અભિમન્યુ આખ્યાન/કડવું ૨૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૨૨

[અભિમન્યુની કથા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું હોઈને કથાકાર પ્રેમાનંદ દ્યૂત, પાંડવોનું વનગમન વનવાસ, ગુપ્તવાસ વગેરે મહાભારતના પ્રસંગો અતિસંક્ષેપમાં સમેટી અભિમન્યુના પ્રસ્તુત કથાપ્રસંગ ઉપર આવે છે.

આ તેર વર્ષ અભિમન્યુએ મોસાળમાં વિતાવ્યાં. પાંડવો મત્સ્યદેશમાં છતા થયા. વિરાટરાજા તરફથી ઉત્તરાના લગ્નનો પ્રસ્તાવ મુકાતાં, યુધિષ્ઠિરે કૃષ્ણને ઉત્તરા-અભિમન્યુનો સંબંધ પસંદ પડે તો જાન જોડી લાવવાની વીનવણી કરતો પત્ર મોકલ્યો. કૃષ્ણ અભિમન્યુની જાન જોતરીને થોડે દિવસે મત્સ્યદેશ પહોંચ્યા.]


રાગ દેશાખ : ચાલ ટૂંકી


સંજય કહે : સાંભળ હો રાય, અભિમન્યુ તણો મહિમાય;
જે અભિમન બોલ્યો વિપરીત, તે વયણ વિઠ્ઠલે રાખ્યાં ચિત્ત.          ૧

કુંતાને ભેટ્યા કમળાપતિ, પછે પધાર્યા દ્વારામતી;
એક વાર પાંડવે કીધું અકૃત્ય, દુર્યોધન-શું રમિયા દ્યૂત.          ૨

હાર્યા રાજ્ય, ભર્યા ભંડાર, વસવું વન સંવત્સર બાર;
પાંચાળીશું ગયા વનવાસ, ત્યાં મળવા આવ્યા અવિનાશ.          ૩

પાંડવને ભેટ્યા જદુવીર, કહ્યું કષ્ટ, નયણાં ભરી નીર;
અભિમન-સુભદ્રાને આણું કરી, દ્વારકામાં આવ્યા શ્રીહરિ.          ૪

ભાણેજ ભાવ ભગવંતે ગણ્યો, પ્રદ્યુમ્ન સાથે વિદ્યા ભણ્યો;
તેર વરસ મોસાળે રહ્યો, સત્તરનો સૌભદ્રે થયો.          ૫

પાંડવના દિવસ પૂરણ થયા, એવે મત્સ્યદેશમાં પ્રગટ હવા;
રાય વિરાટે સ્તુતિ કરી, પાંડવશું વિનતી ઓચરી.          ૬

મેં કીધું મહા કૂડું કર્મ, જે પાસા-પ્રહારે પીડ્યા ધર્મ;
આ દ્રૌપદી સતી સુંદરી, તેને મેં કહી કિંકરી.          ૭

દૃુઃખે નિર્ગમ્યા દ્વાદશ માસ, પૃથ્વીપતિને મેં કીધા દાસ;
તે ભાર ઓશિંકળ કરો, ઉત્તરાકુંવરી મારી વરો. ઋણમુક્ત કરો          ૮

ભણાવી કીધી અટપટી, માટે પરણવા ઘટે કિરીટી;
કન્યાદાન લો ગાંડિવપાણ,’ ત્યારે પાર્થ બોલ્યો વાણ :          ૯

‘ભણાવી જેને પુત્રી કરી, તેને કેમ કહું સુંદરી?
ગુરુ ઇચ્છે શિષ્યાથી સંતાન, તો ઉદયાચળ ન ઊગે ભાણ.          ૧૦

અભિમન્યુ છે મારો બાળ, જેનો મામો શ્રીગોપાળ;
તેને પુત્રી આપો તમો, સગા વેવાઈ થઈએ અમો.’          ૧૧

સુણી સવ્યસાચીનાં વચન, મત્સ્યપતિનું હરખ્યું મન;
પછે યુધિષ્ઠિર કાગળ લખે, મોકલવા દ્વારિકા વિખે :          ૧૨

‘સ્વસ્તિ શ્રીપુરી દ્વારામતી, લક્ષણપૂરણ લક્ષ્મીપતિ;
ત્રિકમજી, ત્રિભુવનના ધણી, કૃપા કરો તેથી કરજો ઘણી.          ૧૩

લિખિતંગ પત્ર ધર્મનરેશ, અમો ઉદે થયા મત્સ્યને દેશ;
તમારી કરુણાની છે લહેર, વરસ ઊતર્યાં વિરાટને ઘેર.          ૧૪

મત્સ્યપતિને છે દીકરી, તે અભિમનને પરણાવા કરી;
જો તમોને ગમે ગોપાળ, તો કીજે એ વેવિશાળ.          ૧૫

જેવું હોય તેવું કહાવજો, જાન વિશેષ કરી લાવજો;
આખું ગામ તેડી કુશસ્થલી, જે હોય જાદવની મંડળી.          ૧૬

અભિમન્યુ છે તમારી પાસ, પરણવા લાવજો,અવિનાશ;
અમો બેસી રહ્યા તમ થકી, વહેલા પધારજો કમળાપતિ.’          ૧૭

પત્ર આપી વોળાવ્યો દાસ, ગયો જ્યાં હુતા અવિનાશ;
સભામાં જઈ ઊભો રહ્યો, બોલ એક કર જોડી કહ્યો.          ૧૮

‘હું આવ્યો પાંડવની વતી, આ કાગળ લીજે કમલાપતિ;’
એવું સાંભળી ઊઠ્યા હરિ, લેઈ પત્રિકા મસ્તક ધરી.          ૧૯

ઉકેલી જોયું શામળે, વાંચ્યું જ્યમ સરવ સાંભળે;
લખ્યાં વાયક પાંડવ તણાં, વહાલાં વિઠ્ઠલજીને ઘણાં.          ૨૦

સમાચાર સારો સાંભળ્યો, જે અભિમનનો વિવા’ મળ્યો;
આનંદ્યું દ્વારિકા ગામ, મનમાંહાં દુઃખ પામ્યા રામ.          ૨૧

જો પાંડવ થયા કુશળે છતા, તો કૌરવે ખાધી ખતા;
એટલો હરખ હૈડામાં હળ્યો, જે અભિમન્યુનો વિવા’મળ્યો.          ૨૨

પછે ઘરમાં ધાઈ સેવકી, વીનવિયાં રોહિણી-દેવકી;
માતાજી સાંભળિયે વાત, કુશળ છે પાંડવ પાંચે ભ્રાત.          ૨૩

મત્સ્યને મંદિર નષ્ટચર્યા કરી, પ્રગટ હવા તે પુરમાં ફરી;
વૈરાટને ઉત્તરા દીકરી, તે અભિમનને પરણાવવા કરી;          ૨૪

એવે આવ્યા હળધર ને હરિ, માતા પ્રત્યે વાણી ઓચરી;
‘જનુની! કેહ છે જે કિંકરી, તેહ વારતા નિશ્ચે ખરી.           ૨૫

વધૂ માત્ર કરો સાંતરી, ઓ બારણે વે’લ્યો જોતરી;’
એવું કહી વળ્યા ભગવાન, આવી તત્પર કીધી જાન.          ૨૬

ફરે જાંદરણી મોડામોડ, લેખે થાતી છપ્પન ક્રોડ;
અભિમનને પીઠી ચોળાય, મામીમાત્ર મંગળ ગાય.          ૨૭

દુંદુભિનાદ શબ્દ બહુ હોય, સાંતરાં થઈ ચાલ્યાં સર્વ કોય;
ઉગ્રસેન, વસુદેવ જ બેહ, નગર રાખવા મૂક્યા તેહ.          ૨૮

કોટિ જોધ મૂક્યા રખેવાળ, જાન લઈ ચાલ્યા શ્રીગોપાળ;
થોડે દહાડે પહોંતા મત્સ્યદેશ, તે વાત પુરમાં થઈ પ્રવેશ.          ૨૯

વલણ
પુર વિખે સમાચાર આવ્યા,જાન લાવ્યા હળધર-હરિ રે;
યુધિષ્ઠિર અતિ હર્ષ પામ્યા, સામૈયાની સામગ્રી કરી રે.          ૩૦