આંગણે ટહુકે કોયલ/વીંછિયો પે’રી પાણી
૬૧. વીંછિયો પે’રી પાણી
વીંછિયો પે’રી પાણી ગઈ’તી રે અલબેલીનો વીંછિયો.
વીંછિયો જળમાં ખોયો રે અલબેલીનો વીંછિયો.
જડે તો નણદીને આપું રે અલબેલીનો વીંછિયો.
પીરને મલીદો રાંધું રે અલબેલીનો વીંછિયો.
ઠાકરને સાકર માનું રે અલબેલીનો વીંછિયો.
હડમાનને વડાં માન્યાં રે અલબેલીનો વીંછિયો.
ખોડિયારને લાપસી માની રે અલબેલીનો વીંછિયો.
મારો હતો ને મને જડિયો રે અલબેલીનો વીંછિયો.
નણદીને શેનો આપું રે અલબેલીનો વીંછિયો.
પીરને મલીદો શેનો રે અલબેલીનો વીંછિયો.
ઠાકરને સાકર શેની રે અલબેલીનો વીંછિયો.
હડમાનને વડાં શેનાં રે અલબેલીનો વીંછિયો.
ખોડિયારને લાપસી શેની રે અલબેલીનો વીંછિયો.
મેઘધનુષના રંગો કરતાં અનેકગણા અને સમજવા મુશ્કેલ એવા રંગો માનવમનમાં નિખર્યા હોય છે. વિશ્વની કોઈ લેબોરેટરીનાં અત્યાધુનિક માઈક્રોસ્કોપ પણ માનવમનના રંગોને પામી શકે કે કેમ એ સો મણનો સવાલ છે પણ ગુજરાતી લોકગીતોની દેશી પ્રયોગશાળામાં જનમાનસના જા...ની...વા...લી...પી...ના...લા...એટલે કે તમામ રંગોનું પૃથક્કરણ થઇ શકે છે! માનવમનના તમામ સૂક્ષ્મ કોષોની જન્મોત્રીનું ફળકથન આપણાં લોકગીતોમાં છે.
‘વીંછિયો પે’રી પાણી ગઈ’તી રે...’ આપણું માનસદર્શન કરાવતું લોકગીત છે. લોકગીતની નાયિકા વીંછિયો એટલે કે પગની આંગળીની વીંટી કે કરડો પહેરીને નદી કે સરોવરે જળ ભરવા ગઈ હતી ત્યાં વીંછિયો ખોવાઈ ગયો એટલે નાયિકાને ચિંતા થઇ, સાસરિયાં ઠપકો આપશે, ત્રાસ આપશે કે માર મારશે એવી ફડક પેસી ગઈ એટલે એ મનોમન માનતા કરવા લાગી, બાધા-આખડી રાખવા લાગી કે જો મારો વીંછિયો મળી જાય તો એ હું મારી નણંદને આપી દઈશ. થોડીવાર ગોત્યો, ન મળ્યો એટલે પીરનો મલીદો, ઠાકોરજીને સાકર, હનુમાનજીને વડાં, ખોડિયારમાને લાપસી-વગેરે માનતા માની બેઠી. જરાવાર પછી વીંછિયો હાથ લાગ્યો એટલે એણે તરત જ પોતાનું વાજું ફેરવી નાખ્યું કે આ તો મારો વીંછિયો હતો ને મને મળી ગયો, હું મારી નણંદને શા માટે આપી દઉં? પીર, ઠાકોરજી, હનુમાન અને ખોડિયારની માનતા પણ શા માટે પુરી કરવી? મારી જ વસ્તુ મને મળી જાય તો કોઈ માટે કંઈ કરવાનું થોડું હોય?!
માણસ મુશ્કેલીમાં આવે ત્યારે મોતી પરોવવાની ઝીણામાં ઝીણી સોઈના નાકામાંથી નિર્વિઘ્ને નીકળી જાય છે પણ જેવી ગરજ સરી એટલે ખલાસ...તકલીફ આવે ત્યારે આસ્તિક થઇ જવું, અતિશ્રદ્ધાળુ કે અંધશ્રદ્ધાળુ પણ થઇ જવું અને દુઃખ દૂર થયું કે તરત હુંકાર કરવો...આ માનવ સ્વભાવનો એક રંગ છે, આવા કેટલાય રંગો ગુજરાતી લોકગીતોએ ઝીલ્યા છે.