‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/સંપાદકનું નિવેદન

From Ekatra Foundation
Revision as of 01:29, 5 October 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સંપાદકનું નિવેદન

આપણા સાહિત્યનાં પ્રમુખ સામયિકોમાં જે પત્રચર્ચાઓ થતી એ વિચાર અને અભિપ્રાયોના આદાન-પ્રદાનનો એટલે કે સાહિત્યના જીવતા સંપર્કોનો એક સુવર્ણયુગ હતો. ‘હતો’ એવું એટલા માટે કહેવું પડે છે કે આજે તો ક્યાંક કોઈ સામયિકમાં અછડતી જ પત્રચર્ચાઓ જોવા મળે છે ને એમાં ભૂલસુધાર વગેરેનું પ્રમાણ વિશેષ હોય છે. પરંતુ, ખરી પત્રચર્ચા તો મનનીય હોય ને છતાં ધારદાર હોય, વળી એ તીખી હોય પણ કડવી ન હોય, એ ચર્ચા સ્પષ્ટ હોય પણ નિખાલસ હોય. સંસ્કૃતમાં જે કહેવાયું છે કે ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધઃ’ એમ કેટલાંક સામયિકોની પત્રચર્ચામાં વાદ-વિવાદના તણખા થતા અને એમાંથી સાચા તત્ત્વબોધનો પ્રકાશ થતો. પત્રચર્ચાઓનો સૌથી મોટો ગુણ એ છે કે એ દિલચશ્પ હોય છે. વાત શાસ્ત્રીય તો હોય પણ એ કંઈ સાવ ઠાવકી ન હોય, એ પત્ર લખનારના વ્યક્તિત્વના વેગવાળી હોય, મુદ્દાને એ વેધક બનાવનારી હોય. એથી સાહિત્યજગતમાં એક પ્રકારનો ગરમાવો રહેતો એટલે કે વાતાવરણ ઉત્તેજનાથી ભર્યુંભર્યું રહેતું. એમાંથી ઘણું શીખવા-જાણવા મળતું. આપણે બહુ જૂનાં સામયિકોની વાત ન કરીએ તો – ‘પરબ’, ‘ગ્રંથ’, ‘ઊહાપોહ’, ‘પ્રત્યક્ષ’, ‘એતદ્‌’ વગેરેની પત્રચર્ચાઓ પણ ખૂબ જ નોંધપાત્ર રહી છે. એમાં પણ ‘ગ્રંથ’ અને ‘પ્રત્યક્ષ’ તો પુસ્તકોની સમીક્ષા કરતાં સામયિકો હોવાથી એમાં મૂળ પુસ્તકના લેખકોની પ્રતિક્રિયા સ્વાભાવિક રહે અને એ નિમિત્તે સમીક્ષક, લેખક, વાચક અને સંપાદક – એમ ચારે મોરચે ઉદ્દીપક પત્રચર્ચાઓ થતી. એ પત્રચર્ચાઓ તે વખતે તો રસપ્રદ રહેતી જ, પરંતુ આજે, આટલાં વર્ષો પછી પણ એ ચર્ચાઓ વાંચીએ છીએ ત્યારે એવી જ ઉત્તેજક, રસપ્રદ એટલે કે, ઘણી જીવતી લાગે છે. એટલે જ મને પત્રચર્ચાનો આ સંચય – ‘પ્રત્યક્ષ પત્રસેતુ’ – કરવાનો વિચાર આવ્યો. ‘પ્રત્યક્ષ’ ચાલતું હતું ત્યારે એની પત્રચર્ચાઓ વાંચવાની બહુ મજા આવતી. ૨૦૧૭માં પ્રત્યક્ષ બંધ પડ્યું. એ પછી ‘એકત્ર ફાઉન્ડેશન’ દ્વારા ‘પ્રત્યક્ષ’ના તમામ અંકો પીડીએફ રૂપે ઓનલાઈન મૂકવામાં આવ્યા. મારે તો ગબડવું હતું ને ઢાળ મળી ગયો. મેં ‘પ્રત્યક્ષ’ના ૨૬ વર્ષોના ૧૦૧ અંકોમાંની રસપ્રદ ને વૈવિધ્યપૂર્ણ પત્રચર્ચાઓ સળંગ વાંચી. મારું મન તરબતર થઈ ગયું, ને મેં મનસૂબો કરી લીધો કે આ જીવંત ઘટનાને સૌ સાહિત્યરસિકો અને નવા વાચકો તથા સર્જકો સામે મૂકવી. પરંતુ સંપાદનનું કાર્ય એ પ્રેરણા આપનારું હોય છે તો કઠિન પણ હોય છે. ‘પ્રત્યક્ષ’ની પત્રચર્ચાઓ અનેક પ્રકારની, અનેક નિમિત્તે, અનેક લેખકો દ્વારા થયેલી. એ બધી પત્રચર્ચાઓ માત્ર અંકવાર નહીં પણ જરૂરી વિભાગો કરીને રજૂ કરી હોય તો એનો એક ઘાટ બંધાય, એની ધારી અસર ઊભી થાય. ને એટલે ‘પ્રત્યક્ષ’ની પત્રચર્ચાઓને ‘પુસ્તકસમીક્ષા’, ‘પ્રત્યક્ષીય’, ‘પ્રત્યક્ષ વિશે’, ‘વ્યાપક સંદર્ભો’ – એમ ચાર ભાગમાં વિભાજિત કરી, કાળાનુક્રમે બધા પત્રોને ગોઠવ્યા. કેટલાક પત્રોને પહેલેથી શીર્ષકો આપેલાં હતાં પણ જેને શીર્ષક નહોતા અપાયા એને શીર્ષક આપ્યા, તે તે પત્રનો પૂર્વસંદર્ભ મૂક્યો ને દરેક પત્રને અંતે જે-તે પત્ર કયા માસ-વર્ષ-પૃષ્ઠ પર પ્રકાશિત થયો છે તેની નોંધ કરી. અહીં બધી જ પત્રચર્ચાઓ લીધી નથી. પસંદ કરીને લીધી છે. એ પસંદગીમાં એક જ વિષય પર થયેલી ઘણી પત્રચર્ચાઓમાંથી અગત્યની પસંદ કરી છે. કેટલીક પત્રચર્ચાઓ પ્રાસંગિક પણ હતી. એવી પત્રચર્ચાઓ પણ અહીં લીધી નથી. પરિણામે પત્રચર્ચાઓનું વન થવાને બદલે ઉપવન બન્યું છે. એને એક આકાર મળ્યો છે. મારે કહેવું જોઈએ કે, આ સંપાદનકાર્ય વખતે હું મૂંઝવણમાં મૂકાયો હોઉં ત્યારે મને ‘પ્રત્યક્ષ’ના સંપાદક આદરણીય રમણ સોનીસાહેબ પાસેથી માર્ગદર્શન મળ્યું છે. એમનો હું ઋણી છું. આ પ્રકારનાં સંપાદનનો મારો આ પ્રથમ પ્રયત્ન છે. પણ એ કરવામાં મને ઘણો આનંદ આવ્યો છે. આપને મારું આ સંપાદનકાર્ય ને ‘પ્રત્યક્ષ’નો આ પત્રખજાનો ગમશે એવી આશા છે. સૂચનો પણ આવકાર્ય છે.

રતિલાલ કા. રોહિત