ઇદમ્ સર્વમ્/વિચારની શોધના મૂળમાં
સુરેશ જોષી
અનેક જુદી જુદી પરિસ્થિતિઓમાં અનેક જુદે જુદે સ્થળે જુદા જુદા સમૂહોમાં માનવીને જોઉં છું. કોઈ વાર એની આંખમાં ભય હોય છે, જાણે બહારનો પ્રકાશ એને શારડીની જેમ કોચી નાખે છે. છતાં એ આંખ ખુલ્લી રાખે છે. કારણ કે બંધ આંખના અન્ધકારમાં ભુંસાઈ જવાનું ગજું નથી, કોઈ વાર એની આંખમાં રોષની લાલ ટશરો ફૂટી નીકળે છે. પણ એ રોષ કોની સામે? સૌથી પ્રથમ તો પોતાની સામે. પોતાનામાં એવું ઘણું છે જે પોતાનાથી અપ્રગટ છે, જે પોતાને ગાંઠતું નથી. આથી જ પોતાની અંદર રહીને એ જ કદાચ એને દગો દે એવી આશંકા છે, આશંકામાંથી ભય, ભયને કારણે લાચારી અને આ લાચારીનું ભાન થતાં પોતાની પ્રત્યે રોષ પણ આ રોષ પરિસ્થિતિ સામે પણ હોય છે, મોઢામાંથી નીકળેલા શબ્દ, આંખમાંથી નીકળેલી દૃષ્ટિ અને સ્પર્શ દ્વારા થતો આત્મવિસ્તાર આપણી બહારનાં વાતાવરણમાં જઈને કંઈક જુદું જ રૂપ પામે છે. એકદમ તો આપણે પોતે પણ એને ઓળખી શકતાં નથી તો પછી બીજા (અને જે બહુ નિકટ હોય તે પણ આખરે તો ઇતર!) એને યોગ્ય રીતે સમજે એવો દાવો આપણે શી રીતે રાખી શકીએ? આ આપણી બહારના વાતાવરણમાં થતું પરિવર્તન એ બધી ગૂંચ ઊભી કરે છે. આત્મવિસ્તાર કરવાની મજ્જાગત ઝંખના અને એને પરિણામે જ ઊભી થતી આ ગૂંચ. એવી સ્થિતિમાં માનવીની આંખમાં રોષનો તણખો દેખાય છે. જો માનવી રહેવું હોય તો એ તણખો કજળી જવો ન જોઈએ.
કોઈ વાર માનવી બોલતાં તોતડાય છે, અચકાય છે. વાણીની અસ્ખલિત ધારા વહેવડાવનારા પ્રત્યે મને અવિશ્વાસ છે. એ વાણી ક્યાં તો ઉછીની લીધેલી છે, ક્યાં તો ઉપલા પડમાંથી જ વહેતું છીછરું ઝરણું છે. આથી જ સારા વક્તાઓ, ઊંડા વિચારકો ભાગ્યે જ હોય છે. જો કોઈ મનમાં પહેલેથી અકબંધ વિચારોને ગોઠવી લાવે તો બોલતી વખતે કેવળ એ વિચારોને ઉકેલી આપવાની જ પ્રવૃત્તિ કરવાની રહે, એવે વખતે આપણું ધ્યાન એના વિચારોને ઉખેળીને બતાવવાની સફાઈ તરફ વિશેષ ધ્યાન જાય છે. પણ એના વક્તામાં અને કાપડની દુકાને કાપડના તાકા હાથના એક આંચકાથી ઉખેડીને વળી ઝટ સંકેલી લઈ શકનારમાં ફેર શો?
આથી જે વિચારે છે તેના મનમાં ગડમથલ અને શોધ ચાલ્યા કરે છે. એક વિચાર ગોઠવાય ત્યાં એના મનમાં અનેક બાજુથી એ વિચાર સાથેના સાદૃશ્ય વિરોધ, સન્દિગ્ધતા વગેરેના સમ્બન્ધોથી કડી જોડવા માંડે છે. એટલું જ નહીં એ વિચારથી બલવત્તર બીજો કશોક વિચાર આવીને એનો છેદ ઉડાડી દે છે. ત્યારે અચાનક મૌન વક્તાને ઘેરી વળે છે, સભા સામે દૃષ્ટિ તાકીને એ ઊભો રહી જાય છે પણ ત્યારે વધારે ઉત્કટતાથી એ વિચારની શોધની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો હોય છે, એ અટકે છે વળી એકાએક લસરતી ગતિએ એની વાણી વહે છે. ધોધનો અવાજ સંભળાય છે, ત્યાં વળી અથડામણ અંતરાય, મૌન. આમ એની વિચારરેખાઓનાં અંકન થતાં જાય છે. વકતૃત્વની પટુતાથી બાળકોને મુગ્ધ કરી શકાય, વિચારકોને નહીં.
દરેક વિચારની શોધમાં ઉત્ખનનની પ્રવૃત્તિ પણ ચાલતી હોય છે. મારી જીવનયાત્રા ભલે વીસ પચ્ચીસ વર્ષ પહેલાં આરંભાઈ હોય પણ મારી ચેતના તો પ્રાગૈતિહાસિક છે. એનાં સ્તર જો ઉખેડાય તો એમાંથી જ પ્રગટ થાય. તેમાંથી પાસાદાર હીરો બનાવવાનું કે સો ટચનું સોનું ઘડવાનું કામ મારે કરવાનું રહે છે. એ પ્રક્રિયા હું જે યુગમાં રહું છું તેણે ઉપજાવેલાં ઓજારોને આધારે હું કરું છું પણ કોઈ વાર નવાં ઓજાર શોધવાં પડે. આમ સંસ્કૃતિ આગળ વધે પણ આ બધું એકાન્તમાં નથી થતું. માનવી માનવીથી વિખૂટો ક્યારેય નથી પડતો. રહી રહીને એની દૃષ્ટિ માનવીને જ શોધે છે. નિર્જન એકાન્તની એ વાતો કરે છે. પણ ફરી જનસંકુલ સન્દર્ભને શોધે છે. પણ માનવી માનવીથી જ ઘવાય છે, હણાય છે. માનવીનું મૃત્યુ માનવીમાં જ રહેલું છે. એ મરણ કેટલી વાર ખૂબ મોહક રૂપ ધારણ કરીને આવે છે. જે વ્યક્તિમાં એ છે તેને કદાચ એની ખબર પણ હોતી નથી. જો કોઈ જાણે કે મારું મરણ એમાં વસે છે તો એ કંઈ સુખની વાત તો નથી જ. આથી જ તો પ્રકૃતિ અથવા નિયતિ ભારે છેતરામણી હોય છે. સમ્બન્ધના રેશમી કુમાશવાળા તંતુમાંથી જ ક્યારે ફાંસો રચાયો અને ક્યારે આલંગિનને નિમિત્તે એ ફાંસો ગળામાં પડ્યો તેની ખબર રહેતી નથી. સાચી વાત એ છે કે નિયતિએ જ માનવીને નિમિત્ત બનાવી છોડી દીધો છે. આથી જ તો મારે નિમિત્તે જે બન્યું તેને હું પૂરું ઓળખતો નથી તો પછી એના કર્તૃત્વની જવાબદારીનો ભાર તો મારી છાતી પર જ ચંપાય છે. આમ છતાં માનવી મુક્તિની વાત કરે છે. એ જ્યારે ‘સ્વતન્ત્રતા’ કે ‘મુકિત’ જેવો શબ્દ હોઠ પર લાવે છે ત્યારે એના મુખ પર એક પ્રકારની બાલિશ બાઘાઈ દેખાય છે, સ્વતન્ત્રતા જેવી કેટલીક સંજ્ઞાને એ તરણોપાય માનીને વળગી રહે છે, પણ અંદરથી એ જાણતો હોય છે કે પુરાણા કૂવાની અંદર ફૂટી નીકળેલા પીપળાના મૂળનું જક્કીપણું એનામાં છે. અનેક રીતે આ સ્વતન્ત્રતાની ભ્રાન્તિને ઓળખતો હોવા છતાં એને છોડવા માંગતો નથી. આથી જ સૌથી અસંગત અને બેહૂદી વાત સ્વતન્ત્રતાની છે. મારાંમાં જે સંસ્કાર છે તે મેં જન્મીને ઘડ્યા નથી. મારી આખી પ્રજાની ચેતનાની અસર મારા ચિત્ત પર અંકાયેલી છે. આ ઉપરાંત મારાથી અગોચર મારું ગુપ્ત મન એની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું હોય છે. એ આખરે કશુંક એકાએક બહાર પ્રગટ કરી બેસે છે ત્યારે હું પોતે પણ કોઈ વાર એને વિસ્મયથી, કોઈ વાર લાચારીથી તો કોઈ વાર રોષથી જોઈ રહું છું. છતાં સ્વતન્ત્રતાની મધલાળ માનવીને ગમે છે. એ વાત અંદરથી જેટલી પોલી છે તેટલો જ એને માટેનો બહારનો ઘોંઘાટ વધારે તુમુલ બની રહે છે. એ સાચું છે કે આવી કેટલીક સંજ્ઞાઓને આધારે ફિલસૂફો થોડાંક ચોકઠાં બેસાડે છે અને ભાંગે છે, પણ આ ઉત્સાહનો અભિનય ક્યાં સુધી ચાલી શકે?
આથી કાળની પાળને ભાંગી નાખીને, વ્યકિતગત ચેતનાની સહીસલામતીના કિનારાને તોડી નાખીને, અંગત પ્રાપ્તિક્ષતિના હિસાબનું પાનું વાળી દઈને આપણે તો કેવળ આપણી જાતને લુપ્ત જ કરવાની છે. એ જ આપણી નિયતિ છે, અને તેય વિસ્તરીને નહીં પણ સંકોચાઈને, દરમાં સરી જઈને, બને તેટલા નિ:શેષ થઈ જઈને, આમાં અમર્યાદ સ્નેહની જરૂર પડતી નથી, પણ નિર્મમતાની જરૂર પડે છે. એવો કોઈ ઉગ્ર તેજાબ છે જે મમતાને બાષ્પીભૂત કરી નાખે? એને માટે હૃદયમાં જ ભઠ્ઠો ધખાવીને માનવી શોધ ચલાવી રહ્યો છે. એ શોધ એ જ માનવીનું માનવ્ય કેમ નહીં હોય?