ભજનરસ/શાં શાં રૂપ વખાણું

From Ekatra Foundation
Revision as of 06:46, 22 May 2025 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


શાં શાં રૂપ વખાણું

શાં શાં રૂપ વખાણું, સંતો રે શાં શાં રૂપ વખાણું?
ચાંદા ને સૂરજ વિના, મારે વાયું છે વહાણું.
 
નેજા રોપ્યા નિજ ધામમાં, વાજાં અનહદ વાજે,
ત્યાં હરિજન બેઠા અમૃત પીએ, માથે છત્ર વિરાજે.

નૂરત-સૂરતની શેરીએ, અનભે ઘર જોયું,
ઝળહળ જ્યોત અપાર છે, ત્યાં મુજ મન મોહ્યું.

વિના રે વાદળ, વિના વીજળી, જળસાગર ભરિયું,
ત્યાં હંસા રાજા ક્રીડા કરે, ચાંચે મોતીડું ધરિયું,

માનસરોવર ઝીલતાં, તું તો તારું તપાસે,
તેને તીરે વસે નાગણી, જાળવજે, નહીં તો ખાશે.

ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂન લાગી,
અખો આનંદશું ત્યાં મળ્યો, ભવભ્રમણા ભાગી.

વિશ્વમાં અનેક રૂપ ધરીને વિહરતા પરમાત્માનાં દર્શનથી મહદ્-આશ્ચર્યના પાત્રમાં ઊભરતો આનંદ-૨સ આ ભજનમાં છલકાય છે. શાં શાં રૂપ... વાયું છે વહાણું. પેલું રૂપાતીત પરમ તત્ત્વ તો અપૂર્વ છે. પણ આ ઇદમ્ પૃથ્વીમાં વિલસતું તેનું રૂપ જરાયે ઊણું ઊતરે તેવું નથી. અનંત આકારે, અનંત પ્રકારે તેનું પ્રાગટ્ય વિસ્મયના ભંડાર ખોલે છે. ‘રૂપં રૂપં પ્રતિરૂપો બભૂવ’ — આ ઉપનિષદ-દર્શન અખાએ આંજ્યું છે. પણ જે આંખોમાં ઊગ્યું તેને વાણીમાં ઉતારી શકાતું નથી. ભૂતષ્ટિ ભેદીને ભૂતાન્તરાત્માને નિહાળતી દૃષ્ટિ મળે ત્યારે આ અવર્ણનીય દર્શન લાધે. પણ એ માટે તો ચાંદા-સૂરજનાં અજવાળાં પર ચોકડી મૂકવી પડે. જ્યારે દિવસ કે રાત, સૂર્ય કે ચન્દ્ર અથવા ઇડા-પિંગળાના ૠોસોચ્છ્વાસ, એક કાળથી પર રહેલા ધ્રુવબિંદુ પર ઠરે ત્યારે એવું પરોઢ ઉદય પામે છે. કાળચક્રની અમૃત-નાભિમાં પ્રવેશી શકાય તો આ અદ્ભુત દર્શન ઝીલી શકાય. અખો ‘ગુરુ શિષ્ય-સંવાદમાં કહે છે :

‘વકરી દ્રષ્ટયે દીસે ભૂત, વસ્તુ વિચારે જે અદ્ભુત,
વસ્તુ વિચારે વસ્તુ જ વસ્તુ, તહાં કો કહે ઉદે ને અસ્ત.

વસ્તુ અને વસ્તી જે નગરમાં એકાકાર બની વિલસે છે ત્યાં વિકૃતિ નથી, ત્યાં છે બારે માસ ઉજાસ. આ નગરનો પરિચય શી રીતે થાય? નેજા રીપ્યા... છત્ર વિરાજે. પોતાના ધામનો પત્તો નથી એટલે જ માણસ જ્યાં ત્યાં ધક્કા ખાય છે. ‘નિજ પદ’, ‘નિજ ધામ’, ‘નિજ સ્વરૂપ’ કહી સંતો જેને ઓળખાવે છે તેમાં વિજયનો વાવટો જે ફરકાવે તેને ભાગે શરીર, મન, બુદ્ધિ, અહંકારની સીમાથી પર આનંદનાં વાજાં બજી ઊઠે. આ માટીના શરીરમાં જ મૃત્યુંજય ઉદ્ઘોષ સંભળાય. નિરહં-અવસ્થામાં નિજધામ આવેલું છે અને ત્યાં જ મનુષ્ય માટે નિત્ય આનંદનું ગાન છે, અમૃતનું પાન છે. અહીં જ તેને માટે એકમાત્ર અભયછત્ર છે. બાકી બીજે સ્થળે ભય અને ભેદની ભૂતાવળો ખાઉં ખાઉંના હાકલા કરતી જ રહે છે. મહાકાળના રાજ્ય વચ્ચે કોઈ નેજા રોપી, વાજાં વગાડી, નિર્ભય બની અમૃત પીતા બેઠા હોય એ દૃશ્ય જ વિરલ છે. પણ કાળી રાત અને નિશાચરોની ગર્જનાઓથી ઘેરાયેલા હોવા છતાં હિરજન આવી મહેફિલ જમાવે છે. મધરાતે સૂરજનાં અજવાળાનો તે અનુભવ કરે છે. તેનું રહસ્ય ત્રિગુણમયી પ્રકૃતિ પર તેમણે મારેલી ચોકડીમાં રહ્યું છે. અખાના શબ્દો :

વાણું વાયું નર ત્યારે તું જાણજે,
ત્રિગુણરૂપી તારી રાત્ય જાયે,
આતમા અર્ક ઊગે જ્યારે આપમાં
ત્યારે નિશાચર ઠામ થાયે.

ત્રિગુણનો ત્રાગડો તૂટે ત્યારે જ પરમનું પ્રાગટ ફૂટે.

નૂરત સૂરતની શેરીએ... મુજ મન મોહ્યું

નૂરતા, નિઃરત અવસ્થા એટલે કે ઘટવૈરાગ્ય, અને સૂરતા, સૂરત અવસ્થા એટલે કે પરમાત્મામાં તલ્લીનતા, એવી સાંકડી શેરી છે જેમાં સાજન સામે મળે છે. જગત લય પામતાં પામતાં ચિત્ત જ્યારે જગદીશમાં લયલીન બને ત્યારે આ શેરીને નાકે જ આપણું અનભે ઘર દેખાય છે. સાધુઓ નૂરત-સૂરત શબ્દો પર રમત કરતાં કહે છે કે આંખે તેનું નૂર અને કાને તેનો સૂર એકીસાથે જાગી ઊઠે ત્યારે અસલ ઘર મળે. આ ઘરની રોશનીનો પાર નહીં, એના રંગને રંગ-બેરંગી થવાનો ભય નહીં. મન આપોઆપ એમાં મગ્ન બની જાય.

વિના રે વાદળ... ચાંચે મોડું ધરિયું

વાદળ વરસે ને સરોવર ભરાય, વીજળી ચમકે ને અંધકાર ભેદાય એવી રમણા ભૌતિક જગતમાં ચાલે છે. ત્યાં એકનો આધાર અન્ય પર રહે છે. પણ આ પ્રદેશથી પર એવો એક ચૈતન્યલોક છે. જેમાં પોતે જ પોતાનામાં ભરપૂર આનંદના જળ હિલોળા લે છે. આ સાયરજળમાં આતમ-હંસ કિલ્લોલ કરે છે. તેની સર્વ ક્રિયા એક ક્રીડા માત્ર છે. ક્લેશ કે કલહનું આ જગ્યાએ નામનિશાન નથી. મોતીનો ચારો ચરે છે આ ધવલ હંસ. એક ઉજ્વળતાથી ભર્યું ભર્યું જીવન વધુ ઉજ્જ્વળ આનંદનો આસ્વાદ લે છે. મોતીનો ચારો કરતા કે દૂધનું જ પાન કરતાં હંસનું દૃષ્ટાંત આપી અખો છાયારહિત, માયારહિત જીવનમુક્તની ઓળખ આપે છે :

હંસલા ગુરુ દેવે સોનારા,
વ્યારા રહે દૂધ, પાનીકા પાની,

જગતના મિશ્રણમાંથી શુદ્ધ આનંદ મેળવવાની કળા માનસના હંસ પાસે છે.

માનસરોવર... નહીં તો ખારો

માનસરોવ૨નાં નિર્મલ નીર છે, હંસારાજા ત્યાં ક્રીડા કરે છે, પણ વળી ક્યાંક ભ્રમણાનો આછો-પાતળો પડદો રહી ગયો હોય તો એને ભેદી જોવાનું અખો કહે છે. ‘તું તો તારું તપાસે’ એ પંક્તિમાં આંત૨-ખોજની ધારદાર દૃષ્ટિ કામ કરી ગઈ છે. પોતે નિજ ધામમાં નેજા રોપ્યા છે તેની આખરી કસોટી સાધક માટે કઈ? અખો કહે છે :

પિંડ બ્રહ્માંડ દીસે નહીં જે વિધે,
દિવ્યદરશી તણી પેર મોટી,
ધ્યેય ને ધ્યાતા વરતે એક ધામમાં
અખા એ સમજ મોટી કસોટી,

પિંડનો ભાસ છે ત્યાં સુધી માયા છે, ને બ્રહ્માંડનો આભાસ છે ત્યાં સુધી મોહ છે. નિરાભાસ અવસ્થામાં નાનું-મોટું, નિકટ-દૂર અને મારું-પેલું એ ભાવ સદંતર ભૂંસાઈ જાય છે. આત્મદર્શનના નિર્મલ, નિર્વિક્ષેપ અને નિરાવરણ સ્વરૂપને પ્રાપ્ત કરતાં પહેલાં મોહ-માયાનો અતિ સૂક્ષ્મ તંતુ રહી જવાનો સંભવ છે. એ જ માન સરોવરને તીરે રહેતી નાગણી છે. પોતે પ્રાપ્તિ કરી લીધી ને પોતે બીજાને પ્રાપ્તિ કરાવવા માટે ગુરુ થઈ બેસે એવા રેલ દુનિયામાં ચાલે છે. અખો આ જોઈ કહે છે :