પ્રતિપદા/૧૭. મનીષા જોષી

From Ekatra Wiki
Revision as of 08:35, 15 July 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
૧૭. મનીષા જોષી

કાવ્યસંગ્રહોઃ

કંદરા, કંસારા બજાર અને કંદમૂળ

પરિચય:

હાલ યુએસએના કેલિફોર્નિયામાં વસતાં મૂળ કચ્છનાં કવયિત્રી. પૂર્વે પ્રિન્ટ -મિડિયા અને ટેલિવિઝન પત્રકાર તરીકે મુંબઈ અને લંડન ખાતે કામ કરી ચૂક્યાં છે. ગુજરાતી નારીવાચક કવિતાનો વિશિષ્ટ સ્વર. પ્રેમ, રતિઝંખન ને કામાવેગ જેવા આદિમ ભાવોનાં ઉત્કટ આલેખનો, પુરુષવિદ્રોહની કડૂચી કવિતાઓમાં ક્યારેક ક્યારેક પ્રતિરોધના હિંસ્ર આવેશો પણ વર્તાતા રહે છે. જસ્ટ બીટવીન અસ, ધ ગાર્ડેડ ટન્ગ અને ઇન્ટિરીયર ડેકોરેશન જેવાં નારીવાચક કાવ્યસંકલનોમાં અને ન્યુ ક્વેસ્ટ, ધ વુલ્ફ અને ઇન્ડિયન લિટરેચર જેવાં સામયિકોમાં એમના લેખનને સ્થાન મળેલું છે. કેવળ અછાંદસ રચનારીતિમાં સર્જન કરતાં કવયિત્રી. દેશવિદેશમાં વિવિધ મંચો પર કાવ્યપાઠ કર્યા છે.

કાવ્યો:

૧. કંદરા

હું હમણાં જ નાહી છું.
માથા પર પાણી રેડ્યું ને એ
સેંથા પરથી થઈને વાળ,
ખભા, નિતંબ, કમર અને
પીઠ, હથેળી, ઘૂંટણ પરથી ટપકે છે.
જો, જો, પેલો કાળો નાગ!
શંકરના ગળેથી ઊતરીને
દૂધની ધારાઓ વચ્ચેથી માર્ગ કરતો
ક્યાં જઈને વીંટળાઈ વળ્યો છે
પીળા કરેણને?
કાળોકેર વર્તાવી દીધો છે શંકરે.
મને પણ બે હાથે, ગોળ ગોળ ફેરવીને
હવામાં ફંગોળી દીધી. નીચે પટકાઈ કે
સ્તનોના ભાંગીને ભૂકા થઈ ગયા.
બત્રીસી બહાર નીકળી આવી,
છતાં હજી આંખો મીંચાતી નથી.
નજર સામે તરવર્યા કરે છે
પેલો નાગો બાવો!
આખા શરીરે ભભૂત લગાવેલો.
સપ્રમાણ દેહ, લાલઘૂમ આંખો,
ગુલાબી હોઠ, ભીછરા વાળવાળો.
એનો સંઘ આખો આગળ ચાલતો જતો હતો
કંદરાઓમાં.
અને એ એકલો ઊભો રહી ગયો હતો, મને જોવા.
હું તાજી જ નાહીને બહાર ઊભી હતી જ્યારે.
અને મારા મોંમાં પણ પાણી આવતું હતું.
કેલ્શિયમની ખામી છે મારા શરીરમાં.
મને અદમ્ય ઈચ્છા થઈ આવી કે
આ ધૂણીની રાખની મુઠ્ઠીઓ ભરીભરીને

મોઢામાં નાખું.
મારી આખીયે જિંદગીની તપસ્યા પૂરી થઈ જાય.
પણ આ જ એ પળો હતી.
જ્યારે શંકર ત્રૂઠ્યો!
હું અહીં કણસતી પડી છું,
અને કંદરાઓ નીચે પણ કેટલાયે લોકો દટાઈ મર્યા છે.

૨. પ્રવાસી

એક રળિયામણું ગામ છે તું.
હું પ્રવાસી બનીને આવું છું.
તને આશ્ચર્ય થાય છે.
ગામલોકો માટે કંઈ ખાસ અજાણ્યા નહીં,
એવા તારા રસ્તાઓ હું શોધી કાઢું છું.
અને તું મુગ્ધ થઈ જાય છે મારા સાહસથી.
હું તારી સીમ પર આવું છું.
અને તું તારું અત્યાર સુધી સાચવી રાખેલું રૂપ પ્રગટ કરે છે.
પછી હું ગામઠી કપડાં પહેરી લઉં છું.
અને તારા પાદરે પાણી ભરવા જઉં છું.
તું કામોત્સુક બની જાય છે,
મને બોલાવે છે, રાત્રે તારી હવેલી પર.
હું આવું છું તારા અંધકારની આડશે.
તને લાગે છે હું તારી જ કોઈ શેરી છું.
મને પણ લાગે છે, તું જ મારું ગામ છે.
પણ, તો યે, હું ફરી આગળ વધું છું.
કોઈ બીજા ગામને છેતરવા.
હું પ્રવાસી છું.
હું દરેક ગામને લલચાવું છું મારા તરફ, વચન આપું છું,
અને પછી વિશ્વાસઘાત કરું છું.