એકોત્તરશતી/૧૩. વિદાય -અભિશાપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિદાય-અભિશાપ


કચ : દેવયાની, આજ્ઞા આપો તો દાસ દેવલોક પ્રતિ પ્રયાણ કરે. આજે મારો ગુરુગૃહવાસ પૂરો થયો. મને આશીર્વાદ આપો કે જે વિદ્યા શીખ્યો છું તે ઉજ્જવળ રત્ન અંતરમાં સદા જાજ્વલ્યમાન રહે—સુમેરુ શિખર ઉપર સૂર્યની જેમ—અક્ષયકિરણ. દેવયાની : તારા મનોરથ પૂરા થયા, આચાર્ય પાસેથી દુર્લભ વિદ્યા પામ્યો, તારી હજાર વર્ષની દુ:સાધ્ય સાધના આજે સિદ્ધ થઈ; બીજી કશી કામના નથી?—મનમાં મનમાં વિચારી જો. કચ : ના, બીજી કશી નથી. દેવયાની : કશી નથી? તોય ફરી એક વાર જોઈ લે, હૃદયના તળિયા સુધી ઊંડો ઊતરીને તપાસી જો; અંતરના ખૂણામાં કદાચ કોઈ વાંછના રહી ગઈ હોય, કુશના અંકુર સમી ઝીણી, દૃષ્ટિને અગોચર, તોયે અત્યંત તીક્ષ્ણ. કચ : આજે મારું જીવન સંપૂર્ણ કૃતાર્થ થયું છે, મારામાં કોઈ પણ સ્થાને કોઈ પણ દૈન્ય, કોઈ પણ શૂન્યતા નથી, સુલક્ષણે! દેવયાની : ત્રિભુવનમાં તું સુખી છે. તે ઉચ્ચ શિરે ગૌરવપૂર્વક ઇન્દ્રલોકમાં તારે કામે જા. સ્વર્ગપુરીમાં આનંદધ્વનિ જાગશે, મનોહર સ્વરે મંગલ શંખ વાગશે, સુરાંગનાઓ તારે શિરે તાજી જ તોડેલી નંદનવનની મંદાર મંજરીની પુષ્પવૃષ્ટિ કરશે. સ્વર્ગને માર્ગે અપ્સરાઓ અને કિન્નરીઓ કલકંઠે હર્ષધ્વનિ કરશે. આહા વિપ્ર, તારા દિવસો અહીં વિજન વિદેશમાં સુકઠોર અધ્યયનમાં બહુ કલેશમાં ગયા છે. સુખમય ઘરને સંભારી આપનાર, વિદેશવાસનું દુઃખ દૂર કરનાર કોઈ અહીં નહોતું. અમારી ગરીબની ઝૂંપડીમાં જે કંઈ હતું તેના વડે અતિથિની અમે યથાશક્તિ પૂજા કરી છે. તોય સ્વસુખ તો અમે ક્યાંથી લાવીએ? અહીં સુરાંગનાઓનાં અનિંદિત મુખ ક્યાંથી હોય? હું તો મનમાં મોટી આશા રાખુ છું કે સુખલોકમાં પાછા ગયા પછી આતિથ્યની ત્રુટીઓ તને યાદ પણ નહિ આવે.

કચ : આજે કલ્યાણમય હાસ્યથી દાસને પ્રસન્ન વિદાય આપવી પડશે.

દેવયાની : હાસ્યથી? હાય સખા, આ કંઈ સ્વર્ગપુરી નથી! અહીં તો પુષ્પમાં કીડાની જેમ મર્મમાં તૃષ્ણા જાગતી રહે છે, વાંછિતની આસપાસ વાંછના ઘૂમ્યા કરે છે—બિડાયેલા કમળની આસપાસ લાંછિત ભ્રમર વારેવારે ફર્યા કરે છે તેમ. અહીં તો સુખ જતાં ખાલી ઘરમાં સ્મૃતિ એકલી બેસીને દીર્ઘ નિઃશ્વાસ નાખ્યા કરે છે; અહીં હાસ્ય સુલભ નથી. જા બધું, મિથ્યા સમય બગાડવાથી શું? દેવો ઉત્કંઠિત થઈ રહ્યા હશે.

ચાલવાયે માંડ્યો? બે શબ્દોમાં બધું પતી ગયું! સહસ્ર વર્ષ પછી આ જ વિદાય કે?

કચ : દેવયાની, શો છે મારો અપરાધ! દેવયાની : હાય, સુંદર અરણ્યભૂમિએ સહસ્ત્ર વર્ષોં સુધી તને વલ્લભ છાયા આપી છે, પલ્લવમર્મર અને વિહંગોનું કૂજન સંભળાવ્યું છે,—તેને શું આજે આમ સહજમાં છોડી જઈશ? તરુરાજિ જાણે મ્લાન થઈ ગઈ છે, જો, આજની વનચ્છાયા ગાઢતર શોકથી અંધકારમય બની ગઈ છે, વાયુ રડી પડે છે, સૂકાં પત્રો ખરી પડે છે, તું જ કેવળ પાછલી રાતના સુખ–સ્વપ્નની પેઠે હસતે મુખે ચાલ્યો જઈશ? કચ : દેવયાની. આ વનભૂમિને હું માતૃભૂમિ માનું છું, અહીં મને નવજન્મ મળ્યો છે. એના પ્રત્યે મને અનાદર નથી—એને તો હું સદા પ્રીતિપૂર્વક સંભારીશ. દેવયાની : આ પેલો વડ, જ્યાં તું રોજ ગોધણને ચરાવવા આવતો અને મધ્યાહ્નના આકરા તાપમાં ઊંઘી જતો, તારા થાકેલા શરીર ઉપર અતિથિવત્સલ તરુ દીર્ઘ છાયા ઢાળતું, અને મૃદુસ્વરે ઝર્ઝર કરતા પલ્લવ-દલથી વીંઝણો નાખી તને સુખનિદ્રામાં પોઢાડી દેતું; -જજે સખા, તોપણ છેલ્લી વારનો પરિચિત તરુ નીચે થોડી ક્ષણ બેસ, અને એ સ્નેહછાયાની વિદાય લઈને જા. બે ઘડી રોકાઈ જા. એટલા વિલંબથી તારા સ્વર્ગને કશી ખોટ નહિ જાય. કચ : આ ચિરપરિચિત બંધુસમુદાય પણ વિદાયની ઘડીએ નવો નવો લાગે છે; ભાગી જતા પ્રિયજનને બાંધવાને માટે બધા વ્યગ્ર સ્નેહપૂર્વક નવાં બંધનોની જાળ ફેલાવે છે, છેલ્લી વિનંતી સમો અપૂર્વ સૌંદર્ય રાશિ ઠાલવે છે. હે વનસ્પતિ, હું આશ્રિતજનના બંધુ, તને નમસ્કાર હો. કેટલાય પથિકો તારી છાયામાં બેસશે, કેટલાય વિદ્યાર્થીઓ કેટકેટલા દિવસ, મારી પેઠે તારી નીરવ નિર્જન ઘાટી છાયામાં તૃણાસન ઉપર બેસીને પતંગોના મૃદુ ગુંજરણ જેવા સ્વરે અધ્યયન કરશે; પ્રાતઃસ્નાન પછી, ઋષિબાળકો આવીને ભીનાં વલ્કલ તારી શાખા ઉપર સૂકવશે; ગોવાળિયાઓ બપોરે રમશે; એ બધા વચ્ચે અરે, આ પુરાણો મિત્ર તારા સ્મરણમાં રહો. દેવયાની : આપણી હોમધેનુને સંભારજે; સ્વર્ગની સુધા પીને એ પવિત્ર ગાયને ગર્વમાં ભૂલી ન જઈશ. કચ : તેનું દૂધ તો સુધા કરતાં પણ અધિક સુધામય છે; તેને જોઈને તો પાપો નાશ પામે છે એવી એ શુભ્રકાંતિ પયસ્વિની માતા જેવી, શાંતિસ્વરૂપ છે. ભૂખતરસ કે થાકને ગણકાર્યા વિના મેં તેની સેવા કરી છે, ગહન વનમાં હરિયાળીવાળી નદીને તીરે, દિવસભર તેની સાથે ફર્યો છું, તટના ઢોળાવ ઉપરનું સુંવાળું કૂંણું ઢગલે ઢગલા ઘાસ ધરાતાં સુધી યથેચ્છ ચર્યા પછી આળસથી ભારે થયેલે શરીરે ઝાડની છાયામાં તૃણભૂમિ ઉપર પડી પડી આખા દિવસ એ ધીરે ધીરે વાગોળ્યા કરતી; વચમાં વચમાં મોટી મોટી આંખે કૃતજ્ઞતાપૂર્ણ શાંત દૃષ્ટિ નાખીને, ગાઢ સ્નેહભરી આંખો વડે મારા દેહને ચાટતી. મને તેની તે અચંચલ સ્નિગ્ધ દૃષ્ટિ અને તે લીસી, સુંવાળી, સફેદ, પરિપુષ્ટ કાયા સદા યાદ રહેશે. દેવયાની : અને યાદ રાખજે આપણી કલરવ કરતી સ્ત્રોતસ્વિની વેણુમતીને. કચ : તેને હું નહિ ભૂલું, કેટકેટલી પુષ્પલચી કુંજોમાં થઈને, મધુર કંઠમાં આનંદપૂર્ણ કલગાન લઈને, ગ્રામવધૂ સમી સેવા–સંભાર વહીને સદા દ્રુત ગતિએ આવતી, નિત્યની મંગળ વ્રતધારિણી એ વેણુમતી તો મારી વિદેશવાસની સંગિની હતી. દેવયાની : હાય બંધુ, આ પ્રવાસમાં બીજી પણ કોઈ સહચરી તારી સાથે હતી, પરગૃહવાસનાં દુઃખો ભુલાવવા માટે તે રાત ને દિવસ પ્રયત્ન કરતી હતી;—હાય રે, દુરાશા! કચ : તેનું નામ સમગ્ર જીવન સાથે ગૂંથાઈ ગયું છે. દેવયાની : તને યાદ છે કિશોર બ્રાહ્મણરૂપે જે દિવસ તું પહેલવહેલો અહીં આવ્યો હતો ત્યારે તારા તરુણ અરુણ શા ગૌરવર્ણ દેહ ઉપર સ્નિગ્ધ દીપ્તિ ઢળેલી હતી, ભાલ ઉપર ચંદન ચર્ચેલું હતું, કંઠમાં પુષ્પમાળા હતી, તેં પટ્ટવસ્ત્ર પહેરેલું હતું, અધરે અને નયને પ્રસન્ન સરલ હાસ્ય રમતું હતું; આવીને પણે પુષ્પવનમાં તું ઊભો હતો— કચ : તું તરતની જ નાહીને લાંબા ભીના વાળ સાથે, નવું શ્વેત વસ્ત્ર ધારણ કરીને તેજમાં નાહેલી મૂર્તિમતી ઉષાસમી હાથમાં છાબ લઈને એકલી પૂજા માટે તાજાં ફૂલ ચૂંટતી હતી. વિનંતી કરીને મેં તને કહ્યું, ‘દેવી, તને શ્રમ ઘટતો નથી, રજા આપે તો ફૂલ ચૂંટી દઉં.' દેવયાની : મેં વિસ્મય પામીને તે જ ક્ષણે તારો પરિચય પૂછ્યો. તેં વિનયપૂર્વક કહ્યું, ‘હું તારે બારણે તારા પિતાનો શિષ્ય થવાને આવ્યો છું - હું બૃહસ્પતિપુત્ર.’ કચ : મને મનમાં શંકા હતી કે રખેને દાનવોના ગુરુ સ્વર્ગના બ્રાહ્મણને પાછો કાઢે. દેવયાની : હું તેમની પાસે ગઈ, હસીને બોલી,— ‘પિતા, તમારે ચરણે એક માગણી છે, ’ સ્નેહથી પાસે બેસાડીને, મારે માથે હાથ મૂકીને શાંત મૃદુ શબ્દોથી તેમણે કહ્યું,— ‘તને કશું અદેય નથી.' મેં કહ્યું- ‘બૃહસ્પતિપુત્ર તમારે બારણે આવ્યા છે, તેમને તમે શિષ્ય તરીકે લો એટલી વિનંતી છે.' એ વાતને તે આજે કેટલો કાળ થઈ ગયો તોયે એ દિવસ જાણે આજ સવાર જ ન હોય એમ લાગે છે. કચ : ઈર્ષ્યાથી બળતા દૈત્યોએ ત્રણ વાર મારો વધ કર્યો, પણ તેં દેવીએ દયા કરીને મને પાછો જીવતો કર્યો, એ વાત હંમેશાં હૃદયમાં કૃતજ્ઞતા જગાડ્યા કરશે. દેવયાની : કૃતજ્ઞતા! તું એ ભૂલી જજે, એનું મને લગારે દુ:ખ નથી. મેં જે ઉપકાર કર્યો છે તે ભસ્મ થઈ જાઓ—દીધાનો બદલો મારે નથી જોઈતો. પણ તારા મનમાં કશી સુખ-સ્મૃતિ નથી? જો કોઈ દિવસ અંતરમાં અને બહાર આનંદનાં ગીત ગુંજી રહ્યાં હોય, જો કોઈ સંધ્યાકાળે અભ્યાસમાંથી અવકાશ મળતાં વેણુમતીને તીરે પુષ્પવનમાં બેઠાં બેઠાં મનમાં કોઈ અપૂર્વ રોમાંચ થઈ આવ્યો હોય, ફૂલફૂટયા નિકુંજમાં ફૂલના સૌરભ સમો હૃદયનો ઉચ્છ્વાસ સંધ્યાકાશને છાઈ વળ્યો હોય, તો તે સુખની વાત યાદ રાખજે- કૃતજ્ઞતા ભૂલી જજે. હે સખા, જો અહીં કોઈએ ગીત ગાયું હોય, કોઈ દિવસ એવું વસ્ત્ર પહેર્યું હોય જે જોઈને તારા મનમાં પ્રશંસાના શબ્દો જાગ્યા હોય, અને પ્રસન્ન અંતરે, તૃપ્ત નયને તેં એમ વિચાર્યું હોય કે આજે આ સુંદર દેખાય છે, તો તે વાત સુખસ્વર્ગ–ધામમાં નવરાશને સમયે યાદ કરજે. કેટકેટલી વખત આ વનમાં દિગ્દિગંતરોમાં આષાઢની નીલ જટા, શ્યામસ્નિગ્ધ વર્ષાની નવઘનઘટા ઊતરી આવી હતી, અને અવિરલ વૃષ્ટિધારાએ કામ વગરના દિવસોમાં સઘન કલ્પનાભારથી હૃદયને પીડ્યું હતું; કેટકેટલી વાર વસંતના બાધાબંધહીન ઉલ્લાસને હિલોળે હીંચતો યૌવન–ઉત્સાહ અચાનક આવ્યો હતો અને તે સંગીત-મુખર આવેગ પ્રવાહે વનવનાંતરમાં લતા, પત્ર અને પુષ્પો વડે લહર ઉપર લહર રેલાવીને આનંદનાં પૂર વહાવ્યાં હતાં; એક વાર વિચાર તો કરી જો કે આ વનમાં કેટકેટલી ઉષા, કેટકેટલી જ્યોત્સ્ના, કેટકેટલી અંધારી પુષ્પગંધઘન અમાવાસ્યાની રાત્રિઓ તારા જીવનમાં સુખદુઃખ સાથે ભળી ગયેલી છે.—તે બધામાં એવું કોઈ પ્રભાત, એવી કોઈ સંધ્યા, એવી કોઈ મુગ્ધ રાત્રિ, એવી કોઈ હૃદયની લીલા, એવું કોઈ સુખ, એવું કોઈ મુખ નજરે પડ્યું નહોતું, જે મનમાં સદાને માટે ચિત્રરેખાની પેઠે અંકાઈ રહે? કેવળ ઉપકાર! સૌંદર્ય નહિ, પ્રીતિ નહિ, બીજું કશું નહિ? કચ : સખી, બીજું જે કાંઈ છે તે પ્રગટ થઈ શકે એવું નથી. જે વસ્તુ રક્ત બનીને અંતરમાં વહી રહી છે તે બહાર બતાવવી શી રીતે? દેવયાની : જાણું છું સખે, તારું હૃદય મારા હૃદયના પ્રકાશથી મેં કેટલીય વાર કેવળ જાણે આંખના પલકારાથી ન હોય એમ એક ક્ષણમાં જોયું છે, તેથી જ તો આજે સ્ત્રીની આવી ધૃષ્ટતા. તો રહી જા, રહી જા, જઈશ મા. યશના ગૌરવમાં સુખ નથી. અહી વેણુમતી તીરે આપણે બે જણ, બીજું બધું ભૂલી આપણાં મૌન, વિશ્રબ્ધ, મુગ્ધ હૈયાં આ નિર્જન વનચ્છાયા સાથે મેળવી દઈ અભિનવ સ્વર્ગ રચીશું. સખા, જાણું છું તારા મનની વાત. કચ : નહિ, નહિ, દેવયાની. દેવયાની : નહિ? મિથ્યા વંચના! મેં શું તારું મન જોયું નથી? જાણતો નથી કે પ્રેમ અંતર્યામી છે? ખીલેલું પુષ્પ પલ્લવમાં ઢંકાયેલું હોય છે, પણ તેની ગંધ ક્યાં છુપાવાનો હતો? કેટલીય વાર ઊંચુ જોતાંવેત, મને જોતાંવેંત, મારો અવાજ સાંભળતાવેંત, તારા અંગેઅંગમાં તારા હૈયાનો હલમલાટ પ્રગટી ઊઠયો છે- હીરો હાલે ને તેનો પ્રકાશ બધે ફેલાઈ જાય તેમ. એ શું મેં જોયું નથી? હે મિત્ર, તું પકડાઈ ગયો છે. એટલે જ તું મારા હાથમાં બંદી છે. તું એ બંધન નહિ તોડી શકે, ઇન્દ્ર હવે તારો ઇન્દ્ર રહ્યો નથી. કચ : શુચિસ્મિતે, સહસ્ર વર્ષો સુધી આ દૈત્યપુરીમાં શું મેં એટલા માટે સાધના કરી હતી? દેવયાની : કેમ નહિ? આ જગતમાં કેવળ વિદ્યાને માટે જ લોકો કષ્ટ વેઠે છે? રમણીને માટે કોઈ પુરુષે મહાતપ નથી કર્યું શું? પોતાની ઇચ્છેલી પત્ની મેળવવા માટે તપતીની આશાએ સંવરણે આકાશમાં પ્રખર સૂર્યની સામે જોઈ રહીને અને ઉપવાસ કરીને કેટલીય કઠોર સાધના નહોતી કરી શું? હાય, શું કેવળ વિદ્યા જ દુર્લભ છે, અને પ્રેમ જ અહીં એટલો બધો સુલભ છે? સહસ્ત્ર વર્ષો સુધી તેં કઈ સંપત્તિ માટે સાધના કરી છે તેની તને જ ખબર નથી. એક બાજુ વિદ્યા, એક બાજુ હું—કોઈ વાર મને તો કોઈ વાર તેને તેં ઉત્સુકતાપૂર્વક ઇચ્છી છે. તારા અનિશ્ચિત મને ગુપ્ત રીતે જતનપૂર્વક બંનેની જ આરાધના કરી છે. આજે અમે બંને એકે દિવસે સ્વીકારને અર્થે આવ્યાં છીએ. ચાહે તેને પસંદ કરી લે, સખા. સરળ હિંમતપૂર્વક જો તું કહીશ કે ‘વિદ્યામાં સુખ નથી, યશમાં સુખ નથી, દેવયાની, કેવળ તું જ મૂર્તિમંત સિદ્ધિ છે, તને જ હું પસંદ કરી લઉં છું.’ તો તેમાં કશી હાનિ નથી, કશી શરમ નથી. રમણીનું મન હે સખા, હજારો વર્ષની જ સાધનાનું ધન છે. કચ : શુભે, દેવો સમક્ષ મેં પ્રતિજ્ઞા કરી હતી કે મહાસંજીવની વિદ્યા ઉપાર્જન કરીને દેવલોકમાં પાછો ફરીશ, એટલે જ હું આવ્યો હતો. એ પ્રતિજ્ઞા સદૈવ મારા મનમાં જાગ્રત રહી છે, એ મારી પ્રતિજ્ઞા આજે પૂરી થઈ. આટલે સમયે આ જીવન કૃતાર્થ થયું. કોઈ સ્વાર્થની આજે મને કામના નથી. દેવયાની : ધિક્ છે તને મિથ્યાવાદીને! તેં શું કેવળ વિદ્યા જ ઇચ્છી હતી? ગુરુને ઘેર આવ્યા પછી તું કેવળ વિદ્યાર્થી તરીકે એકાંતમાં શાસ્ત્રગ્રંથમાં આંખ પરોવીને રાતિદવસ અભ્યાસમાં જ મગ્ન રહ્યો હતો? બીજા બધા પ્રત્યે ઉદાસીન રહ્યો હતો? તો પછી અધ્યયનશાળા છોડીને વનવનાંતરમાં ફૂલ માટે શા સારુ ફરતો, માળા ગૂંથીને સહાસ્ય પ્રફુલ્લ વદને આ વિદ્યાહીનને શા સારુ લાવીને આપતો? આ જ તારું કઠોર વ્રત કે? આ તારા વિદ્યાર્થીના ઢંગ કે? પ્રભાતમાં તું અભ્યાસમાં બેઠો હોય ત્યાં હું હાથમાં ખાલી છાબ લઈને આવીને હસીને ઊભી રહેતી, ત્યારે ઝાકળભીનાં પ્રફુલ્લ પુષ્પોથી મારું સન્માન કરવા માટે શા સારુ પુસ્તક મૂકી દઈને ઊઠી આવતો? પાછલે પહોરે હું ઝાડના ક્યાઓરામાં પાણી સીંચતી, ત્યારે મને થાકેલી જોઈને તું શા માટે દયા લાવીને પાણી કાઢી આપતો? શા માટે પાઠ પડતો મૂકીને મારા મૃગશિશુને ખવરાવતો? સ્વર્ગમાંથી જે સંગીત શીખી આવ્યો હતો તે, સંધ્યા સમયે જ્યારે નદીને તીરે પ્રેમનત નયનોમાં સ્નિગ્ધ છાયામય દીર્ઘ પલ્લવોની પેઠે નીરવે અંધકાર ઊતરી આવતો ત્યારે શું કામ સંભળાવતો હતો? વિદ્યા લેવા આવ્યો હતો તો સ્વર્ગની ચાતુરીની જાળ વડે મારું હૃદય શા માટે હરી લીધું? હવે હું સમજી, મને વશ કરીને તારે પિતાના હૃદયમાં પેસવું હતું. આજે કૃતકાર્ય થઈને મને થોડી કૃતજ્ઞતા આપીને તારે જવું છે—રાજદરબારમાં કામ સફળ થતાં કોઈ ગરજુ માણસ સંતુષ્ટ મનથી દ્વારપાળના હાથમાં બે ચાર મુદ્રા આપીને જાય. તેમ. કચ : રે અભિમાનિની નારી! સત્ય વાત સાંભળીને શું સુખ થવાનું છે? ધર્મ જાણે છે કે મેં પ્રતારણા કરી નથી. નિષ્કપટ હૃદયે આનંદપૂર્ણ અંતરથી તને સંતુષ્ટ કરી, તારી સેવા કરી તેમાં જો મારા દોષ થયો હોય તો તેની સજા મને વિધિ આપી રહ્યો છે. મનમાં હતું, એ વાત કહેવી નહિ. બોલ, ત્રણે લોકમાં કોઈનુંયે જેનાથી ભલું થવાનું નથી, જે કેવળ માત્ર મારી એકલાની જ અંગત વાત છે તે જાણવાથી તને શો લાભ થવાનો છે! હું તને ચાહું છું કે નહિ, આજે એ ચર્ચાથી શો લાભ? મારું જે કાર્ય છે તે હું સાધીશ. હવે જો સ્વર્ગ મારા મનને સ્વર્ગ નહિ લાગે, મારું ચિત્ત વિદ્ધ મૃગની પેઠે દૂર જંગલમાં ભટક્યા કરે, બધાંય કામોમાં મારા આ દગ્ધ પ્રાણમાં ચિર તૃષ્ણા વળગી રહે તોયે તે સુખશૂન્ય સ્વર્ગધામમાં ચાલ્યા ગયા વગર મારો છૂટકો નથી. બધા દેવોને આ સંજીવનીવિદ્યા અર્પીને નવું દેવત્વ અર્પીશ ત્યારે મારા પ્રાણ સાર્થક થશે. તે પહેલાં મારું સુખ હું કલ્પી શકતો નથી. મને ક્ષમા કર, દેવયાની મારો અપરાધ ક્ષમા કર. દેવયાની : ક્ષમા કેવી મારા મનમાં? હે બ્રાહ્મણ તેં આ નારીચિત્તને વ્રજ જેવું કઠોર બનાવી દીધુ છે! તું તો ગૌરવપૂર્વક સ્વર્ગલોકમાં ચાલ્યો જઈશ, પોતાના કર્તવ્યના આનંદમાં સઘળાં દુઃખોને ને શોકને ભૂલી જઈશ. પણ મારે કયું કામ છે, મારે કયું વ્રત છે! મારા આ પ્રતિહત નિષ્ફળ જીવનમાં શું રહ્યું છે, શાનું ગૌરવ રહ્યું છે? મારે તો આ વનમાં નિઃસંગ એકલી અને લક્ષ્યહીન બનીને નતશિરે બેસી રહેવું પડશે. જે દિશામાં આંખ ફેરવીશ તે દિશામાંથી હજારો સ્મૃતિના નિષ્ઠુર કાંટા ભેાંકાશે, છાતી નીચે છુપાઈને અતિ ક્રૂર લજ્જા વારંવારં ડંખ દેશે. ધિક્, ધિક્, હે નિર્મમ પથિક, તું ક્યાંથી આવ્યો? મારા જીવનની વનચ્છાયામાં બેસીને નવરાશની બે ઘડી વિતાવવાને બહાને જીવનનાં સુખોને ફૂલની પેઠે ચૂંટી લઈ એક સૂત્રમાં ગૂંથીને તેં તેની માળા બનાવી, જતી વખતે તે માળા તેં ગળે ન પહેરી, પણ પરમ અવહેલાપૂર્વક તે સુક્ષ્મ સૂત્રના તોડીને બે ટુકડા કરી નાખી ગયો. આ પ્રાણનો સમસ્ત મહિમા ધૂળમાં મળ્યો. તને મારો આટલો અભિશાપ છે—જે વિદ્યાને ખાતર તું મારી અવહેલા કરે છે તે વિદ્યા તને પૂરેપૂરી વશ નહિ વર્તે. તુ કેવળ તેનો ભારવાહી બની રહીશ, ઉપભોગ નહિ કરી શકે, શીખવી શકીશ, પ્રયોગ નહિ કરી શકે. કચ : હું વરદાન આપું છું દેવી, તું સુખી થજે, વિપુલ ગૌરવમાં સર્વ ગ્લાનિ ભૂલી જજે. ૧૦ ઓગસ્ટ ૧૮૯૩ ‘વિદાય અભિશાપ’

(અનુ. નગીનદાસ પારેખ)