પ્રતિપદા/૧૪. ઉદયન ઠક્કર

From Ekatra Wiki
Revision as of 10:36, 15 July 2021 by KhyatiJoshi (talk | contribs) ()
Jump to navigation Jump to search
૧૪. ઉદયન ઠક્કર

કાવ્યસંગ્રહોઃ

એકાવન, સેલ્લારા, જુગલબંદી, ચૂંટેલાં કાવ્યો.

પરિચય:

વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ-કોસ્ટ એકાઉન્ટન્ટ, સ્વ-ભાવે કવિ. સ્વરૂપ લેખે મુખ્યત્વે અછાંદસ અને ગઝલમાં પ્રવર્તન. વ્યંગ વિડંબનાદિના સમુચિત ઉપયોગથી માનવીય વેદનાને ઉપસાવી આપતા, લગાર મશ્કરા કવિ. હાથમાં કાગળિયું પકડ્યા વિના પ્રભાવી કાવ્યપાઠ એમની આગવી ખાસિયત છે. દેશનાં વીસેક નગરો ઉપરાંત યુએસએ, બેલ્જિયમ, યુકે, કેન્યા, દુબઈ, મસ્કત, પોર્ટુગલમાં કવિતાઓ વાંચી ચૂક્યા છે. ગુજરાતી કવિતાઓના મરાઠી અનુવાદના ગ્રંથ ‘અનુભૂતિ’ના સહસંપાદક. આ વર્ષે જેના શ્રીગણેશ મંડાયા છે એ પોએટ્રીઇન્ડિયા ડોટ કોમના સંપાદક. આ વેબસાઈટ ગુજરાતી કવિતાને અંગ્રેજી અનુવાદોના આલંબને વૈશ્વિક મંચ સંપડાવી આપે છે. બાળસાહિત્યમાં પણ નોંધપાત્ર પ્રદાનઃ એન મિલાકે ટેન મિલાકે છૂ, તાક ધિનાધિન (બાળવાર્તાઓ) અને હાક છિ હિપ્પો (બાળકાવ્યો), ચિલ્ડ્રન્સ ફિલ્મ સોસાયટી સમેત વિવિધ શૈક્ષણિક સાહિત્યિક સંસ્થાઓ સાથે એક યા બીજા કાળે સંલગ્ન.

કાવ્યો:

૧ મથુરાદાસ જેરામ

મથુરાદાસ જેરામ નામનો એક શખ્સ (ઉંમર વર્ષ ત્રેપન)
સંખ્યાબંધ લોકોની આંખ સામે
ધોળે દહાડે
ઇસ્પિતાલ જેવા જાહેર સ્થળે
મરવાનું અંગત કાર્ય કરી ગયો
એને આજે વરસો થયાં.

હવે સમય પાકી ગયો છે કે
હું એને અંજલિ આપું
એની કરુણભવ્ય ગાથા રચું
જેથી કેટલાક વધુ માણસો જાણે
કે મથુરાદાસ કોણ હતો, કેવું જીવ્યો
ભડનો દીકરો હતો એ
તડ ને ફડ હતો એ
મને એકંદરે ગમતો

શરૂઆતરૂપે કહી શકું કે
મથુરાદાસને ધરતીનો લગાવ હતો
એ વિધવિધ ફૂલોને રોપતો, ઉછેરતો
મન મૂકીને ખડખડ હસતો
તક મળ્યે બહારગામ જઈ
વીસ-તીસ માઈલ પેદલ રખડી નાખતો
ઝનૂની ઘોડા પલાણતો
ઉનાળાની રાત્રિએ
તારાઓની નિકટમાં સૂઈ જતો

(ના, ના, આ કંઈ જોઈએ એટલી ભવ્ય વાત ન થઈ શકી જુઓને, થોરો નામનો ફિલસૂફ શહેર મૂકી દઈ એકાંત સરોવર-તીરે વસતો એના કુદરતપ્રેમ સામે આપણો મથુરાદાસ ફિક્કો પડી જાય.)

પણ હા, મથુરાદાસ વેપારી બળૂકો, હોં
ત્રીસ વરહ સુધી દર્રોજના દહ દહ કલાક
પેઢી પર રચ્યોપચ્યો ’રે
દેશ-દેશાવરની મુસાફરી, પછાત વસ્તારમાં
ફેક્ટરી નાખવી, રેતીવાળા રોટલા
ખાઈને પડી રે’વું
કોરટ-વકીલો, મંદી-તેજી, અળસી-એરંડો
ફિકર, પ્રામાણિકતા, ઝઘડા, મહત્ત્વાકાંક્ષા
અજવાળું વિખેરાતું હતું
મથુરાદાસનું કોડિયું બે વાટે બળતું હતું

(તમે ઇમ્પ્રેસ નહીં થાઓ
કદાચ તમારો બોસ
સામાન્ય ગુમાસ્તામાંથી
કરોડોનો વેપાર સુધી પહોંચ્યો હોય
તમે કહેશો કે યાર, સફળતા એને કહેવાય
મથુરાદાસનું તો જાણે... સમજ્યા)

જો કે મારે ઉમેરવું જોઈએ કે
પાછલાં વરસોમાં મથુરાદાસ સામે
અસહકારનું આંદોલન ઉપાડ્યું હતું
શરીરે
એક પછી એક અંગ ખોટાં પડતાં જતાં હતાં
વગડાઉ કાગડાનો પગ તૂટી જાય
પછી ન વનમાં સ્વચ્છન્દાચાર કરી શકે
ન પિંજરે બેસીને લોકોનું મનોરંજન
એવી સ્થિતિ થઈ હતી
પણ લાચારીને મુદ્દલ ન સ્વીકારી, મુસ્તાક રહ્યો
આ મોત સાથેનો પ્રવાસ હતો
અને તેણે સહપ્રવાસીની
ઠેકડી ઉડાવી
(માળુ, આયે તમને નહીં જામે
કેટકેટલી ફિલ્મો તમે જોઈ નાખી
જેમાં કેન્સરની ગ્રસ્ત હીરો
હસતો-હસાવતો મોતને ભેટતો હોય
ના, હવે આ ફોર્મ્યુલા તમને નહીં ચાલે)
તો, માફ કરજે ભાઈ મથુરાદાસ જેરામ
હું તારા માટે કોઈ કીર્તિસ્મારક રચી શકતો નથી
વાતચીત કે વર્ણનોથી
વાઙ્મય મંદિર ચણી શકતો નથી
જેમાં તારી સ્મૃતિની પ્રતિષ્ઠા થઈ શકે
શબ્દોનાં પીંછાં ઓઢાડી શકતો નથી
તારાં સંદર્ભનાં નગ્ન ડિલ પર
એક પ્રામાણિક વેદના સિવાય કશુંય આપી શકતો નથી
ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા

૨. અદલાબદલી

સ્વદેશી ખાદીના પહેરણનું એક જ દુઃખ;
ઇસ્ત્રી સાથે પણ
અસહકાર કરે.
જે પહેરે તે અદલોઅદલ શોભી ઊઠે
યરવડાના કેદી સમો;
ઉતારનારને મળી જાય
આઝાદી.
હતું મારી પાસે પણ એક...
ન બાંય, ન બટન
સાલું સાવ સેવાગ્રામી!

એક વાર ધોબીમાં આપેલું, તે બદલાઈ ગયું.
ટાઢે પાણીએ ખસ ગઈ.
બદલીમાં મળ્યો કોઈ ઝભ્ભો.
ખોલ્યો ડરી ડરીને
પારકા પ્રેમપત્રની જેમ.
ઘૂંટણ સુધી પહોંચતું રેશમ, મુલાયમ.
બદામી દોરાનું બારીક ભરતકામ,
બંગાલી ગળું, બટનપટ્ટી ઝૂલે...
ધોબી, તેં તો જિંદગી બદલી નાખી
રામની અને આ રમતારામની.

ઝભ્ભો હતો બાકી ઝાકઝમાળ!
ધબ્બો મારીને પડોશી બોલ્યા,
‘હવે તું માણસમાં આવ્યો ખરો!’
બીજાં બધાં તો ઠીક,
પાનવાળાએ પણ ઉધારી ચાલુ કરી આપી.
પછી તો ધીરે ધીરે આદત પડી ગઈ
મોંઘાદાટ રેશમી ઝભ્ભા પહેરવાની.

રેશમ જોઈએ તો માંહ્યલાને મારવો પડે.
એકસાથે બન્ને તો ક્યાંથી મળે...
સેંથી અને ટાલ
કબરની શાંતિ અને સૂર્યપ્રકાશ
રેશમ અને પતંગિયું.

ફળિયે પીંજારો બેઠો હોય
હવામાં ઊડતા જતા હોય રૂના પોલ
એવો હળવો હતો હું;
પુરાઈ ગયો એકાએક, કોશેટામાં.

કાલ રાતે મને સપનું આવ્યું.
સપનામાં બુઢ્ઢો જાદુગર શેરીએ શેરીએ સાદ પાડતો જાય.
‘એ...ઈ, જરીપુરાણા ચિરાગ આપો...
બદલામાં નવાનક્કોર લો...’
...ક્યાં હશે એ અસલનો ચિરાગ?

હજીયે નજર ફરી વળે છે, ધોવાઈને આવેલાં કપડાંમાં...
ક્યાંક પેલું જૂનું પહેરણ...
પણ ના, એનો એ મોંઘો પડેલો રેશમી ઝભ્ભો
ચડી બેસે છે મારા પર, વેતાળની જેમ.

૩. આત્મનિવેદનમ્

ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધીંપુષ્ટિવર્ધનમ્ |
ઉર્વારુકમિવબન્ધનાત્મૃત્યોર્મુક્ષીયમામૃતાત્ ||

પાકેલું ફળ વેલીમાંથી છૂટું પડે, તેમ મૃત્યુના બંધનમાંથી મુક્ત કરાવનાર શંકરને અમે પૂજીએ છીએ.

ભોઃ ત્ર્યંબક, પ્રસીદતામ્!
બિલિપત્રથી નહીં, સુવર્ણપત્રથી
અભિષેકું છું તમને.
આવાહયામિ સ્થાપયામિ
અને લંકેશ પૂજે ત્યારે
શિવલિંગનુંયે બને, આત્મલિંગ!
માટે જ તો હે આશુતોષ,
આ રાક્ષસરાજને
તમે પાંચ માથાનું વરદાન આપેલું
તેય બબ્બે વાર.

રાક્ષસરાજ...! (અટ્ટહાસ્ય)
અરે ક્યાંનો રાક્ષસ?

ન હું દાનવ, ન દૈત્ય, ન પુત્ર દિતિનો
ન અસુર
કુબેરનો બાંધવ હું, પ્રજાપતિનો પ્રપૌત્ર
પૂર્ણવેદવિદ્ પૌલત્સ્ય!

હૈ કૈલાસપતિ!
એકદા તમારા રાક્ષસતાલમાં સ્નાન કરતો હતો હું,
કિનારે કિનારે કોઈ હંસ
કઢંગો!
લાંબી લાંબી ડોક, ભારે શરીર, ડગુમગુ પાય
પડ્યો આ પડ્યો
પણ ના, પાણીના પહેલા જ સ્પર્શે
સરરર
પાય કે હલેસાં? ડોક કે કૂવાથંભ? પુચ્છ કે સુકાન?
જાણે સરકતું જતું કમળ

કઢંગો! હા, કઢંગો તો હું પણ
વાયુદેવ! ચલો, ચલો, વીંઝણો ઢોળો!
અગ્નિદેવ! ચુપચાપ ચૂલે ચડો!
કોનાં આ હીબકાં? પંચીકસ્થલાનાં? એકદા અપ્સરા પંચીકસ્થલા સાથે રાવણે દુર્વ્યવહાર કર્યો. બ્રહ્માજીએ રાવણને શાપ આપ્યો, ભવિષ્યમાં કોઈ સ્ત્રી સાથે જબરદસ્તી કરી, તો તારો વિનાશ થશે.
કોનો ચોટલો વીંખાય? વેદવતીનો? સેનાપતિઓ અને સંબંધીઓને યુદ્ધમાં એક પછી એક હણાતા જોઈ રાવણને આશંકા થઈ, ‘મેં સતાવેલી વેદવતી, શું સીતારૂપે બદલો લેવા આવી? મારા શાપથી વાનરમુખો થયેલો નંદી, શું હનુમાનરૂપે, લંકાનો ધ્વંસ કરવા આવ્યો?’
અહહ... ઇક્ષ્વાકુનરેશ અનારણ્યને અપકીર્તિને પિંજરે પૂર્યો મેં
તમારા નંદીને કર્યો વાનરમુખો...
પણ
ભક્તિ-રસના પહેલા જ સ્પર્શે
બનું સર્જનશ્રેષ્ઠ વિશ્વકર્માનું
ઉપાસું તમને, ઓમ
વીસે નેત્ર મીંચીને, દસ જિહ્વાથી, એકચિત્તે
આ મહેલ? કે મંદિર?
આ લંકા સોનાની ? કે લાખની?

મને સમીપ રાખો મારા સ્વામી, સર્પની જેમ
જીરવી જાણો, હળાહળની જેમ
અહીં મન મીંચીને વાજિંત્ર વજાડવું ગમે છે મને
તારને સ્થાને આ તાણ્યું આંતરડું
રાવણહથ્થો વાગે
અંતરડાનું જંતરડું જાગે
ત્યારે જાણજો કે હું નાભિમાંથી બોલ્યો
ગાઉં ને ગુંજું ત્યારે હું સાચો
બાકીનો સમય
રાક્ષસ

૪. ગરુડપુરાણ

(‘ગરુડપુરાણ’ નામના દીર્ઘકાવ્યનો આ અંશ છે. ધરતીકંપથી થયેલી તારાજીને નિમિત્તે કવિ અહીં માનવજાતિની વેદના વિષે વાત કરે છે.)

(અનુષ્ટુપ)
કેવી રીતે પિતા એને ઓળખે? કુંભકાર તો
ફૂટેલી માટલીઓને ઓળખી શકતો નથી
મીરાં કે મહરુન્નિસા, ફેર કૈં પડતો નથી

કૂચગીતોથી કૂજંતો, ક્યાં ગયો ખત્રીચોક એ?
ચૂનાના પથ્થરો જ્યારે, ચારેક દિવસે ચળે
તળેથી, ચપટું એવું એકાદું ડૂસકું મળે

ક્યારની, કોઈની કાયા ઠેબાં-ઠોકર ખાય છે
ફરી પાછી અહલ્યામાંથી શલ્યા બની જાય છે

કોઈ કહેતાં નથી કોઈ ઊગર્યું પરિવારમાં
તોય તે ડોશીમા રાજી-રાજી, કેવી નવાઈ છે!
બોલ્યાં બોખું હસીને કે આજના અખબારમાં
જોઈ લ્યો છવિઓ મારી, પાને-પાને છપાઈ છે!

(મંદાક્રાંતા)
ક્યાં છે? ક્યાં છે? કલરવભરી ડાળ શી એ નિશાળ?
આવે આછા સ્વર રુદનના કેમ પાતાળમાંથી?
ધીરે ધીરે પ્રહર સરતાં, એ સ્વરોયે શમે છે
ઝાંખું – પાંખું ઝગમગી રહી દીવડાઓ ઠરે છે

(શાર્દૂલવિક્રીડિત)
જોતો જા, પળ બે યુવાન, પડખામાં કોણ પોઢ્યું હશે
કાયા જોઈ કદાચ ઓળખી જશે કે આ તો ‘અર્ધાંગના’
જેણે છેક સુધી સુચારુ કરને લંબાવી રાખ્યો હતો
સાચે મોડું થયું યુવાન, ગઈ વેળા હસ્તમેળાપની

(વસંતતિલકા)
ભાંગ્યાં ભડાક દઈને છતછાપરાંઓ
કંદુક શો ઊછળકૂદ કરે કન્હાઈ
મા કુમળા કવચ શી વળી વીંટળાઈ

ખાસ્સા ત્રણેક દિવસો પછી, જેમ તેમ
ખોળ્યાં, સુખેથી શિશુ તો બચકારતું’તું
બાઝ્યાં કંઈક સ્તનમંડળ, રક્તબિંદુ
આશ્લેષમાંથી શિશુ કેમ બહાર લેવું?
ગાત્રો અકેક કરતાં અકડાઈ ચાલ્યાં

(અનુષ્ટુપ)
અંતે મુક્ત કર્યું એને માતાની મૃત્યુનાળથી
કાચી કૂંપળને કોઈ ચૂંટી લે જેમ ડાળથી

૫. જીવી

જીવી નાની હતીને, સાવ નાની
ત્યારની આ વાત
કેડે કંદોરો* પહેરી કરીને
એ તો ફેરફુદરડી ફરતી’તી
પવનપાતળું લહેરણિયું લહેરાવીને
સરખેસરખી સાહેલડીઓ સાથે
લળી લળીને
ગરબે ઘૂમતી’તી
ત્યાં ફરરર આવ્યાં પતંગિયાં
કોઈ બેઠું પાંદડીએ, કોઈ પાંખડીએ
કોઈ સસલાના વાળ પર, કોઈ ચિત્તાની ફાળ પર
હવે જીવી સહુને પતંગિયાથી ઓળખે
પીળું પતંગિયું? તો’ કે ફૂલ!
મોર? તો’કે પચરંગી પતંગિયું

જીવીને જંપ નહિ
કૂકા ઉછાળતી હોય, સામસામે ઘસીને અજવાળતી હોય
ભીંતે હરણાં ને હાથીડા ચીતરતી હોય
મમી-મમી રમતી હોય
‘ચીના મીના ચાઉં ચાઉં
અરધી રોટલી ખાઉં ખાઉં’
કહી પડોશીની લાંબી દીવાલ પાછળ લપાતી-છુપાતી હોય
કે બોરાં ને કાતરાં કરતી હોય હડપ્પા!
બાપુની બકરી જીવી સાથે હળી ગયેલી
ખોળિયાં બે ને જીવ એક

એક દી ખેતર-ખેતર રમતાં મળ્યું
... આ શું? પૈડું?

દોડતાં-દોડાવતાં જીવી નીકળી ગઈ ક્યાંની ક્યાં...
કૂવાને કાંઠલેથી કુંભારવાડા થઈને વણકરવાસ
બકરી રહી ગઈ ગામને છેવાડે
છેક

એમ કરતાં જીવી તરુણી થઈ
રૂપ એવું કે એક પા જીવી ને બીજી પા આકાશગંગા
વિહરે કદંબવનમાં, અશોકવાટિકામાં
કદી ચંપાની ડાળ, કદી પંપાની પાળ
કદી ગુમ
પછી તો દાંત તેટલી વાતો
‘એલા, જીવીનું હરણ થયું!’
‘ના, ના, લાખ સવા લાખના મહેલમાં મરણ થયું’
‘મોકલાવો સહસ્ત્ર વહાણો’
‘વાત પેટમાં રાખી શકે એવો એકાદો અશ્વ’
‘મડમડી થઈ ગઈ છે એ તો
ગોટપીટ બોલવું, ફાવે તે કરવું
સ્વતંત્રતાની દેવી જાણે!’
‘જોયેલી કાલ રાતે – હાથમાં મશાલ
ક્યાં જતી હશે, સાવ એકલી?’

કોને કોને સમજાવે જીવી
કે અરુપરુ ઉજાસમાં
ખોળે છે એ તો
પેલી... બાપુની બકરી