ઋતુગીતો/ધરણ સર માતર-ધણી!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ધરણ સર માતર-ધણી!

આ બબ્બે માસની અક્કેક ઋતુને વર્ણાવીને મરસિયા રચ્યા છે. રચનાર ઉમાભાઈ કહાનજી મહેડુ નામના ગુર્જર ચારણ છે. માતર તાલુકાના ઠાકોર હિંમતસિંહજીના વિરહમાં એ ગવાયા છે. [દોહા] કવ્ય પાળી મોટા કિયા, આપ સમોવડ અંગ; તે બદલો આલું તને, સમજી હિંમતસંગ! સહલ બગીચાંરી છટા, ખટરતવાળો2 ખેલ, નરખેવા3 આજમનગર, આવ્યા ઘરાં4 અલબેલ!

[કવિઓને પાળીને તેં તારા સમોવડિયા બનાવ્યા તેનો હે હિંમતસંગ! તને આ બારમાસી અર્પીને બદલો દઉં છું. આવી સેલગાહલાયક ફૂલવાડીની રમ્યતા; આવો છ ઋતુનો ઉત્સવ; ને બધું જોવા હે અલબેલા! તું આજમનગર પાછો ઊતર.] શરદ આસો કાર્તિક શરદ અળ્ય, ઠાઠ નવલ્લા ઠીક, અધપત હિમ્મત આવિયેં, માણેવા5 મછરીક6, [છંદ : સારસી] અળ7 શરદ રાકા8 ચંદ ઉજ્જળ, મુક્ત9 ઝળહળ જળ મહીં, નીરજ10 સુકોમળ, આભ નરમળ, ચિત્ર ધવળં અળ ચહીં; કેકાણ ધજબળ સજે અણકળ, કીપ ઝળહળ સર દણી; રઢ રાણ હિમ્મત! વળ્યે અણરત, ધરણ સર માતર-ધણી જી! ધરણ સર માતર-ધણી!

[આસો અને કાર્તિક માસની શરદ ઋતુ પૃથ્વી પર મંડાઈ; નવલા ઠાઠમાઠ થયા; માટે હે અધિપતિ હિમ્મતસંગ! તારા ચૌહાણ વંશનો કિતાબ સાંભળવા તું પાછો આવ! પૃથ્વી પર શરદ આવી; પૂર્ણિમાનો ચંદ્ર ઉજ્જ્વળ લાગે છે. જળની અંદર મુક્ત (છીપનું મોતી) ઝળહળાટ કરે છે. સુકોમળ કમળો ખીલે છે. આકાશ નિર્મળ છે. આખી પૃથ્વીનું ચિત્ર ધવલ લાગે છે. બળિયા લોકો ઘોડાને સજે છે. પૃથ્વીના પટ પર દીવા ઝળહળે છે. માટે ઓ રઢાળા હિમ્મતસંગ! આવી ઋતુમાં તું ધરણી પર પાછો વળ, હે માતરના ધણી!]

હેમન્ત અગહન પોષ ઉલટ્ટિયા, હદ શીતળ હેમન્ત; સુરતા કર મહેલાં સરે, કુળવંતીરા કંત! અગહન વ્રતંગં, શીત અંગં, હેમ દંગં હલ્લ હી, તરણી અતંગં, તરણ તંગં, સેજ રંગં બરસહી; કર લેપ ચંગં, મદ કુરંગં, કત, સંગં કામણી, રઢરાણ હિમ્મત વળ્યે અણરત, ધરણ સર માતર ધણી!

[અગ્રહાયન (માગશર) અને પોષ માસ ઊમટ્યા. શીતળ હેમંત ઋતુ આવી. હે કુલવંતી રમણીના કંથ! તું હવે તો તારા મહેલ પર નજર કર! અગ્રહાયન વર્તવા લાગ્યો. અંગે શીત લાગે છે. હેમન્તનું પરિબળ હાલ્યું જાય છે. (આ પછીની પંક્તિ સમજાતી નથી.) કામિનીઓ કંથની સાથે કસ્તૂરીના સરસ લેપ કરે છે. એવી ઋતુમાં…] શિશિર–વસન્ત માઘ ફાગ ખત્રિયાં મણિ! શશિયર બણી સોહાગ; તણ રત વળ્ય પીથલ2 તણા! રાણ પ્રખણ3 ખટરાગ4! શશિયર સુહાવે, રંગ છાવે, હુલસ ગાવે હોરિયાં, ફગવા મગાવે, રમત ફાવે, ગમત ભાવે ગોરિયાં; બાજે બજાવે, ચરિત ચ્હાવે, બસંત દરસાવે બણી! રઢરાણ હિમ્મત! વળ્યે અણરત, ધરણ સર માતર-ધણી!

[માહ અને ફાગણ માસમાં, હે ક્ષત્રિયોના મણિ! શિશિર ઋતુનો સોહાગ જામ્યો છે. એવી ઋતુમાં હે પૃથ્વીરાજ (પીથલ)ના પુત્ર! હે છયે રસને પારખનારા રાજા! તું પાછો આવ! શિશિર સોહે છે, રંગ છવાય છે, ઉલ્લાસથી લોકો હોરીઓ ગાય છે. હુતાશનીના દિવસોમાં ફગવા (ચણા, તલ, મગ વગેરેનાં ખાદ્યો) મગાવીને ગોરીઓ રમત રમતી ગમત કરે છે. વાજિંત્રો બજાવે છે. વસંત એવા રંગો બતાવે છે. એવી ઋતુમાં…]

વસંત–ગ્રીષ્મ ચૈત્ર વૈશાખે ચોતરફ, ફહેરે બસંત ફોહાર; અમ રત વખતેં આવિયેં, વખતાહર અણવાર! મધુ-કુંજ ફહેરે, અંબ મહેરે, મહક દહેરે મંજરાં; કોકિલ કહેરે, શબદ શહેરે, કુંજ લહેરે મધુકરાં; સર કુસુમ બહેરે, ઉર ન સહેરે, પ્રીત ઠહેરે પદમણી, રઢ રાણ હિમ્મત વળ્યે અણ રત ધરણ સર માતર-ધણી!

[ચૈત્ર–વૈશાખમાં ચોમેર વસંતની ફોરમો ફોરે છે. એવી ઋતુમાં, હે વખતસંગના પૌત્ર, તખ્ત પર આવો! મધુભરી કુંજો ફોરે છે. આંબા મહોર્યા છે. મંજરીઓ મહેક દઈ રહી છે. સરવા શબ્દે કોયલો કિલ્લોલ કરે છે, કુંજોની અંદર ભમરા લહેરાઈ રહ્યા છે. માથા પર કુસુમો વેરાય છે. પદ્મણીઓના ઉરમાં પ્રીતિ ઠેરાતી–રોકાતી નથી. એવી એવી ઋતુમાં…]

ગ્રીષ્મ જેઠ અષાઢ ઝળૂંબિયા, ભુવણ5 પ્રળમ્બે ભાણ; ગ્રીખમ સુરતા ગેહરી, ચિન્ત ધર્યે ચહુઆણ. ચહુવાણ મિન્તં, ધર્યે ચિન્તં, પ્રાગ નીતં પ્રગ્ગળં, બાગાં બણીતં, હોજ હીતં, નીર સીતં ન્રમ્મળ; પટ ઝીણ પ્રીતં, વ્રે વ્રજીતં, સરસ રીતં શામણી, રઢરાણ હિમ્મત વળ્યે અણ રત, ધરણ સર માતર-ધણી!

[જેઠ અને આષાઢ ઝળૂંબ્યા. ભાનુ (સૂર્ય) પૃથ્વી પર લાંબો સમય રહે છે. (દિવસ લાંબા થાય છે.) હે ચૌહાણ! ગ્રીષ્મની આવી ગાઢ પ્રીતિને ચિત્તમાં ધારણ કરજે! હે ચૌહાણ મિત્ર! આટલું ચિત્તમાં ધરજે! પુષ્પોના પરાગ નિત્ય ફોરે છે, બાગબગીચાનો ઠાઠ બન્યો છે. હોજમાં નિર્મળ શીતળ પાણી છલકે છે, ઝીણાં પટકૂળ પર પ્રીતિ જન્મે છે. શ્યામાઓ સરસ રીતે વિરહ ત્યજે છે. એવી ઋતુમાં…]

વર્ષા શ્રાવણ ભાદ્રવ સાલળે, ધરણ વ્રખા રણધીર; વેળ સમંદર કર વળણ, હિમ્મત હેળ્ય હમીર!

વરખા સમાજં, બુંદ વાજં, અભ્ર છાજં ઘમ્મરં, બિરહી અવાજં, રહત બાજં, વીર ગાજં વમ્મરં, કર લે સુકાજં, અમર આજં, નીર તાજં નરખણી, રઢરાણ હિમ્મત વળ્યે અણ રત ધરણ સર માતર-ધણી!

[શ્રાવણ અને ભાદરવો ભરપૂર વરસે છે. હે રણધીર! ધરતી પર વર્ષા આવી છે. હે હિમ્મતસંગ! સમુદ્રની વેળ્ય (ભરતી)ની માફક તું પાછો આવ! વર્ષાનાં બિન્દુઓ વરસે છે. આકાશમાં આભલાં (વાદળાં) જાણે (છાપરાની માફક) છજાઈ ગયાં છે. વિરહીઓના અવાજો બાજી (ગાજી) રહ્યા છે. વ્યોમ (આકાશ) વીરગર્જના કરી રહ્યું છે. એવી ઋતુમાં આજ તું આવીને કંઈક સુકૃત કરી લે. આજનાં તાજાં નીર નીરખી લે! એવી ઋતુમાં…]