એકતારો/સર્જનસંહારની જોડલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સર્જનસંહારની જોડલી


યુગ યુગના કેડા પર કદમો ભરતી,
સર્જન સંહાર બેની જોડી આવે;
પૃથ્વીના હૈયા પર પગલાં ધરતી,
રચના ને નાશ બેની જોડી આવે. ૧.

સંહારે સર્જનને દીધા ડારા :
“પાછી વળ, પાછી વળ, પામર બંધુ!
પાછાં લૈ જા પા પા પગલાં તારાં,
ફાળે ફાળે હું બ્રહ્માંડો છુંદું.” ૨.

સર્જનનાં નયણાંએ પાંપણ ઢાળી,
ગાલો પર લજ્જાનાં ડોલર ઊઠ્યાં,
મલકાવી મોઢું એ બોલી બાળી,
“જાઓ વીર! મૈત્રીથી મ્હાલો છુટ્ટા.” ૩.

સંહારે ઈશ્વરના વાઘા પહેરી,
અબજોની માનવતા બાળી ઝાળી;
સર્જનની ધારા ત્યાં શતધા રેલી,
રોપી રહી મુક્તિની કેસર–ક્યારી. ૪.

સંહારે માનવની ડોકે ડોકે,
બેસીને બંદૂકના ધૂંવા ફૂંક્યા;
સર્જનનાં કર–અંગુલ અડક્યે અડક્યે,
પત્થરને હૈયે પણ ગીતો ગૂજ્યાં. પ.

સંહારે નિરખ્યું 'રે મારાં થાણાં,
તેને શું સર્જનની લ્હેરો લાગી!'
ધા દેતો ધાયો: સર્જનનાં ગાણાં
ચૌદિશ રેલાયાં : ક્યાં જાવે ભાગી! ૬.