લઘુ સિદ્ધાન્તવહી/‘વિચલિતો’ અંગેની વિભાવના

From Ekatra Foundation
Revision as of 02:02, 26 August 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૦

‘વિચલિતો’ અંગેની વિભાવના

ઈલેક્ટ્રૉનિક ત્વરિત સંચારમાધ્યમો એકવિધતાના કવચમાં વિશ્વને જકડી લેવા મથતાં હોય અને સંસ્કૃતિઓની ઓળખ ભૂંસાવા તરફ જતી હોય ત્યારે સંસ્કૃતિની મીમાંસા જેવું નવું શાસ્ત્ર ઢાલ તરીકે ઊપસે એ સ્વાભાવિક છે. કદાચ સમાજવિજ્ઞાન પણ એટલે જ જુદી પદ્ધતિઓ અને જુદાં વિશ્લેષણો તરફ જઈ રહ્યું છે. સાહિત્ય પણ એટલે જ સ્વાયત્તતાની જક છોડીને પોતાના આંતરિક સ્વકીય સંકેતો સાથે બહારના સર્વક્ષેત્રીય સંકેતોને માર્ગ આપવા તત્પર થયું છે. સંસ્કૃતિઓ પર ઊભી થયેલી કટોકટીએ સ્થાનિક પરિબળોને સક્રિય કર્યાં છે. અખિલાઈને આવરતી સર્વદેશીયતા કે સાર્વત્રિકતાનો વિરોધ થઈ રહ્યો છે. સંસ્કૃતિમાં વર્ચસ્ (hegemony) ભોગવતા ક્ષેત્રની સામે હાંસિયામાં રહેલા ઉપેક્ષિતો કે ઉન્મૂલિતો યા વિચલિતોનાં નાનાં નાનાં ક્ષેત્રો તરફ ધ્યાન વધારે કેન્દ્રિત થઈ રહ્યું છે. આ સંજોગોમાં ફ્રેન્ચ સમાજવિજ્ઞાની એમીલ દ્યુરકેમ (Emile Durkheim)ની વિચલિતો (anomie) અંગેની વિભાવના સમજવી જરૂરી છે. Anomie (વિચલિતો) સંજ્ઞાનો અર્થ થાય છે : ‘નિયમો નહીં’ આ સંજ્ઞા ગ્રીક શબ્દ nomos પરથી ઊતરી આવી છે. વિચલિત વ્યક્તિઓ અને જૂથો સામાન્ય રીતે સમાજના નિયમો, કાયદાકાનૂનો કે એની રૂઢિઓને ગાંઠતા નથી. જેમ કે ચોરોનું જૂથ વ્યક્તિઓનું બનેલું છે, પણ આ વ્યક્તિઓ બહારની નથી, વિચલિત છે. આ જ વાત સજાતીય પુરુષજૂથ જેવી વિચલિત ઉપસંસ્કૃતિઓને પણ લાગુ પડે છે. ઉપસંસ્કૃતિઓના સભ્યો વ્યવહારના અમુક નિયમોનું પાલન નથી કરતા. પણ મોટા સમાજોમાં પ્રવર્તતા નિયમોની સામે ઘણી વાર આ નિયમો અસંગત હોય છે. કેટલાક સમાજવિજ્ઞાનીઓએ સૂચવ્યું છે કે આ વિચલિતો દ્વારા જ વિચલન સંબંધિત છે અને કદાચ એમના દ્વારા જ જન્મે છે. દ્યુરકેમે પારસ્પરિક નિર્ભરતાને બે પ્રકારની ગણાવી છે : એક છે સહજ નિર્ભરતા (mechanical solidarity) અને બીજી છે સંઘટનાત્મક નિર્ભરતા (organic solidarity), આદિમ સમાજોમાં અને આજે પણ પરિવારોમાં જે જોઈએ છીએ તે સહજ નિર્ભરતા છે, જેમાં સંબંધિત હોવાની, પરિવારના એક અંગભૂત સભ્ય હોવાની, પોતાપણાની ભાવના રહેલી છે. જ્યારે બીજી બાજુ જે આધુનિક સમાજોમાં જોઈએ છીએ તે સંઘટનાત્મક નિર્ભરતા છે, જેમાં પોતાપણાની ભાવના નથી, પણ જેમાં કાયદાકીય સંબંધોની કે કરારબદ્ધ સંબંધોની સંકુલ વ્યવસ્થા છે. દ્યુરકેમનું માનવું છે કે સહજ નિર્ભરતાયુક્ત સામાજિક વ્યવસ્થાપનથી હટીને આપણે સંઘટનાત્મક વ્યવસ્થાપન તરફ વળ્યા છીએ. આમાં આપણે પ્રગતિ કરી છે, પણ એને માટે ખાસ્સી એવી કિંમત પણ ચૂકવી છે. આ માટે ચૂકવેલી કિંમત તે ‘વિચલિતો’, સહજ નિર્ભરતાયુક્ત સમાજોમાં સામાજિક સંબંધો વિખંડિત થયા. લોકોએ સામૂહિક સભાનતા ગુમાવી. આ સામૂહિક સભાનતાને કારણે તો શું ખરું છે અને શું ખોટું છે, શું સારું છે, ને શું ખરાબ છે એ અંગે સર્વસામાન્ય સ્વીકૃતિ હતી. પરંતુ લોકોની સામૂહિક સભાનતા ઘટી જવાની પરિસ્થિતિએ વ્યક્તિઓ અને ઉપસંસ્કૃતિઓને પોતાના નિયમો ઘડી કાઢવાનો માર્ગ મોકળો કરી આપ્યો અને વિચલિત વ્યવહાર માટેના દરવાજા ખુલ્લા કરી આપ્યા. અમેરિકા જેવા દેશમાં અને ઘણા પશ્ચિમી દેશોમાં કિશોરોમાં વિચલિત વ્યવહાર ખાસ નજરે પડે છે. આ કિશોરો જાતજાતનાં કારણોસર બંડખોર છે. બીજી બાજુ વૃદ્ધો પણ સામાજિક વ્યવસ્થાને કારણે પોતાને તરછોડાયેલા માને છે. એમને એકલતા સાલે છે. ‘વિચલિતો’ એ સામાજિક ઘટના છે. પોતાના સમાજમાં સમાઈ ન શકી એવી કોઈ ચોક્કસ વ્યક્તિઓનું પરિણામ નથી. પરંતુ આ સમાજોના સ્વરૂપનું અને આ સમાજો કિશોરો, વૃદ્ધો, ઉપસંસ્કૃતિઓના સભ્યો માટે જે ગોઠવણ કરે છે એના સ્વરૂપનું પરિણામ છે. આજે નારીવાદ, અનુસંસ્થાનવાદ, નિમ્નવર્ગીય અભ્યાસ (subaltern studies) કે નવ્ય-ઇતિહાસવાદ જેવાં સમાજવિજ્ઞાનપ્રેરિત પરિમાણને કારણે સાહિત્યવિવેચનનું પરિદૃશ્ય બદલાયું છે. સાહિત્યકૃતિની અંદરબહારથી એક સાથે થતી તપાસે એને ત્રિપરિમાણી અભ્યાસની તક પૂરી પાડી છે. આ બધાને લક્ષમાં રાખીએ તો ‘વિચલિતો’ કે અન્ય સમાજવિજ્ઞાની અભિગમો સાહિત્યવિવેચનને નવું બળ પૂરું પાડશે એવું જોવાય છે.