અભિમન્યુ આખ્યાન/કડવું ૪૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૪૨
[બીજે કોઠે અભિમન્યુ કર્ણપુત્ર વૃષસેનની સામે લડે છે, અભિમન્યુ વૃષસેનનું શીશ છેદી નાખતાં કર્ણ મૂર્ચ્છા પામે છે.]


રાગ રામગ્રી

વ્યૂહમાં પેઠો અભિમન્યુ બાળજી, ધર્ણ ધ્રુજાવી, કૌરવને પળી ફાળ જી;
યોદ્ધે પાછા ચલાવ્યા ચર્ણજી, બીજે કોઠે ધાયો કર્ણ જી. ૧

ઢાળ
કર્ણ ધાયો બીજે કોઠે, હઠીલો મહા શૂર;
‘જોઈ આવ અભિમનિયા તું રખે ભાગતો ભૂર!          ૨

કાને કર્ણ સાંભળ્યો હશે, દીઠો હશે કૈં વાર;
આ સમો છે દોહ્યલો, સહેવો શત્રુનો માર.          ૩

હું ગર્ભવતીના ગર્ભ પાડું, ધનુષ્યને ટંકાર;
શર-ચોટે કાઢું સોંસરી, કરું મેરુ પર્વત પાર.          ૪

આદિત્યને અહીં થકી વેધું, તારાને વેધું ત્રાક;
અલ્યા, એકે બાણે એકલો, પૃથ્વી ચઢાવું ચાક.’          ૫

અભિમન્યુ વળતું બોલિયો, ‘મૂરખ કાં કરે અભિમાન;
શું ભાર તાણી લે છે માથે, જેમ શકટ હેઠળ શ્વાન.’          ૬

વચન સાંભળી વીરનાં, કર્ણને ચઢિયો કાળ;
ક્રોધ કરીને મોકલ્યો, વૃષસેન નામે બાળ.          ૭

પિતા કહે : ‘રે પુત્ર પરાક્રમી છોડિયો બળવંત;
મુને એ મારવો નવ ઘટે, તું આણ એનો અંત.’          ૮

કુંવર એણી પેર બોલિયો : ‘એ તે કેટલું કામ?’
એવું કહીને પરવર્યો, તાતને કરી પ્રણામ.          ૯

સૌભદ્રે ભણી સુભટ આવ્યો ચડાવીને ચક્ષ;
અન્યોઅન્યે આવિયા, છૂટે બાણ લક્ષે લક્ષ.          ૧૦

વૃષસેનનાં અગણિત બાણના ધરણ વળિયા ઢગ;
અભિમન્યુને ઢાંકિયો, જ્યમ ચંદ્રને ઢાંકે મેઘ.          ૧૧

તાણતો-મૂકતો જણાય નહિ, શીઘ્રે ત્યાંહાં એ બાણ
વિરાજે વીજળી સરીખો, કૌરવ કરે વખાણ.          ૧૨

હય સારથિ અભિમનના પાડ્યા, પાડ્યો શિરનો ટોપ;
કવચ છેદ્યું, અંગ ભેદ્યું, ત્યારે કુંવરને ચડિયો કોપ.          ૧૩

રીસે થયો અતિ રાતડો, અરુણ ઉદય સમાન;
આપરૂપ થયો પોતે, જ્યારે અદકું થયું નિદાન.          ૧૪

કર્ણનો કુંવર અકળાવિયો, ઢાંકિયો શરની જાળ;
વિરથ કીધો વીરને, જાણ્યું હવે ખૂટ્યો કાળ.          ૧૫

ચરણે ચાલી નવ શકે, બાણે તે કીધો રોધ;
ધનુષ ભેદી, કાયા છેદી, ત્યારે ગ્રહી ગદા ધરી ક્રોધ.          ૧૬

કર્ણનો કુંવર કેસરી સરખો, તે ધસ્યો મૂકી દોટ;
સૌભદ્રે ત્યારે બાણની સામી કરી સાંસોટ.          ૧૭

ગદા ભાંગી કરી કટકા, ગાજ્યો ઉત્તરા-નાથ;
ખભામાંથી છેદિયા વૃષસેનતણા બે હાથ.          ૧૮

કર વિના વિરાજતો કુંવર મહાકાળ-ભાથી;
તે ઘૂમતો રણ વિષે, જેમ દંત-વિહોણો હાથી.          ૧૯

એક પડ્યું પૈડું રથતણું, પગને અંગૂઠે ભરાવી;
તે ઉછાળ્યું ગગન વિષે, અભિમન્યુને વાગ્યું આવી.          ૨૦

ફરી કુંવરે બાણ મૂક્યાં, રીસ અંતરમાં વ્યાપી;
મુગટ-કુંડળ સાથે વૃષસેનનું મસ્તક નાખ્યું કાપી.          ૨૧

વલણ
કાપ્યું મસ્તક કુંવરનું, ધડ પડ્યું ધરણી ઢળી રે;
શીશ પડ્યું જઈ કર્ણને ખોળે, દેખીને મૂર્છા વળી રે.          ૨૨