કંકાવટી/​શ્રાવણિયો સોમવાર1

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
​શ્રાવણિયો સોમવાર1

બામણ બામણી છે.
બામણ તો બહુ દાળદ્રી છે.
બામણી તો બહુ દુઃખિયારી છે.
એમાંય પાછાં ચાર-પાંચ છોકરાં છે.
અરે હે ગોર, તમે માગવા જાવ.

અરે ગોરાણી, હું ક્યાં જાવ?
ચપટી લોટ કોઈ આપતું નથી!
આપે તોય જાવ, ન આપે તોય જાવ,
જાવ ને જાવ.

બામણ તો હાલ્યો છે.
એક ગામને મારગ જાય છે.
આડી વાવ આવી છે.
વાવને કાંઠે અસ્ત્રી-પુરુષ બેઠાં છે.

ઈ તો શંકરને પારવતી છે.
શંકર-પારવતી સોગઠાંબાજી લઈ બેઠાં છે.
અરે મહાદેવજી, હાર્યું-જીત્યું કોણ કે’શે?
બામણ બામણ, અમારું હાર્યું જીત્યું કહેજે
બામણ તો ઓળખતો નથી પારખતો નથી.
હાર્યું-જીત્યું કહેવા બેઠો છે.

પહેલા પાસા ઢાળ્યા છે.
બોલ્ય બામણ! કોણ હાર્યું ને કોણ જીત્યું?
બામણે તો વિચાર કર્યો છે:
આ બાવા આગળ તો કાંઈ નથી
બાવણને ડિલે તો સૂંડલો ઘરેણાં છે.
ઈ મને કાંઈક દેશે.
એણે તો કીધું છે, કે માતાજી જીત્યાં ને પત્યાજી હાર્યા.

પારવતીજીને હૈયે તો હાર હીંડળે છે.
હાર ઉતારીને બામણને દીધો છે.
હરખાતો હરખાતો બામણ ઘેરે જાય છે.
હાર પરવટમાં નાખીને હાલ્યો જાય છે,
રસ્તે બહુ ને બહુ કળશિયે જવાણો થયો છે.
લૂગડા ઉતારીને કળશિયે જાય છે.
સમળી આવીને હાર ઉપાડી ગઈ છે.
બામણ તો નિરાશ થયો છે.
ઘેર જાય ત્યાં બામણી વઢવા લાગી છે.
બીજે દી બામણ બીજે રસ્તે જાય છે.
શંકર-પારવતીજી સોગઠે રમે છે.
પાછો બામણ તો આવ્યો છે.

કાં ભાઈ, આવ્યો કે પાછો?
એને તો હાર્યું-જીત્યું કહેવા બેસાર્યો છે.
તે દીય બાવણને ડિલે દાગીના દીઠા છે.
બાવાની પાસે તો વાલની વાળીય નથી.
લાલચુડો બામણ જૂઠું બોલ્યો છે.
પત્યાજી હાર્યાં ને માતાજી જીત્યાં છે
પારવતીજીએ તો ઝાલ કાઢીને દીધી છે.
લઈને બામણ તો ઘેર વળ્યો છે.
સરોવરમાં પાણી પીવા ઊતરે છે.
ભેટમાંથી ઝાલ પાણીમાં પડી ગઈ છે.
એ ઝાલને તો માછલું ગળી જાય છે.
બામણ તો નિસાસો નાખે છે.
ઘેર જાય ત્યાં બામણી ખિજાય છે.

ત્રીજે દી બામણ ત્રીજે મારગે જાય છે.
ત્યાંય તે ઈનાં ઈ બાવો-બાવણ બેઠાં છે.
બેઠાં-બેઠાં સોગઠાંબાજી ખેલે છે.
અરે બામણ, તું વાંસે વાંસે આવ્યો કે?
તું તો લોભિયો લાગે છે.
આજેય અમારું હાર્યું-જીત્યું કહેજે.
બામણ તો જૂઠેજૂઠું બોલ્યો છે.
પત્યાજી હાર્યાં ને માતાજી જીત્યાં છે.
પારવતીજીએ તો ગાંસડી બાંધીને રતન દીધાં છે.
માથે ઉપાડીને એ તો હાલ્યો જાય છે.
માર્ગે કણબીનાં ગાડાં ભેળાં થયાં છે.
લાવ્ય લાવ્ય, બામણ. તારી ગાંસડી,
અમે ગાડે નાખતા આવીએ.
ગાંસડી તો ગાડે નાખી છે.
એટલામાં તો વંટોળિયો આવ્યો છે.
ગાડું ને ગાંસડી આઘાં આઘાં ઊડી જાય છે.
બામણ તો નિરાશ થયો છે.
હાથમાં પાંચ રતન રહી ગયાં છે.
ઘેર જઈને મીઠાની ગુણમાં દાટ્યાં છે.
પાડોશણ મીઠું લેવા આવી છે.
ગુણમાં પાંચ રતન દીઠાં છે.
લઈને ચાલી જાય ચ્છે.
આડોશી પાડોશીને બતાવ્યાં છે.
અરે બાઈ! બામણ તો સુખીયો લાગે છે.
ઈ તો રોયો જૂઠું જ બોલે છે.
બામણી તો બહુ રીસે બળી છે.
ગોર! ગોર! છોકરાં ભૂખ્યાં મરે છે.
ને તમે દા’ડી દા’ડી ક્યાં પાટકો છો?
અરે ગોરાણી, હું પાટકતો નથી.
નત્ય-નત્ય નવે રસ્તે જાઉં છું.
ત્યાં બાવો ને બાવણ બેઠાં હોય છે.
સોગઠાંબાજી રમતાં હોય છે.
મને હાર્યું-જીત્યું કહેવા બેસારે છે.
બાવા પાસે તો કોપીન ને ઝોળી હોય છે.
બાવણને તો સૂડલો સોનું છે.
એને તો હું રોજ જિતાડું છું.
નત્ય નત્ય મને ઈ દાગીના દે છે.
પણ કરમમાંથી ખરી પડે છે.
એક દી સમળી લઈ ગઈ છે.
બીજે દી માછલી ગળી ગઈ છે.
ત્રીજે દી વા-વંટોળિયે ઊડ્યાં છે.

બામણી બોલી કે અસ્ત્રીનું જાચ્યું રે” નહિ;
ગોર ગોર, આજ તો સાચેસાચું કહેજો:
પત્યાજી જીત્યા કહેજો.
જે આપે તે લઈ લેજો.
બામણ તો ચોથે દી ચાલ્યો છે.
ચોથે દહાડેય શિવ-પારવતી બેઠાં છે.
બામણે તો પત્યાજી જીત્યાં કીધું છે.
અરે ભાઈ! મારી પાસે શું છે તે આપું?
એણે તો જટા ખંખેરી છે.
માંહીથી એક ત્રાંબિયો ટપક્યો છે.
ત્રાંબિયો બામણને દીધો છે.
એણે તો કેધું પણ છે,
કે શે’રમાં જાતાં જે જણશ પહેલી સામી મળે,
એ જ આ ત્રાંબિયાની લેજે.
બામણ તો ત્રાંબિયો લઈને જાય છે.
રસ્તે જાતાં પે’લો પરથમ માછીડો મળે છે.

માછીમાર માછલું લઈને જાય છે.
બામણ તો મૂંઝાણો છે:
અરેરે મારાથી માછલું કેમ લેવાય?

એણે તો ત્રાંબિયાનું માછલું લીધું છે.
ઘેર જઈને છાપરે નાખી દીધું છે.
આકાશમાં એક સમ઼ળી ઊડે છે.
એના પગમાં સોનાનો હાર હીંડળે છે.
એણે તો માછલું દીઠું છે;
છાપરા માથે ઝડપ મારી છે;
હાર મેલીને માછલું ઉપાડ્યું છે.
માછલાનું તો મોઢું ઉઘડેલું છે.
એમાંથી એક ઝાલ પડે છે.
બામણે તો બેય વાનાં ઓળખ્યાં છે.
ઈ તો ઓલી બાવણનાં દીધેલાં!
ત્યાં તો ગાડાવાળો કણબી આવે છે.
રતનની ગાંસડી દઈ જાય છે.
પડોશણને પણ પસ્તાવો થયો છે:
હાય હાય, બાપડાનાં મેં રતન ચોર્યાં છે.
આવીને ઈ તો પાછાં દઈ જાય છે.
બામણને કોત્યક થયું છે.
ઈ તો શંકર ને પારવતીજી હશે!
ગોતવા નીકળ્યો છે.
એક તપસી મળ્યો છે.
 ભાઈ ભાઈ, તું કોને ગોતછ?
મને તૂઠમાન થયા ઈ શંકરને ગોતું છું.
ભાઈ ભાઈ, હવે ગોતવું રે’વા દે,
વરત કર સોમવારનું.