અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘ધૂની’ માંડલિયા/દરિયો નીકળ્યો

From Ekatra Wiki
Revision as of 09:28, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દરિયો નીકળ્યો|‘ધૂની’ માંડલિયા}} <poem> માછલી સાથે જ દરિયો નીક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દરિયો નીકળ્યો

‘ધૂની’ માંડલિયા

માછલી સાથે જ દરિયો નીકળ્યો,
લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.

હું જ મારા ભારથી થાકી ગયો,
હું હતો એ ‘હું’ જ ખોટો નીકળ્યો.

ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,
મૂઠ ખોલી ત્યાં જ તડકો નીકળ્યો.

સાંજ પડતાંયે ફર્યું ના એટલે
શોધવા પંખીને માળો નીકળ્યો.

આશરો કેવળ નદીને જે હતો,
એક સાગર એય ખારો નીકળ્યો.

આગિયાઓ ઊજળા છે કે પછી —
વેશ બદલી સૂર્ય ઊડતો નીકળ્યો?

થોભવાનો થાક વસમો હોય છે,
માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો.
(માછલી સાથે જ દરિયો નીકળ્યો, ૧૯૮૨, પૃ. ૧)