અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અનિલ જોશી/બીક ના બતાવો!
Revision as of 09:05, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બીક ના બતાવો!|અનિલ જોશી}} <poem> મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી :...")
બીક ના બતાવો!
અનિલ જોશી
મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી
મને પાનખરની બીક ના બતાવો!
પંખી સહિત હવા ચાતરીને જાય
એવું આષાઢી દિવસોમાં લાગે.
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.
માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો!
એકેય ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર.
એક પછી એક ડાળ ખરતી જોઈને પૂછું :
પડવાને કેટલી છે વાર?
હું બરફમાં ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો!
મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી
મને પાનખરની બીક ના બતાવો!