત, વિચાર કે રજૂઆત એવી થાય કે તમને કાયમ માટે યાદ રહી જાય. Corrospondence શાળમાં તેમણે વચ્ચે હાયફન મૂકી co-respond શબ્દને તેના મૂળ અર્થમાં ખોલી આપેલો. પરિષદના દાદર પાસે એક વાર વધારે જીવવાની ઇચ્છાની વાત નીકળી તો કહે, ‘આ માણસજાત કેવી કમાલ કરે છે તે જોવું ચોક્કસ ગમે. કહે, જુઓને લગભગ પંચોતેર થવા આવ્યાં. એટલે એક ડગલું તો આમ ચાલ્યા ગણોને. આમ ૨૦ ડગલાં પાછળ ચાલીએ તો ક્રાઈસ્ટ સાથે હાથ મિલાવી શકાય. : હેલો ક્રાઈસ્ટ.’ તેમના ઘરે મહાભારતના ગમતા પાત્ર વિશે પૂછ્યું તો તેમણે કૃષ્ણ, કર્ણ, અર્જુન, યુધિષ્ઠિર, વિદુર કે દ્રૌપદી નહીં પણ દુર્યોધનનું નામ આપેલું. તેમના હૃદયમાં કોઈ ખૂણામાં આપણો આ ખલનાયક વસી ગયેલો. દુર્યોધન શા માટે ગમે છે તે વિશે તેમણે કહેલું, જેમાંનું આજે કશું યાદ નથી. હા, દુર્યોધનમાં અંગ્રેજીમાં જેને just કહે છે તેનો આગ્રહ હતો અને ગુજરાતીમાં તે just શબ્દનો પર્યાય નથી તેમ કહેલું તેટલું યાદ છે.

નેધરલેન્ડથી મારો મિત્ર યાપ સ્લુરિંક અમદાવાદ આવેલો તો તેણે લઈ ઉમાશંકરભાઈને ઘરે ગયેલો. આમસ્ટરડમ, હેગ, રોટરડામની વાતો કરી તેને વાતો કરતો રાખેલો. નીકળતી વખતે બહાર ઓશરીમાં અમને વળાવવા આવ્યા ત્યાં વળી વાતોએ વળગ્યાં. વાતવાટમાં ક્યાંથી કાન્તની ‘આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચન્દ્રનો હૃદયમાં હર્ષ જામે’ તે પંક્તિઓ બોલ્યા ને ગુજરાતી ભાષાનો એક અક્ષર પણ ન સમજનારા મારા ડચ મિત્રએ કાવ્યના લય પરથી તેણે પામી જઈને મને પૂછ્યું : ‘are these line related to sea ?’ એ કવિતામાં યાપને સમુદ્રનાં મોજાંનો લય પકડાયો. મેં ઉમાશંકરભાઈને કહ્યું તમે કમાલ કરી. તો આ જશ પણ તેમણે ન લીધો. કહે, ‘કમાલ તો કાન્તની’.

એક વાર બપોરે આકાશવાણી પર તેમનો ફોન આવ્યો. ફોનમાં કહે ecologyનો પર્યાય પર્યાવરણ થાય ? મેં કહ્યું ‘આમ જુઓ તો ecology શબ્દમાં સમગ્ર જીવનસૃષ્ટિ એકબીજા સાથે અને પર્યાવરણ સાથે જે સંતુલનમાં રહે છે તેનું શાસ્ત્ર એવો અર્થ થાય. પણ આપણે ત્યાં પર્યાવરણશાસ્ત્ર શબ્દ જ રૂઢ થઈ ગયો છે. મૂળની અર્થચ્છાયાઓ નથી પણ લોકો સમજી જાય છે.’ પૂછવાનું કારણ મેં કહ્યું તો કહે કાલિદાસ પરની પરિચય પુસ્તિકામાં તેમણે તે શબ્દ યોગ્ય સંદર્ભમાં વાપર્યો છે કે નહીં તેની ખાતરી કૉપી પ્રેસમાં જાય તે પહેલાં તેમણે કરવી હતી અને મેં ઇકોલૉજીમાં ડૉકટરેટ કરેલું તેથી મારા વિષય અંગે મને પૂછવું તેમને વધુ યોગ્ય લાગ્યું. આ કેવળ નમ્રતા ન હતી પણ એક શબ્દ માટે કેવી ચીવટ અને ચોક્કસાઈ હતી તેનું ઉદાહરણ હતું.

ઉમાશંકરભાઈ જ્ઞાનપીઠ થી મહાન હતા તે તો આવી નાની નાની ઘટનાઓથી. મારા મનમાં જ્ઞાનપીઠથી પણ ઊંચી પ્રેમપીઠ પર બેસેલા હતા. તેઓ બહારગામ હોય ત્યારે અમદાવાદમાંથી મારું અમદાવાદ ઓછું થઈ જતું. ભલે રોજ મળવાનું ન થતું હોય તોપણ તેઓ અમદાવાદમાં હોય તેની જ એક ધરપત લાગતી. ખબર પડે કે તેઓ અમદાવાદમાં આવી ગયા છે તો અમસ્તો જ ફોન કરી એ ધરપતને અડી લેતો. મનમાં એક પૂરાપણું લાગતું. આજે હવે એ ધરપત નથી. છતાં એક ધરપત તો છે કે આની પાર, પેલી પાર જો જગત હશે તો ઉમાશંકરભાઈ ત્યાં જરૂર મળશે. અને પરિષદના પગથિયા પાસે બધાની વચ્ચેથી ખસી જઈ મને મળવા આવેલાં તેમ ત્યાં પણ આવશે.