ઇદમ્ સર્વમ્/જળમહિમા
સુરેશ જોષી
આ સૂર્ય સામે આપણું કશું રક્ષણ નથી. બંધ બારીની તરાડમાંથી એ પ્રવેશે છે, આંખો બંધ કરીએ તોય એનાં બંધ પોપચાંની અંદર એની જ્વાળાઓ ભભૂકી ઊઠે છે. આ પૃથ્વી આખી જાણે બાષ્પીભૂત થઈને દૂર નીહારિકામાં ખોવાઈ જશે કે શું? છતાં આપણા દેશની સાચી ઋતુ તો ગ્રીષ્મ જ ગણાય. ગ્રીષ્મમાં જ જળસ્પર્શનો સૌથી વિશેષ મહિમા, સ્પર્શ જ શા માટે, નિમજ્જન પણ ખરું. કહે છે કે આદિ કાળમાં જળ હતું. પૃથ્વી જળને ઝંખે છે, શિશુની જેમ જળમાતાને ખોળે જ એ ઝૂલે છે. આપણા શરીરનો ભૌતિક પાથિર્વ અંશ પણ જળમાં નિમજ્જન થવા દઈને એની ગુરુતા હળવી કરવા ઇચ્છે છે, મત્સ્ય થઈને સેલારા મારવા ઇચ્છે છે. પણ સૂર્ય આપણને ભગાડે છે. એની સમ્મુખ ઊભા રહેવાનું નથી તો દૃષ્ટિ માંડવાની તો વાત શી! ચાલીએ છીએ ત્યારેય જાણે ચારહજાર પાંચસો તેવીસમે માળે કોઈ ઓરડીમાં જવાને નીકળ્યા હોઈએ એવું લાગે છે. એનો અન્ત આવતો નથી, હવામાં અદૃશ્ય નાનાં નાનાં તેજનાં બાણ છૂટે છે, દેહના અણુએ અણુને ભેદે છે. આંખોમાં સૂર્યનો સ્પર્શ રક્તચિહ્ન મૂકી જાય છે. પણ જાંબુડાં પર જાંબુ પાક્યાં છે, મહુડાં ખીલ્યાં છે, રાયણનું પણ નિમન્ત્રણ તો છે જ, કેરી કાચી છે, પણ એનોય સ્વાદ જતો કરવા જેવો નથી.
બહાર સૂર્ય છો ને રહ્યો! જૂની ઢબની બાંધણીના ભોંયતળિયેના વચલા અંધારિયા ઓરડામાં જે સૂર્યથી અસ્પૃષ્ટ એવી કુંવારી શીતળતા છે તેનો સહચાર ગમે છે. સાંજે મોગરો અને મધુમાલતી ખીલે છે. એ સુગંધસ્નાન પ્રફુલ્લિત કરી દે છે. પૃથ્વી પરની બધી વસ્તુની કાન્તિ પ્રકટ થાય છે, બધું સૂર્યના સોનાથી રસાઈ જાય છે.
ક્ષીણકાય તટાશ્રયી નદીઓ સૂર્યનો આ અત્યાચાર સહે છે, હૃદયની કરુણાની ધારા વહેલી બંધ થઈ જતી નથી. આખા દિવસ દરમિયાન તાપ વેઠીને કંટાળેલા સાપ રાતે દર છોડીને બહાર ઠંડી હવા માણવા નીકળે છે, કોઈ વાર ભરબપોરે પણ નાગદેવતાનાં દર્શન થઈ જાય છે! ઘટાદાર વૃક્ષોની માયા આ ઋતુમાં સમજાય છે. લીમડાઓ તો મંજરીનો વરસાદ વરસાવે છે. એનાં સીકરો આપણા મસ્તકે પણ ઝીલાય છે. ગુલમહોર હજી ખીલ્યાં નથી, પણ શિરીષની ક્ષીણ સુગન્ધ અને જાંબુડી તથા લીલા રંગ તો દેખાવા માંડ્યા છે, ગ્રીષ્મના ગૌરવની ભાષા શિરીષને ઉચ્ચારતાં આવડે છે. કોઈ વાર આવો પ્રખર સૂર્ય પણ મ્લાન બની જાય છે. ધૂળની ડમરી એકાએક ચઢી આવે છે, ચકરડી ભમરડી ફરે છે, ગામડામાં તો એમ કહે, કે જુઓ ડાકણ ચાલી ને ધોળે દિવસે હાંજા ગગડી જાય. એ જો આપણને એના સપાટામાં લઈ લે તો આવી બને! પંખીઓ બિચારાં લાચાર બની જાય ને જુદી જ દિશામાં ફેંકાઈ જાય. બપોરને વખતે ઘરની બારીઓ બધી જ બંધ થઈ જાય. ઘર આંધળાં થઈ જાય. ધીમે ધીમે નિદ્રાનું ઘેન ચડે, તેમાંય જો હીંચકો હોય તો તો એના લયની અસર નીચે નિદ્રાનો એક વધારે પુટ ચઢે. રાતની નિદ્રા તો શરીરનો સ્વભાવ જ છે, પણ બપોરની નિદ્રા પરકીયા જેવી, એને ચોરીને ભોગવવાની રહે, એનું સુખ કાંઈ ઓર જ!
કોઈ વાર પ્રાણાયામમાં રૂંધેલા શ્વાસની જેમ પવન સાવ બંધ થઈ જાય ને જીવ ગૂંગળાવા લાગે. રાતે પથારીમાં સૂતા હોઈએ ને આપણું આ ખોળિયું સુધ્ધાં જાણે ઉતારીને ફેંકી દેવાનું મન થાય. પરસેવાની ભીનાશ પથારીની ચાદર સાથે ચોંટી જાય, શરીર ખૂબ અળખામણું લાગે, પણ એને કાંચળીની જેમ ઉતારી નાખી શકાતું નથી! ચારે બાજુની નિ:સ્તબ્ધતા વૃક્ષોના પર્ણેપર્ણનું ઘુંટાયેલું મૌન, તારાઓની મૂક સૃષ્ટિ એ પણ અકળાવી મૂકે છે. દર્દુરકૂદકે તળાવડી શોધીને ડૂબકી મારવાનું મન થાય છે.
સૂર્યની દૃષ્ટિ નીચે પણ તળાવડી એના શીતળ મર્મને સાચવી રાખે છે. આંબાવાડિયાની ઘટામાં કોયલના ટહુકાના સહકારમાં ખાટલો ઢાળીને ગ્રીષ્મને માણવી જોઈએ. પ્રસ્વેદસિક્ત કાયાને સુગન્ધી દ્રવ્યના લેપથી શીતળ કરનારા આપણા પૂર્વજોએ ગ્રીષ્મને ભોગવિલાસની ઋતુ બનાવી દીધી હતી, પણ ખરું જોતાં ગ્રીષ્મમાં તો પૃથ્વી પોતે પણ પંચાગ્નિ તપ કરતી પાર્વતી જેવી લાગે છે, બપોરે બહાર નીકળીએ ત્યારે શિવનું ત્રીજું નેત્ર ખૂલ્યું હોય એવું લાગે છે. કાલિદાસના કુમારસમ્ભવની પંક્તિઓ નજર સામે ખડી થાય છે. લીમડાની મંજરીની સુગન્ધમાં લપેટાયેલી ચાંદની જુદી જ હોય છે. ગ્રીષ્મમાં બધો ક્રમ જ વ્યસ્ત થઈ જાય છે. દિવસે ઘરમાં પુરાઈ રહેવું ને રાતે બહાર નીકળવું. અગાસીને સંસ્કૃતમાં ચન્દ્રશાલા કહી છે તે આ ચૈત્રની રાતે સાવ સાચું લાગે છે.
ગ્રીષ્મમાં મધુરતાનું સેવન ગમે છે. તેથી જ કદાચ કડવો લીમડો એના મારણ તરીકે પીવાનું કોઈને સૂઝ્યું હશે. કેરીના રસ સાથે કારેલાં ખાવાની વ્યવસ્થા પણ છે. આવું સન્તુલન એ મિતાચારનું લક્ષણ છે, પણ અતિ આચાર તે અતિસારમાં જ પરિણમે ને તેનો પણ આ ઋતુમાં જ ક્યાં અનુભવ નથી થતો? ગ્રીષ્મ જ એક રીતે સૂર્યના અત્યાચારનું પરિણામ નથી?
સંસ્કૃતમાં જેને રાજવૃક્ષનું દબદબાભર્યું નામ આપ્યું છે તેને ગ્રીષ્મમાં જોયા વિના કોણ રહી શકે? એનાં સોનેરી ઝુમ્મરો ખરેખર એના ઐશ્વર્યની પ્રતીતિ કરાવે છે. ભરબપોરે રસ્તા પરથી જતા હોઈએ ત્યારે સૂર્યથી અંજાઈ ગયેલી આંખે પણ એની શોભા જોવી ગમે. વૃક્ષોના દરબારમાં એ રાજવેશે રાજે છે. રાજવૃક્ષ તો કોઈ સંસ્કૃતજ્ઞ કવિ જાણે, પણ વૈદકમાં તો એ ગરમાળાને નામે એના સૌન્દર્યે નહીં તેટલો ગુણધર્મે પ્રખ્યાત છે જ.
ફાગણ ગયો સાથે કેસૂડાં ને શીમળો પણ ગયાં. રહ્યો ખડચંપો, એનો તો કોઈ ભાવ પૂછે નહીં. ફૂલોના કુટુમ્બમાં એનું કૌલીન્ય બહુ આદરપાત્ર નહીં છતાં બાળપણથી જ મને તો એ ગમે છે. એનાં પણ ફૂલની પથારી હોય. જ્યારે ઊંચા કૂળનો ગણાતો સોનચંપો તો પ્રાંશુલભ્ય. પણ સૌથી વિશેષ માયા તો મને છે મધુમાલતીની. એનું બીજું નામ છે સદાસુવાસિની. ગ્રીષ્મની સાંજે ઓટલે બેઠા હોઈએ ત્યારે રાતાંધોળાં ફૂલવાળી મધુમાલતીની સોબત તો ખરી જ. ફૂલોનો બહાર આવે ત્યારે તો સુગન્ધથી આપણે તરબતર થઈ જઈએ.
પણ શહેરની ગ્રીષ્મ બહુ માણવા જેવી હોતી નથી. બધા પાસે કાંઈ એરકંડીશન્ડ ઓરડાઓ કે ખસના પડદાઓ નહીં હોય. અરે આવા બળબળતા તાપમાં પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓનેય એવી સગવડ ક્યાં છે? શહેરના રસ્તે ડામર ઓગળે ને ચંપલને ચોંટે. ગામડામાં તો વૃક્ષોની ઓથે ખુલ્લે પગે ગ્રામવાસીઓ ચાલી શકે ને હજી ચાલે જ છે પણ આ ડામરને રસ્તે ખુલ્લે પગે કોણ ચાલી શકે?
બરફના રંગબેરંગી ગોળા, આઇસ કેન્ડી શહેરના ગ્રીષ્મના સ્વાદની સામગ્રી. મહેમાન આવ્યા હોય ને કોઈની વરસગાંઠ હોય તો વળી શીખંડ. નદીના તળિયારામાં નમતી સાંજે બેસીને તાજાં તડબૂચ સક્કરટેટી ખાવાની જે મજા આવે તે શહેરમાં ક્યાંથી બને? સક્કરટેટીમાંથી આપણે ભાગે ટેટી આવે ને સક્કર તો ગાંઠની જ ઉમેરવાની રહે. ફ્રીઝવાળા પાડોશીઓ મદદરૂપ થાય ને પોતાનું ઐશ્વર્ય પુરવાર કરી શકે.
સુગન્ધની વાત તો જવા દો, સૂર્યને લીધે ઉકરડાઓમાંથી દુર્ગન્ધની બાફ નીકળે તે અસહ્ય લાગે. અહીં તો તાંબાવર્ણી ટેકરીઓ ક્યાંથી દેખાય? ધરતીનો રંગ જ જોવા મળતો નથી. આસોપાલવ છે, લીમડાઓ છે, વડ છે, આંબા તો શહેરમાં જોવા નથી મળતા. હજી તો આષાઢ બહુ છેટો છે. ગરમીનો આંક ઊંચે ચઢશે. રાતે બાર સુધી તો જાણે કશું ઠંડું પડતું નથી, પછી માંડ આંખ મળે ને વહેલી સવારે સૂર્ય ઢંઢોળીને જગાડી મૂકે. પછી આખો દિવસ સૂર્યથી બચવાની પેરવીમાં જાય. આવા દિવસોમાં અનધ્યાય જ પરવડે. બને તેટલી શીતળતા શોધીને ડિટેક્ટીવ નોવેલ લઈને બેસવું, ને આંખ ઘેરાય એટલે નિદ્રામાં સુખપૂર્વક સંક્રાન્તિ કરવી. આ સૌથી મોટું સુખ. છતાં ગ્રીષ્મનો વૈભવ માણવો ગમે છે, કેટલાકને આ ઋતુમાં વૈરાગ્ય આવે છે, ગૃહત્યાગના પ્રસંગો પણ બને છે, પણ ગ્રીષ્મમાં જ આપણે સાચા અર્થમાં ગૃહસ્થ બની જઈએ છીએ.