કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૩. સમયરથ
Revision as of 15:48, 16 July 2021 by KhyatiJoshi (talk | contribs) (KhyatiJoshi moved page કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૩. સમયરથ to કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૩. સમયરથ)
૨૩. સમયરથ
ઉશનસ્
ગયો છે શેરીથી સમયરથ, હું સ્પષ્ટ પરખું,
પગેરું લાગે દક્ષિણ તરફથી ઉત્તર ભણી;
રહ્યાં આ એંધાણોઃ જળનીક સૂકી પ્રાવૃષતણી,
પડ્યા ચક્રે ચીલા જળવઈ રહ્યા ત્યાં હજીય છે;
અહીં લાગેઃ જાતે રથથી ઊતરી થોડું ચરણે
ચલ્યોયે છે, ઊગી પદ પદ ગયું છે તૃણ ત્યહીં,
અહીં લાગી લાગે ઝપટ ઊડતા અંચલતણીઃ
પડી ગૈ છે ભીંતો કંઈક ઘરની, લીલ-મઢી તે;
ક્યહીં જાતે તાળાં નિજ કરથી ખંભાતી દઈને
ગયો લાગે છે પાધર કરી ઘરો પાદર ભણી;
વડીલો વૃદ્ધો બે વછલ બધી શેરી ગજવતા,
રહેલા ડારી જે ખુદ સમયને જીવનભર,
ઉપાડી આ વેળા રથ ઉપર નાખી હરી ગયો,
ઊભા જે આડા થૈ અધવચ અધેડો, ખણી ગયો.
(સમસ્ત કવિતા, ‘વળી પાછા વતનમાં’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૯૦)