અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/કેમ છો?
Revision as of 06:27, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કેમ છો?|ચિનુ મોદી `ઈર્શાદ'}} <poem> :::: કેમ છો? સારું છે? દર્પણમાં જ...")
કેમ છો?
ચિનુ મોદી `ઈર્શાદ'
કેમ છો? સારું છે?
દર્પણમાં જોયેલા ચહેરાને રોજ રોજ
આમ જ પૂછવાનું કામ મારું છે?
કેમ છો? સારું છે?
અંકિત પગલાંની છાપ દેખાતી હોય
અને મારગનું નામ? તો ક્હે : કાંઈ નહીં,
દુણાતી લાગણીના દરવાનો સાત
અને દરવાજે કામ? તો ક્હે : કાંઈ નહીં;
દરિયો ઉલેચવાને આવ્યાં પારેવડાં
ને કાંઠે પૂછે કે પાણી ખારું છે?
કેમ છો? સારું છે?
પાણીમાં જુઓ તો દર્પણ દેખાય
અને દર્પણમાં જુઓ તો કોઈ નહીં,
‘કોઈ નહીં’ ક્હેતામાં ઝરમર વરસાદ
અને ઝરમરમાં જુઓ તો કોઈ નહીં;
કરમાતાં ફૂલ જેમ ખરતાં બે આંસુઓ
ને આંખો પૂછે કે પાણી તારું છે?
કેમ છો? સારું છે?