અમાસના તારા/હું નહીં બદલું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હું નહીં બદલું

અમારું રાજ્ય મોટું હતું પણ અમારું રેલવે સ્ટેશન નાનું હતું. લોકલ ગાડી માત્ર બે જ મિનિટ ઊભી રહેતી અને મેલગાડી પકડવા માટે અમારે આગલી લોકલગાડીમાં નીકળી જંક્શને પહોંચવું પડતું. હું મારા કાફલા સાથે લખનૌ જતો હતો અને ત્યાંથી અમે મસૂરી જવાના હતા. સ્ટેશન ઉપર એક નાનાશા રાજ્યના ધણી પણ અલ્હાબાદ જવા માટે પધાર્યા હતા. પ્લૅટફૉર્મ ઉપર એમને બેસવા માટે સ્ટેશનમાસ્તરની એકની એક ખુરશી બહાર કાઢવામાં આવી હતી અને દરબાર બરાબર જ્યાં એંજિન આવીને ઊભું રહે ત્યાં જ પ્લૅટફૉર્મને છેડે બેઠા હતા. આગળપાછળ હુકમ ઉઠાવવા હજૂરિયાની હાર વીખરાયેલી ઊભી હતી. એટલામાં તો એક ઘંટો વાગ્યો, સીટી વાગી અને ગાડીએ દૂરથી જ પોતાનું આગમન જાહેર કર્યું. એક હજૂરિયાએ પેલા રાજાસાહેબને નિવેદન કર્યું કે ગાડી આવે છે. એટલે તરત જ હુકમ થયો કે હવે પાન બનાવો. પાન બની રહ્યું અને ગાડી પણ આવી ગઈ. ત્યાં વળી હુકમ થયો કે હુક્કો ભરો. હુક્કો ભરાયો ન ભરાયો ત્યાં ગાડીએ સીટી મારી અને પોતાની ઊપડવાની વાત જાહેર કરી. સ્ટેશનમાસ્તર દોડતો આવ્યો. દરબારનો પહેલા વર્ગનો ડબ્બો છેક પાછળ ગાર્ડના ડબ્બાની પણ પાછળ હતો. હું પણ એ જ ડબ્બામાં બેસવાનો હતો એટલે હું તો અંદર બેસીને દરબારની વાટ જ જોતો હતો. દરબારના માણસોએ સામાન ઊંચકીને દોડવા માંડ્યું. ગાડી તો ધીરેથી ઊપડી. ચાલતી ગાડીએ સામાન અંદર ધકેલાયો. સ્ટેશનમાસ્તરે લીલીને બદલે લાલ ધજા કરી એટલે ગાડી જરા અટકી. હું ઊતરીને દરબારને લેવા દોડ્યો. ત્યાં તો દરબાર હજી કોગળો કરતા હતા. મહામહેનતે મેં એમને સમજાવ્યા ત્યારે ડબ્બા તરફ એમણે ચાલવાની હામ ભીડી. એક હજૂરીયાએ હુક્કો ઝાલ્યો છે. હુક્કાની નળી દરબારના હાથમાં છે. બીજો હજૂરિયો પાનનો મોટો ચાંદીનો ડબ્બો ઉઘાડીને પાન ધરી રહ્યો છે. ચાલતાં ચાલતાં, અને દરબાર પાન ખાતા ખાતા વચ્ચે નળીમાંથી ધુમાડો કાઢતા કાઢતા ચાલે છે. મારી ધીરજ ખૂટતી હતી. સ્ટેશનમાસ્તર અકળાયા હતા. ત્યાં તો એમનાથી લાલને બદલે લીલી ધજા બતાવાઈ ગઈ અને ગાડી પાછી ધીરેથી ઊપડી. મેં દરબારને કહ્યું કે જરા જલદી પગ ઉપાડો. જવાબ મળ્યો કે ગાડીને જવું હોય તો જાય પણ હું ચાલ નહીં બગાડું. હું દોડીને ડબ્બામાં ચઢી ગયો અને અંદર જઈને પાછી સાંકળ ખેંચી. ગાડીની ઉપર ઉપકાર કરતા હોય તેમ પોતાની ગજગતિએ દરબાર આખરે ગાડીમાં બેઠા. એમાં કમાયો સ્ટેશનમાસ્તર. દરબારે ખુશ થઈને ડબ્બામાંથી સ્ટેશન-માસ્તરને પચીસ રૂપિયા બક્ષિસ આપ્યા અને એના ઉમંગમાં એણે જોરથી લીલી ઝંડી ઉડાવીને ગાડીને વિદાય આપી.