આંગણે ટહુકે કોયલ/સોનલ મારા ઘરડા
૩૨. સોનલ મારા ઘરડા
સોનલ મારા ઘરડા કેરી નાર રે
જે રે જોઈએ તે મંગાવજો...
લાવજો લાવજો શેરડિયુંના પોંક રે
લાવજો રે જાર માયલાં ઝીંડવાં.
અવળાબોલી અવળું મ બોલ્ય રે
અવળું બોલ્યે રે અવગણ ઊપજે.
સોનલ મારા...
લાવજો લાવજો સમદર માયલાં ચીર રે
લાવજો રે આભ માયલાં ઓઢણાં.
અવળાબોલી અવળું મ બોલ્ય રે
અવળું બોલ્યે રે અવગણ ઊપજે.
સોનલ મારા...
લાવજો લાવજો શીંગવાળા ઘોડા રે
વગર શીંગાળા લાવજો રે ડોળિયા.
અવળાબોલી અવળું મ બોલ્ય રે
અવળું બોલ્યે રે અવગણ ઊપજે.
સોનલ મારા...
લાવજો લાવજો શોક્યો માયલા સાલ રે
લાવજો આગમજાયો બેટડો.
અવળાબોલી અવળું મ બોલ્ય રે
અવળું બોલ્યે રે અવગણ ઊપજે.
સોનલ મારા...
આજે આપણે આપણા હરખ, શોક, ગમા, અણગમા, સહમતી, અસહમતી વગેરે વાઈરલ કરી શકીએ-સોશ્યલ મીડિયા થકી પણ સો-બસો વર્ષ પૂર્વે લોકગીતોના માધ્યમથી આ કામ થતું! હા, સમૂહને સ્પર્શે એવી કોઈપણ વાત ગીતમાં ગાઈ નાખવામાં આવતી ને જોતજોતાંમાં એ વાઈરલ થઇ જતી. લોકગીતો કદાચ સોશ્યલ મીડિયા જેટલાં તેજ ન્હોતાં પણ એની અસરકારકતા અને વિશ્વસનીયતા વધુ હતી. લોકગીતો પર કોઈએ ‘ફેઇક’ જેવું લેબલ માર્યું નથી કે લોકગીતના રચયિતા ક્યારેય ‘ટ્રોલ’ થયા નથી...! ‘સોનલ મારા ઘરડા કેરી નાર રે...’નો કન્ટેન્ટ પહેલી નજરે રમૂજી લાગે છે, વાસ્તવમાં સ્ત્રીમનના ઉંડા ખૂણે ધરબાયેલી પીડાને પ્રગટાવે છે. પતિ પરદેશ જાય, ભલે એ કમાવા માટે જતો હોય પણ પત્ની માટે એ સ્થિતિ અસહ્ય હોય છે, કેમકે એ જમાનામાં વાહનવ્યવહાર સાવ ઓછો, વિજ્ઞાન-ટેક્નોલોજીનો વ્યાપ ન્હોતો, સંદેશાવ્યવહારનાં સાધનો સીમિત હતાં એટલે પતિ જયારે પાછો આવે ત્યારે જ એની સાથે વાત થઈ શકતી કે મોઢું જોઈ શકાતું, એટલે વિરહઘેલી પત્ની એમ જ ઈચ્છતી કે ભલે અડધો ખાવા મળે પણ રહીએ તો બધા સાથે જ! છતાં પરિવારના ગુજરાન માટે ઘરના એક-બે પુરૂષોએ બહાર કમાવા જવું પડતું ત્યારે એમની પત્નીઓની મનોદશા શી થતી એનું વર્ણન આ લોકગીતમાં છે. પરદેશ જતો પતિ જયારે જતી વખતે પત્નીને એકાંતમાં મળીને પૂછે છે કે હું આવું ત્યારે તારા માટે શું શું લેતો આવું? તો પત્ની એવી વસ્તુઓની યાદી આપે છે જે લાવવું અશક્ય જ હોય. એ કહે, મારા માટે શેરડીનો પોંક લેતાં આવજો! શેરડીનો પોંક હોય? પોંક તો ભલા લીલા ઘઉંને શેકીને બનાવાય છે. શેરડીના તો સાંઠા, કાતરી હોય કે વધીને રસ હોય. એણે જારના ઝીંડવાં મગાવ્યાં;દરિયા જેવાં વસ્ત્રો, આભ જેવાં ઓઢણાં, શીંગવાળા ઘોડા અને શીંગ વિનાના બળદ પણ લાવવાનું કહી દીધું! આ માગણી પૂરી કરવી અસંભવ છે એનો સીધો અર્થ એ થયો કે પતિના વિદેશગમનથી પત્ની જરાય રાજી નથી. પતિ પણ સમજી ગયો છે એટલે જ એ કહે છે કે તું અવળું ન બોલ, આવા સમયે તું આડું બોલે એ સારું ન કહેવાય, આડુંઅવળું બોલવાથી ગેરલાભ થાય. લોકગીતના છેલ્લા અંતરામાં પ્રગટ થયેલા પત્નીના મનોભાવ વિચારતા કરી મુકે એવા છે. એ કહે છે કે પાછા આવો ત્યારે ‘શોક્યો માયલો સાલ’ એટલે કે સૌતન આપે એવો ત્રાસ અને ‘આગમજાયો બેટડો’ એટલે કે શોક્ય-સૌતનની કૂખે જન્મેલો પુત્ર પણ સાથે લેતા આવજો! અહીં સ્ત્રીના મનની એ શંકા વ્યક્ત થઈ છે કે પુરૂષ પરદેશ જાય એટલે એ પોતાનો મટીને અન્યનો થઈ જશે. પોતે સીધીસાદી ગૃહિણી છે, સૌતનની કલ્પના જ એને ભયભીત કરી મુકે છે ને વળી પાછો એની કૂખે જન્મેલો પુત્ર! એના મનમાં બિહામણું ચિત્ર દોરાઈ ગયું છે.