આંગણે ટહુકે કોયલ/હે ઓલ્યા કાના
૬૪. હે ઓલ્યા કાના
હે ઓલ્યા કાના રે! ગોકુળ તે ગામને ગોંદરે,
તું તો ઝીણી વગાડે ઝાંઝ અલબેલો, છેલ છબિલો કાનુડો.
હે ઓલી રાધા રે! વનરા તે વનને મારગડે,
તારા ઝાંઝરનો ઝણકાર અલબેલી, છેલ છબિલી રાધિકા.
હે ઓલ્યા કાના રે! કિયા તે ગામનો તું રાજિયો?
વાલા શું છે તમારાં નામ? અલબેલો, છેલ છબિલો કાનુડો.
હે ઓલી રાધા રે! ગોકુળ તે ગામનો હું રાજિયો,
હે મારું કૃષ્ણ કનૈયો નામ અલબેલી, છેલ છબિલી રાધિકા.
હે ઓલ્યા કાના રે! બે રે મા ને બે બાપનો,
તું છે મામા તે કંસનો કાળ અલબેલો, છેલ છબિલો કાનુડો.
હે ઓલી રાધા રે! એવાં મેણાં ના બોલજો રે,
તું છે મહીડાં વેચંતી નાર અલબેલી, છેલ છબિલી રાધિકા.
કોઈ એવા દેવ જેના પ્રત્યે આપણને પૂજ્યભાવ સાથે મિત્રભાવ પણ જાગે તે કૃષ્ણ. જેનું નામ સ્મરણ કરતાં જ દૂર-સુદૂર મીઠી મીઠી બંસરી સંભળાવા લાગે તે કૃષ્ણ. જેના ચરણોમાં વંદન કર્યા પછી એના ખભે હાથ મુકતાં જરાય ખચકાટ ન અનુભવીએ તે કૃષ્ણ. આ જગતમાં આવેલી કોઈપણ કુદરતી આફતથી લઈ કુમળા શિશુના મરક મરકનો કારક તે કૃષ્ણ...! આવા અડાબીડ કૃષ્ણ અને જૂઈની વેલી સમી રાધિકા વચ્ચે કેવો સંવાદ થતો હશે? તેઓ એકબીજા સાથે કઈ બાબતની, શું શું વાતો કરતાં હશે? એ જાણવું કોને ન ગમે? શાસ્ત્રોમાં રાધા-માધાના પારસ્પરિક વાર્તાલાપ વિશે કંઈ મળતું હશે કે કેમ એ તો ખબર નથી પણ લોકકવિઓએ આ બન્ને વચ્ચે કેવી વડછડ થતી એનાં લોકગીતો આપણે માટે રચ્યાં છે. ‘હે ઓલ્યા કાનારે! ગોકુળ તે ગામને ગોંદરે...’ આવું જ રાધા-કાન વચાળે થઈ હોય એવી વાતચીતનું લોકગીત છે. રાધા કહે છે કે હે કાના! તું અલબેલો છો, છેલ છબિલો છો, કેમકે ગોકુળના ગોંદરે તું ઝીણી ઝીણી ઝાંઝ વગાડીને સવારના પહોરમાં મોહક વાતાવરણ ખડું કરી દે છે. સામે કાન પાસે જવાબ તૈયાર જ છે કે રાધાગોરી! વૃંદાવનના સૂના સૂના મારગે તારાં ઝાંઝરના ઝણકાર થકી સાતેય સુરોનો જાણે કે મેળો ભરાય છે! રાધા પૂછે છે કે તું ક્યાંનો રાજા છે? અમે તો તને કેટલાંય નામોથી ઓળખીએ અને બોલાવીએ છીએ પણ ખરેખર તારું નામ શું છે? કનૈયો ગુરૂ સાંદિપની ઋષિને જવાબ આપતો હોય એવો આજ્ઞાંકિત થઈને રાધાના સવાલોના જવાબ આપે છે. કોઈ સાથે પરિચય વધે, મિત્રતા ગાઢ થાય પછી આત્મીયતા બંધાય ને બે પાત્રો વચ્ચે ઔપચારિકતા ઘટે અને ક્યારેક તેમાં મર્યાદાલોપ થતો હોય છે. અહિ પણ એવું જ થયું. રાધાએ કાનને કંસનો કાળ કહ્યો એ તો બરાબર પણ સાથોસાથ ‘બે મા અને બે બાપનો’ કહ્યો...! રાધાએ સાચું જ કહ્યું હતું, જન્મદાતા અને પાલક માતાપિતા એમ બે-બે માતાઓ અને પિતાઓના લાડ પામ્યો હતો કાનુડો પણ એને આ વાત ખટકી ગઈ અને રાધાને ચોખ્ખું જ કહી દીધું કે તું સામાન્ય એવી મહીડાં વેંચવાવાળી નારી છો, તું મને આવાં મેણાં ન મારીશ. આ લોકગીત અનેક સવાલો ખડા કરે છે. સૌથી પહેલા તો સવારમાં ગૌધણ ભેગું થાય એ ટાણે ગોપાલ ગોકુળને ગોંદરે વાંસળી વગાડતો એવી લોકમાનસમાં છાપ છે પણ અહિ ઝાંઝ વગાડવાની વાત કરી છે. સંભવ છે કે રાધાના ઝાંઝર સાથે તાલ મેળવવા લોકકવિએ કનૈયા પાસે ઝાંઝ વગડાવ્યાં હોય. બીજું, રાધા કૃષ્ણને ગામ અને નામ પૂછે છે! વળી રાધાને કાનાની બન્ને માતા અને પિતા વિશે અને મામા કંસનો કાળ કોણ છે એની સંપૂર્ણ જાણકારી છે! ભાઈ, આનું નામ જ લોકગીત, શ્લોક કહે એમ નહિ પણ લોક કહે એમ રચાય એ લોકગીત...!