અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વેણીભાઈ પુરોહિત/સુખડ અને બાવળ
વેણીભાઈ પુરોહિત
સુખનાં સુખડ જલે રે
મારા મનવા!
દુઃખનાં બાવળ બળે —
બળે રે જી… દુઃખનાં બાવળ બળે.
સુખડ જલે ને થાય ભસમની ઢગલી ને
બાવળના કોયલા પડે —
મારા મનવા!
તરસ્યા ટોળે વળે,
વળે રે જી.. દુઃખના બાવળ બળે.
કોઈનું સુખ ખટરસનું ભોજન,
કોઈ મગન ઉપસાવે :
કોઈનું સુખ આ દુનિયાદારી,
કોઈ મગન સંન્યાસે,
રે મનવા!
કોઈ મગન સંન્યાસે,
સુખનાં સાધન ને આરાધન
લખ ચકરાવે ચડે…
ચડે રે જી… તરસ્યા ટોળે વળે.
કોઈ પરમારથમાં સુખ શોધે,
કોઈ પરદુઃખે સુખિયા :
ભગત કરે ભગતીનો ઓછવ,
કોઈ મંદિરના મુખિયા,
રે મનવા!
કોઈ મંદિરના મુખિયા :
સમદુઃખિયાંનો શંભુમેળો
ભવમાં ભેગો મળે,
મળે રે જી… લખ ચકરાવે ચડે.
રંગવિલાસી ભોગી દીઠા,
જોગી બ્રહ્મ-વિલાસી :
પામર સુખ, અજરામર સુખના
સહુને દીઠા પ્યાસી,
રે મનવા!
સહુને દીઠા પ્યાસી,
બધા ઝઝૂમે —
બધા ઝઝૂમે ઝંખી-ડંખી
સળગે કે ઝળહળે,
હળે રે જી… ભવમાં ભેગા મળે.
સુખનાં સુખડ જલે રે
મારા મનવા!
દુઃખનાં બાવળ બળે.
(સિંજારવ, પૃ. ૧૧૬-૧૧૭)