અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભરત નાયક/ચક્ર (એક માણસ)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ચક્ર (એક માણસ)

ભરત નાયક

એક માણસ આગિયાના ઝબકારા ગણે
બીજો ઝબકારા પાછળ ભમે
હું ગૂંજામાં ભરી આગિયા
અંધારામાં આગળ વધ્યો


એક લિંગવૃંદ
મૃદંગ મંજીરા કીર્તનમાં ડોલતું આવતું
આ લિંગ મુંડનધારી ચળકતા ગૌરવર્ણાં
ભગવા વસ્ત્રથી સજ્જ–
કોઈના હાથે કમંડળ
કોઈકે સહ્યા ત્રિશૂળ
ક્યાંક ગળે વીંટાળી સર્પમાળ
રુદ્ર ૐકાર ગજવી
અબીલ ગુલાબી છોળમાં
માટોડી વીર્ય બિંદુમંડિત યોનિ દ્વારથી–
ભેગો હું-પ્રવેશતા રહ્યા
ગર્ભાગારમાં


જંગી મેદની આપસમાં મસ્તકો લણી
પરોવાઈને ધરણી પર ઢળી પડી
એક અશ્વપાળ
ખડકાયેલાં શબ વચ્ચે
મારી પુચ્છ, કેશવાળી જોઈ
આંખે ડાબલા પહેરાવી
મોંમાં ભરાવી લગામ સાહી
ધડના પુંજને ગુંદતો આગળ વધ્યો–
એને હું હઠાત્ પાછળ તાણતો રહ્યો
વિવશ વીખરાતી હણહણાટી સિવાય રણક્ષેત્રમાં સૂનકાર હતો.
વાસ્તવનું કાવ્ય.
કાવ્યનું વાસ્તવ.



આસ્વાદ: વિવશ હણહણાટીસભર સૂનકાર – રાધેશ્યામ શર્મા

વાસ્તવનું કાવ્ય કરવું સરળ છે. વાસ્તવિકતાને કવિતામાં પલટવામાં પલાયનનો લાભ મળી જાય. વળી વાસ્તવનું કાવ્ય રચાઈ જતાં પ્રત્યાયનનો પ્રશ્ન મોટે ભાગે પતી જાય. પુરસ્કર્તા પ્રશંસકો પ્રમાણમાં વધુ સુલભ.

જ્યારે કાવ્યનું વાસ્તવ, અચેતનની સામગ્રીથી ભર્યુંપૂર્યું હોય ત્યારે સંક્રમણની સમસ્યા, ખાડો (ગૅપ) ખડો થતો દીસે! ભાવક પાસે કલ્પનાત્મક કૂદકાની અપેક્ષા રહે. આવો કૂદકો કવિએ પોતાની અંદર જ માર્યો હોય છે ત્યારે ભાવક પોતાની આંતરિકતાની અંદર જઈ બહાર આવી કવિની સમકક્ષ રહી કલ્પનાત્મક કૂદકો કૃતિમાં તેમજ કવિમાં લગાવી શકે ત્યારે કાવ્યના વાસ્તવને સંપૂર્ણપણે પ્રમાણી શકે. થાય ત્યારે કાવ્યભોગ પૂરો.

વાસ્તવનું કાવ્ય નિર્મિત થયું ત્યાં કાવ્યનું વાસ્તવ હતું નહિ કે છે નહિ એવું નથી. કાવ્યનું વાસ્તવ ના જ હોય એવી તો કૃતિ શોધવા જવી પડે! પણ સામગ્રીના વિનિયોગ સંદર્ભે, ‘વાસ્તવ’ના સ્થૂળ-સૂક્ષ્મ અર્થ પર ભાર દેવા માટે ‘વાસ્તવનું કાવ્ય’ અને ‘કાવ્યનું વાસ્તવ’ જેવા ભેદો પડ્યા એને પ્રાસંગિક ગણવા.

પ્રત્યેક કૃતિની પોતાની એક ‘ઇસ્થેટિક કન્ડિશન’ હોય છે. ‘ચક્ર’ (એક માણસ) – એ કાવ્યના વાસ્તવના બહુપરિમાણી પરિસ્પંદો ઝીલવા કર્તા કે કૃતિનાયકના આત્મલક્ષી ‘હું’ સાથે તમારે સમ–સંવેદક તરીકે સતત રહેવું પડે. આ દૃષ્ટિએ ભાવકની એક કલ્પના સંયુક્ત સહયાત્રાની શરૂઆત થઈ જાય, કૃતિના પ્રારંભથી જ.

અહીં બે માણસની ક્રિયાવિશેષગત સંભાવના ચીંધી કાવ્યનાયક પોતાની રીતે ‘અંધારામાં આગળ’ વધે છે. (એટલે કે ‘ઝીરો અવર’માં ગતિ.) કાવ્યનું વાસ્તવ અહીં કવિના કાલ્પનિક વિશ્વનું વાસ્તવ છે. વ્યવહારજગતમાં તમે ક્યારેય આગિયાના ઝબકારા ગણતો એકે માણસ દીઠો છે? ક્ષણભંગુર દ્યુતિવાળા આગિયાના ઝબકારા ગણનાર અથવા ઝબકારા પાછળ ભમનારા એ બંને શક્યતાઓને છોડી અત્રેનો ‘હું’ આગળ વધ્યો.

હું ગૂંજામાં ભરી આગિયા
અંધારામાં આગળ વધ્યો

આગિયાને ગણવા, યા આગિયા પાછળ ભમવાની પળોજણમાં પડ્યા વિના આગિયાને ખિસ્સે કરી અંધારામાં ‘હું’ આગળ વધ્યો! આ હું કોણ? કોનો હું? કેવો હું? આવા સવાલો અત્રે અપ્રસ્તુત છે.

’હું’ અજવાળાના ઝબકારાને ગૂંજામાં ભરી કોઈક ખોજ માટે અંધારામાં આગળ વધ્યો છું.

‘અંધારામાં આગળ’ એટલે અચેતનની અથવા જાગ્રત ચિત્તની સ્થૂળ જાડી સપાટ સપાટીની હેઠળ…

તમસના પ્રતીકરૂપ અહીં ટપકું દૃશ્યમાન છે, ચક્ર જેવું વર્તુળાકાર તમસ! હવે?

‘એક લિંગવૃંદ’… એકલિંગજી નહિ, પણ એક લિંગવૃંદ… પછી પ્રચલિત કીર્તનમંડળીની સાધુજમાતનું સુપરિચિત વર્ણન (વાંચો, ‘મૃદંગ મંજીરા…’થી આરંભી લગભગ ‘અબીલ ગુલાલી છોળમાં’ સુધી) સામગ્રી લેખે પ્રયોજી પછી,

માટોડી વીર્યબિંદુમંડિત યોનિદ્વારથી
ભેગો હું — પ્રવેશતા રહ્યા
ગર્ભાગારમાં

કૃતિના પ્રારંભે આવેલો અંધારાનો ઉલ્લેખ અહીં બીજા વળાંકે ગર્ભાગારમાં, લિંગવૃંદ ભેગા પેસી જતા ‘હું’ની આદિમયાત્રાનો સ્પષ્ટરેખ સંકેત આપે.’

મુંડિત લિંગવૃંદ ભગવા વસ્ત્રસજ્જ છે અને આખો પરિવેશ કમંડળ (યોનિ?) ત્રિશૂળ–સર્પમાળ (ઉપસ્થ?) અને રુદ્ર ૐકાર કીર્તનને સમાવે છે ત્યાં યૌનાભિમુખ ધાર્મિકતા યા ધર્માભિમુખ યૌનાનુભૂતિનું સંવર્ણન છે.

એક પ્રકારની erotic religiourity ઉપસ્થિત કરી હુંની આદિમતાના (Primordial texture) પોતને પ્રતિષ્ઠિત કરવામાં કૃતિ સંસિદ્ધ થઈ.

પ્રશ્ન થાય દા.ત., મને થયો કે શા માટે આ લિંગવૃંદના કીર્તનથી પર રહેલો હું અથવા અપર રહેતો છતાં અળગો રહેલો હું–ભગવા વસ્ત્રાવૃત્ત લિંગવૃંદ ભેગો ગર્ભાગારમાં પ્રવેશી રહ્યો.

અંધારામાં આગળ વધીને સલિંગ ગર્ભાગારમાં થયેલો વૃંદસમેત પ્રવેશ સૂચવે છે કે હજુ તે અંધારાના શૂન્યકારમાં જ શ્વસી રહ્યો છે. એના ગૂંજામાં ભરેલા આગિયા ઠરી થીજી ચૂક્યા છે? અંધારામાંથી આગળ વધીને ગર્ભાગારના મહાતમસમાં તે હું પેઠો છે! ઝબકારામાં જોવા મળ્યું તે તો લિંગવૃંદની રુદ્ર ઓમકાર ગર્જના! ગળે સર્પમાળ વીંટેલી હોય પછી ઓમકારની ગર્જના રુદનપ્રવર્તક વધુ હોય ને! પણ ગર્ભાગાર પછી આવે છે શૂન્ય.

અને –

‘જંગી મેદની આપસમાં મસ્તકો લણી/પરોવાઈને ધરણી પર ઢળી પડી.’ ત્યાં ‘લણી ક્રિયાપદ સૂચક છે આપસમાં જંગી મેદની. મસ્તકો ‘લણી’ એકબીજામાં પરોવાઈને ઢળી પડીનું તાત્પર્ય એ કે યાદવાસ્થળી જેવી ઘટના ઘટી છે.

સર્વનાશ (holocaust), પરસ્પર હનનની ફળશ્રુતિ છે.

અહીં યુદ્ધક્ષેત્રના વાતાવરણમાં યોદ્ધાના નહિ, એક અશ્વપાળના આગમનની ઘટના છે. એ અશ્વની શોધમાં આવ્યો છે. આજુબાજુ મસ્તકવિહોણાં શબ ખડકાયેલાં છે.

શબપુંજ કે શબગંજ વચ્ચે હશે પેલો ‘હું’ એક કેશપુચ્છલ અશ્વ છે! એને આંખે ડાબલા, મોઢે લગામ ચઢાવી અશ્વપાળ ‘ઘડના પૂંજને ગૂંદતો આગળ વધ્યો.’ (સરખાવો, પ્રારંભે અંધારામાં ‘હું’ આગળ વધ્યો હતો અને હવે અશ્વપાળ આગળ વધ્યો…) નોંધનીય એ છે કે શબને મસ્તકો નથી, જાણે માત્ર ધડના પુંજ છે! પ્રશ્ન એ છે કે અશ્વરૂપ ‘હું’, ઉક્ત અશ્વપાળ જે રીતે ડાબલા–લગામ લગાવી દોરી જાય છે એનું અનુગમન કરવા રાજી છે? ઉત્તરમાં કૃતિની અંતિમ બે પંક્તિઓમાં વલણ પ્રકટ છે:

એને હું હઠાત્ પાછળ તાણતો રહ્યો
વિવશ વીખરાતી હણહણાટી સિવાય રણક્ષેત્રમાં સૂનકાર હતો

વિધાતા સમા અફર અટળ અશ્વપાળની પાછળ પરાણે દોરાવામાં અશ્વસંમત નથી. પ્રસન્ન તો હોય જ ક્યાંથી? માટે તો પેલો હું પોતાને તાણી જનાર નિર્મમ અશ્વપાળને પાછળ તાણતો રહે છે. છેલ્લી પંક્તિ સૂચવે છે કે અશ્વપાળ આગળ અશ્વનું કાંઈ ઊપજ્યું નહિ. ‘હું’ હઠાત્ અશ્વપાળને તાણતો રહ્યો. પણ આખરે અશ્વપાળ જ અશ્વને તાણતો ગયો? બચ્યું શું? વિવશ વીખરાતી હણહણાટી. રણક્ષેત્રમાં સૂનકાર. હણહણાટીના કારણે બહુગુણિત શૂન્યકાર (nada). સર્જકપ્રતિભા–અશ્વને દૃશ્યમાન કરાવવાને બદલે વિવશ વીખરાતી હણહણાટી દ્વારા સૂનકારને, શ્રુતિ-આધિક્ય (audiocrescendo)થી મૂર્ત કરાવવામાં–સફળ નીવડી.

એક માણસ, એક સર્જકની શોધ-યાત્રા આગિયાના અલપઝલપ ઝબકારામાંથી અંધારામાં, અંધારામાંથી ગર્ભાગાર પ્રવેશમાં અને અંતે સૂનકારમાં પરિણતિ પામી. વિનષ્ટિનું ચક્ર જાણે કે પૂરું ફરી વળ્યું… કૃતિનો ‘નિહિલિસ્ટિક’ શૂન્યવાદ પ્રધાન સૂર મુખરિત થયો.

કવિતાની આકૃતિ ત્રણે ભૂમિકામાં વિચ્છિન્ન છે. પ્રારંભમાં કલ્પનાશીલ આત્મલક્ષીતા, મધ્યે ધર્મપ્રતીકો અને યૌનાનુભવની સંમિશ્ર ગતિ અને છેલ્લે યાદવાસ્થળીના પૌરાણિક ઉલ્લેખની છાંટ સાથે મનુજ- નિયતિની અનિવાર્યતા આગળ અશ્વસ્થિત હુંની વિવશતા સંગાથે વણાયેલી શૂન્યતાની સર્વોપરિતા આ ત્રણે વચ્ચે કોઈ સંવાદિતા નથી, સંબંધ નથી. અસંબદ્ધતાનું, અતિવાસ્તવનું એબ્સર્ડ સૂત્ર જ હાથ આવે. આગિયાનો ક્ષણવર્તી ઝબકારો ગૂંજામાં ભરાઈ ગુમનામ થઈ ગયો. અર્થના બાચકા ભરવા મથો તોયે કવિની ભાવસૃષ્ટિમાં અંધાગાર–ગર્ભાગાર–સૂનકારનો અન્અર્થ–આકાર જ સાંપડે. માત્ર જ્યાં હુંની ચેતનાનું સાતત્ય ‘છે’, એટલો પ્રકાશ, એટલી ગતિ અને અશ્વપાળને અશ્વ રૂપે પાછળ તાણતા રહેવાની તત્પરતા ત્યાં જ આગિયાના ઝબકારા છે. બાકી રણક્ષેત્રમાં છે કેવળ સૂનકાર.

‘ચક્ર’-૨માં એક પ્રશ્નપંક્તિ ઝબકેલી: ‘ઝબક આગિયા લપકતા ચિત્તા કોણે તાગ્યા?’ આનો ઉત્તર ‘ચક્ર’–પમાં આગિયાના ઝબકારામાં અંધારે આગળ વધતી સર્જકચેતનામાં મળ્યો. એ જ રીતે ‘ચક્ર’–રમાં જાતને કોસતી પ્રશ્નચેતના છે:

‘અક્ષરનો ગરભ શીદ સેવ્યો?’

કોઈ પણ અક્ષરસર્જકની આ વેણવ્રીડા છે ‘અવતરણ’ના કવિ એમાંથી બાકાત ક્યાંથી હોય? ક્ષરનો નહિ, અક્ષરનો ગર્ભ સેવનાર સર્જક, વાસ્તવની એટલે કે વૈચિત્ર્ય અને વૈષમ્યની નક્કર ભોંય સાથે અથડાઈ જડાઈ આવી પ્રશ્નપીડા વેઠે, ‘ગરભ શીદ સેવ્યો?’ પણ પીડા સાથે જ સર્જનનું, કલ્પનાનું અક્ષરસુખ સંકળાયેલું છે. અંધઆકાર, ગર્ભ–આગારમાં કળાકૃતિની નિષ્પત્તિ નિશ્ચિત થતી રહી છે. કૃતિ અવતરણને, આવિષ્કારને પામે છે.

અક્ષરનું કલ્પનાસુખ કેવું હોય? સાક્ષીસ્વરૂપ સર્જકચેતનાની ગતિવિધિ કેવીક હોય?

Imagination means letting the birds in one’s head out of their cages and watching them fly up in the air. (‘Thoughts in a Dry season’)

– Gerald Brenan

(અહીં કલ્પનાનો જાદુ, હું–ચેતનાને આગિયા, લિંગ અને અશ્વ સાથે ચમત્કારિક રૂપાંતરણ સાધી શક્યો છે.)

‘અવતરણ’ની ઘણી કૃતિઓને કવિએ આમ ક્ષરપિંજરેથી પક્ષીવત્ ઉડાડી છે અને હજુ તે અવકાશમાં દોરાતી ઉડ્ડયનકૃતિઓને નીરખી રહેલ છે. માટે તો કવિને ‘ગ્રેટ ફ્રેન્ડ ઑફ સ્પેસ’ – અવકાશમિત્ર કહ્યો હશે, જે ભરત નિઃશંક છે. (રચનાને રસ્તે)