અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉષા ઉપાધ્યાય/જ્યારે મળે
Jump to navigation
Jump to search
જ્યારે મળે
ઉષા ઉપાધ્યાય
જ્યારે મળે જે કૈં મળે તને વધાવો પ્રેમથી,
ઝરણું મળે કે રણ મળે તેને વધાવો પ્રેમથી.
ફળમાં રહેલો નાગ ક્યારે ડંખશે કોને ખબર,
મધુમય સમય આ જે મળ્યો તેને વધાવો પ્રેમથી.
કો નીલરંગી ને ઝળકતું રત્ન છે આ જિંદગી,
પાસાં ભલે હો દર્દનાં તેને વધાવો પ્રેમથી.
ન લો ખડકની જાતને હૈયું નથી કોણે કહ્યું?
ખળખળ ઝરણ થૈને પછી તેને વધાવો પ્રેમથી.
વહેલી પરોઢે જે ચહકતા સૂર નભમાં ગુંજતા,
એ વેદ છે ઉલ્લાસના તેને વધાવો પ્રેમથી.