આપાજી બાવાજી અમીન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

અમીન આપાજી બાવાજી (૬-૭-૧૮૯૪, ૧૨-૫-૧૯૭૮): નિબંધકાર, ચરિત્રલેખક. જન્મ કરમસદ (જિ. ખેડા)માં. પ્રાથમિક શિક્ષણ વસોમાં અને માધ્યમિક શિક્ષણ પેટલાદમાં. વાણિજ્યના વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક. આઠેક વર્ષ મુંબઈમાં રહી, ૧૯૨૦માં ઑડિટર્સની પેઢી સ્થાપી. આ પછી, વડોદરા–પેટલાદમાં ઑડિટર્સનો વ્યવસાય વિકસાવ્યા બાદ ૧૯૫૨થી અમદાવાદમાં. ઉત્તરવય વતન વસોના વિકાસમાં. એમણે છ પુસ્તકો આપ્યાં છે. તે પૈકીનું ‘ફુરસદની ઋતુનાં ફૂલ' (૧૯૬૬) વિચારદોહન, વિવેચન અને રેખાચિત્રો એમ ત્રણ ખંડોમાં વિભક્ત છે. પ્રથમ ખંડમાં જગતના મહાપુરુષોના ચિંતનનો સંચય છે, બીજા ખંડમાં ત્રણેક વિવેચનો છે અને ત્રીજા ખંડમાં મહાત્મા ગાંધી તેમ જ મોતીભાઈ અમીનનાં રેખાચિત્રો છે, ‘મારા જીવનના રંગતરંગ' (૧૯૬૬)માં એમણે પોતાના જીવનવિકાસનો તબક્કાવાર આલેખ આપ્યો છે. ‘યમપરાજય' (૧૯૬૬) શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’નું ગદ્ય રૂપાંતર છે. ‘મોતીનો પમરાટ’ ચરોતરના જાણીતા સમાજસુધારક શ્રી મોતીભાઈ અમીનનું જીવનચરિત્ર છે. ‘ગાંધી: જીવન અને વિચાર’ અને ‘ગીતા-નવનીત’ તે તે વિષયને લક્ષ્ય બનાવતાં એમનાં અન્ય પુસ્તકો છે.