અભિમન્યુ આખ્યાન/કડવું ૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૩
[દેવોની વિનંતીથી શ્રીકૃષ્ણે અયદાનવની સામે યુદ્ધ આદર્યું. અયદાનવ હણાયો. એની ગર્ભવતી પત્ની પિયર ચાલી ગઈ.]


રાગ આશાવરી

સંજય વાણી ઓચરે, ધૃતરાષ્ટ્ર તે શ્રવણે ધરે;
શું કરે શ્રીહરિ તે કહું રે.          ૧

શું કરે તે સાંભળ, રાજા! આવ્યા તેત્રીશ ક્રોડ;
કુશસ્થલીમાં શ્રીકૃષ્ણજીને વીનવિયા કર જોડ :          ૨

‘દેવકીનંદન, વિશ્વનંદન, દૈત્ય-નિકંદન સ્વામ!
દુઃખ ટાળો દેવતાનાં, દૈત્યનો ફેડો ઠામ.          ૩

અયદાનવે અવની પરેે વધાર્યો અધર્મ;
તે તમારે હાથે મરે, મહાદેવે કહ્યો મર્મ.          ૪

અસુરને સંઘારવાને તમે લીધા દશ અવતાર;.
અયદાનવને સંઘારીને ઉતારો ભૂતલ-ભાર.’          ૫

ઊઠ્યા હરજી, શંખ લીધો, શબ્દ કીધો પ્રૌઢ;
ગદા સારંગપાણિએ લીધી, પલાણ્યો ગરુડ.          ૬

સંકર્ષણ સાથે થયા જાદવ ક્રોડ છપ્પન;
શોણિતપુર ભણી સર્વે ચાલ્યા, દેવ હરખ્યા મન.          ૭

અયદાનવ આવ્યો સામો ને રોપિયો રણસ્થંભ;
દેવ-દાનવ બંને મળીને માંડિયો મહારંભ.          ૮

ખડ્ગ, ખાંડાં ને વળી ફરશી, ઝળકતી તરવાર;
શ્રી જગદીશના પ્રેર્યા જાદવ કરે મારોમાર.          ૯

અયદાનવ ને અવિનાશી સન્મુખ આવી મળિયા;
કો કોને ગાંઠે નહિ, સમાન બેહુ બળિયા.           ૧૦

દાનવે દીનાનાથજીને ઢાંક્યા શરની જાળ;
બાણપ્રહારે ગરુડ પરથી પૃથ્વી પડ્યા ગોપાળ.          ૧૧

જીવરખી ને ટોપકવચ કૃષ્ણનાં નાખ્યાં કાપી,
બલિભદ્ર નાઠા રણ વિષેથી, ગડગડ્યો મહા પાપી.          ૧૨

સેના નીરખી નાસતી ને ગાજ્યા શ્રીજગનાથ;
કોપ કરીને કૃષ્ણજીએ ચક્ર લીધું હાથ.          ૧૩

સુદર્શન દેખી કરીને અદૃષ્ટ હવો અજાણ;
માયા કીધી, આકાશમારગે વરસતા પાષાણ.          ૧૪

કરે કોરણ કાટકા ને અંતરિક્ષ અંધારું ઘોર,
‘ન જાયે જાદવ જીવતો, મારો માખણ-ચોર.’          ૧૫

કર્દમ કાંટા કાષ્ઠનો વરસે રુધિર વરસાત;
બ્રહ્માંડ લાગ્યું ડોલવા ને મંડાણો ઉત્પાત.          ૧૬

સારંગ લીધું શામળે, શર ચડાવ્યું ગોપાળ;
વિદ્યુત-અસ્રે માયા કાપી કીધો તાં અજવાળ.          ૧૭


નિરાળો તવ દીઠો દાનવ, મૂક્યું સુદર્શન;
ચતુર્ભુજનું ચક્ર વાગ્યું, મસ્તક થયું છેદન.          ૧૮

દેવતાનું દુઃખ ટળ્યું, પછે પડ્યા પુરમાં ત્રૂટી;
ભંડાર રીધ અસુરની તે દેવે લીધી લૂંટી.          ૧૯

વલણ
લૂંટી રીધ દાનવ તણી, નાઠી અયદાનવની નાર રે;
તેના ઉદર માંહે ગર્ભ છે, ગઈ પિહેર મોઝાર રે. ૨૦