કળા, સાહિત્ય અને વિવેચન/કૃતિ-પરિચય

From Ekatra Foundation
Revision as of 15:15, 11 September 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કૃતિપરિચય : ‘કળા, સાહિત્ય અને વિવેચન’

પ્રમોદકુમાર પટેલના અવસાન પછી, એમના ગ્રંથસ્થ ન થયેલા ને વિવિધ સામયિકોમાં પ્રગટ થયેલા લેખોનાં ત્રણ પુસ્તકો મરણોત્તર પ્રકાશિત થયાં છે. ૧. ઉત્તમ તત્ત્વલક્ષી અંગ્રેજી લેખોના અનુવાદનું પુસ્તક ‘તત્ત્વસંદર્ભ’ (૧૯૯૯), ૨. ગુજરાતી લેખકો અને કૃતિઓ વિશેના લેખોનું પુસ્તક ‘અનુબોધ’ (૨૦૦૦), અને ૩. આ ‘કળા, સાહિત્ય અને વિવેચન’ (૨૦૦૦). પહેલાં બે પુસ્તકો રમણ સોનીએ સંકલિત કરી આપેલાં, આ ત્રીજું પુસ્તક જયંત ગાડીતે સંકલિત કર્યું છે. આ પુસ્તકમાં પ્રમોદભાઈના ૨૨ લેખો સૈદ્ધાન્તિક ચર્ચાના છે. કોઈપણ મુદ્દાને એના ઊંડાણમાં ઊતરીને તપાસવો અને વિગતે વિશદતાથી એનો વિમર્શ રજૂ કરવો એ પ્રમોદકુમારની એક વિદ્વાન અધ્યાપક તરીકેની ખાસિયત છે. કળાનું પ્રયોજન તપાસવાનું હોય કે કલ્પન, પુરાકલ્પનનું સ્વરૂપ સ્પષ્ટ કરવાનું હોય – બધે જ આ વિવેચકની દૃષ્ટિ મૂળ રૂપને ને એની ચર્ચાને સ્પષ્ટરેખ કરી આપે છે. અહીં ‘વિવેચન’ના સ્વરૂપ વિશે પણ એમણે લખ્યું છે ને ‘ગ્રીક સાહિત્ય’નો પરિચય પણ કરાવ્યો છે. ‘સાહિત્ય અને સંસ્કૃતિ’ને તથા ‘આપણા સાંસ્કૃતિક વારસા’ને તપાસવા તરફ પણ એમની નજર ગઈ છે. ‘સાહિત્યિક સંશોધનની પદ્ધતિઓ અને એના પ્રશ્નો’ એ લેખ, આપણે ત્યાં જવલ્લે જ ચર્ચાયેલા અગત્યના મુદ્દાને ચર્ચે છે. પુસ્તકના છેલ્લા ત્રણ લેખો વિશેષ ધ્યાનપાત્ર છે. એ સાહિત્યના ઇતિહાસના સ્વરૂપને તેમજ ગુજરાતી સાહિત્યમાં લખાયેલા સાહિત્યિક ઇતિહાસોની સમુચિત સમીક્ષા કરે છે. એ ત્રણ લેખો એક નાનકડી ઉપયોગી પુસ્તિકાની ગરજ સારે એવા છે. સાહિત્યના વિદ્યાર્થીઓ, સંશોધકો, શિક્ષકો-અધ્યાપકો તેમજ જિજ્ઞાસુ સાહિત્યરસિકોને ખૂબ જ દ્યોતક નીવડે એવા લેખોનું આ પુસ્તક મૂલ્યવાન છે.

–રમણ સોની