અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/આડત્રીસ – બ્રહ્મચર્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
આડત્રીસ – બ્રહ્મચર્ય

ગાંધીજીને પહેલી વાર મળતાં પહેલાં આશ્રમની નિયમાવલિ વિશે નરહરિભાઈ અને મહાદેવભાઈએ જે પત્ર તેમને સંયુક્ત સહીથી મોકલ્યો હતો એમાં બે વિષયો અંગે પોતાની ‘પોથી પંડિતાઈ’ ઠાલવી હતી એવો ઉલ્લેખ महादेवभाईनुं पूर्वचरितમાં નરહરિભાઈ કરે છે. એ ‘પોથી’ આજે ઉપલબ્ધ નથી. હોત તો કદાચ આ બાબતોમાં ગાંધીજી અને મહાદેવભાઈ વચ્ચે કાંઈ મૂળભૂત મતભેદ હતા કે નહીં એ સમજવામાં ઉપયોગી થાત. ત્યાર પછીનું જે કાંઈ સાહિત્ય ઉપલબ્ધ છે તે જોતાં, ખાસ કરીને મહાદેવભાઈના મરણ પછી વર્ષો વીત્યે દુર્ગાબહેન જોડે આ લેખકને જે કાંઈ વાતચીત થઈ શકી હતી તેને આધારે એમ લાગે છે કે બ્રહ્મચર્યના આદર્શ વિશે ગાંધીજી અને મહાદેવભાઈ વચ્ચે કોઈ સૈદ્ધાંતિક મતભેદ નહોતો. એમના આદર્શ મુજબના પાલન અંગે જ્યારે ક્યારે પણ કાંઈ ત્રુટિ જણાય ત્યારે તે બાબતમાં બંનેના વ્યવહારમાં ભેદ હતો ખરો. આવે પ્રસંગે ગાંધીજીને છાપરે ચડીને પોતાની ‘ભૂલ’ને જગજાહેર કરતાં જરાય સંકોચ નહોતો થતો. પોતાના જીવનના અંતિમ દિવસોમાં બ્રહ્મચર્યના આદર્શને ધ્યાનમાં રાખીને તેમણે જે ‘પ્રયોગ’ કર્યો હતો તેને વિશે પણ તેમણે જ સત્યનિષ્ઠા અને નિર્ભીકતા બતાવી હતી. મહાદેવભાઈની આ બાબતમાં જે વૃત્તિ હતી તેને સંકોચશીલ કે શરમાળ કહી શકાય — કાંઈક અંશે ભીરુ પણ ખરી. આવે પ્રસંગે તેઓ દુર્ગાબહેન, નરહરિભાઈ, મશરૂવાળા, કાકાસાહેબ જેવાઓ આગળ કે ગાંધીજીની આગળ વાત પ્રગટ અવશ્ય કરતા. પણ એનો ઢંઢેરો પીટતા નહીં. મહાદેવભાઈએ કોઈ દિવસ પોતાની તાકાત કે નબળાઈનો ઢંઢેરો પીટ્યો જ નહોતો. ઢંઢેરો પીટવો એ ગાંધીજીનો સ્વભાવ હતો. અને ગાંધીજીના ઢંઢેરાને ગજાવવો એ મહાદેવભાઈનો સ્વધર્મ હતો. બાકી પોતે જેમ પ્રસિદ્ધિથી દૂર રહેતા તેમ અપવાદોથી પણ થોડા બચતા જ રહેતા.

બ્રહ્મચર્ય અંગે ગાંધીજીથી સ્વતંત્ર એવા મહાદેવભાઈના વિચાર હોય એવું આપણે જાણતા નથી. ગાંધીજીના આદર્શને જ એમણે શિરોધાર્ય કર્યો હશે. અને પછી બીજી અનેક બાબતોની માફક આ બાબતમાં પણ પોતે કેટલા પાછળ છે એ વિચારે પોતાની જાતને સતાવી હશે એમ લાગે છે. તે વિશે આ જ પ્રકરણમાં થોડું પાછળથી વિચારીશું. આ બાબતમાં ગાંધીજીના આદર્શો એકંદરે જાણીતા છે. બ્રહ્મચર્યના પાલન વિના ગાંધીજી સત્ય અહિંસાનું પાલન અશક્ય માનતા. તેમણે मंगल प्रभातમાં કહ્યું છે:

જે મનુષ્ય સત્યને વરેલ છે અને તેની જ ઉપાસના કરે છે તે બીજી કોઈ પણ વસ્તુની આરાધના કરે તો તે વ્યભિચારી ઠર્યો. … અહિંસા એટલે સર્વવ્યાપી પ્રેમ. જ્યાં પુરુષે એક સ્ત્રીને કે સ્ત્રીએ એક પુરુષને પોતાનો પ્રેમ આપ્યો ત્યાં તેની પાસે એકબીજાને અર્થે શું રહ્યું?’૧ આ વિચારને આગળ વધારતાં તેઓ પ્રશ્ન પૂછે છે: ‘ત્યારે વિવાહ કરી બેઠા છે તેમનું શું? તેમને સત્ય કોઈ દહાડો નહીં જડે? તે સ્વાર્પણ કદી નહીં કરી શકે? આપણે તેનો રસ્તો કાઢ્યો જ છે. વિવાહિતે અવિવાહિત જેવા થઈ જવું… વિવાહિત સ્ત્રીપુરુષ એકબીજાને ભાઈબહેન ગણતાં થઈ જાય એટલે બધી જ જંજાળમાંથી તે મુક્ત થયાં…’૧

દિલ્હીમાં હિંદુ-મુસ્લિમ ઐક્ય સારુ એકવીસ દિવસના ઉપવાસ કર્યા ત્યારે શાંતિનિકેતનના મલયાલી વિદ્યાર્થી શ્રી જી. રામચંદ્રને તેમની સાથે કેટલીક પાયાની ચર્ચાઓ કરી હતી. તેમાં એક વિષય બ્રહ્મચર્યનો હતો. ગાંધીજીએ એમની આગળ બ્રહ્મચર્યની ભૂમિકા આ રીતે બાંધેલી:

મોક્ષને માટે શરીરનાં બંધન તૂટવાં જોઈએ. શરીરનાં બંધન તોડનારી દરેક વસ્તુ પથ્ય અને બીજી અપથ્ય. લગ્ન એ બંધન તોડવાને બદલે તેને ઊલટાં વધારે જકડી લે છે. બ્રહ્મચર્ય જ એવી વસ્તુ છે કે જે માણસનાં બંધન મર્યાદિત કરી ઈશ્વરાર્પિત જીવન ગાળવાને તેને શક્તિમાન કરે છે.૨

પરંતુ બ્રહ્મચર્ય અંગેનો તેમનો વિચાર પ્રણાલીગત નથી એવો પણ ગાંધીજીનો દાવો છે. તેઓ કહે છે:

‘આ વ્રતો મેં પાતંજલમાંથી નથી કાઢ્યાં. શુદ્ધ સત્યાગ્રહનાં અવિભાજ્ય અંગ તરીકે ઉપાડેલાં, પાછળથી શાસ્ત્રમાંથી એને માટે મને આધાર મળ્યો.’૩

તેમણે મહાદેવભાઈ ઉપરના એક પત્રમાં તો એવો દાવો પણ કર્યો હતો કે,

હું તો જાણું જ છું કે જો હું અહિંસા, સત્ય ને બ્રહ્મચર્યનું કાયાથી, વાચાથી ને મનથી પૂરું પાલન કરી શકું તો સ્વરાજ આ જ વર્ષે મળે જ, અથવા તો આપણામાંથી કોઈ એવો પેદા થાય તોપણ અથવા આપણા બધાનું તપ એકઠું કરતાં પૂરું થાય તોપણ.૪

પરંતુ સ્ત્રીનું મોં જોવા પણ તૈયાર ન થાય એવા બાવાજીના બ્રહ્મચર્યમાં ગાંધીજીને વિશ્વાસ નહોતો. એમની શ્રદ્ધા એનાથી ઘણી વધારે વિધાયક હતી. સાધુ સુરેન્દ્રજીના એક પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે:

સ્ત્રીજાતિનું દર્શન, તેનો સંગ તે અનુભવે સંયમમાં વિઘાતક જોવામાં આવે છે તેથી તે ત્યાજ્ય છે આ વિચારશ્રેણીમાં મને દોષ લાગે છે. સ્વાભાવિક સંગ, જેનું મૂળ સેવા છે, એ તજીને જ પાળી શકાય એ સંયમ નથી, એ બ્રહ્મચર્ય નથી. એ તો વૈરાગ્ય વિનાનો ત્યાગ છે.૫

મહાદેવભાઈએ ગાંધીજીના આ મૂળ સિદ્ધાંતનો ક્યાંય વિરોધ કર્યો નહોતો. એને અંગે તેમણે કોઈ કોઈ વાર ગાંધીજી જોડે ચર્ચા કરી હશે, પણ એમણે જે ભાવ ઠેકઠેકાણે વ્યક્ત કર્યો છે, તે બ્રહ્મચર્યના આદર્શ સુધી પોતે પહોંચી નહોતા શક્યા તેને અંગેની દિલગીરીનો ભાવ જ હતો. એકત્રીસ વર્ષની ઉંમરે કોઈકને જનોઈ દેતાં તેમને કેટલાક મંત્રો બોલાવવા પડે છે.

તું હરિશ્ચંદ્ર જેવો સત્યશીલ થા, તું પરશુરામ જેવો બળવાન થા, તું બ્રહ્મચારી થા, તું મારો બ્રહ્મચારી છે — એમ કહેતાં કહેતાં હું મારી મૂંઝવણ આંખોમાંથી વ્યક્ત થતી રોકી શક્યો નહીં. કડક બ્રહ્મચર્ય પાળનાર વિના બીજો કોણ બ્રહ્મચર્યની દીક્ષા આપી શકે? તે દિવસ અને રાત્રિ મેં જે હૃદયમંથન અનુભવ્યું તેને યાદ કરીને હજી પણ હું ચોકું છું.૬

વિનોબાની કઠિન તપસ્યાનું વર્ણન કર્યા પછી મહાદેવભાઈ પોતા વિશે વિચારવા બેસે છે:

‘મને એમ જ થયું કે આવી કઠણ તપશ્ચર્યા કરીને જ જો આશ્રમમાં રહેવા અવાતું હોય તો હું તો આ અવતારે આશ્રમમાં નહીં રહેવા પામું,’૭

આ વચન એમણે ત્યારે કહ્યું હતું કે જ્યારે ગાંધીજી સાથે જોડાયાને એમને છ વરસ થઈ ચૂક્યાં હતાં.

આશ્રમમાં રહેનારાઓ સારુ જે નિયમાવલિ હતી તેમાં એક અગત્યનો નિયમ બ્રહ્મચર્યનો હતો, એ તો આપણે જાણીએ છીએ. મહાદેવભાઈ એ બાબત ‘પ્રયત્નશીલો’માં હતા, વ્રતધારીઓમાં નહોતા.

આ બાબતમાં ગાંધીજી એક સીમાથી વધુ આગ્રહી નહોતા. તેથી તો એમના આશ્રમમાં બ્રહ્મચર્યની વિધિસર પ્રતિજ્ઞા લીધા વિના જ ઘણા કાર્યકરો પ્રયત્નશીલ તરીકે રહી શક્યા હતા — જોકે આવી કોઈ શ્રેણી પાડવામાં આવી નહોતી. ખુદ ગાંધીજીને બ્રહ્મચર્યની સાધનામાં ઠીક ઠીક મહેનત કરવી પડી હતી. દૃઢ સંકલ્પ, લોકો આગળ મનના સૂક્ષ્મતમ ભાવો સ્પષ્ટપણે વ્યક્ત કરવા જેવી સચ્ચાઈ અને હિંમત, અને નિરંતર જાગૃતિ વડે જ તેઓ બ્રહ્મચર્ય વિશેના પોતાના આદર્શ તરફ આગળ વધી રહ્યા હતા. મોટી ઉંમરે માંદગી દરમિયાન તેમણે થોડીક ક્ષણો સારુ જે મનોવિકાર અનુભવ્યા હતા તેથી તેઓ ધ્રૂજી ઊઠ્યા હતા. પણ તેઓ સાથીઓને આ બાબતમાં કેમ પ્રયત્ન કરવો તેને અંગે સલાહ આપવા તૈયાર રહેતા. વાલોડના સત્યાગ્રહી સદ્ગૃહસ્થ શ્રી સન્મુખલાલ શાહને એક વાર તેમણે આપેલી એક પોસ્ટકાર્ડમાં માય એટલી ટૂંકી સલાહ પોતાની સાધનાના પરિપાક જેવી છે:

‘બ્રહ્મચર્ય પાળવા સારુ (૧) અલ્પાહાર, (ર) સારું વાચન, (૩) નિત્ય મનન, (૪) પુષ્કળ શારીરિક અને માનસિક શ્રમ, (પ) મસાલા તથા માદક પદાર્થોનો ત્યાગ, (૬) નાટકાદિ શૃંગારમય વસ્તુઓનો ત્યાગ, (૭) સ્ત્રી સાથે એકાંતનો ત્યાગ, (૮) સ્ત્રીસંગનો માનસિક ત્યાગ, (૯) રામનામનો અથવા એવો બીજે જપ, આટલી વસ્તુઓ આવશ્યક છે.’૮

૧૯૨૧ના જુલાઈ માસમાં મહાદેવભાઈ જ્યારે અલાહાબાદમાં હતા ત્યારે ગાંધીજીએ એમની ઉપર લખેલો એક પત્ર સૂચવે છે કે તે અરસામાં એવી કોઈ ઘટના થઈ હશે જેને તે બંને જણે વિવાહિત જીવનમાં બ્રહ્મચર્યનો ભંગ ગણી હશે. લગભગ દીવા જેવું સ્પષ્ટ છે કે આ ઘટના દુર્ગાબહેનને પહેલી સુવાવડ આવી તે અરસાની છે. પણ એયે સ્પષ્ટ છે કે એ ઘટનાને બંને જણે ‘દોષ’ માની છે. અને ગાંધીજીએ તો એવી પ્રવૃત્તિથી બચવા સારુ લાંબી આચારસંહિતા પણ સૂચવી દીધી છે. પત્રનો સંબંધિત અંશ નીચે મુજબ છે:

તમારું વાંચ્યું, વિપરીત થયું. આપણે કેમ ભુલાવામાં પડીએ છીએ એ દેખાય છે. ખરું પ્રાયશ્ચિત્ત તો એવું ફરી ન થાય એ જ હોય. પણ હું નીચે પ્રમાણે સૂચવું છું. દરેક એકાદશીએ કેવળ એક શેર — એંશી રૂપિયાભાર — ગરમ દૂધભર રહેવું. ન ફળ લેવું, ન સાકર લેવી. અને તે બે કે ત્રણ ટંકમાં પી જવું, એકીવારે નહીં. આમ હવે પછીની એકાદશી પછી એક વર્ષ સુધી.

શ્રીમદ્ રાયચંદના લેખો વાંચી-વિચારી જવા.

मणिरत्नमाळा તુલસીદાસની વાંચી-વિચારી જવી.

ભર્તૃહરિનું वैराग्यशतक વાંચી-વિચારી જવું.

योगवासिष्ठનું વૈરાગ્યપ્રકરણ ખૂબ ધ્યાનપૂર્વક વાંચી જવું.

નિત્ય એક કલાક ઓછામાં ઓછો રેંટિયો ચલાવવો ને હમેશાં તે વેળા એવી ધારણા કરવી કે તે યજ્ઞ વડે મલિનતા ધોવાય. આ પણ એક વર્ષ લગી ને મુસાફરી ને માંદગી માફ.

સવારે ઊઠતાં બીજું બધું કાર્ય પછી જ થાય. ઊઠી, દાંત ધોઈ, શૌચ જવું હોય તો શૌચ કરી આશ્રમમાં હોય તો પ્રાર્થના કરી અરધો કલાક મૂંગે મોઢે પેલાં પુસ્તકોનું વાચન ને પછી એક કલાક રેંટિયો. પછી બીજું બધું.

એક વર્ષ સુધી નવ વાગતા પહેલાં સૂઈ જવું ને ચાર વાગ્યા પછી પથારીમાં ન જ રહેવું. આ બધું તમે માંદા પડો ત્યારે બદલી શકાય.

આ પ્રાયશ્ચિત્ત આપતાં છતાં હું દોષને મોટું રૂપ નથી આપતો તેમ તેને નાનું રૂપ પણ નથી આપતો. આમાંથી તમારે કાઢી નાખવું હોય તે કાઢી નાખજો. લોકલજ્જાને વશ થઈ રેંટિયો ન કાઢજો. ને લોકલજ્જા કે સેવાના વિચારથી નવ વાગ્યે સૂઈ જતાં ન ડરજો. इन्डिपेन्डन्टને આડે આવવા ન દેજો… દૈનિકને સારું લખનારે રાતના જાગવાની જરૂર નથી. વળી જે શૈલીથી આપણે ચલાવવા માગીએ તેમાં તો એવું કશું છે જ નહીં.

જાણજો કે ઉપર દોઢ કલાક તો મૌનનો જ છે. તમારો કાગળ દેવદાસે નિર્દોષ બુદ્ધિથી શરૂ કર્યો પછી તેને રોકવાનું ઠીક ન ગણ્યું.

તમે ન આવવાને સારુ આપેલ કારણો સબળ છે એટલે ભલે ન આવો. પંડિતજી તેડે કે જોસેફ મોકલે ને આવો તો જુદી વાત. નહીં અવાય તો તેની ફિકર નથી. આવ્યા હોત તો હું રાજી થાત.

તમારો દોષ જોયા છતાં કંઈ મારા પ્રેમમાં ન્યૂનતા હોય એવું તો ન જ માનશો. હું પૂર્ણ હોઉં તો ન્યૂનતાને અવકાશ ન હોય. હું અપૂર્ણ મુમુક્ષુ જો બીજાના દોષને મોટા કરી જોઉં તો અપૂર્ણતામાં વધારો કરું.

નિત્યસ્મરણ મેં સૂચવ્યું છે છતાં ગ્લાનિ ન જ રહેવી જોઈએ. શુદ્ધ પશ્ચાત્તાપ ગ્લાનિનો વિરોધી છે. પાપ લાંબું મોઢું કરે છે. મલિનતાનું સ્મરણ આપણને નમ્ર બનાવે, ગ્લાનિ કદી નહીં. सुखदु:खे समे कृत्वा ‘અહીં પણ લાગુ પડે છે.’૯

ઉપરોક્ત પત્ર પરથી એ પણ દેખાઈ આવે છે કે જેને ગાંધીજી ‘વિપરીત થયું.’ કહીને વર્ણવે છે તે વિવાહિત જીવન બહારનું સ્ખલન નથી. એમ હોત તો ગાંધીજી ‘દોષને મોટું રૂપ નથી આપતો’ એમ ન કહેત. કદાચ એને વિશે એમણે नवजीवनમાં પણ લખ્યું હોત અને કદાચ મહાદેવભાઈએ ગાંધીજી પાસે છૂટા થવાનું પણ વિચાર્યું હોત. દુર્ભાગ્યે આ પ્રસંગ મહાદેવભાઈએ ગાંધીજીને લખેલ તે પત્ર મળતો નથી. નહીં તો હકીકત શી હતી એ સમજાત, અને એનાથી વધુ મહત્ત્વની વાત તો એમનું માનસ કેમ કામ કરતું હતું તે સમજાત. અહીં શ્રી છગનલાલ જોશીના અંજલિ-ઉદ્ગાર સાંભરી આવે છે:

‘પોતાની નાનકડી રજવત્ ભૂલ પણ મોટા પહાડ સમાન જાણી નાનામોટા દોષોનો જાહેર એકરાર કરી ઘટતું પ્રાયશ્ચિત્ત કરી મહાદેવભાઈ પાપમાંથી તદ્દન મુક્ત થઈ ગયા હતા એમ નજીકના કુટુંબીજન, આશ્રમવાસી, અંતેવાસી તરીકે કહી શકું છું.’૯એ

આવો જ એક બીજો પત્ર મહાદેવભાઈ હિંડળગા જેલમાંથી છૂટીને આવ્યા ત્યારનો છે. એ વાત નોંધવા જેવી છે કે આ બંને પ્રસંગો એવે ટાણે થયા છે કે જ્યારે દુર્ગાબહેન અને મહાદેવભાઈનો ભેટો ઠીક ઠીક લાંબા ગાળાના વિયોગ પછી થયો હોય છે.

પણ આ બાર વરસ પછીના પ્રસંગમાં ગાંધીજીની વૃત્તિ આચારસંહિતા આપવા કરતાં મહાદેવભાઈને હીનભાવમાંથી મુક્ત કરવાની વધુ હોય એમ લાગે છે. ૨૨–૧૧–’૩૩ની મહાદેવભાઈની ડાયરીનાં બે પાન જુઓ:

આજે સવારે પ્રાર્થના પછી બોલાવીને કહ્યું, ‘તમારો કાગળ વાંચી ગયો. મને દુ:ખ થયું. આમાં મારી ભૂલ લાગે છે કે હું ધોકો ને ધડકી લઈને ન થાય તેનો પણ આગ્રહ કરી રહ્યો છું. તમારે વિશે निग्रह: किं करिष्यतिની વાત સાચી છે. તમે બંને પ્રયત્નશીલ નથી એમ નથી કહી શકતો. એટલે તમારી પ્રકૃતિ પ્રમાણે, સ્વધર્મ પ્રમાણે વર્તવું એ જ ધર્મ છે. ધર્મ એ કે તમારે ગૃહસ્થ જીવન ગાળવું, પ્રજોત્પત્તિ માટે સંયમી ગૃહસ્થી જીવન ગાળી, મનવચનકાયાથી પરસ્ત્રીને માબહેન સમાન માનનારા પડ્યા છે, તેમને મારાં હમેશાં નમન જ છે. અને તમે એટલું કરી શકો તોય ઓછું નથી.

શુદ્ધ ગૃહસ્થ ધર્મ સમજી શકાય એવી વસ્તુ છે, ઘણાય એવા જાણ્યા છે કે પત્નીના મરણ પર્યન્ત ગૃહસ્થ રહે છે. વિધુર થયા કે એ જીવનનો એને જરાય સરખો સ્વાદ રહેતો નથી. પેગંબરે શું કર્યું? અગિયાર વર્ષની આયેશાને પત્ની બનાવી. ભોળા આરબોએ એને આપી. એને દરેક પત્ની વખતે આયત આવી. એ પ્રકૃતિને વશ થયા પણ એટલી ઓરત કરીને એણે દુનિયાની બીજી બધી ઓરતોને અભયદાન દઈ દીધું. એ મારો સ્વતંત્ર અર્થ છે. એમાં શિબલીનો જરાય હિસ્સો નથી. આવી રીતે પોતાની દારામાં રત રહી જગતની ઇતર સ્ત્રીઓને વિશે જે વિરક્ત રહી શકે છે તેમનાં જીવન પણ ધન્ય છે.

એટલે તમારે માટે ત્રણ સૂચના સૂઝે છે. મહિલા વિદ્યાલય હાથમાં લેવું, જોકે મારી કલ્પના એવી છે કે એ વિવાહિત રહી સહજ બ્રહ્મચર્ય પાળનારને જ સોંપવું. નારણદાસ મારી ગંભીર ભૂલ ન થતી હોય તો એવા છે, કિશોરલાલ પતિપત્નીને એ વસ્તુ સહજ છે. ગોમતી ઉપર તો હું મુગ્ધ છું, એણે મુંબઈમાં જે રીતે પોતાની જાતને ઘસી કાઢી — સૌની નાનામાં નાની જરૂરિયાતો જોઈ — એ બધાથી હું આશ્ચર્યચકિત થયો. બીજું છે हरिजन, અંગ્રેજી અને ગુજરાતી બંને સંભાળવાનું, પૂનામાં કે અમદાવાદમાં કે જ્યાં રહેવું હોય ત્યાં રહી. ત્રીજું, ગામડામાં રહી ગુજરાતનું ઉદ્યોગ મંડળનું કામ સંભાળવાનું. આ સ્વતંત્ર ત્રણ પ્રકારનાં કામ રહ્યાં.

મારી સાથે રહીને મારી સારામાં સારી નકલ કર્યાથી શ્રેય નથી. તમારી દયાજનક સ્થિતિ છે, તમારા કાગળો બધા એકરાર જ હોય છે, એનો અર્થ થયો કે તમે સ્વમાન ખોઈ બેઠા છો. જ્યારે તમારી પ્રકૃતિ અનુસાર જીવન ગાળીને તમે સિંહ સમાન ગરજી શકશો…’૧૦

બીજી નોંધ લેવા જેવી વાત એ છે કે આ સંવાદ પછી મહાદેવભાઈના જીવનક્રમમાં ગાંધીજીએ સૂચવેલા ત્રણમાંથી એક પણ ક્રમ નક્કી નહોતો થયો. તેઓ જ્યાં હતા ત્યાંના ત્યાં જ રહ્યા હતા — કવિશ્રી ઉશનસ્ના શબ્દોમાં:

તમે સેવી મા’ત્માપદ રજ, અહંલોપતપસી! (અને) બધું વેઠ્યું માણ્યું અરવ રહી પેલા ચરણમાં.’10એ

ઉપરોક્ત વિષયની સાથે એક પ્રશ્ન પણ અહીં જ ચર્ચી લેવા જેવો છે.

પ્રશ્ન એ છે કે મહાદેવભાઈ કોઈ બીજી સ્ત્રીઓ જોડે સંડોવાયેલા ખરા? એ પ્રશ્નનો જવાબ ‘સ્ત્રીઓ સાથે સંડોવાયેલા’ એ શબ્દોનો આપણે શો અર્થ કરીએ છીએ, તેની ઉપર આધાર રાખે છે.

એમ તો મહાદેવભાઈનું વ્યક્તિત્વ હરકોઈને આકર્ષે તેવું હતું. એમનું કદાવર કાઠું, એમનું પ્રસન્ન મુખ, સદાય મધુર અને સંસ્કારી ભાષા, એમનો નર્મમર્મ વગેરે અનેક બાબતો એવી હતી કે જે એમના વ્યક્તિત્વને મોહક બનાવતી. એમને મળતાંની સાથે અનેક લોકો પ્રથમ મિલનમાં મિત્રતાનો ભાવ અનુભવતા.

એલએલ.બી.ની પરીક્ષા આપવાને આગલે દિવસે મુંબઈમાં એક સ્ત્રીએ મહાદેવભાઈ ઉપર ચઢાઈ કરેલી તે પ્રસંગનો આપણે આગળ ઉપર ઉલ્લેખ કર્યો છે. એ બાઈ જો અતિશય વિકૃત માનસની નહોતી એમ માની લઈએ તો એણે આટલી હદ સુધી જવાની હિંમત કરી એની પાછળ મહાદેવભાઈના આ કામણગારા વ્યક્તિત્વનો પણ થોડેઘણે અંશે ફાળો હશે એમ માની શકાય. મહાદેવભાઈ એ કાંડમાંથી હેમખેમ બચી નીકળ્યા એનું એક કારણ હતું મહાદેવભાઈની પાપભીરુતા.

આ પ્રશ્નના સંદર્ભમાં વિવેકપુરુપ શ્રી કિશોરલાલ મશરૂવાળાએ જે લખાણ કર્યું છે તેમાં ચારેક આવા પ્રસંગોનો ઉલ્લેખ છે. તેમાંથી પહેલો પ્રસંગ એલએલ.બી.ની પરીક્ષા વખતનો હશે, અથવા જે અડાજણના હાઈસ્કૂલના કિસ્સાને ચાર પૈકી એક ગણીએ તો મુંબઈવાળો પ્રસંગ બીજો. એવો પણ સંભવ છે કે આ પ્રકરણમાં લેખકે જે પ્રસંગને દુર્ગાબહેનની પહેલી સુવાવડ વખતનો માન્યો છે તે ન હોય અને કોઈ પરસ્ત્રી જોડેનો હોય. લેખક એમ નથી માનતો. પણ જો તેમ જ હોય તો કિશોરલાલભાઈથી એ અજાણ્યો ન રહે અને તો એમણે ચાર પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે, પણ આપણે પાંચનો વિચાર કરવો પડે.

એમ જણાય છે કે ઉપર જણાવ્યા તેનાથી વધારે ગંભીર પ્રસંગ ત્યાર પછીનો છે. એમાં મહાદેવભાઈ જરા ઊંડા પાણીમાં ગયા હતા. એ પ્રસંગ અંગે આ લેખકને થોડી વધારે માહિતી છે. આ સંબંધોનો ઉલ્લેખ મહાદેવભાઈએ જાતે ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતકો આગળ જાહેરમાં કરી દુ:ખ સાથે એનો એકરાર કર્યો હતો. તે પહેલાં જ મહાદેવભાઈ એને અંગે આત્મશુદ્ધિ અંગે ઉપવાસ પણ કરી ચૂકેલા. એમ તો મહાદેવભાઈ આ કિસ્સામાં ઠીક ઠીક આગળ વધેલા, પણ પૂરા સ્ખલનમાંથી તેઓ બચી ગયેલા. ‘માત્ર દુર્ગાના સ્મરણને લીધે જ હું બચી ગયો’ એવી વાત તેમણે આત્મીયોને કહેલી, તે વાત લેખકને દુર્ગાબહેન પાસેથી સાંભળવા મળી હતી. આ આખા કિસ્સા અંગે પણ કેટલીક વાતો ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. સૌથી પહેલી વાત એ કે આ કિસ્સામાં પણ આક્રમણ તો સ્ત્રી તરફ જ થયેલું. એ સ્ત્રીએ પોતાની કરુણ કહાની લાંબા ગાળા સુધી વારંવાર વર્ણવીને મહાદેવભાઈના હૃદયમાં સહાનુભૂતિ અને કરુણાના ભાવ જગાડેલા. મહાદેવ આ પ્રસંગમાંયે એક રેખા પર આવીને અટકી ગયેલા. (દુર્ગાના સમરણે?) અને પ્રસંગની જાણ તેમણે જાતે જ ગાંધીજી તેમ જ લાગતાવળગતાઓને અતિશય પશ્ચાત્તાપની વૃત્તિથી કરેલી. એ જ સમયે તેમણે ઉપવાસ પણ કરેલા. એ પશ્ચાત્તાપ વૃત્તિથી જ તેમણે જાહેરસભામાં પોતાની કમજોરીનો એકરાર કરેલો.

લેખક પાસે જે માહિતી છે તેને આધારે તે એક બીજી વાત પણ વિશ્વાસપૂર્વક કહી શકે એમ છે. તે એ કે પશ્ચાત્તાપનું આ કૃત્ય બંને પક્ષોને સારુ પાવનકર્તા નીવડ્યું હતું. પેલી સ્ત્રીનું જીવન તો ત્યાર પછી સાવ પલટાઈ જ ગયું. એ પ્રસંગ બન્યો તે પહેલાં વારંવાર અવળે માર્ગે જઈ ચૂકેલી એ સ્ત્રીએ તેના શેષ જીવનમાં પોતાની તથા બીજાની કડક ચોકી કરી હતી. તે સેવારત સન્નારી બની હતી અને દેશસેવામાં નિષ્ઠાપૂર્વક પોતાનું દીર્ઘ જીવન ગુજારેલું. મહાદેવભાઈ પોતે તો આ ઘટનામાંથી ભઠ્ઠીમાંથી વિશુદ્ધ બનીને નીકળતા કાંચન સમા જ નીવડ્યા હતા.

જે વિદેશી સ્ત્રીઓ જોડે આવા પ્રસંગો બન્યા હતા, તે બંનેમાં મહાદેવભાઈની ભલમનસાઈનો એ સ્ત્રીઓએ ચોખ્ખો લાભ લેવા પ્રયાસ કર્યો હતો. બંનેને મહાદેવભાઈએ હદ વટાવતાં રોકી હતી. તેમાંથી એક વિશે પ્રસંગ બની ગયા પછી પણ મહાદેવભાઈને ઘણો સદ્ભાવ રહ્યો હતો. બીજી સ્ત્રી કાંઈક વિકૃત માનસવાળી અને આક્રમક હતી. એને પોતાની જોડે વળગવા જવાનો પ્રયાસ કરતાં મહાદેવભાઈએ લાત મારીને ધકેલી દીધી હતી. તે સ્ત્રીએ પાછળથી જાહેરમાં કંઈ કંઈ ભવાડા પણ કર્યા હતા. અને છેવટે કામતૃપ્તિમાં નિષ્ફળ જતાં ગાંધીજીનો સાથ છોડીને એ ક્યાંક અલોપ થઈ ગઈ હતી. આ પ્રસંગ મહાદેવભાઈની મિત્રમંડળીમાં કેટલીક વાર ઠઠ્ઠામશ્કરીનો વિષય બની જતો અને એ રમૂજમાં મહાદેવભાઈ પણ સૌના જેટલી સહજતાથી ભળતા.

આ આખા પ્રશ્ન અંગે શ્રી કિશોરલાલભાઈનું નીચેનું વાક્ય ખૂબ અર્થસૂચક અને માર્મિક છે:

હનુમાનજીના નૈષ્ઠિક બ્રહ્મચર્યનું એમને સૌભાગ્ય ન હતું. પરંતુ પરસ્ત્રીના મોહથી બચવામાં સફળ થવાનું ચારિત્ર્ય તેમણે સિદ્ધ કર્યું. એમાં એમને ઘણી મુસીબત, માનસિક ક્લેશ તથા પરિતાપનોયે અનુભવ કરવો પડેલો. એ અનુભવોથી એમની સ્વભાવસિદ્ધ નમ્રતામાં ઓર વધારો થયો હતો.૧૧

મહાદેવભાઈના અભિન્નહૃદય મિત્ર નરહરિભાઈ આ જ વિષયને લઈને કહે છે:

[તેઓ] શરીરની શુદ્ધિ જાળવી શકેલા. મનને લાગેલો મેલ પશ્ચાત્તાપનાં આંસુ વડે ધોઈ નાખવા એ શક્તિમાન થયા હતા એમ મારો આત્મા સાક્ષી પૂરે છે. … હનુમાન જેવા નૈષ્ઠિક બ્રહ્મચર્યનો તે દાવો કરી શકે તેમ નહોતું. પણ એમની વફાદારીની ભાવના હનુમાનથી ઓછી નહોતી અને વફાદારી કેવળ સ્વામી પ્રત્યે જ નહીં, પત્ની પ્રત્યે પણ એટલી જ તીવ્ર હતી.૧૨

અહીં પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે દુર્ગાબહેનની આ બાબતમાં કેવી લાગણી હતી? મહાદેવભાઈએ બ્રહ્મચર્યના વ્રત વિશે વિચાર પોતે એકલા કરીને દુર્ગાબહેન પર ઠોકી બેસાડ્યો નહોતો. તેઓ પોતે જ એ બાબત ચોક્કસ નિર્ણય પર પહોંચ્યા નહોતા તો દુર્ગાબહેન પર એ વિચારને ઠોકી બેસાડવાનો પ્રશ્ન તો ઉદ્ભવતો જ નહોતો. પણ બંનેએ આ વિષયનો વિચાર અવશ્ય કરેલો અને બંને એ બાબત પ્રયત્નશીલ હતાં. પણ જે મહાદેવભાઈના જીવન પાછળ મુખ્ય પ્રેરકબળ ગાંધીજી પ્રત્યેનો ભક્તિભાવ હતું, તો દુર્ગાબહેનના જીવન પાછળ મહાદેવભાઈ પ્રત્યેનો સ્નેહભાવ હતું. તેથી આ બાબતમાં નિર્ણય કે અનિર્ણય કરવામાં મહાદેવભાઈની ઇચ્છાએ જ બધું કામ કર્યું હશે. આ લેખકના માનસ પર દુર્ગાબહેન અંગે એક છાપ એવી છે કે મહાદેવભાઈ સારુ બ્રહ્મચર્ય જેટલું કષ્ટસાધ્ય હતું, તેટલું દુર્ગાબહેન સારુ નહોતું. મહાદેવભાઈના સંપર્કમાં આવતી યુવતીઓ પર એમના વ્યક્તિત્વની અસર અમુક અંશે, ઉત્તેજક થતી, દુર્ગાબહેનનું રૂપ કાંઈ ઓછું નહોતું. પણ પુરુષો પર એમના વ્યક્તિત્વનો પ્રભાવ શામક પડતો હતો, એવો આ લેખકનો અંદાજ છે. તેથી મહાદેવભાઈની વફાદારી વિશે પૂરી આસ્થા હોવા છતાં આવા પ્રસંગોએ દુર્ગાબહેન કોઈ કોઈ વાર અકળામણ જરૂર અનુભવતાં. ક્યારેક એવી અકળામણ વનમાળા પરીખ કે આનંદી આસર જેવી દીકરીઓ આગળ પ્રગટ પણ થઈ જતી હશે, પરંતુ એ મન-વંટોળ ઝાઝો વખત ટકતો નહીં. દુર્ગાબહેનનું વ્યક્તિત્વ આ બાબતમાં સાગર જેવું ગંભીર હતું.

આ સ્થળે આપણે એ પ્રશ્નનો પણ વિચાર કરી લઈએ કે ‘મહાદેવભાઈએ દુર્ગાબહેનને અન્યાય કર્યો હતો કે કેમ?’

એક અર્થમાં દુર્ગાબહેનની અવસ્થા રામાયણની ઊર્મિલા જેવી હતી એ આપણે જોઈ ગયા છીએ. મહાદેવભાઈને કામ એવું મળ્યું હતું કે જે તેમને દુર્ગાબહેનથી દૂર રાખતું. તેથી દુર્ગાબહેનનું જીવન નિરંતર પતિની વાટ જોવામાં અને નાનાંમોટાં સર્વ કામો કરતાં ‘સ્નેહધામ સૂનાં સૂનાં રે’ ગણગણવામાં પસાર થયું એમ કોઈ કહી શકે. એ અર્થમાં દુર્ગાબહેને પતિ સાથે સુખસંતોષપૂર્વક રહેવા ધારેલું તે સપનું સિદ્ધ થઈ ન શક્યું. અને એમની હૃદ્તંત્રીએ મોટે ભાગે વિયોગના જ સૂરો છેડ્યા, એ વાત સાચી.

જીવનના મોટા મોટા નિર્ણયો કરવામાં પણ દુર્ગાબહેન કરતાં મહાદેવભાઈનો જ હિસ્સો વધુ હતો, એ પણ સાચું. નોકરી કે વકીલાત છોડીને ગાંધીજી પાસે જઈને કામ કરીશું એ નિર્ણય મહાદેવભાઈએ લીધેલો. ગાંધીજી પાસે જઈએ તો એમના આદર્શ મુજબ જીવન ઢાળવું પડે, એમણે સૂચવેલાં વ્રતોનો આગ્રહ રાખવો પડે એ વ્યાખ્યા પણ મહાદેવભાઈએ કરેલી. રહેવાનું સાબરમતીના આશ્રમમાં, મગનવાડીમાં કે સેવાગ્રામમાં કરવું તેનો નિર્ણય પણ મહાદેવભાઈ અને ગાંધીજીની સગવડ જોઈને થયેલો. દીકરો ચાલુ નિશાળમાં ભણવા જાય કે ન જાય એ નિર્ણય દીકરાએ કરેલો, દુર્ગાબહેને નહીં.

પરંતુ મહાદેવપક્ષે ‘અન્યાય’ની કથા અહીં પૂરી થાય છે. આ તમામ નિર્ણયો લેવામાં અભિક્રમ મહાદેવભાઈનો હતો એ ખરું, પણ દરેક નિર્ણય અંગે, ઠીક ઠીક ચર્ચાવિચારણા કરીને દુર્ગાબહેને પણ સંમતિ આપેલી — તણાઈને નહીં, પણ રાજીખુશીથી — એ વાત પણ વિસારવી ન જોઈએ. અને એ પણ ખરું કે ઘણા નિર્ણયો કરવામાં મહાદેવભાઈને કષ્ટ વેઠવું પડ્યું હશે, પણ દુર્ગાબહેને તો નિર્ણયોને સહજતાથી સ્વીકારેલા. દુર્ગાબહેનને મન શ્રમમય કે સાદું, સંયમી જીવન એ કષ્ટસાધ્ય વસ્તુ નહોતી. સહજ સાધ્ય હતી.

જ્યારે જ્યારે દુર્ગાબહેન અને મહાદેવભાઈ મળતાં ત્યારે ત્યારે મહાદેવભાઈ એ સમયગાળાને સ્નેહથી ભરી દેતા. દુર્ગાબહેન દિવસોના દિવસો સુધી એ કાળને વાગોળ્યા કરતાં.

મહાદેવભાઈના સંગને લીધે દુર્ગાબહેને અસાધારણ બૌદ્ધિક વિકાસ સાધેલો. તેને લીધે બંને વચ્ચે ભણતરના સ્તરનું જે મોટું છેટું હતું તે બંને પક્ષે ઘણું સહ્ય બન્યું હતું.

મહાદેવભાઈનો ત્યાગ એ દુર્ગાબહેનના ગર્વનો વિષય હતો, ફરિયાદનો કદાપિ નહીં. તેથી જ જ્યારે પોતાને જેલ જવાનો વારો આવ્યો ત્યારે દુર્ગાબહેન ખુશી ખુશીથી ગયેલાં. અને શાંતિસેનાના કાર્યક્રમ સારુ સરહદ પર જઈને મરવાની વાત આવી ત્યારે તેમણે તે અંગે મહાદેવભાઈ જેવાં જ ઉત્સાહ અને તૈયારી દેખાડેલાં.

નોંધ:

૧. गांधीजीनो अक्षरदेह – ૪૪ : પૃ. ૬૯.

૨. महादेवभाईनी डायरी – ૬ : પૃ. ૨૪૯.

૩. महादेवभाईनी डायरी – ૧૩ : પૃ. ૨૧૮.

૪. गांधीजीनो अक्षरदेह – ૨૧ : પૃ. ૩૫૯.

૫. महादेवभाईनी डायरी – ૧ : પૃ. ૧૦૮.

૬. महादेवभाईनी डायरी – ૧૮ : પૃ. ૧૪.

૭. महादेवभाईनी डायरी – ૧૭ : પૃ. ૧૪.

૮. महादेवभाईनी डायरी – ૬ : પૃ. ૧૮૮.

૯. गांधीजीनो अक्षरदेह – ૨૦ : પૃ. ૩૧૪-૩૧૫.

૯એ. शुक्रतारक समा महादेवभाई : પૃ. ૬૪.

૧૦. महादेवभाईनी डायरी – ૧૯ : પૃ. ૧૮૭-૧૮૮.

૧૦એ. शुक्रतारक समा महादेवभाई : પૃ. ૩.

૧૧. કિ. ઘ. મશરૂવાળા: हरिजनबंधु: ૧૬–૮–’૪૨ અને નરહરિ પરીખ: महादेवभाईनुं पूर्वचरित: પૃ. ૫૩.

૧૨. નરહરિ પરીખ: महादेवभाईनुं पूर्वचरित: પૃ. ૫૨-૫૩.